Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૧૦)
એક સાંજનો ઓછાયો (૧૦)
★★★★★

© Falguni Parikh

Others

5 Minutes   7.3K    20


Content Ranking

નિર્ધારિત સમયે દૂરથી બોટના મશીનનો અવાજ આવવા લાગ્યો, બધા સર્તક થઈ ગયા. એ બોટ દૂર આવીને ઊભી રહી થોડા સમય સુધી કોઈ હરકત ના થતા બધા વિચારવા લાગ્યા - કેમ સંકેત નથી આવતો? તે બોટ પોલીસની નથીને? આજે માલની ડિલિવરી થશે? એવી શંકા કુશંકા વચ્ચે વીસ મિનિટ પસાર થઈ ગઈ.

આવેલી બોટ પરથી સંકેતમાં ચાર વખત પ્રકાશ રેલાયો. સંકેત મળતા બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. રાઘવની બોટ એ બોટની નજદીક પહોચી. નાસીરે આપેલા કોડવર્ડ આપતા, તે યોગ્ય લાગતા - માણસનો ઈશારો થતા - ફટાફટ માલની ડિલિવરી તેમની બોટમાં થવા લાગી. રાઘવે સામે રૂપિયા ભરેલી બેગોની આપલે કરી. રૂપિયા મળતા એ બોટે જવા માટે ટર્ન કર્યો, અચાનક ચારેબાજુથી લાઈટોના પ્રકાશ દરિયાના પાણી પર રેલાયા. રાઘવ અને સામેવાલી બોટ કંઈ સમજે એ પહેલા તેમને ઘેરવામાં આવ્યા.

ટાઈગર ગેંગના માણસો રાઘવની બોટની નજીક આવવા લાગ્યા. મહેશ- અશોક પરિસ્થિતિ સમજી જતા બોટને મુંબઈ તરફ ગુમાવવાનો ઓર્ડર આપી ભાગવા લાગ્યા. એ રાત જાણે દરિયામાં બોટોની સંતાકૂકડી રમાવા લાગી હતી. બંને ગેંગના માણસો કાંઈ સમજે એ પહેલાં હવામાં એક ગોળીબાર થયો અને એક ધારાવાહી અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને બધા ચોંકી ઉઠ્યા - પોલીસ?  પોલીસ અહીં કયાંથી?

પોલીસને માછીમારોના વેશમાં જોતા બધી બોટો આગળ પાછળ થવા લાગી. રાઘવ મહેશ તેમનાથી બચીને કિનારા તરફ બોટને હંકારવા લાગ્યા. પોલીસ અને તેમની વચ્ચે અંતર વધી ગયું.

કિનારે પહોંચી ઝડપથી માલને સહીસલામત બચાવવા, મહેશે અગાઉથી પ્લાન મુજબ ગુપ્ત રીતે માલને રવાના કર્યો. પોલીસ આવી જતા કિનારે અંધાધૂંધીનું માહોલ સર્જાયો. ત્યાંના લોકોને સમજ ના પડી - માછીમારો અને આ લોકો વચ્ચે કેમ દોડા-દોડ થાય છે??

રાઘવ - દોસ્ત તું જલ્દીથી પેલી બાજુ બાઈક પાર્ક કરી છે ત્યાંથી નીકળી જા. હું અને બીજા સાથીઓ આ પોલીસને - એમ કહેતા બાઈકની ચાવી રાઘવને સોંપી. રાઘવ કિનારાની વસ્તી બાજુ પાર્ક કરેલી બાઈક તરફ ભાગ્યો.

ઈ. ઘોષ - પોતાના સાથીઓને રાઘવના માણસો પાછળ લગાવ્યા અને ખુદ રાઘવની પાછળ દોડયા.

રાઘવને બૂમ પાડી રોકતા બોલ્યા, ડોન્ટ રન ફાસ્ટ. સ્ટોપ ઈટ. શરણાગતિ સ્વીકારી લે, નહી તો ફાયરિંગ કરવું પડશે. રાઘવ કયાં માનવાનો હતો? રાઘવ ઝડપથી બાઈક પાસે પહોંચી તેને સ્ટાર્ટ કરવા લાગ્યો. રાઘવ પલાયન થઈ જશે એ વિચારે ઈ. ઘોષે તેને રોકવા ગોળીબાર કર્યો. જે રાઘવને ડાબા ખભા પર વાગી. ગોળીના ધકકાથી રાઘવ બાઈક પરથી બેલેન્સ ગુમાવતા પડી ગયો. જોયું, ગોળી ચલાવનાર નજીક આવવા લાગ્યો છે - પોતાને બચાવવા દરિયાકિનારે રહેનારા લોકોની વસ્તી તરફ ભાગ્યો. ઈ. ઘોષ ઝડપથી તેની પાછળ ભાગવા લાગ્યા. ગોળીનો અવાજ સાંભળીને વસ્તીવાળા ચોંકી ગયા, વિચારવા લાગ્યા કઈ ગેંગના દુશ્મનો હશે?

રાઘવને ગોળી વાગતા લોહી નીકળતું હતું. એક હાથ ત્યાં દબાવી - દર્દને સહન કરતો ખુદને પોલીસથી બચાવવા વસ્તીમાંથી દોડતો જતો હતો. અચાનક કોઈનો હાથ તેના હાથ પર આવ્યો, બાવડેથી પકડીને તેને તરત ઘરમાં ખેંચી લીધો, દરવાજો બંધ કર્યો. રાઘવ - અચાનક આ થવાથી વિચારમાં પડી ગયો, એ હાથ કોનો છે?

અચાનક ખેંચવાના કારણે બંનેનું બેલેન્સ ના રહેતા જમીન પર પડયા. રાઘવને ગોળી વાગી હતી, જમીન પર પડવાથી વધુ દર્દ થતા તે કણસી ઉઠયો.નજર ઉઠાવી જોયું, તેને ખેંચનાર એક યુવતી છે. દર્દથી કણસતા ઉભો થવા લાગ્યો, ત્યાં એ સૂરીલા અવાજે બોલી, તમે ખાટ પર બેસો, ખૂબ લોહી નીકળી ગયું છે. હું પાટો બાંધી આપું. એમ કહી ઝૂંપડીના બીજા ભાગમાં ગઈ. થોડીવારમાં હાથમાં- ચપ્પુ, મીણબત્તી, પાટા માટે કપડું લઈને આવી. મીણબત્તી પ્રગટાવી, રાઘવનો લોહીવાળો શર્ટ ઉતારતા બોલી, ડરશો નહી, જરા દર્દ થશે. એમ કહી, ચપ્પુને ગરમ કરવા લાગી. રાઘવ આ અજાણી યુવતીની ક્રિયા નિહાળી રહયો. ધીરે ધીરે એને એ ગોળી કાઢી નાખી. રાઘવ દર્દથી તડપતો હતો. ગોળી કાઢી નાંખ્યા બાદ હળદર લગાવી પાટો બાંધી આપ્યો. સાથે સૂચના આપી- અહીંથી બહાર નીકળી પહેલા ડોકટર પાસે સારવાર કરાવજો, નહી તો ઘાવ ઘેરો થઈ જશે. દર્દથી પીડાતો રાઘવ એની વાત સાંભળી ના  સાંભળી અને ખાટ પર બેભાન થઈ ઢળી પડયો.

મહેશ- અશોકને સાથીઓ પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા. માલ સહીસલામત ધારાવી પહોંચી ગયો હતો. ઈ. ઘોષ ના હાથમાં રાઘવ આવ્યો નહી. ટાઈગર ગેંગના માણસો ઝડપાયા. રાઘવ આણી મંડળી છટકી ગઈ હતી.

ધારાવી આવી મહેશે જોયું - રાઘવ આવ્યો નથી. તેને ચિંતા થવા લાગી. શું થયું હશે? તે આવ્યો કેમ નથી? પકડાય ગયો હશે?? કયાં છે? મોબાઈલ લગાવ્યો, રીંગ જતી હતી, કોઈ ઉઠાવતું નહતું. ખુદ પર પસ્તાવો થવા લાગ્યો. રાઘવને એકલો મૂકવા જેવો નહતો. આટલા બધા દુશ્મન છે, કયાંક કોઈએ તેને? ના.. ના.. મહેશ મનમાં આવતા વિચારોને ખંખેરીને રાઘવના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો.

બીજા દિવસે મહેશ એ વસ્તી ગુપ્તવેશે ગયો. પોતાની રીતે શોધખોળ કરી. ફકત બાઈક પડેલી જોવામાં આવી. બાઈક પાસે પોલીસના માણસને ઊભા રહેલા જોયા, ત્યાંથી ચૂપચાપ ખસી ગયો. વસ્તીના માણસોમાં ભળી ગયો. વસ્તીવાળા કાલે રાતે ગોળીબાર અને કોઈને પકડવા દોડતા માછીમારની વાતો અંદરોઅંદર કરતાં હતા. એ સાંભળી મહેશને ચિંતા થવા લાગી, કયાંક એ રાઘવ તો?

ઈ. ઘોષને ખાતરી હતી, રાઘવને ગોળી વાગી જ છે, અને એ હજુ પણ વસ્તીમાં છે. બીજે દિવસે પોલીસની ટુકડી સાથે આવીને બધી ઝૂંપડીએ શોધખોળ કરવાનું શરૂ કર્યું.

રાઘવ બેભાન થઈ જતાં એ બચાવનાર યુવતીને ચિંતા થઈ. સવારે ચૂપચાપ વસ્તીમાં આવેલા નાનકડા દવાખાને પહોંચી. ત્યાંનો કંપાઉન્ડર વસ્તીનો માણસ હોવાથી તેની પાસેથી દવા લઈ પરત ફરતા વસ્તીમાં પોલીસને જોતા સમજી ગઈ.

સવારમાં વસ્તીમાં પોલીસને જોતા વસ્તીમાં ગુસ્સો, ક્રોધનો માહોલ ઊભો થયો. લોકો ટોળે વળી ગયા. લોકોનો ગુસ્સો જોતા ઈ. ઘોષે હકીકત જણાવી, ત્યારે લોકો સહકાર આપવા તૈયાર થયા. ઈ. ઘોષનો ઈશારો થતાં, દરેક ઘરની તલાશી શરૂ થઈ.

દવા લઈ જલ્દીથી ઘરે આવી એ યુવતીએ, લોહીના ડાઘા, રૂ, શર્ટ બધુ સગેવગે કરી નાખ્યું. હવે આ અજાણ્યા બેભાન માણસને કયાં લઈ જવો? કયાં સંતાડવો? પોલીસ બધાના ઘરની તલાશી કરે છે, થોડા સમયમાં અહી આવી પહોંચશે. શું કરવું એ સમજ પડતી નહતી.

અચાનક મનમાં વિચાર આવતા એ યુવતીના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. હવે તેનો અમલ કરવાનો બાકી રહયો.

વસ્તીના મોટાભાગના ઘરોની તપાસ થઈ ગઈ હતી. દરિયાકિનારાના છેવાડાના થોડા ઘરો બાકી હતા. રાઘવની ભાળ મળતી નથી, ઈ. ઘોષ વિચારી રહયા, તેને શું આ ધરતી ગળી ગઈ છે? તે કયાંય મળતો નથી.

પોલીસ ટુકડી સાથે એ પણ ત્યાં આવી પહોંચ્યા, જયાં રાઘવ બેભાન હતો. ઘરનો દરવાજો અધખુલ્લો હોવાથી ટકોરા મારતા - અંદરથી યુવતીનો અવાજ આવ્યો - કોણ છે માટી મેલ્યા? સવાર સવારમાં કોણ ટપકી પડયા?

યુવતીનો અવાજ સાંભળી સાથે આવેલ પોલીસ ટુકડીમાં સ્ત્રી જવાબ આપ્યો - ત્યારે અંદરથી જવાબ આવ્યો, અંદર આવી તપાસી લો, હું જરા કામમાં છું.

સ્ત્રી પોલીસ અંદર દાખલ થઈ જોયું, યુવતી અને યુવક ખાટ પરએક બીજામાં લીન હતા. સ્ત્રી પોલીસે બહાર આવી ઈ. ઘોષને જણાવ્યું. (એ યુવતીએ બેભાન રાઘવને પોતાની આડમાં એ રીતે ખાટ પર સંતાડયો હતો, જોનારને એમ લાગે કે તેઓ પ્રેમક્રીડા કરવામાં વ્યસ્ત છે.) બધા ઘરોમાં તપાસ પૂરી થઈ, પરિણામ શૂન્ય આવ્યું.

ઈ. ઘોષ વિચારમાં પડી ગયા - આખરે એ ઘાયલ રાઘવ ગયો કયાં?

(ક્રમશઃ)

એક સાંજનો ઓછાયો નવલકથા ભાગ૧૦

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..