Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Drama Inspirational Thriller

3  

Rajul Shah

Drama Inspirational Thriller

હવે રે જાગ્યો મારો આતમરામ

હવે રે જાગ્યો મારો આતમરામ

12 mins
1.9K


ઊનો ફળફળતો નિસાસો અલકાના હ્રદયમાંથી નિકળી ગયો. આજ સુધી એ ગાંધારીની માફક આંખે પાટા બાંધીને જ જીવી હતી ને? પીળું દેખાય એ બધુંય સોનું ના હોય એ આજે હવે રહી રહીને એને સમજાયું. પણ હશે હવે જાગ્યા ત્યારથી સવાર.

સમિત અને સુમિત – જોડીયા ભાઇઓ, પણ સ્વભાવમાં મા-બાપ જેટલું અંતર. સમિત એના પપ્પા પલ્લ્વ જેવો શીળો- શાંત અને તટસ્થ જ્યારે સુમિત પોતાના જેવો જ બોલકો અને એટલે જ કદાચ નાનપણથી સુમિત તરફ જરા વધારે ખેંચાણ. પહેલેથી જ સમિત એક વાત જે સાચી લાગતી હોય, એ નક્કી કરી લે એ પછી એમાં ભાગ્યે જ બાંધછોડ કરે. જેમ મોટો થતો ગયો એમ એ વધુ દ્રઢાગ્રહી બનતો ગયો. હા! પણ એ પહેલા કોઇ પણ બાબતના પાસા સમજી વિચારી લે અને જરૂર પડે તો ચર્ચા ય કરી લે, પણ એક વાર જે મનમાં બેઠુ એ પછી એના નિર્ણયમાંથી એને ફેરવવો ભારે પડે, અદ્દલ એના પપ્પાની જેમજ તો.. અને સુમિત એકદમ ઇમ્પલ્સિવ અદ્દલ પોતાની જેમ. ફટ દઈને સાચા- ખોટા, નફા નુકશાનની પરવા કર્યા વિના, ઝાઝુ- લાંબુ વિચાર્યા વગર જ નક્કી કરી લે.

આજકાલની જમાનાની રૂખ પારખીને અલકાને મનમાં થતું કે બંને ભાઇઓ કોમ્પ્યુટર એન્જીનીરીંગમાં એડમીશન લે તો ગંગા નાહ્યા, કારણકે ભણવામાં તો બંને એક સરખા અવ્વલ હતા. સમિતે તો પોતાનો રસ્તો નક્કી કરી લીધો હતો. એને તો ઇકોનોમિક્સ લઈને પ્રોફેસર જ થવું હતું. જ્યારે સુમિતને મમ્મીની ઇચ્છા પ્રમાણે એન્જીનીરીંગમાં જવાનો કોઇ વાંધો નહોતો.

સમિતને લઈને અલકા કાયમ પલ્લવ સાથે ચર્ચા કર્યા કરતી અને પલ્લવ અલકાને હંમેશા કહેતો કે “આંગળી ચીંધો પણ રસ્તો તો એમને જાતે જ પાર કરવા દો.” અલકાને મનથી એમ હતું કે સમિત અને સુમિત બંને જણે અત્યારની વહેતી ગંગામાંથી આચમની ભરી લેવી જોઇએ, મતલબ ડોલરિયા દેશમાં જઈ ડોલર લણી લેવા જોઇએ અને આમે ય કેટલું વિશાળ ફલક છે ત્યાં?

અને સુમિતે એમ જ કર્યુ. માસ્ટર્સ કરીને અમેરિકા કોમ્પ્યુટર કંપનીમાં જોબ લઈ લીધી જ્યારે સમિતે કોલેજમાં ઇકોનોમિક્સમાં પ્રોફેસરી, અને હદ તો ત્યારે જ થઈ, જ્યારે લગ્નની ઉંમરે પહોંચેલા સમિતે પોતાની જ કોલેજમાં લાયબ્રેરિયનની જોબ કરતી આરતી પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો અને સુમિતે મમ્મી પર નિર્ણય લેવાનું છોડ્યું.

આરતી નાની નાની વાતે ખુશ થઈ જતી. ખરેખર સરસ મીઠી છોકરી હતી. નાના નાના સુખમાં પણ અત્યંત રાચતી. આરતીમાં પળમાં કોઇને પોતાના કરી લેવાની એક આગવી અદા હતી, બસ એ માત્ર અલકાને પોતાની ના કરી શકી. કારણ બસ એટલું જ કે આરતી પોતાની પસંદ ન હતી. આરતી તરફ કોઇ જાતની ઉપેક્ષા ય ન હતી, પણ કોઇ ઉમળકોય અલકાના મનમાં જાગતો નહી.

જ્યારે અનુ! આહ! શું છોકરી છે? કમ્પ્યુટર એન્જીનીયર, ઊંચો ગોરો વાન- સપ્રમાણ નાક નકશો અને એનાથી વિશેષ તો સુમિતની જેમ અમેરિકન કંપનીમાં જોબ. હવે આનાથી વધું તો બીજુ શું જોઇએ? અલકાએ પસંદગીનો કળશ અનુ પર જ ઢોળ્યો અને સુમિતે એની પર મત્તુ ય મારી દીધું. હા, થોડી શાંત હતી પણ હવે એમાં તો એવું છે ને આપણી જોડે ક્યાં બહુ રહી છે કે આનાથી વધું ખુલી શકે? અલકાએ મન મનાવી લીધું. લગ્ન કરીને માંડ પંદર દિવસ તો મળ્યા છે એને સાથે રહેવાના, અને આટલા વખતથી એ એકલી અમેરિકા હતી એટલે સ્વભાવિક છે એને ય થોડું અતડું તો લાગે જ ને? એ તો જેમ જેમ વધું રહેશે એમ ખુલશે.

સમયને તો ક્યાં કોઇ સ્પીડ લીમીટ નડે છે? એ તો પાંખ પસારીને ઉડે છે અને સમયની પાંખે પ્રસરીને જોત જોતામાં બીજા બે વર્ષ પસાર થઈ ગયા.

આરતીએ જોડીયા બાળકોને જન્મ આપ્યો બસ આ એક જ વાતમાં અદ્દ્લ પોતાની જેમજ તો. અહીં અલકા આરતીના જોડિયા બાળકોની દાદી બની ગઈ અને બીજા બે વર્ષે તો સુમિત તરફથી અનુના બેબી શાવર સેલીબ્રેશનનો હરખ ભર્યો ફોન આવી ગયો.

“મમ્મી, તારે અને પપ્પાએ આવવાનું છે. સમિત અને ભાભીને પણ. સુમિતનો આગ્રહ ભર્યો ફોન આવી ગયો પણ અનુની મરજી હતી એ પ્રમાણે પહેલા તો એની મમ્મી જશે એવું નક્કી થયું. અલકાએ મન મનાવી લીધું. કંઈ વાંધો નહી અત્યારે તો ખરેખર એમ જ હોય ને? પછી ય ક્યાં નથી જવાતું? અને અનુએ નક્કી કર્યા મુજબ ૬ મહિના પછી અલકાને જવાનું થયું. અંતરમાં કેવો તો ઉમળકો હતો! સુમિત પ્રત્યેનું વળગણ આજ સુધી એવું હતું.

પણ આજે અંતરમાં વાવાઝોડાની જેમ આરતી ઉમટી આવી. ક્યારેય ન અનુભવેલી લાગણીના પૂર આરતી માટે ઉમટી આવ્યા. કેવી છલ-છલ છલકતી, તરો તાજા તીતલી જેવી આરતી અને ક્યાં આ કોઇ પણ જાતના મન વગર, કોઇ જાતના રાજીપા વગર કશું પણ કરવું પડે એ માટે કરવા ખાતર કરતી અનુ! અમેરિકા આવ્યે લગભગ બે મહિના પુરા થવા આવ્યા પણ અલકાએ ભાગ્યેજ અનુને આનંદમાં જોઇ હશે. જ્યારે આનંદ અને આરતીને સગા ભાઇ-બહેન જેવી સગાઇ.

પોઝીટીવ એનર્જીનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આરતી, સ્ફુર્તિનું અસ્ખલિત ઝરણું એટ્લે આરતી. ક્યાં ચુસ્તીભરી આરતી અને ક્યાં સુસ્તીભરી અનુ! મસ્ત મોજીલી આરતીને ક્યારેય થાક નહી લાગતો હોય? છેક આજે અલકાને આ વિચાર આવ્યો. સુમિતને મળતી ક્રિસમસની ત્રણ વિકની રજાઓને ધ્યાનમાં રાખીને સમિત અને સુમિતના લગ્ન એક અઠવાડીયાના અંતરે લીધા હતા. માત્ર સાત જ દિવસ પહેલા ઘરમાં આવેલી આરતીએ કેટલા હોંશથી અલકાની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી?

લગ્ન પછી પણ આરતીએ કામ ચાલું રાખ્યુ હતું અને એમાં તો અલકાને પણ વાંધો ન હતો. હજુ તો બધું સંભાળવા સક્ષમ હતી. જોડિયા બાળકોના જન્મ સમયે આરતીએ લગભગ છ મહિનાનો બ્રેક લીધો હતો. એક સાથે બે બાળકોને સંભળવામાં નવ-નેજા પાણી ઉતરે એ અલકા ક્યાં નહોતી જાણતી? સમિત અને સુમિતને જે રીતે એમના દાદીએ સંભાળી લીધા હતા, એમ આરવ અને આહિરને સાચવવામાં અલકાએ પુરો સાથ આપ્યો હતો. આરતીએ ફરી જોબ ચાલુ કરી ત્યારે એને એ ચિંતા સતાવતી કે મમ્મી કેવી રીતે આરવ- આહિર બંનેને સંભાળી શક્શે?

આરતીને કોલેજનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અનેં લંચ બ્રેક પછી બે વાગ્યાથી પાંચ નો. એટલે એ સવારે વહેલી ઉઠીને રસોઇ તો પતાવી જ દેતી જેથી અલકાને એ વધારાની જવાબદારી ન રહે. એટલું જ નહી પણ કોલેજ જતા પહેલાં આરવ-આહિરને તૈયાર કરી લેતી. બપોરે લંચ બ્રેકમાં પાછી આવીને ફટાફટ સાંજની તૈયારી કરી લેતી જેથી સાંજે પાછી ફરે ત્યારે આરવ- આહિરને સાચવીને અલકાને સંપૂર્ણ આરામ આપી શકાય. આરવ શાંત હતો જ્યારે આહિર એક્દમ હાઇપર. આરવને એ ભલો અને ભલુ એનુ બ્લેન્કી. બ્લેન્કીમાં પોતાની જાતને ઢબૂરીને દૂધ પીતા પીતા એ જરા વારમાં તો ઊંઘી જતો પણ એનું બધું સાટુ આહિર વાળી દેતો. ઘણીવાર તો રાત્રે ઊંઘમાં રડવા ચઢે તો કેમે ય છાનો રહેવાનું નામ ન લે. આરવ કે ઘરના બીજા કોઇને રાત્રે પરેશાની ન થાય એના માટે આરતી રાતોની રાતો એને ખભે ઉચકીને બીજા રૂમમાં ફર્યા કરતી. આ બધુ હોવા છતાં એણે ક્યારે આરતીના મોં પર થાક કે કંટાળો જોયો નહોતો. ઉજાગરા પછી પણ એ સવારે પતંગિયાંની માફક ઉડા -ઉડ કરતી હોય.

જ્યારે અનુને તો એટલી સગવડ હતી કે ઘેર રહીને એ ઓન લાઇન કામ કરી શકતી. "ટેકનિક કેટલી આગળ વધી ગઈ છે નહીં?" અલકા પલ્લવને કહેતી. અલકાએ અહીં આવીને અનુ કામ કરતી હોય ત્યારે આશિરને સાચવવાથી માંડીને ઘરનું બધું જ કામ હોંશભેર ઉપાડી લીધું હતું. અને તેમ છતાં ય અનુ તો હંમેશની થાકેલી. દિવસે અલકા અને રાત્રે સુમિત આશિરને સંભાળી લેતો. ક્યારેય અનુને આશિર પાછળ એક રાતે ય ભાગ્યેજ જાગતી અલકાએ જોઇ હશે.

” મમ્મી, હવેથી આશિરને દિવસે એક એક કલાક એમ બે કલાક્થી વધારે સુવા દેવાનો નથી.”

આજે આશિરની ડૉક્ટરની એપોઇન્ટ્મેન્ટ હતી. ત્યાંથી આવીને સુમિતે અલકાને કહી દીધું.

” કેમ?” આંચકો ખાઇ ગઈ અલકા.

"રાત્રે એ જાગે છે એટલે."

ક્યારે? અલકાના મનમાં આહિર આવી ગયો. આહિર પાછળ રાતોની રાતો જાગતી આરતીને જોઇ હતી એની સામે આશિર તો માંડ બે વાર દૂધ પીવા ઉઠતો હતો.

આટલું તો આવું નાનું બાળક ઉઠે જ ને? અને દૂધ પીને જરા વારમાં તો પાછો સુઇ જાય છે.

“એ જે હોય એ મમ્મી, અમારે દિવસે કામ હોય અને આ રાતોનાં ઉજાગરા અમારાથી થતા નથી.”

કોઇ પણ વાત હોય તો સુમિત જ કરી લેતો અનુ તો ભાગ્યેજ કોઇ વાત કરતી. અલકાને આશિરની દયા આવી જતી. ભાખોડીયા ભરતા શિખેલો આશિર જાગતો એટલી વાર ઝપીને બેસતો નહી એટલે થાકીને માંડ સુઇ જાય એટલામાં તો એને ઉઠાડી દેવાનો? ઊંઘવા માટે વલખા મારતા અને ઉઠાડ્યા પછી પડતા નાખતા આશિરને ઢંઢોળીને કે સીધો જ ઉચકીને ઉભો કરી દેવાનું અલકાને ભારે વસમું લાગતું. ક્યારેક અનુ સાથે એણે ચર્ચા કરવા પ્રયત્ન પણ કરી જોયો પણ વ્યર્થ. એ તો મગનું નામ મરી પાડવામાં જ ક્યાં માનતી હતી? અને એક દિવસ તો હદ જ થઈ ગઈ. કોઇ ટેકનિકલ ખામીના લીધે આખી રાત એરકંડીશન બંધ રહ્યુ. જુલાઇનાં ગરમીમાં આખી રાત આશિર શાંતિથી સુઇ ન શકયો. થોડી થોડી વારે એ જાગી જતો અને સુમિત કે પલ્લવ ખભે ઉંચકીને ફરે ત્યારે માંડ ઝંપતો.

” આજે તો આખો દિવસ મમ્મી આશિરને સુવા ન દેતી, ગમે તેમ કરીને એને જગાડજે.” બીજે દિવસે સવારે સુમિતે કહી દીધું

“કેમ?”

અલકાને ખબર હતી કે સુમિત એનું વિચારેલું નથી બોલતો. અમેરિકાની પોલી દિવાલોમાં આમે ય ક્યાં કોઇ વાત પચાવવાની ક્ષમતા હોય છે?

”આખો દિવસ જાગશે તો અમને રાત્રે ઉંઘવા દેશે?”

અલકાના મગજનો પારો રાતની બંધ એરકંડીશનની ગરમી કરતા ય વધુ ઊંચો ચઢી ગયો.

”રાત્રે તમને સુવા ન મળ્યુ તો આટલી તકલીફ થાય છે તો આ નાનકડા જીવનો જરા વિચાર કર. એનું કેટલું ગજુ હોય? કકળાટ કરાઇને જગાડવાનો છે એને? સુમિત જરા વિચાર તો કર.”

પણ સુમિતનુ ય શું ગજુ? કે આમાં બીજુ કંઇ કહી શકે? એ તો ઓફીસ જવા નિકળી ગયો. અલકાની ધીરજ નો હવે તો અંત આવવા માંડ્યો હતો. ક્યારેક એને ઇચ્છા થતી કે અનુને પાસે બેસાડીને એને સમજાવે પણ કાચબાની જેમ ઢાલની અંદર જાતને સંકોરી લઈને ફરતી અનુ સાથે ચર્ચા કરવી તો દૂર, વાત કરવી પણ અઘરી હતી. આજ સુધી અલકાએ ભાગ્યેજ અનુને કોઇ વાતમાં રસ લઈને વાત કરતી જોઇ હતી. જ્યારે આરતી તો ઘરમાં હોય એટલી વાર ચહેક્યા જ કરતી હોય. ફુદરડીની જેમ કામમાં ફરી વળતી આરતી ચર્ચાના ચકડોળમાંય મ્હાલતી રહેતી. સમિત અને પલ્લ્વની વાતોમાંય એ પુરેપુરો રસ લેતી. આશારામ બાપુથી ઓશો રજનિશજી, અડવાણીથી ઓબામા, દયારામથી દલાઇલામા, કેરાલાથી કેનેડા કોઇ એવો વિષય નહી હોય જેમાં આરતી ચર્ચાની બહાર હોય.

જ્યારે અનુ તો બધા જ સાથે જમવા બેઠા હોય, શનિ-રવિની રજાની શાંતિ હોય તો ય ભાગ્યેજ કોઇ વાતમાં રસ લઈને એનો સુર પુરાવતી. એટલી નિર્લેપતા હોય? કોઇ વાતમાં રસ જ નહી! અલકાને મનોમન થઈ આવતું કે એ સુમિતને પુછી લે કે બધું બરોબર છે ને? અનુ તારી સાથે તો વાત કરે છે ને ભાઇ? પણ એ ચુપ જ રહેતી. રખેને અંગારા પરની રાખ ઉડાડવા જાય અને એના તણખા ઉડે તો!

“આજે તારા પપ્પાની વર્ષગાંઠ છે અને રવિવારની રજા પણ છે તો આપણે દર્શન કરવા જઇશું? અલકાએ સુમિતને સવારે જ પુછી લીધું. અનુની તો કોઇ મરજી-નામરજી જેવુ ક્યાં હતું એટલે એને પુછવાનો તો સવાલ જ નહોતો. એ સાથે હોય કે ના હોય કોઇ ફરક જ ક્યાં પડતો હતો? ખરેખરતો અલકાને એવું હતું કે આટલા વર્ષે પલ્લવના જન્મદિવસે એ સુમિત-અનુની સાથે છે, તો સુમિત કે અનુ જ સામેથી કોઇ પ્રોગ્રામ કરશે. કોઇ સરપ્રાઇઝ આપશે. પણ પછી તો થયું કે એવી આશા રાખવી જ નકામી અને દિવસ ખાલી જાય એના કરતા તો છેવટે દર્શન તો થશે.

અને સરપ્રાઇઝનો તો આરતી પાસે ખજાનો હતો. એ હંમેશા દરેક દિવસને ખાસ બનાવી દેતી. પોતાનો એ જન્મદિવસ તો અલકા માટે જીવનભરનું સંભારણું બની ગયો. સવારથી ઊઠીને જ આરતી રોજીંદા કામમાં લાગી ગઈ હતી. અને રોજની જેમ કોલેજ જવા નિકળી પણ ગઈ. અલકાને જરા ઓછું આવી ગયું. મમ્મીની વર્ષગાંઠ પણ ક્યાં કોઇને યાદ રહે છે? બસ આખો દિવસ મમ્મી મમ્મી કરી લીધું એટલે વાત પતી ગઈ?

ચુપચાપ એ પણ કામે લાગી ગઈ. ગોકળગાયની જેમ આજે તો દિવસેય આગળ ખસતો ન હતો. એક વાગવા આવ્યો અને તો ય આરતી ના આવી? કંઇ પડી છે? મનના ધુંધવાટે થોડો વેગ પકડ્યો. અને એટલામાં તો લેચ-કી થી બારણું ખુલવાનો અવાજ આવ્યો અને એની સાથે જ હેપ્પી બર્થ ડૅ ની ગુંજ અને ખળખળ હાસ્યનો ધોધ વહી આવ્યો ઘરમાં. આશ્ચર્ય ચકિત અલકાના ઘરમાં એની કીટી સહેલીઓ ધસી આવી અને એ સૌની પાછળ અલકાની અતિ પ્રિય પાઇનેપલની મોટી કેક હાથમાં થામીને આરતી પ્રવેશી.

ઓ! તો આમ વાત છે! અલકાનો ધુંધવાટ ક્યાંય વરાળ બનીને ઉડી ગયો. આરતી બરાબર જાણતી હતી મમ્મીને શું ગમશે.

એક વાર તો આરતીએ કમાલ કરી. પલ્લવની વર્ષગાંઠના દિવસે સવારે ઉઠીને એક દળદાર આલ્બમ પલ્લ્વને ભેટ ધર્યુ. આલ્બમમાં પલ્લવના જુના મિત્રો તેમજ સગા સ્નેહીઓના પલ્લવ સાથેના ફોટા અને એની સાથે એમના સ્નેહ સ્મૃતિ સમા સંભારણા મઢીને મુક્યા હતા. આરતીએ એક મહિના પહેલાથી સૌને ફોન કરીને આખી ય વાત સમજાવી દીધી હતી એ મુજબ સૌએ પલ્લ્વ સાથેના ફોટા , એ સમયની યાદ અને પલ્લવના જન્મદિન અંગે કોઇ સંદેશ લખીને આરતીને મોકલાવ્યા હતા. જેમાંથી તૈયાર થયું આ આલ્બમ. એમાં આરતીએ સુમિતના લગ્ન સમયનો એમના આખા પરિવારનો ફોટો મુકીને બધા તરફ્થી ભાવવાહી સંદેશ મુકીને સમાપન કર્યુ હતું. આરતી એ ય બરાબર જાણતી હતી જે પપ્પાને શું ગમશે. પલ્લવ તો આવી અનોખી ભેટ મેળવીને અત્યંત ખુશ. આરતીના માથે હાથ મુકીને લાગણીસભર આવાજે માત્ર એ એટલું જ કહી શક્યો ”બેટા, તું તો આ ઘરની માત્ર લક્ષ્મી જ નહીં મા શારદા-સરસ્વતિ પણ તું જ છો.”

આરતી હંમેશા અલકા -પલ્લવ માટે કોઇને કોઇ નવું પુસ્તક લેતી આવતી. અલકાને ફિલ્મો અને નાટક જોવાનો કેટલો શોખ! પલ્લવને વળી કલ્ચરલ પ્રોગ્રામોમાં ભારે રસ. આરતી એની મેળે જ કોઇ સરસ ફિલ્મ- નાટક કે આવા કલ્ચરલ પ્રોગ્રામની બે ટીકીટ અલકા -પલ્લવ માટે બુક કરાવી લેતી.

હવે અલકાને સમજાયું કે એના ઘરનું વાતાવરણ આરતી થકી જ આટલું જીવંત હતું. બાકી તો આ ય એક ઘર જ હતું ને? પણ આને ઘર કહેવાય? ઘર ચાર સરસ મઝાની સજાવેલી દિવાલોથી નથી બનતું. એમાં પ્રાણ પણ હોવા જોઇએ ને? કંચન અને કથીરનો ફરક હવે અલકાને સમજાયો. આ શાંત ઘરમાં અલકાને મુંઝારો થવા માંડ્યો. ક્યારેક દસ -પંદર દિવસે અનુને ઓફિસ જવાનું થતું ત્યારે અલકાને ઘરમાં જરા મોકળાશ લાગતી.

અલકાની વાતોનું કેન્દ્ર બદલાયું. પહેલા એની વાતોમાં સુમિત અને અનુ અગ્ર સ્થાને રહેતા હવે એની વાતોમાં આરતી અને સમિત વણાવા માંડ્યા. પલ્લ્વ પહેલા પણ આ બધું તટસ્થ ભાવે જોયા સાંભળ્યા કરતો અને આજે પણ એણે એમ જ કર્યુ. કારણ આમે એની વિશેષ ટીપ્પણીથી અલકાનું મંતવ્ય કે વિચારો બદલાવાના ન હતા, અને હવે તો આમે ય એ સાચી દિશામાં જોતી થઈ ત્યારે એ બદલવાની જરૂર પણ ન રહી.

બાકીના દિવસો હવે જરા ઝડપથી પસાર થાય એવું એ ખરા દિલથી ઝંખતી હતી પણ આ સમયે ય જાણે ગોકળગાયની ગતિએ હાલતો હતો.

જવાના દિવસો પાસે આવે તે પહેલા અલકા ખૂબ શોપિંગ કરી લેવા માંગતી હતી. આરવ અને આહિર માટે ઢગલાબંધ કપડા અને રમકડા તો લેવાનાં જ હોય ને? અને આરતી માટે? એને શું ગમશે? ઓહ આજ દિવસ સુધીમાં એવું તો ક્યારેય વિચાર્યુ જ નહોતું. શોપિંગ માટે પલ્લ્વ સાથે ચર્ચા કરતી મમ્મીને જોઇને સુમિતે અનુને પુછી લીધું "શું મોકલવું છે આપણે બધા માટે?”

” મમ્મી જે કહે એ.” ટુંકાક્ષરી જવાબ મળી ગયો.

અલકા તો સમસમી ગઈ. "મમ્મી જે કહે એ? તમારી જાતે કશું જ નહી? આરતીને કશું જ કહેવું પડ્યુ હતું? જે દિવસે અમેરિકાની ટીકીટ બુક થઈ એ દિવસથી જ એણે એની જાતે જ દોડાદોડ કરવા માંડી હતી. અનુ માટે સરસ મઝાના ટ્રેડીશનલ ડ્રેસ-કુર્તિઓ, તો સુમિત માટે લખનવી ઝભ્ભા, શર્ટ્સ અને ટાઇ લઇ આવી હતી. આશિર માટે તો અહીં ના કપડા કે રમકડા ના ચાલે પણ આરતી પાસે તો એનો ય રસ્તો હતો. એના માટેય સરસ મઝાના લખનવી ઝભ્ભા સાથે નાનકડા ચુડીદાર, શેરવાની અને ધોતી અને હાથમાં પહેરાવાની સોનાની લકી ચેઇન લઈ આવી હતી. દરેક વાતમાં એના ઉત્સાહનો તો પાર જ નહોતો.

“મમ્મી, આ શેરવાની- અચકન ગમશે ને? આશિરની બર્થ ડે માં પહેરાવાશે. હવે તો ત્યાં ય બધાને આવા ટ્રેન્ડી કપડા ગમતા જ હોય છે.

અલકાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. અને એ ઝળઝળિયાની પેલે પાર પણ એને આરતી જ દેખાઇ રહી. એણે આડુ જોઇ લીધું. સુમિત અને પલ્લવની નજરે એ નોંધી લીધું. બીજા જ દિવસે સુમિત મમ્મી પપ્પાને લઈને શોપિંગ કરવા ઉપડી ગયો એણે આ વખતે અનુને પુછવાની હિંમત પણ ના કરી.

અલકાની આજ સુધીની જે ડોલરિયા દેશની ડોલર વહુ માટેની અભરખાં હતી તે તો ક્યારનીય સમેટાઇ ગઈ હતી. પણ હવે તો એણે બાકીની માયા ય સમેટવા માંડી. રખેને વધું રહેવાનું થાય તો સુમિતને ન કહેવાય, ન સહેવાય અને પોતાનાથી ન રહેવાય એવી તંગ પરિસ્થિતિ નો તો હવે સામનો ય કરવાની એની જરાય તૈયારી નહતી.

સોનાના હરણ પાછળની દોટ કેટલી વ્યર્થ છે એ તો રઘુવંશથી જાણીતી વાત નથી? આજે તો ઇન્ડીયા જતી ફ્લાઈટમાં બેઠેલી અલકાનું મન એના ય કરતા વધુ ઝડપે આરતી પાસે પહોંચી ગયું!


Rate this content
Log in

Similar gujarati story from Drama