Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
'દીવાલ'
'દીવાલ'
★★★★★

© kusum kundaria

Children Stories Classics

5 Minutes   709    31


Content Ranking

   સડક પર બસ પૂરપાટ દોડી રહી છે. એનાથીયે વધારે તેજ ગતિએ વિશાલની નજર સમક્ષ એક પછી એક દ્રશ્ય તાજા થતાં જાય છે. તેનું ગામ, તેનું પ્યારું વતન નજીક આવતું જાય છે. તેમ તેમ તેના રોમેરોમમાં બચપણની યાદો ઉભરાઈ રહી છે. અહા! એ બાળપણના દિવસો, એ બાળ ગોઠિયા, ગામનું પાદર અને પાદરના એક એક ઝાડવાં, નદી અને ખેતરો.!


   ચરરર.. કરતી બસ ઊભી રહે છે. વિશાલ તંદ્રામાંથી એકાએક જાગે છે. અરે! મારું ગામ આવી ગયું. ખભા પર થેલો લટકાવી નીચે ઉતરે છે. મનમાં પરિવારને મળવાની ઉત્કંઠા છે. એક રોમાંચ છે. આજે એક વર્ષ થયું હતું એણે ગામ છોડ્યું એને. બાર સાયન્સ સુધીનો અભ્યાસ તો તેણે તેના ગામમાં રહીનેજ કર્યો હતો. બાજુના શહેરમાં ભણતો અને ટ્યુશનમાં પણ જતો. સાથે ગામના મિત્રો પણ હતા. પરંતુ બાર ધોરણ પછી તેણે એન્જીનીયરીંગ કોર્સ માટે પૂના એડમીશન લીધું હતું. જે એક વર્ષ પછી પોતાના ઘરે આવતો હતો.


   વિશાલ સયુંક્ત કુટુંબમાં મોટો થયો હતો. ઘરમાં માતા-પિતા, દાદા-દાદી તેમજ તેના કાકા-કાકી પણ હતા. આથી તેને ભરપુર પ્રેમ મળ્યો હતો. કાકા-કાકીનો એ લાડલો હતો, બે-બે માતાનો પ્રેમ તેને મળતો. તેની માતા અને તેના કાકી તેના પર જાન ન્યોછાવર કરતા. તે તેના કાકીને કાકીમા કહીનેજ બોલાવતો.! નાનપણમાં એ પોતાના ખેતરે જતો. શાળા સમય બાદ તે મોટા ભાગે કાકીમા સાથે ખેતરમાં રહેતો. તેનું ખેતર આમતો લીલીછમ વાડી કહી શકાય તેવું સુંદર હતું અને ગામના પાદરમાંજ આવેલું હતું. વિશાલના મિત્રો પણ વિશાલ સાથે તેની વાડીમાં આવતા. વાડીમાં અનેક રમતો રમતા. અને સીઝન મુજબ મકાઈના ડોડા શેકીને ખાતા. તો માંડવીની સીઝનમાં ઓળા અને વળી વાડીમાં બારેમાસ થતાં લાલ ચટાક ટમેટા અને કૂણા માખણ જેવાં ચીભડાંની લિજ્જત પણ લેતાં! આ બધી મજા કંઈ ઓર હતી.! હજુએ જાણે એ સોડમ શ્વાસમાં ભરી છે.


   વિશાલ આવું બધુ વિચારતો ચાલે છે. એજ શેરી, એજ ઝાડવાં જાણે એનું સ્વાગત કરી રહ્યાં છે.! તે આજુબાજુ જોતો જાય છે. ગામની ધૂળ તેને 'મા' ના વાત્સલ્ય જેવી લાગે છે. તેને પ્રાયમરીમાં ભણેલી કવિતા યાદ આવે છે. ભીની માટીની ગંધ આવે યાદ રે..હાલો ભેરું ગામડે..ચાલતો-ચાલતો પોતાના ઘર સુધી પહોંચવા આવે છે. રસ્તામાં મળતાં પરિચિત સ્વજનો અને ગામના લોકોને હસીને મળતો જાય છે. ખબર અંતર પૂછતો જાય છે. તેની શેરીમાં રહેતાં જૂના મિત્રો પણ મળે છે. બધાં સાથે વાત કરતાં વિશાલના મનમાં ન સમજાય એવી શંકા પેદા થાય છે. લોકો તેની સાથે વાત કરતાં કંઈક ખચકાય છે. કંઈક છૂપાવે છે એવું એને લાગે છે. હશે કદાચ મારો ભ્રમ હશેાાાએવું વિચારી તે ગલીમાં પોતાના ઘર તરફ વળે છે. અને પોતાના ઘર પાસે પહોંચે છે. અરે! આ શું? કોઈ બીજી ગલીમાં આવી ગયો કે શું? એ જરા થંભી જાય છે. ત્યાં તેની માતાનો અવાજ સંભળાય છે, "અરે, વિશાલ મારો દીકરો આવી ગયો તું". એ દોડીને વિશાલને ભેટે છે. વિશાલ કંઈક કહેવા જાય છે. પણ તેની માતા તેને હાથ પકડીને ઘરમાં લઈ જાય છે. વિશાલ ઘરમાં જુએ છે. અને પૂછે છે, "મા મારા કાકીમા ક્યાં ? મારે તેને મળવું છે." ઘરમાંથી દાદીમા નીકળે છે. તે વિશાલને માથે હાથ મૂકીને કહેછે," બેટા, મારી પાસે બેસ. મને જોવા તો દે મારો દીકરો શહેરમાં રહીને કેવો દૂબળો થઈ ગયો છે"! દાદી વિશાલના માથા પર હેતથી હાથ ફેરવતા રહે છે. પણ વિશાલની નજર તો તેના વહાલાં કાકીમા ને શોધી રહી છે. જેના ખોળામાં બેસીને એ મોટો થયો છે. અને આ દીવાલ?? તેના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. તે તેની માતાને પૂછે છે ,"મા, તું કેમ કંઈ કહેતી નથી. મારા, કાકીમા ક્યાં છે? મારે તેની સાથે કેટલી બધી વાતો કરવી છે. હું તમારા બધાં માટે ભેટ પણ લાવ્યો છું. મારે બધાંને ભેટ આપવી છે."


   દીવાલની આ બાજુના ઘરમાં તેના કાકીમા આ બધું સાંભળે છે. વિશાલનો અવાજ સાંભળતા એકવાર તો તે દોડીને દરવાજા સુધી પહોંચી જાય છે. વિશાલને ભેટવાની ઈચ્છાને તે પરાણે રોકે છે. અને ઘરનાં ઉંબરામાં આવી વિશાલની વાતો સાંભળે છે. અને મનમાં વિચારે છે, મેં કંઈ ખોટું તો નથી કર્યુને?


   આ બાજુ વિશાલના મનમાં ગડમથલ ચાલે છે. આટલું બધુ એવું શું બની ગયું કે, ઘરની વચ્ચે દીવાલ બની ગઈ.! બધાં જુદા થઈ ગયા.! તેનો આત્મા આ સ્વિકારવા તૈયાર જ નથી. જે કાકા-કાકીએ તેને મા-બાપ કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. મોઢામાં કોળિયા આપી જમાડ્યો છે. એ આજે મને મળવા પણ ન આવ્યાં. એનું હ્રદય રડી રહ્યું હતું.


   ધીમે-ધીમે વિશાલને બધી વાત જાણવા મળી. તેના માતા-પિતાએ તો તેને કાકા-કાકી વિરુધ્ધ એક શબ્દ પણ ન કહ્યો. વિશાલને ત્યાં મળવા પણ મોકલ્યો. વિશાલ કાકા-કાકીને મળવા પણ ગયો. પરંતુ એ ઉષ્મા એ પ્રેમ જેની વિશાલને અપેક્ષા હતી એ ક્યાંય ન દેખાયો.! કાકીમાની આંખમાં મળવાની ચમક આવી અને તરત જતી રહી. વિશાલ સાથે ઔપચારિક વાતો કરી. વિશાલ ઘરે પાછો આવ્યો, તેણે મનમાં નક્કી કર્યું ગમે તેમ થાય પણ હું બધાને એક કરીનેજ રહીશ.


   વિશાલને આખી વાત સમજાઇ ગઈ. કાકા-કાકીને કોઈ સંતાન ન હતું. પરંતુ વિશાલને તે પોતાનો પુત્રજ માનતા. તેના મનમાં ક્યારેય વિચાર ન આવતો કે પોતાને સંતાન નથી. પરંતુ વિશાલના ભણવા ગયાં પછી તેના કાકીમાના ભાઈ-ભાભી આવ્યા હતાં તેણે કાકીમાના મનમાં ઝેર ભર્યું કે તમે તો સાવ ભોળા છો. આજે પેટનો દીકરોય પારકો થઈ જાય છે તો આ તો જેઠનો દીકરો છે. એનો શો ભરોસો? તમે બંને ઘેલા છો. આખી જીંદગી ખેતરમાં અને ઘરમાં ઢસરડો કરી તૂટી જશો અને ઘડપણમાં તમારા હાથમાં કંઈ નહિ આવે. ખેતર પણ તમારા આ ભાઈ પડાવી લેશે. એના કરતાં અત્યારથીજ ખેતર અને મકાનમાં ભાગ લઈ લો. અને આરામથી જીવો. હાથે કરીને પગમાં કુહાડી શા માટે મારો છો? આ તો તમે અમારા બહેન છો. એટલે પેટમાં બળ્યું, બાકી તો તમારી મરજી?. બસ ત્યારથી કાકીમાના મનમાં બીક પેસી ગઈ કે પાછલી ઉંમરે અમારું કોણ? તેણે ઝઘડો ચાલુ કર્યો અને તેના પતિને પણ ઉશ્કેર્યા, અને જમીન તથા મકાનમાં ભાગ પાડ્યા.! અને ત્યારથી બોલવાનું પણ બંધ કર્પું હતું.


   વિશાલે આખી વાત સમજી બહુ વિચાર કર્યો, અને પછી મનમાં ગાંઠ બાંધી સૂઈ ગયો. બીજા દિવસે પોતાના ભાગમાં આવેલી જમીનના કાગળીયા લીધા. તેના પિતાને આખી વાત સમજાવી દીધી. પછી કાકા-કાકી બંને હાજર હતાં ત્યારે ત્યાં ગયો. બંનેને પગે લાગ્યો અને ત્યાં બેઠો. તેણે જમીનના બધા દસ્તાવેજ કાકીના હાથમાં આપ્યા. અને કહ્યું, કાકી આ બધી જમીન તમારી છે. તમે આ દસ્તાવેજ રાખી લો. હું અને પપ્પા તમે કહો ત્યાં સહી કરવા તૈયાર છીએ. પણ કાકીમા દુ:ખ તો એ વાતનું છે કે તમે મને પરાયો કરી દીધો. હું આજે પણ તમારોજ દીકરો છું મને નોકરી મળતાંજ હું તમને બધાને મારી સાથેજ લઈ જાત. અને હજુએ તમે મને દીકરો માનો કે ન માનો હું સદાયે તમારો ઋણી છું. તમારી સેવા કરવી એ મારું કર્તવ્ય છે. હું તમને ક્યારેય દુ:ખી નહિ થવા દઉં. બસ બેટા બસ બોલતાં કાકીમાની આંખમાંથી ચોધાર આંસુ સરવા લાગ્યા. કાકા ગળગળા અવાજે બોલ્યા, "બેટા, તું નાનો છે છતાં આટલું સમજે છે. અને અમે લાલચ અને સ્વાર્થમાં આંધળા બની ગયાં હતાં. અમે બધાને ખૂબજ દુ:ખ પહોંચાડ્યું છે. ખરેખર તો બેટા અમે જ્યારથી જુદા રહીએ છીએ ત્યારથી ક્યારેય મનને શાંતિ મળી નથી. એક અજંપામાં જીવ્યા છીએ. એક અપરાધ ભાવના મનમાં ડંખ્યા કરે છે. તે અમારી આંખ ખોલી નાખી. અમને માફ કરી દે." અને તે વિશાલને ભેટી પડે છે. સાંજે બધાં ભેગા બેસીને વાળું કરે છે. સૌની આંખમાં હરખના આંસુ છે. દાદા-દાદીના દિલને ઠંડક થાય છે. બંને ઘર વચ્ચેની દીવાલ પણ દૂર થાય છે.

love parents family

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..