Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Vishnu Prajapati

Others Inspirational

3  

Dr Vishnu Prajapati

Others Inspirational

'કેન્ડલ માર્ચ’

'કેન્ડલ માર્ચ’

7 mins
14.8K


મોબાઇલની ઉપરા ઉપરી ત્રીજી રીંગ વાગતા નાછૂટકે પથારીમાં લાંબી આળસ મરડીને જમણા હાથના અંગુઠાને મોબાઇલ સ્ક્રિન પર સ્ક્રોલ કરી શ્રીધરે કોલ રીસીવ કર્યો.

‘હેલ્લો... સર...ગુડ મોર્નિંગ..’ સવારના લાંબા બગાસાં સાથે જ શ્રીધરે વાતની શરૂઆત કરી. 

‘બળ્યું તારું ગુડ મોર્નિંગ. શ્રીધર તું નવ વાગ્યા સુધી ઘોરતો રહીશ તો કામ કેવી રીતે થશે ? આજનું તારું રીપોર્ટીગ આપણા ન્યુઝ ચેનલ માટે ખૂબ અગત્યનું છે. જો તારા શહેરની કેન્ડલમાર્ચ એક રાજકીય મુદ્દો બની જવાનો છે. કેમકે રુલિંગ પાર્ટીના નેતા તારા શહેરના છે ! સમજણ પડે છે ! હું તને શું કહી રહ્યો છું ?’ સામે છેડેથી તેના ન્યુઝ હેડનો ફોન અને સવાર સવારમાં જ તેમના તીખા તમતમતા જેવા શબ્દો શ્રીધરના કાન પર પડી રહ્યા હતા.

‘સર.. પણ કેન્ડલ માર્ચ તો છેક સાંજે છે !’ શ્રીધરે ફરી બીજુ લાંબુ બગાસું ખાધુ.

‘તારા કરતા તો પેલો કાલનો નવો સવો આવેલો નારાયણ વધુ સારું પરફોર્મન્સ આપે છે. તેણે તો તેના શહેરના કેન્ડલ માર્ચની ‘આજ કી શામ બચ્ચી કે નામ’ના હેડિંગ આપી અફલાતૂન રીપોર્ટીંગ શરૂ પણ કરી દીધું છે ! જો આપણી ચેનલની ટીઆરપીનો પણ સવાલ છે. હાલનો આ ગરમાગરમ મુદ્દો છે. અને લોકોને ગરમા ગરમ મસાલેદાર વાનગીઓ જ ભાવે છે. તારા શહેરમાં આ બળાત્કારના મુદ્દાનો કેવો ગરમાવો છે ? અપોઝીટ પાર્ટીઓ શું કરી રહી છે ? રાજકીય અને સામાજિક ભેળસેળીયું રીપોર્ટીંગ એક કલાકમાં મને મળવું જોઇએ. નહી તો પેલા નારાયણને તારા શહેરમાં શિફ્ટ કરી દઉં !’ આ છેલ્લા વાક્યમાં તો ઘમકી જ હતી.

હવે શ્રીધરની ઉંઘ બિલકુલ ઉડી ગઇ હતી, 'ના.. ના.. સર... એક કલાકમાં એક અફલાતૂન રીપોર્ટીંગ મળી જશે.’ અને પછી ફોન કટ કરી શ્રીધર દોડ્યો બાથરૂમમાં. એકસાથે બધા કામ પતાવીને બહાર નીકળ્યો.

કેમેરામેન સાથે બરાબર સાડા નવે રીપોર્ટીંગ શરુ કર્યુ. ’આજ કી શામ દેશ કી બચ્ચી કે નામ’ શ્રીધરે તેમાં એક શબ્દ ઉમેરી વધુ મસાલેદાર બનાવી દીધું.

‘હમારે દેશ કો કાલી છાયા લગ ગઇ હૈ. એક ઔર સરહદ પર હમારે સૈનિક મર રહે હૈ. ઔર શહર કે અંદર માસૂમ લડકિયા ભી સુરક્ષિત નહી હૈ. કઇ શહેરોમે બળાત્કાર કે કેસ ભી બઢ રહે હૈ. હમારે દેશ કી બચ્ચી પે જો હુઆ ઉસકી હમ કડી નિંદા કરતે હૈ. ઇસ ઘટના કે પ્રતિ કડી નિંદા જતાને કે લીયે આજ ઇસ શહરમે શામ છે બજે એક કેન્ડલ માર્ચ નદી કે કિનારે હોને વાલી હૈ. જિસમે સભી જ્ઞાતિ એવમ સભી ધર્મકે લોગ સાથ મિલકે હમારી દેશ કી બચ્ચી કો શ્રધ્ધાંજલી દેને વાલે હૈ. યહા કે ‘એકતા મંચ’ ને યે કાર્યક્રમ કી ઘોષણા કી હૈ. લોકો કે દિલો મેં રેપિસ્ટ કે પ્રતિ ઘૃણા હૈ ઔર સરકાર ક્યાં કર રહી હૈ વૈસે સવાલ ભી હૈ ! આઇએ જાનતે હૈ ઇસ શહર કે અપોઝિટ પાર્ટી કે લિડર સુખવંતસિંહ સે કી ઉનકી ક્યાં રાય હૈ ?’ અને શ્રીધરે તેનું માઇક સુખવંતસિંહ તરફ ધર્યુ.

અને સુખવંતસિંહે તો માઇક સામે આવતાં જ રાજકીય છણાવટ કરીને વધુ ગરમા ગરમ મસાલેદાર ભાષણ ઠોકી દીધું.

‘હા તો યે થે સુખવંતસિંહ. જીસને સારે શહર કે લોગો સે અપીલ કી હૈ કી આજ શામ છે બજે નદી કે કિનારે કેન્ડલ માર્ચમેં ઉપસ્થિત રહે. તો ઇસ પ્રકાર સારે શહરમે બલાત્કારીઓ કે પ્રતિ દ્વેષપૂર્ણ માહોલ બન ગયા હૈ. સબ અપની દેશ કી બચ્ચી કે પ્રતિ સંવેદના અવશ્ય જગાયે. કેન્ડલ માર્ચ મેં અવશ્ય આયે. કેમેરામેન ત્રિનેત્ર કે સાથ. હમારા ન્યુઝ. દેશ કા ન્યુઝ !’ અને શ્રીધરે પહેલું જ રીપોર્ટીંગ ધારદાર મસાલેદાર કરી દીધું.

અને થોડીવારમાં ન્યુઝ હેડના લાઇક પણ મળી ગયા.

અપોઝીટ પાર્ટીના નેતાનો ઇન્ટરવ્યુ થતા જ શાસકીય પાર્ટીના નેતા ગિન્નાયા અને તરત જ ન્યુઝ ચેનલ પર ડાયરેક્ટ કોલ કરી ઇન્ટરવ્યુ ગોઠવવાનું સૂચન કરી દીધું.

અને પછી અગિયાર વાગે બીજા નેતાનું ભાષણ. ‘ અમે આ ઘટનાની ખૂબ જ નિંદા કરીએ છીએ. દેશનાં કોઇપણ ખૂણે બેસેલા બળાત્કારીઓને અમે આકરામાં આકરી સજા કરીશું. અગાઉની પાર્ટીઓઓ આજ દિવસ સુધી કોઇને ન્યાય નથી આપ્યો પણ અમે જરૂર ન્યાય આપીશું. અને...’ શ્રીધર અને ત્રિનેત્રના કેમેરાનો જાદુ દેશભરમાં છવાઇ ગયો.

પછી તો વારંવાર તેનું રીપીટ ટેલિકાસ્ટ... વચ્ચે વચ્ચે કેટલાક બુધ્ધિજીવીઓના એક બે મિનિટના સ્લોટ... 

બપોરે તો મહિલા જાગૃતિ મંચના દસેક બહેનોને બોલાવી એક ડિબેટ પણ ગોઠવી દીધી.

‘વાહ... શ્રીધર વાહ...!’ ન્યુઝ હેડ શ્રીધરથી ખુશ થઇ ગયા.

અને ચાર વાગ્યાથી જે સ્થળે કેન્ડલ માર્ચ થવાનું છે તેનો રુટ. સભાસ્થળની તડામાર તૈયારીઓ. લોકોનો આક્રોશ. શહેરમાં કેન્ડલ ખૂટી પડી. દરેક ધર્મની ધાર્મિક સંસ્થાઓ, નાની બાળાઓ અને સ્ત્રીઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાશે... જેવા અલગ અલગ ટાઇટલનાં ન્યુઝ તૈયાર થયા અને ચેનલ રાતો રાત દેશમાં પરિવર્તન લાવી દેશે તે રીતે આખાય દેશને દર્શાવતી રહી...

આજ કી શામ દેશ કી બચ્ચી કે નામના પોસ્ટરો આખાય શહેરમાં લાગી ગયા. અને તેની ઉપર નાની બાળકીનો માસૂમ ચહેરો દર્શાવી લોકોની સંવેદનાને ઢંઢોળી મુકી.

સાંજે પાંચ વાગ્યાથી તો લાઇવ ટેલિકાસ્ટ થવા લાગ્યું, 'લોગ ભારી માત્રામેં ગરમી કી પરવા ન કરતે હુએ, આજ કી શામ દેશ કી બચ્ચી કે નામ,ચુસ્ત પોલિસ બંદોબસ્ત, કેન્ડલમાર્ચ કે રૂટ પર સભી તૈયારીઆ હો ચુકી હૈ ! ચુપ ક્યું હૈ સરકાર ?’ જેવા સમાચારોથી ઓફીસો કે ધંધે બેસેલા લોકો પણ પોતાનો રોજગાર બંઘ કરી ‘આજ કી શામ દેશ કી બચ્ચી કે નામ’ કેન્ડલ માર્ચમાં જોડાવવા આવવા લાગ્યા.

ફરી શ્રીધરના ધારદાર અવાજ સાથે નવા ન્યુઝ પ્રસારીત થવા લાગ્યા ‘લોગો ને ભી આજ ખૂદ હી ‘શહર બંધ’ કા પાલન કરકે દેશ કી નઇ ગરિમા કાયમ કી હૈ. યે પુરા શહર શ્રધ્ધાંજલિ ઔર ન્યાય કે લીયે દેશ કી બચ્ચી કે સાથ હૈ !’

અને ત્યાં નવો ફણગો ફૂટ્યો કે આ કેન્ડલમાર્ચનું પ્રસ્થાન કરાવે કોણ ?

એકતા મંચના પ્રમુખ, અપોઝીટ પાર્ટીના નેતા, રુલિંગ પાર્ટીના નેતા, બધા સામસામે આવી ગયા. અને ફરી એક નવા ન્યુઝ !

અને ત્યાં જ મહિલા જાગૃતિના મંચના પ્રમુખે એક નાની દિકરી આ કેન્ડલ માર્ચનું પ્રસ્થાન કરાવે તેવું સૂચન કર્યુ. અને જાણે એક નવી સામાજિક ચેતનાનું બીજ રોપાયું.

મહિલા જાગૃતિ મંચના પ્રમુખે પોતાની દિકરી આગળ કરી દીધી અને બધાએ એકમતે તેનો સ્વીકાર કરી લીધો..

‘એક છોટી ઉમ્ર કી બચ્ચી જો દેશસે અપની ઉમ્ર કી સભી લડકીઓ કી સુરક્ષા ઔર પીડિત બચ્ચી કા ન્યાય માંગતે હુએ, સબસે આગે ચલ રહી હૈ...!’ કેમેરામેન ત્રિનેત્ર કે સાથ શ્રીધર... હમારા ન્યુઝ... દેશ કા ન્યુઝ...

અને તે છોકરી રાતો રાત ચાઇલ્ડ જસ્ટીસની આઇકોન બની ગઇ..

અને થોડું અંધારું થતા ભવ્ય કેન્ડલ માર્ચ નીકળી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો. કેન્ડલના ઝળહળતાં પ્રકાશે આખોય રસ્તો પ્રકાશિત થઇ ગયો. સાથે સાથે શ્રીધર અને કેમેરામેન ત્રિનેત્ર બન્ને ધારદાર રીપોર્ટ બનાવીને તેનું લાઇવ ટેલિકાસ્ટ કરી રહ્યાં હતા.

આખરે નદી કિનારે લોકોએ આક્રોશ સાથે. બાળકીના લાગેલા મોટા પોસ્ટર નીચે કેન્ડલ મુકી પ્રાર્થના કરી. આ લાઇવ ટેલિકાસ્ટ ખૂબ લોકપ્રિય બન્યું. આઠેક વાગે કાર્યક્રમ પુરો થતાં સૌ પોતપોતાની રીતે સલાહ-સૂચનો-ભાષણો-આક્રોશ-રાજકારણ ઠોકતાં ઠોકતાં છુટા પડ્યા.

‘સર હવે હું જાઉં....!’ કેમેરામેને પોતાનું કામ પુરુ કરી શ્રીધર પાસે પરવાનગી માંગી.

‘હા... આજનો આપણો કાર્યક્રમ સુપર ડુપર હિટ રહ્યો. કોન્ગ્રેચ્યુલેશન.. લે આ ચોકલેટ. કુછ મીઠા હો જાયે...!’ શ્રીધરે પોતાની પાસે રહેલી ચોકલેટોમાંથી બે ચોકલેટ ત્રિનેત્રને આપી અને ત્રિનેત્ર પોતાનો કેમેરો લઇને ચાલી નીકળ્યો.

શ્રીધર દૂરથી થોડી સળગતી અને કેટલીક ઓલવાઇ ગયેલી મીણબત્તીઓ સામે તાકી રહ્યો. સામે બાળકીનું બેનર હવામાં લહેરાઇ રહ્યું હતું... 

થોડીવારમાં નદી તરફથી આવતાં જોરદાર પવનના વંટોળીયાએ તે બેનરને ઉખેડીને તે મીણબત્તીઓ પર ફેંકી દીધું...

ત્યાં મીણબત્તીઓ પાસે એક છએક વર્ષનો છોકરો વાંકો વળીને કંઇક કરી રહ્યો હતો. શ્રીધર સહેજ નજીક આવ્યો અને જોયું તો તે અડધી સળગીને બુઝાઇ ગયેલી તથા સળગતી મોટી મીણબત્તીઓને ફૂંક મારી ઓલવી ઓલવીને ઝડપથી પોતાના ખીસ્સામાં ભરી રહ્યો હતો. તેના બન્ને ખિસ્સા ભરાઇ ગયા પછી હાથમાં જેટલી વધુ સમાય તેટલી મીણબત્તીઓ લઇને નદીની બાજુની ઝુંપડપટ્ટી તરફ ભાગ્યો. શ્રીધરને તેની હરકતમાં રસ પડ્યો એટલે તે પણ તેની પાછળ પાછળ ભાગ્યો. અને તેના ઝુંપડા સુધી પહોંચી ગયો.  તે ઝુંપડામાં તે છોકરો તેની દસેક વર્ષની બેનને મીણબત્તીઓ આપી રહ્યો હતો. 

‘મીણબત્તીઓની ચોરી કરે છે..? ક્યાં છે તારા માં-બાપ... બોલાવ…!’ શ્રીધરે તો સીધો જ તેના પર ચોરીનો આરોપ મુકી દીધો.

પેલો છોકરો ગભરાઇ ગયો પણ હિંમત કરીને બોલ્યો, ‘ માં મરી જઇ શ... બાપ તો પઇડો હશે નદીએ દારુ પી ને.... અને આ તો અમારા ઘરમા લાઇટ નથી એટલે આ લાઇટ કરવા લાઇવો શું... ચોરી નથી કરી સાહેબ...!’ અને શ્રીધરે જોયું કે ખરેખર તે ઝુંપડામાં લાઇટની વ્યવસ્થા નહોતી.. એક દુરની સ્ટ્રીટ લાઇટ જ તેમનો ઉજાસ હતો.

તરત જ શ્રીધરને પોતાના મુકેલા આરોપ પર અફસોસ થયો... અને પોતાના ખિસ્સામાં વધેલી બે-બે મોટી ચોકલેટ બન્નેને આપી.

ચોકલેટ લેતા જ પેલા છોકરાએ પોતાની આંખો પર રૂમાલ બાંધી દીધો...

‘કેમ આમ કરે છે...? આંધળો પાટો રમો છો...? ’ શ્રીધરે તરત જ પ્રશ્ન કર્યો.

‘ઇ તો પેલો બુધોકાકો દારૂ પી ને આવે અને ચોકલેટ લાવે તો મને અને મારી બેનને આંખે પાટા બાંધીને જ ચોકલેટ ખવડાવે...!’ પેલો છોકરો બોલી ઉઠ્યો.

‘હા.. સાહેબ...અને મારા શરીરે બધે અડી અડીને ચોકલેટ ખવડાવે શે... મને નથી ગમતું... પણ ચોકલેટ લાવે શે’ને... સાહેબ....! તમે’ય ચોકલેટ આપી. એટલે લો હું’યે આંખે પાટા બાંધી દઉં સાહેબ...!’ અને નાની બેને પણ આંખે પાટો લગાવી દીધો.

શ્રીધરની આંખોમાં તે જ ક્ષણે આંખમાં ગુસ્સા સાથે પાણી નીકળી આવ્યું અને તેને બન્નેના પાટા હટાવી કાયમ આંખના પાટા ખુલ્લા રાખવાનું કહી પોતાની રડતી આંખોને છુપાવી તે કેન્ડલ માર્ચ હતી ત્યાં પહોંચી ગયો.

અને માઇક હાથમાં હોય તેમ એક્શન કરી રીપોર્ટીંગ શરુ કર્યુ, ‘મારા શહેરવાસીઓ આજે તમે દેશપ્રેમીઓને ગૌરવ અપાવે તેવું કેન્ડલ માર્ચ કર્યુ. પણ તેના પછી માત્ર એક કલાકમાં જ તેનું અજવાળું અંધકારમાં ફેરવાઇ ગયુ છે. આપણે કેન્ડલમાર્ચ કર્યુ એટલે આપણું કામ પુરુ થયું તેમ ન માનશો. આપણી આજુબાજુમાં પણ કોઇ બાળકી પર અત્યાચાર થઇ જ રહ્યો છે. તેનું ધ્યાન રાખો. માત્ર કેન્ડલ સળગાવવાથી શું કોઇને સાચી શ્રધ્ધાંજલી મળશે ? આપણાં જ શહેરના અંધકારમાં જીવતી કેટલીયે દેશની બચ્ચીઓ આંખે પાટા બાંધીને કોઇની હવસનો શિકાર બની રહી છે. આવી દિકરીઓના ઘરે આજવાળું આપો તે જ સાચી કેન્ડલ માર્ચ છે...!’ શ્રીધરનાં ગળે ડુમો ભરાઇ જતાં તે થોડીવાર રોકાઇ ગયો.

અને છેલ્લે રડતા રડતા બોલ્યો,

‘કેન્ડલમાર્ચ પછીના ફેલાયેલા અંધકારની સાક્ષીએ.... ઉપરવાળાં કેમેરામેન ત્રિનેત્ર(ભગવાન)ની સાથે... શ્રીધર... હમારા ન્યુઝ... દેશ કા ન્યુઝ !’ 

જો કે આ છેલ્લા ન્યુઝનું કોઇ લાઇવ ટેલીકાસ્ટ ન થયું.... કે ન તો તેના લાઇક કે ટીઆરપી મળ્યાં. શ્રીધરની આંખો બાજુમાં બુઝાયેલી મીણબત્તીઓ વચ્ચે સળગતાં બાળકીના પોસ્ટરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો તેના પર સ્થિર થઈ ગઇ.


Rate this content
Log in