Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Crime Drama Thriller

3  

Mariyam Dhupli

Crime Drama Thriller

હમદર્દ

હમદર્દ

4 mins
7.3K


ના, પોતે કોઈ અધર્મ આચર્યું ન હતું. મનને એની પુરી ખાતરી અપાઈ રહી હતી. લાંબા સમયથી મનમાં ચાલી રહેલું શીતયુદ્ધ આજે આખરે સમાપ્ત થયું હતું. પોતે આખરે માટીનું એક શરીર જ તો છે અને આ શરીરને એની પોતાની માનવસહજ જરૂરિયાતો અને ઈચ્છાઓ ખરી. એ ઈચ્છાઓ અને જરૂરિયાતો સાવ પ્રાકૃતિક હોય, એની સામે નાનમ કેવી? કોઈ શરમ કેવી? અપરાધભાવ કેવો? શરીર જયારે પ્યાસુ થાય ત્યારે પાણી માંગે, ભૂખ્યું થાય ત્યારે ખોરાક માંગે, માંદગીમાં મુકાય ત્યારે ઔષધિ ઈચ્છે એજ રીતે જયારે ....

શર્મિષ્ઠાના મૃત્યુ પછી એનું સ્થાન જીવનમાં કોઈને ના આપી શકાય. ફક્ત શારીરિક જરૂરિયાત સંતોષવા કોઈને જીવનસાથી કઈ રીતે બનાવી લેવાય? એતો ધોખો કહેવાય, દગાબાજી કહેવાય, અન્યાય કહેવાય. કોઈની લાગણીઓ જોડે રમત કરવી એનાથી મોટું પાપ કયું? કોઈના માંગમાં સિંદૂર ભરી, ગળામાં મઁગળસૂત્ર બાંધી મારા ઘરમાં કઈ રીતે લઇ આવું? જેની દરેક દીવાલ, દરેક ખૂણા અને દરેક વસ્તુઓમાં ફક્ત અને ફક્ત શર્મિષ્ઠાનો વાસ છે. અરે ઘરમાંજ શું, મારી આત્માના રજે રજમાં ફક્ત શર્મિષ્ઠાજ તો વહે છે અને અંતિમ શ્વાસ સુધી વહેતી રહેશે. એનું સ્થાન મારા ઘરમાં, મારા જીવનમાં, મારી અંતરાત્મામાં કોઈ અન્ય લઇ શકે એ આ ભવમાં તો શક્યજ નથી. શર્મિષ્ઠા આ દુનિયા છોડી જઈ શકે પણ મારા હૃદયના ઊંડાણોમાં સ્થાપિત એનો વાસ આમજ અકબંધ અને અતૂટ રહેશે. હવે આ તન અને મન બીજા લગ્નતો ન જ કરશે. લોકો માટે સહેલું છે સલાહ આપી દેવું. આમ લાબું આયખું એકલું ન કપાય. શર્મિષ્ઠા પછી હવે બીજા લગ્ન કરીજ લેવા જોઈએ. શા માટે? શર્મિષ્ઠા પ્રત્યેનો પ્રેમ એના શરીરની ગેરહાજરી વિના અદ્રશ્ય થોડી થઇ શકે? એ અહીંજ છે મારી અંદર અને ત્યાંથી એને કોઈ ઝુંટવી શકતું નથી.

શરીરની ઈચ્છાઓ જયારે નિયંત્રણ બહાર પહોંચે ત્યારે એને સંતોષવામાં પાપ કેવો? મારા શરીરને સંતોષવા અન્ય કોઈ માનવીને મેં છેતર્યો નથી. કોઈની સાથે અપકૃત્ય આચર્યું નથી. કોઈના શરીર જોડે બળજબરી તો કરી નથી. કિંમત આપી છે. સહમતી અને મંજૂરી જોડે બધું પાર પડ્યું છે.

અંધકારથી ભરેલી સંગીતમય ગલીઓમાંથી ધર્મ અને અધર્મની આંટીઘૂંટીઓ ઉકેલતા ડગલાંઓ આખરે પોતાના રહેવાસ સ્થળ તરફ આવી પહોંચ્યા. નવા વર્ષને આવકારવા પ્રકાશથી ઝગમગી રહેલો મહોલ્લો ક્રોધાગ્નિમાં બળી રહ્યો હતો. ફટાકડાઓ શાંત હતા અને મહોલ્લાનો દરેક માનવી અગનજ્વાળા સમો સળગી રહ્યો હતો. ક્રોધની જ્યોત સામે દીપાવલીની દરેક જ્યોત ડરીને ધ્રુજી રહી હતી. લોકોના ટોળા વચ્ચે અપરાધી ઘેરાય વળી હતી. અપશબ્દોની વર્ષા થઇ રહી હતી. આબરૂ, લાજ, શરમના વક્તવ્યો અપાઈ રહ્યા હતા. સમાજ પોતાની વિદ્રાનતા અને નૈતિકતાના પાઠનું પુનરાવર્તન કરાવી રહ્યો હતો. ભરી અદાલત વચ્ચે આરોપીની સજા નક્કી થઇ ચુકી હતી.

"આ શરીફ લોકોનો મહોલ્લો છે."

"અહીં આદરપાત્ર કુટુંબ -પરિવાર વસે છે."

"આ આબરૂદાર, પવિત્ર અને ઇજ્જતવાળા લોકોની વસ્તી છે."

"નીકળી જા અહીંથી બહાર."

"કાઢો એને અહીંથી ...."

ટોળા વચ્ચે ઘેરાયેલી અપરાધીનો અપરાધ જાણવા ડગલાં આગળ વધ્યાજ કે પાછળથી હથેળી કોઈએ થામી લીધી.

"માસ્ટર સાહેબ આપ રહેવા દો. આપ જેવા આબરૂદાર માનવી આ ગંદકીથી દુર જ ભલા."

"પણ શું થયું? કોણ છે?"

"સાહેબ કાવેરી છે. હજી બિચારા કાનજીને સ્મશાન ભેગા થવાને વરસ પણ થયું ન હશે અને ....."

"અને શું?"

"કોઈની જોડે રંગે હાથ પકડાઈ છે ....."

"તો ....?"

માસ્તરસાહેબનાં મોઢે નીકળેલું કડક ' તો? ' જરાયે અપેક્ષિત ન હતું. આશ્ચર્યજનક જ નહીં સંપૂર્ણ આઘાતજનક હતું. એ 'તો?' સાંભળનારી આંખો પહોળી હતી અને મન તદ્દન વિસ્મિત!

પોતાનો હાથ એ પ્રશ્નચિહ્ન જેવા હાવભાવો ધરાવતા માનવીના હાથમાંથી છોડાવી, ટોળાને ચીરતાં પગલાંઓ ટોળાની તદ્દન મધ્યમાં આવી થોભ્યા.

પોતાની ભૂલની માફી માંગતું માનવજીવન બે હાથ જોડી આજીજી કરી કરગરી રહ્યું હતું. સમાજમાં રહી શકવાની ભીખ માંગી રહ્યું હતું. પોતાના શરીરની ઈચ્છાઓ અને જરૂરિયાતોને

હાથે વિવશ થઇ આચરેલા પાપની ક્ષમા- યાચના માંગી રહ્યું હતું. રડીને ઊંડે ઉતરેલી આંખોનું ભેજ પોતાની આંખને સ્પર્શ્યું કે નજર ધ્રુજી ઉઠી. એ આંખોમાં ઉભરાઈ રહેલા પ્રશ્નો શબ્દેશબ્દ પોતાના હય્યામાં વલોવાઈ ચૂકેલા પ્રશ્નો જોડે આબેહૂબ મેળ ખાતા હતા, જેના ઉત્તર થોડી ક્ષણો પહેલાજ તો હાથ લાગ્યા હતા.

સહજ પણે પોતાનો હાથ આગળ લંબાયો. ટોળું મૌન બની નિ:શબ્દ થયું. આઘાત અને પ્રત્યાઘાતો વચ્ચેથી રસ્તો કરતો બીજો હાથ એ હાથમાં થમાયો. નીરવ શાંતિ અને સન્નાટામાંથી માર્ગ કાઢતા બે શરીરો એકબીજાનો સાથ આપતા ટોળામાંથી બહાર નીકળી આવ્યા.

નવા વર્ષની એ રાત્રી એ કંઈક એવું બન્યું જે મહોલ્લામાં વસનાર દરેક મનને હચમચાવી ગયું.

આજ સુધી દરેક જીભ ઉપર એકજ પ્રશ્ન છે,

"આખરે માસ્ટર સાહેબ જેવા રુઆબદાર અને આબરૂદારી વ્યક્તિએ કાવેરી જેવી ચરિત્રવિહીન સ્ત્રી જોડે લગ્ન શા માટે કર્યા?"


Rate this content
Log in

Similar gujarati story from Crime