Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manoj Joshi

Inspirational Thriller

5.0  

Manoj Joshi

Inspirational Thriller

ખીર

ખીર

4 mins
15.1K


પ્રો.ડૉ.મનોજ જોશી (મહુવા)

ભાદરવા મહિનાનો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હતો. દાદાજીના શ્રાદ્ધનો દિવસ હતો. આમ તો ઘરની હાલત એવી ન હતી કે દુધપાક, પૂરી અને દાળભાતના જમણ પામી શકાય. પણ પિતૃતૃપ્તિ માટે ભાવપૂર્વક ભોજન બનાવી, કાગવાસ નાખવી જ પડે એવો બાપાનો દ્રઢ વિશ્વાસ એટલે ગમે તેમ થોડો ઘણો જોગ કરીને, પડોશી ખેડૂત કરમશીદાદા ના ઘરે થી ઉધાર દુધ અને લખમીચંદ શેઠની દુકાનેથી ખાંડ, જાયફળ અને દાળ ચોખા હું સવારે જ લઇ આવેલો.

એ સમયે પરિસ્થિતિ એવી કે દાળભાત પણ વૈભવી જમણ ગણાતું. કાં તો કોઈ મહત્વના મહેમાન આવ્યા હોય અથવા તો કોઈએ બ્રહ્મચોર્યાસી રાખી હોય ત્યારે દાળભાતની મોજ માણવા મળતી. દૂધપાકની તો વાત જ ક્યાંથી હોય? એક ડઝન ભાઈ-બહેન સાથેના બહોળા પરિવારમાં દુધપાક બનાવીને ખાવાનું સપનું જોવા જેટલા શ્રીમંત અમે નહોતા, એટલે શ્રાદ્ધના દિવસે ખીર બનતી અને બધાને એક એક વાટકો ખીર ખાવા મળતી. બા એ પોતાની ટેવ મુજબ પોતાના મીઠા સ્વરથી કીર્તન ગાતા ગાતા રસોઈ માંડી.

મેં આજે શાળામાં ગુલ્લી મારેલી. શનિવાર હોવાથી અર્ધા દિવસની શાળાએ જવાને બદલે કામના બહાને ઘરે જ રહેલો. સવજી ભગતના પશવા (પરષોત્તમ)એ મને શીખવાડેલું કે નદીમાં ખૂબ ન્હાઈએતો વધારે ભુખ લાગે. એટલે એ અને બીજા ચાર-પાંચ ગુલ્લીબાજ દોસ્તારો સાથે હું તો નદીએ ન્હાવા પહોંચી ગયેલો. ડૂબકી દાવ રમવામાં અને ઉંચી ભેખડ પરથી ધુબાકા મારવામાં ઘેર આવતા બે વાગી ગયેલા.

ઘરે પહોંચ્યો ત્યાં બધાએ જમી લીધેલું, બહેનો ચોકડીમાં વાસણ માંઝતી હતી. બા રસોડામાં કામ આટોપતી હતી. હું તો સીધો જ આસન પથારીને બોલ્યો , "બા, જલ્દી ખાવાનું દઈ દે. ખરેખરી ભુખ લાગી છે."

બા એ ક્ષણભર મારી સામે જોયું. પણ કંઇ બોલી નહીં. આવા 'રાજભોગ' ના જમણ વખતે બા જે હોંશથી હસતા હસતા થાળી પીરસતી એના બદલે મૂંગા મૂંગા થાળી પીરસી, મારી સામે મૂકી.

પૂરી અને રસાવાળા બટેટાના શાકની સુગંધથી ભુખ બમણી થઇ ગઈ. મને ભાવતા ભરેલા રજવાડી મરચાં અને કેરીનું અથાણું થાળીની શોભા વધારતા હતા. પણ આજની ખાસ વાનગી ખીર જ ગેરહાજર હતી. મેં જરા ખીઝમાં બા ને પૂછ્યું - "ખીર?"

બા જવાબ આપે એ પહેલા મેં આસપાસ નજર નાખી લીધેલી. ક્યાંય ખીરની તપેલી કે વાટકી હતી નહીં. થાળી હડસેલી, હું ઉભો થઇ ગયો. ગુસ્સાથી આંખમાં આંસુ ધસી આવ્યા, રોષ ભર્યા સ્વરે મેં રાડ પાડી. "નથી ખાવું મારે." બા રોકે એ પહેલા તો હું પગ પછાડતો બહાર ભાગ્યો.

ગામના પાદરમાં રસ્તા પર જ બે ઘટાદાર લીમડા હતા. બંનેની વચ્ચેથી રસ્તો પસાર થતો હતો એટલે અમે એને 'બે વચ્ચે લીમડી" કહેતા હતા. આ લીમડા અમારા મિત્રોના મિલન સ્થાન હતા. ઉનાળામાં કેરીની અવેજીમાં આ લીમડા અમને મીઠી લીંબોળી આપતા. બંને લીમડા પર ઓળકામણી દાવ રમતા. આ લીમડા પર વચ્ચેની એક મોટી ડાળીને અઢેલીને હું રડતો બેઠો.

થોડીવારમાં તો મારી મોટી બહેન મને શોધતી ત્યાં આવી. નીચે ઉભી રહી, રડમસ અવાજે બોલી, "અલ્યા, બા ની વાતેય સાંભળ્યા વિના એને રડતી મુકીને તું અહીં બેઠો છે? ઘેર ચાલ નહીતર બા ના સમ છે". બા ના સમ દીધા એટલે હું ભારેખમ મોઢે નીચે ઉતર્યો. ફરિયાદભરી નજરે બહેન સામે જોઈ, બોલવા ગયો ત્યાં જ બહેને મને અટકાવીને કહ્યું "પહેલા મારી વાત સાંભળી લે. જો, તું આવ્યો એ પહેલા બા એ થાળ ધરાવી દીધેલો. બાપાએ વાસ નાખી દીધેલી. શાળાએથી છૂટીને બધા ભાઈ-બહેનો જમતા હતા ત્યાંજ ગઢડાથી ભીખુમામા અને મામી અચાનક આવ્યા. એમને બોટાદ જવું હતું. પણ ટ્રેન બે - અઢી કલાક મોડી હતી. એટલે મામા-મામી બાને મળવા ઘરે આવ્યા".

મોટા મામા ગઢડા તાલુકા પંચાયતમાં હતા. ગઢડાથી ટ્રેઇનમાં મારે ગામ આવી, બીજી ટ્રેનમાં બોટાદ જવાતું. એટલે આમ ક્યારેક અચાનક આવી ચડતા. મામા-મામી આવ્યાં એટલે એવા સમયે જમાડીને જ મોકલવા પડે એ હું સમજ્યો. બહેન બોલી, "બા અને બાપાએ તો ભગવાનને ધરાવેલી ખીરનો ચમચી પ્રસાદ લીધો. બાપાએ પણ જમવામાં ખીર ન લીધી. બા તો હજી તારી રાહમાં જમ્યાં જ નથી. ભુખ્યા તરસ્યા તારી રાહ જોઈને બેઠાં હતાં. તું આવે પછી તારી સાથે જમવા માટે. પણ તું તો કઈ સાંભળ્યા - સમજ્યા વગર રીસાઈને ભાગ્યો. બા બિચારા રડે છે. તને બા નો કઈ વિચાર ના આવ્યો?"

અત્યાર સુધી રીસમાં રડતી મારી આંખોમાં હવે બાને સમજી ન શક્યાનો અને નાહક એને દુભવ્યાના આંસું વહેતાં હતાં. હું બહેન સાથે મૂંગો મૂંગો ઘર તરફ ચાલ્યો. ઘેર પહોંચીને નીચી નજરે બાની સામે બેસી પડ્યો. મારી રાહમાં સગા ભાઈ-ભાભી સાથે જમવાને બદલે ભુખી બેસી રહેલી બા અને સગા બાપના શ્રાદ્ધના પ્રસાદ રૂપી ખીર નહીં ખાનાર બાપનો વિચાર કરતાં જ હું પસ્તાવાના કારણે ધ્રુસ્કે ચડ્યો. બા એ પોતાની આંખો લુછી, મારા માથે હાથ મુકીને ચહેરા પર હાસ્ય લાવવા મથતા બોલી, "અસલ તારા બાપ જેવો ખીઝાળકો અને ઉતાવળીયો. લે હાલ્ય હવે ખાવા બેહી જા."

હું મોઢું ધોઈ, જમવા બેઠોને હાથ પકડીને બાને પણ મારી સાથે જ જમવા બેસાડી દીધી. બાની સાથે જમવામાં ખીર કરતાંય વધુ મીઠાશ હતી. આજે મને સમજાયું "મા તે, મા, બીજા વન વગડાના વા."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational