Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavin Desai

Inspirational

3  

Bhavin Desai

Inspirational

પ્રકાશ... દુનિયાથી ઓઝલ વ્યક્તિત્વ

પ્રકાશ... દુનિયાથી ઓઝલ વ્યક્તિત્વ

5 mins
7.4K


શું તમે જાણો છો? આજે રાત્રે સુઈ જશો તો કાલની સવાર તમે જોઈ શકશો? વિચારીએ છીએ કે આજથી ૧૦ વર્ષ પછી મારું ભવિષ્ય આમ હશે, શું આ ૧૦ વર્ષ પછીની જિંદગીની તમે કલ્પના કરી છે ખરી? આ જગતમાં ભગવાનથી મોટું કોઈ નથી, તો વ્યતિરેકમાં કહીશ તો પણ ખોટું નહિ કહેવાય કે નિયતીથી પરે  આવતી કાલને શું તમે મુઠ્ઠીમાં રાખી શકો છો? નહિ ને... મારા આવા જ એક માનવીય વિચારનો આ સત્ય ઘટનાએ ભ્રમ તોડી નાંખ્યો છે. મહાન ઋષિ શ્રી ભ્રુગુઋષિ, જેમણે પવિત્ર નર્મદા નદીનાં કિનારે સ્થાપેલી ધરતી એટલે ભ્રુગુકચ્છ, હાલનું મારું ભરુચ શહેર; જેની આ હકીકત વર્ણવું છું.

ઈ.સ. ૧૯૯૭-૯૮ ની આ વાત છે. માધ્યમિકની પરીક્ષા પાસ કરી અને ધોરણ ૧૧ કોમર્સમાં મેં પ્રવેશ લીધો. મારા માટે શાળા, સહવિદ્યાર્થીઓ, શિક્ષક આ તમામ અજાણ્યા હતાં. એવામાં ખુબ જ ગરીબ, શરીર, દેખાવથી કદરૂપો, પેટ એનું ગાગર જેવું બહાર આવી ગયેલું, પગમાં સ્લિપર અને આંખોની કીકી જાણે સમુદ્રની લહેરમાં નાવ ડગમગે એમ અસ્થિર, દેખાવે નાની ઉંમરમાં કો’ક આધેડ પુરુષ જેવો, છતાં સ્વભાવે ભોળો અને દિલથી ખુબજ અમીર લાગતો એક વ્યક્તિ મારી સમક્ષ આવી ઉભો રહ્યો. નવો વિદ્યાર્થિ જોઇ એણે કહ્યું, ભાઇ તું નિરાશ થા મા, હું છું ને તારો એક ઓળખીતો બનેલો મિત્ર. બસ, એનાં આટલાં જ શબ્દોએ જાણે મારા જીવમાં જીવ પુરી દીધો.   

પ્રથમવાર મારી સાથે હાથ મિલાવી મને મિત્ર બનાવનાર હસ્તી એટલે ‘પ્રકાશ’. પ્રકાશ ચાંડવેકર, જેનું આર્થિક પરિબળ એક માત્ર એનાં પિતા હતા. એના પિતા પણ આંખથી લાચાર, માતા આસપાસનાં વિસ્તારમાં ઘરકામ કરીને પિતાને આર્થિક રીતે મદદ રૂપ બનતાં અને એની બહેન પણ આંખોથી લાચાર હતી. પ્રકાશનાં પિતા શાળામાં જયારે રીસેષ પડે ત્યારે પથારો લઇ આમલી, ભૂંગળા, ચોકલેટ એવું છુટક વેચીને ગુજરાન ચલાવતાં હતાં. પ્રકાશને આંખે જોવામાં ખુબ જ તકલીફ છતાં ભણીને કંઇક બનવાની એક મહત્વકાંક્ષા હતી. એનો ભણવાનો લક્ષ્ય બસ એટલો જ હતો કે, મારે ભણીને સૌ પ્રથમ નોકરી શોધવી અને થોડા ઘણાં પૈસા ભેગા થાય એટલે પોતાની, પિતાની અને બહેનની આંખોનો ઇલાજ કરાવવો. માતાને ઘરકામ છોડાવી પોતાના ઘરમાં રાણી તરીકે રાખવી. જેથી ભવિષ્યમાં એનાં પરિવારનાં સભ્યોને કોઇપણ જાતની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહિ. 

આ વર્ષો દરમિયાન ભારત દૂર સંચાર નિગમ  નાં ફોનનો જમાનો હતો. મારા ઘરે ફોન હતો, પણ પ્રકાશ જયારે પણ મારો સંપર્ક કરવા ઈચ્છતો ત્યારે S.T.D. બુથનો ઉપયોગ કરતો. આમ ને આમ વર્ષો વિતતાં ગયા, અમે F.Y.B.Com માં પ્રવેશ લીધો. પરીક્ષાનાં ટાઈમ ટેબલ પણ એ મારા દ્વારા લખતો કારણ કે ૧૫ જેટલાં ચશ્માનાં નંબર હોવાને કારણે એ વાંચી શકવા માટે સમર્થ ન હતો. લગભગ ૧ સે.મી. નું અંતર હોય તો જ એને વાંચવામાં ફાવટ આવે તે પણ સામાન્યતઃ. ભણવાની તમન્ના અને શક્તિ એવી કે નામાનાં વિષય અને આંકડાશાસ્ત્રમાં અમે ગણનયંત્રનો ઉપયોગ કરતાં, પણ એ ફક્ત આંગળી ના વેઢે ગણતરી કરતો હતો. નરી આંખે જોઇ શકતાં અમે શરમાઇ જઇએ એવી પ્રકાશની ગણતરી; તેમ છતાં ગુણમાં અમારાથી આગળ. આમ ને આમ દિવસો વિતતા ગયાં, વર્ષો વિતતા ગયાં અને તે અરસા દરમ્યાન ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં. આ સમય  દરમ્યાન લગભગ ૨ મહિના સુધી અમે સંપર્કમાં ન રહ્યાં.

એક દિવસની વાત છે. અચાનક રાત્રે ૮:૩૦ વાગ્યે મારા ફોનની ઘંટડી રણકી. મેં ફોન ઉઠાવ્યો અને જે અવાજ આવ્યો એ સાંભળીને મને ખુબ જ ખુશી થઈ. એ ફોન પ્રકાશનો હતો. ‘હેલો ભાવિન હું પકાસ’.... પ્રકાશ હંમેશા પોતાનું નામ ‘પકાસ’ જ કહેતો. કેટલીયે વાર અમે એને પકાસ પકાસ કરીને ચીડવતાં પણ હતાં, પણ પ્રકાશ એ તો મસ્ત મૌલા, એને કોઇ ફરક પડતો નહીં. આ ફોન ૨ મહિના પછી હું પહેલો ગણું કે છેલ્લો ગણું, ત્યાર પછી કદીયે એ અવાજ સાંભળવા મળ્યો નહિ.

 વર્ષો  પછી અમારી વાતચીત થતી હોય એમ, અમે બે મિત્રોએ ઘણી વાતો કરી અને એનાં એક શબ્દએ આજદિન સુધી મને બેચેન કરી દીધો છે. વાતનાં અંતિમ તબક્કે એણે એમ કહ્યું કે “ તું કદી મારા ઘરે તો આવ! ઘણાં સમયથી આપણે મળ્યાં નથી. તું મને ભૂલી ગયો કે શું? વાત આગળ ચલાવતા એણે કહ્યું કે તું તો એટલું ભૂલી ગયો છે કે પકાસ મરી જશે તો પણ તું નહિ જ આવી શકે.” કહેવાય છે કે આપણે જે કાંઇ પણ બોલીયે છીએ, ભગવાન દરેક શબ્દો પર તથાસ્તુ કહેતા હોય છે અને એ શબ્દ પર જાણે ભગવાને તથાસ્તુ કહી દીધુ હોય એમ, એવું જ થયું. કોલેજમાં એક્સ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતાં અને અમારા બન્નેનાં પરિચિત મિત્ર એવાં રાજેશભાઈનો ફોન આવ્યો, રાજેશભાઇએ જણાવ્યું કે પ્રકાશ આજે હ્રદય રોગનાં હુમલાનાં કારણે મ્રૂત્યુ પામ્યો છે. સાંભળતાં જ મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ, હાથ-પગ ઠંડા પડી ગયાં અને શરીર પ્રસ્વેદથી તરબતર થઇ ગયું, હ્રદયનો ધબકાર પણ જાણે એક ક્ષણ માટે થંભી ગયો, મનમાં એક પ્રકારનો શુન્યાવકાશ છવાઈ ગયો. મગજ વિચારોનાં ચકડોળે ચઢી ગયું, આ શું? હજુ બે દિવસ પહેલાં તો પ્રકાશ સાથે વાત થઇ અને આજે અચાનક! ઓહો...!

પ્રકાશ હંમેશને માટે આ જગતથી ઓઝલ થઇ ગયો હતો. હંમેશા મારા ફોનમાં ગુંજતો શબ્દ ‘પકાસ’ હવે મુંગો થઈ ગયો હતો. અમારી આખરી વાતચીતમાં એનાં જણાવ્યા મુજબ હું એની સ્મશાનયાત્રામાં પણ જઈ શક્યો નહિ, તે પણ ક્યાં સુધી? આજનો દિવસ, જ્યારે એનાં પિતા પણ હવે હયાત નથી રહ્યાં ......હું એના ઘરે જઈ શક્યો નથી. 

વિધિની વક્રતા એટલી હદ સુધી કામ કરી ગઈ કે મારા દ્વારા એને આપવામાં આવેલો વાયદો, કે હું તને ચોક્કસથી મળવા આવીશ; એ વાયદો જ રહ્યો. આજે મારો મિત્ર પ્રકાશ આ દુનિયાથી ઓઝલ વ્યક્તિત્વ  બની ચુક્યો છે. પણ એને નહિ મળી શકવાનો, એનાં અંતિમ દર્શન પણ નહિ કરી શકવાનો રંજ આજે પણ મારા હ્રદયમાં કાંટા સમો ખુંચી રહ્યો  છે. પ્રકાશની ચિતા તો ઠરી ગઈ છે પણ પશ્ચાતાપની ચિતા આજે પણ મારા અંતરમાં ભડકે સળગી રહી છે. કાશ હું એક વખત પણ મારું  આળસ ત્યજીને એને મળવા ગયો હોત, કાશ એનાં ફોન આવતાં પહેલાં જ હું સામેથી વાતચિત કરવા ઉત્સાહી થયો હોત તો કદાચ આજે મારું મન આટલો રંજ અનુભવતું ન હોત. 

ક્યારેક આપણાં મિત્રો, સ્વજન કે નિકટ રહેલા વ્યક્તિઓ આપણી સાથે જે કંઈ પણ અસહજ વાત કરે, એને સમય પર છોડીને વાયદો આપવાનું ટાળો. ભગવાન શ્રી રામ પણ અજાણ હતાં કે એમણે અયોધ્યા નગરીનો મહેલ છોડી ૧૪ વર્ષ વનમાં રહેવું પડશે.  આ પરથી ભગવાન શ્રી રામને ઉદ્દેશીને લખાયેલી એક પંક્તિ યાદ આવે છે,

ન જાણ્યું જાનકી નાથે, કાલે શું થવાનું !

બની શકે એટલી આજને જીવો, કાલ પર વિજય કોઈનો થયો નથી અને થવાનો નથી.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational