Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manoj Joshi

Drama Tragedy Thriller

4  

Manoj Joshi

Drama Tragedy Thriller

જિંદગીની રાહ

જિંદગીની રાહ

6 mins
575


"ચમનલાલ એન્ડ સન્સ" નું નામ શહેરમાં જ નહીં, પૂરા રાજ્યમાં પ્રસિદ્ધ હતું. શેઠ ચમનલાલ જાત મહેનતથી બનેલા અમીર હતા. પેટ્રોલપંપ પર વાહનોમાં પેટ્રોલ ભરતા, ભાડાની ખોલીમાં રહેતા ચમનલાલ કોઠાસુઝ ધરાવતા આદમી હતા. નિષ્ઠા, પ્રામાણિકતા અને ધગશને કારણે તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા. વેપારની આંટીઘુંટીની સમજ, ત્વરિત રીતે નિર્ણય લેવાની ક્ષમતા અને બજારની ચાલની સમજણ લીધે પહેલા ભાગીદારીમાં કંપની શરૂ કરી અને પછી કંપનીના સ્વતંત્ર માલિક બન્યા હતા. ખોલીમાંથી ચાલીમાં અને ચાલીમાંથી ડુપ્લેક્સમાં, છેવટે ડુપ્લેક્સમાંથી વિશાળ બંગલામાં પહોંચવા સુધીની તેમની સફર પાછળ જીંદગીના પૂરા ત્રણ દાયકા ખર્ચાઈ ગયા હતા. ગુણિયલ પત્ની સુમિત્રાએ ક્યારેક ભૂખ્યા પેટે સુવું પડે તો ય તેની કશી ફરિયાદ વિના પતિને હૂંફ અને સધિયારો આપ્યા હતા. ચાર ચાર દાયકાનું સંતોષપૂર્ણ એવું ચમનલાલ અને સુમિત્રાબેનનું સફળ દામ્પત્ય હતું. ચાલીમાં રહેતા ત્યારે જ અમનનો જન્મ થયેલો. પિતાની સામાન્ય આર્થિક સ્થિતિમાંથી શ્રીમંતાઈ સુધીની સંઘર્ષ યાત્રાનો તે સાક્ષી હતો. એટલે ગરીબી શું છે, તે સમજતો અને લક્ષ્મીનું મૂલ્ય પણ સમજતો.


      અમન દસ વર્ષનો થયો ત્યારે તેના અનુજ તરીકે રાહુલ જનમ્યો. રાહુલના આગમન પછી અચાનક જ ચમનલાલને વ્યવસાયમાં અણધારી સફળતા મળતી ગઇ. ટૂંક સમયમાં તેમના ભાગ્યનું ચક્ર ફર્યું. રાહુલના જન્મ પછી વૈભવી ઠાઠવાળું જીવન બન્યું તેથી ગર્ભ શ્રીમંતના દીકરાને મળે એવું લાલન-પાલન અને લાડ પ્યાર તે પામ્યો.


    અમન પછી દસ વર્ષ બાદ ઘરમાં નાનું બાળક આવતાં ઘર પલ્લવિત બન્યું હતું. તેથી તે વધુ લાડકોડમાં ઉછર્યો. ભાગ્યશાળી સમજીને તેને વિશેષ છૂટ મળતી. અમન શાંત અને શાણો હતો, સમજુ અને શીલવાન હતો, પરિશ્રમી અને પરગજુ હતો. એની સામે રાહુલ ઉતાવળો અને ઉદ્ધત હતો. વધારે પડતા લાડને કારણે અભિમાની અને આછકલો બની ગયો હતો. મહેનત પૂર્વક સન્માર્ગે મળેલી લક્ષ્મીના સદગુણો અમનમાં હતા. અને વગર મહેનતે ભાગ્યવશ મળી ગયેલી લક્ષ્મી સાથે આવતા દુર્ગુણો રાહુલમાં હતા. અમનની પત્ની નિરાલી કુટુંબ વત્સલ, સમજદાર અને લાગણીશીલ હતી. અમન પિતાના વ્યવસાયનો આધારસ્તંભ હતો, તો નિરાલી સુમિત્રાબેનના ઘર-વ્યવહાર અને સામાજિક સંબંધોની આધારશીલા હતી. જ્યારે રાહુલ બાપના પૈસે તાગડધિન્ના કરતો ઉડાઉ નબીરો હતો. એની પત્ની શિખા શ્રીમંત બાપની તુંડમિજાજી પુત્રી હતી. અમન અને નિરાલી જેટલા પ્રેમાળ, મિલનસાર અને કુટુંબભાવનાવાળાં હતાં, એટલાં જ રાહુલ અને શિખા સ્વાર્થી અને કજિયાખોર હતાં.


     શિખાના ધનાઢ્ય માતા-પિતાની ચઢવણી પણ એવી કે પુત્રી "દીપશિખા" ને બદલે "અગ્નિશિખા" બની ગયેલી! સુમિત્રાબેનની ઉદારતા અને અને જતું કરવાની વૃત્તિને કારણે તેમ જ નિરાલીની સમજણ અને સહનશીલતાને કારણે હજી બધું સમુસુતરું રહ્યું હતું. અમનની આવડતથી વ્યવસાય સરસ ચાલતો. રાહુલને જોઈતા પૈસા મળી રહેતા. નિરાલી ઘર-પરિવારને સંભાળતી અને શિખા પર કોઇ બંધન કે જવાબદારી નહોતા તેથી તે બંને તેમની મન મરજી મુજબ જીવતા. પેઢીના વહીવટમાં અમન મુખ્ય હતો. ચમનલાલ હવે ધીરે ધીરે અલિપ્ત થતા જતા હતા. રાહુલ કંઇ ધ્યાન આપતો નહોતો તેથી કંપનીના ડિરેક્ટર તરીકેના તમામ પાવર્સ અમન પાસે હતા.


       ચમનલાલ અને સુમિત્રાબેનને ચારધામ યાત્રા કરવાની ઘણા વખતથી ઇચ્છા હતી. બંને પુત્રો નાના હતા ત્યારે ધંધાની જવાબદારી એકલપંડે વહન કરવાની હોવાથી જઈ શક્યા નહતા. હવે બંને પુત્રોનો સંસાર વસી ગયો હતો. તેથી તેમણે પોતાની મનોકામના પૂર્ણ કરવા વિચાર્યું. અમનને થયું કે આ ઉંમરે બંનેને એકલા જવા દેવા ઠીક નથી. તેથી તે પતિ-પત્નીએ માતા- પિતાની સાથે જવાનું નક્કી કર્યું. 


      ચમનલાલ અને અમને એમ પણ વિચાર્યું કે એ બહાને મહિનો દિવસ તેમની ગેરહાજરીમાં રાહુલ ધંધો સંભાળતો થાય. મેનેજર અને સ્ટાફ અનુભવી અને વિશ્વાસુ હતા. તેથી કોઈ ચિંતા ન હતી. શિખા પર ઘરની જવાબદારી આવે તો તે પણ થોડી ઘડાય અને ગૃહસ્થી શીખે, એવું માનીને ચારે જણાએ યાત્રાએ જવાનું નક્કી કર્યું. યાત્રાને હજુ બે મહિનાની વાર હતી. ત્યારે શિખાના મનમાં જુદી જ યોજના આકાર લઇ રહી હતી. 

તેણે પોતાના પપ્પા સાથે મસલત કરીને એક કુટિલ ખેલ ખેલ્યો.


યાત્રાની બધી તૈયારી થઈ ચૂકી હતી. આગલા દિવસે રાહુલ કેટલાક પેપર્સ લઈને કંપનીના લીગલ એડવાઈઝર સાથે અમન પાસે આવ્યો. અમન પોતાની લાંબી ગેરહાજરીમાં, કંપનીના તમામ કાર્યોનું પ્લાનિંગ કરી, સૌને જરૂરી સૂચના આપતો હતો. લીગલ એડવાઈઝરના કહેવાથી તેણે પોતાના નાનાભાઈને વહિવટ સંભાળવા માટેના તમામ ડોક્યુમેન્ટ્સ સાઇન કરી દીધા.


     અમન બચપણથી જ સંસ્કારી હતો. તેનો સ્વભાવ જ એવો કે તે 'સર્વમિત્ર' તરીકે ઓળખાતો. એમાં નાના ભાઈ સામે તો કદી તેને અવિશ્વાસ પ્રકટે જ નહીં ને ! તેણે જોયું પણ નહીં કે રાહુલ શેમાં અને શા માટે સાઈન કરાવે છે!! 


    માબાપ અને પત્ની સાથે અમન યાત્રાએે નીકળ્યો. હરિદ્વાર, ઋષિકેશ, દહેરાદુન અને મસુરી ફરી લીધા પછી ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથ થઈને છેવટે તેઓ કેદારનાથ પહોંચ્યા. ભગવાન કેદારનાથના દર્શન કરીને હોટેલ પર પહોંચ્યા. અમનને પહાડીઓમાં ફરવાનો અનહદ શોખ હતો. કેદારનાથથી થોડે દૂરની ટેકરી પરના એક ઓછા જાણીતા મંદિરે તેને જવું હતું. સાંજ પહેલાં તો તે પાછો ફરવાનો હતો. પછીના દિવસે પાછું દહેરાદૂન જવાનું હતું. અમન ગાડી કરીને પહાડી તરફ ચાલ્યો. આ તરફ વાતાવરણે અચાનક પલટો લીધો. ભયંકર આંધી- તોફાનમાં ભગવાન કેદારેશ્વરનાં મંદિરને બાદ કરતાં આખો વિસ્તાર ધસમસતા જળપ્રવાહમાં તબાહ થઈ ગયો ! કેદારનાથમાં રોકાયેલા યાત્રાળુઓ પૈકી ભાગ્યે જ કોઈ બચ્યું. પહાડી પર હોવાથી અમન બચી ગયો. તે નીચે આવ્યો ત્યાં તો તેની દુનિયા ડૂબી ચૂકી હતી. જે હોટેલમાં તેઓ રોકાયેલા, તે પત્તાના મહેલની જેમ પાણીમાં ગરક થઇ ગઇ હતી. ઇન્ડિયન આર્મીમેન જાનની બાજી લગાવીને જે બચી શકે, તેને બચાવતા હતા. હતપ્રભ થયેલો અમન પરિવારની શોધમાં ફરતો રહ્યો. પણ જલપ્રપાતમાં તણાઈ ચૂકેલા કોઈના મૃતદેહ પણ હાથ લાગતા નહોતા. અમનની જીંદગીના રસકસ જાણે ઉડી ગયા. 


      આ તરફ રાહુલ અને શીખાએ લીગલ એડવાઈઝરને પૈસાથી ખરીદી લીધેલો. કંપની અને બંગલાનો માલિક હવે રાહુલ બની ચૂક્યો હતો. કેદારનાથના મહાપ્રલયના સમાચાર તો એ લોકોએ પણ જોયા અને સાંભળ્યા હતા. એમને તો જાણે ટાઢા પાણીએ ખસ ગઈ હતી. જ્યારે ભાંગેલા હૈયે અમન શહેરમાં પરત ફર્યો, ત્યારે સગાભાઈએ કરેલા વિશ્વાસઘાતે તેને જીવતી લાશ જેવો બનાવી દીધો. તેણે મમતાભર્યા માવતરનું છત્ર ગુમાવ્યું હતું. પ્રેમાળ જીવનસંગિનીનો સાથ ગુમાવ્યો હતો. ભાઈ ગુમાવ્યો હતો. ધન વૈભવ ગુમાવ્યો હતો. તેનું હવે કશું જ ન હતું, તેનું કોઈ જ ન હતું. તે હવે અફાટ સાગર વચ્ચે એકલો હતો, અટુલો હતો!! ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે તે નિરાધાર હતો.


શિખાના પોલીટીશ્યન પપ્પાએ એવો ખેલ ખેલીને બધાને ખરીદી લીધા હતા, કે કોઈ અમનને સાથ આપતું ન હતું.આમ પણ આ જગત પડેલાને પાટું જ મારે છે. અમનનું હૈયું તૂટી ગયું હતું. મગજ સુન્ન થઈ ગયું હતું. વિચારશક્તિ નાશ પામી હતી. જીંદગી જાણે આકરી બની ગઇ હતી. હવે શું કરવું તે તેને સૂઝતું ન હતું. ભટકતો ભટકતો તે શહેરથી દૂર પહાડી તરફ ચાલ્યો. તેણે શરાબની બોટલ ખરીદી. દર્દ ભુલવા માટેની કદાચ આ દવા હતી. તેણે કદી શરાબને સ્પર્શ કર્યો ન હતો. પણ અત્યારે તેની પાસેનો આ એક મારગ હતો. લથડતા પગે તે પહાડીની ટોચે પહોંચ્યો. એક જ છલાંગે પોતાના પ્રાણ ત્યાગ કરવા એ તેની સામેનો બીજો માર્ગ હતો. શૂન્યમનસ્ક થઈને તે પત્થર પર બેસી પડ્યો.


      એ જ વખતે પર્વતની ટોચ પર સ્થિત માતાજીના મંદિરમાં આરતી આરંભાઇ. આરતીનો લયબદ્ધ ઘંટારવ અમનના આળા હૈયા પર શીતળ લેપ લગાડતો તેણે અનુભવ્યો. અમનને યાદ આવ્યું કે પોતાની બાલ્યાવસ્થામાં ક્યારેક ઘરમાં માતાપિતાને બે બે દિવસ ફરજીયાત ઉપવાસી રહેવું પડતું ત્યારે મા અશ્રુભરી આંખે માતાજીને પ્રાર્થના કરતી. પોતે ક્યારેક બિમાર પડે અને દવા માટેના ય પૈસા ન હોય ત્યારે પણ પોતાની મા સુમિત્રા જગદંબા મા ભવાનીને પુકારતી. માની શ્રદ્ધા કહો કે ભવાનીનો ચમત્કાર પણ બધી આંધીઓ પાર પડી જતી. માતાની આ અનન્ય શ્રદ્ધાનો તે સાક્ષી હતો અને વારસ પણ ! - આ ત્રીજો મારગ હતો.


    અમન સામેનો એક માર્ગ મયખાના તરફ જતો હતો. બીજો મોતનો મારગ હતો અને ત્રીજો મારગ મંદિરે જતો હતો. અમનના સંસ્કાર, અમનનું આત્મભાન અને તેની પરિપક્વતા જાણે પાછા ફર્યા. મનોમન મૃત માવતરને વંદન કર્યા. દિવંગત પત્નીનો હસતો ચ્હેરો દેખાયો.

તેણે પહાડ પરથી નીચે ખીણમાં બોટલ ફેંકી દીધી. આત્મવિશ્વાસ સાથે ઉંડો શ્વાસ ભર્યો અને મંદિરના માર્ગે આગળ વધ્યો.... ફરી એક વાર જીંદગી કરવટ બદલી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama