મોટોભાઈ
મોટોભાઈ
રામલો પથારીમાંથી ઉઠ્યો. કાથી ભરેલા ખાટલા ઉપરનું ગાભાનું ગોદડું આજ પણ પલળેલું હતું. ઓઢવાની ચાદર પણ અડધી પડધી ભીની હતી. ચડ્ડી તો થોડી ઘણી શરીરની ગરમીથી સુકાઈ ગઈ હતી. રામલાના શરીરમાંથી પેશાબની ગંધ વહેતી હતી. વિલાયેલા મોઢે રામલાએ નીચું માથું કરીને જ ઓસરીની કોરે થાંભલીની પાસે પડેલું દાંતણ લીધું ને બીજા હાથે પાણીની ડંકીના ઓટલા પાસેથી ડબલું લઇ , નદી તરફ ભાગ્યો. રામલાના કાને માના વેણ અથડાણા, “રોયો , મુતરણો. આજે ય મૂતરી ગ્યો. ગોદડું ભરી મુક્યું. જો વરસાદ તૂટી પડશે તો ઈનું ગોદડું હુકાશે નહિ. પાછા કેટલાક ગોદડા મુતરવાળા કરવા? રોયો ભમરાળો હુધરતો જ નથ્ય.”
રામલાને આ રોજનું થયું. પાણી પીધા વિના જ સુઈ જાય. સુતા પહેલા ન લાગી હોય તોય બળ કરીને પેશાબ ઉતારી આવે, પણ સવારમાં પથારી પલળેલી જ હોય, ને ઊંઘ પણ એવી કે ભીના ગોદડામાં પેશાબની દુર્ગંધમાં પણ રામલો રાતે જાગેય નહિ. સવારે ઉઠે ત્યાં માના આકરા વેણ અને ભાઈ-બહેનની તિરસ્કાર ભરી નજરોથી વીંધાવાને બદલે ભાગે સીધો નદીએ. બારેમાસ વહેતી નદી એને માની ગોદની હુંફ આપતી. જીણી રેતી ચોળી ચોળીને રામલો દેહને રાતો ચોળ કરી નાખતો ને ચડ્ડીને ખમીસ પણ છબછબાવીને નીચોવીને નદીના પટમાં સુકવી દેતો. નદીમાં ડૂબકી સાથે આંખના આંસુ ભળી જતાને નીરમાં સમાઈ જતા.
રામલાને ઘરે જવાનું મન નહોતું. આખો દિવસ મા સહીત નાના મોટા બધા ખીઝમાં એને હીને બોલાવતા. માને અને મોટી બહેનોને જાજું કહી શકે એમ નહોતો. પણ નાના ભાઈ-બહેન સામે છાસીયા કરી, મારવા દોડતો. નાના ભાઈ-બહેન ભાગતા ભાગતા ય મુતરણો કહી ચીડવતા. રામલો ચૂપ થઇ જતો. હજી તો ઘર સુધી જ વાત હતી. જો ખડકીની બાર વાત પહોંચેતો શેરીમાં અને ગામ પોતાના કેવા ભૂંડા હાલ થાય એ વિચાર એને કમકમાવી જતો. જોકે માએ ઘરનાઆ વાત ક્યાંય બા'ર ગઈ તો નારની ખેર નથી. હાડકા ભાંગી નાખીશ.”
રામલા એ નદીના ઘૂનામાં ડૂબકી મારી. એને થતું કે પાણીમાં ડૂબીને જીવી શકાતું હોત તો તે કદી બહાર જ ના આવેત. અચાનક એને યાદ આવ્યું કે આજે નિશાળે તો જવાનું જ છે. નહીંતર માસ્તર ગેરહાજરી પૂરશે તો બાપાને ચિઠ્ઠી મોકલશે તો પાછો માર ખાવો પડશે. પોતે ઘરનો મોટો ભાઈ હતો, પણ પોતાની ઘરમાં જ કઈ આબરૂ ન હતી. ઘરે તો ય પગ ઘર તરફ વળ્યા. બીજો આશરો ય ક્યાં હતો ? મનમાં મા, બાપ, ભાઈ, બહેન બધા પર દાઝ ચડતી હતી. વિચારશે કે પોતે કંઈ જાણી કરીને પથારી પલાળતો નોતો. તો ય બધા એને નફરત કરતાં હતા. એને થયું કે આવું તે કંઈ હોતું હશે ? આના કરતાં તો ક્યાંક ભાગી જવું સારું.
કોઈના કટુ વેણ સાંભળવા ન પડે એટલે છાનો માનો ઘરમાં ઘૂસ્યો. બે મોટી બહેન અને નાના ભાઈ-બહેન બા પાસે અંદર ઓરડામાં જ હતા. રામલો ઓસરી ચડીને સીધો ઓરડાના બારણા પાસે બહાર લપાઈને ઉભો રહી ગયો હતો. અંદર બા કહેતી હતી, “મોટી, શાંતુ ફઈ કેતી તી કે પાળીયાદ ઠાકરની માનતા કરવી. આંઈથી હાલીને પાળીયાદ જવાનું. ધજાવાળાને બે દીવા કરી નાળીયેર વધેરવાનું”. નાનકો બોલ્યો- “બા, તું એટલું બધું હાલી હકીશ ?” “અરે , નાનકા તારો મોટોભાઈ પથારી પલાળતો બંધ થતો હોય તો વિલાત જાવું પડે તો ય તારી મા હાલીને જાવા તિયાર છે. ઈમ કરતાંય મારો મોટો બસાડો હાજો થતો હોયતો.” માનું ગળું ભરાઈ આવ્યું. મેટ્રિકમાં ભણતી મોટી બહેને કહ્યું, "બા રો માં , મોટાભાઈને ધજાવાળો ઠીક કરી દેશે. નાના ભાઈ-બહેન અમેય ભાઈ માટે થઈને બા સાથે ચાલીને આવીશું. હારોહાર આપણે ભાઈની દવા ય કરાવશું". લખમીચંદ શેઠના કુટુંબના પાંચ ભાઈ-બહેનના ટ્યુશન હું કરીશ. ને એના રૂપિયામાંથી ભાઈની દવા કરીશું.
બારણાની પાછળ ઉભેલા રામલાના હૈયામાં ભરેલ ડૂમો આંખમાંથી આંસુ બનીને વહી રહ્યો હતો. પાઈ પૈસો ભેગો કરીને બચાવેલો રૂપિયો લઈને રામલો દોડ્યો સીધો કાળુશેઠની દુકાને પાવલીની બાપા માટેની તાજ છાપ સિગારેટ, પાવલીની બજર ની પડીકી, પાવલીની મોટી બહેનોને ભાવતી ખારીશિંગ અને છેલ્લે વધેલ પાવલીની બે નાના ભાઈ-બહેનો માટે ચોકલેટ લઈને હસતા ચેહરે ઘરમાં પ્રવેશ્યો. આખરે પોતે આ ઘરનો મોટો ભાઈ હતો.