Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ekta Doshi

Others

3  

Ekta Doshi

Others

સ્વર્ગની સૈર

સ્વર્ગની સૈર

8 mins
7.7K


અમદાવાદ - લડાખ - અમદાવાદ

“સરસ મજજાની તક મળી છે મારા સંસ્મરણોને ઢંઢોળવાની, ચાલોને હું લઈ જાઉં તમને સૈર કરવા આ ધરતીના સ્વર્ગની."                 

તમને સમજાઈ જ ગયું હશે કે હું વાત કરવા જઈ રહી છું હિમાલયના કોઈ ભાગની. હા…! સ્વર્ગ ફકત કાશ્મીર જ નહીં પરંતુ પૂરો હિમાલય છે અને હું તમને લઈ જાવાની છું લડાખ.

આમ જોવો તો મારે જવાનું હતું. ૨૯.૦૫.૨૦૧૫નાં, અમદાવાદથી જમ્મુ. પણ મારી તૈયારી શરૂ થઈ ગઈ જાન્યુઆરીથી જ. પ્રવાસ નક્કી કર્યો એટલે પહેલી સલાહ આવી કેમેરા ભૂલતા નહીં, ફોટોગ્રાફીનું સ્વર્ગ છે. હવે સવાલો શરૂ થયા.

સૌ પ્રથમ તો, "કેવી રીતે જવું?" જવાબ હતો, “અનાલા ટુર્સ.” બીજું, "કોની સાથે..." "એકલા."

ત્રીજું… ઘર, વર અને બાળકો પૂરા પંદર દિવસ કોણ સંભાળશે… વહારે આવ્યા મા અને સાસુમા.

ચોથું… તૈયારી કોણ કરાવશે કેમકે આપણે રામ તો ખરીદીમાં “ઢ” જવાબદારી લીધી પતિદેવએ. 

ઓલ ડન તો ચાલો મારી સાથે પ્રવાસે…

સવારે અગિયાર વાગ્યે અમદાવાદ રેલવસ્ટેશન યાત્રીઓથી ઉભરાતું હતું. મે મહિનાની ગરમી, ટ્રાફિકની સમસ્યાને કારણે માંડ માંડ સમયે પહોંચી, બાકીના ગ્રુપ મેમ્બર્સ આવી ગયા હતા અને કો-ઓર્ડીનેટર પણ અને ટ્રેન પણ આવી ગઈ હતી.

ફટાફટ ગોઠવાઈ ગઈ અને પતિદેવને 'ગૂડબાય' હગ કરી, ચિંતા ન કરવા કહ્યું. ટ્રેન એ પ્લેટફોર્મ છોડ્યું અને મેં મારી મોહમાયા પંદર દિવસ માટે એકલપંથની પ્રવાસી.

બધા સાથે ઓળખાણ કરી, નવા મિત્રો બનાવ્યા ત્યાં જમવાનું આવી ગયું. રેલવેની થાળી બિલકુલ ટેસ્ટી નહોતી પણ મેં તો નક્કી કરેલું કે આ પ્રવાસમાં બધું જ માણવું છે, થોડું ઘણું ખાઈ લીધું. ગુજરાત પત્યું, રાજસ્થાન શરૂ થયું. અરવલ્લીની હારમાળા દેખાણી, ટ્રેનમાં બધા સાથે વાતો કરતા કરતા મારી ફોટોગ્રાફી અને વહાટ્સએપ ચાલુ જ હતા.

બધા મિત્રો-પરિવારજનોને 'લાઈવ અપડેટ' એકતા રિપોર્ટિંગ… સાંજ ઢળી, ટ્રેનમાંથી ખુલ્લા મેદાનમાં ઢળતો સુરજ પોતાના રંગો વિખેરી રહ્યો હતો. રાત પડી, જમ્યાં, સૂતાં અને હું તો સૂર્યોદય જોવા ઊઠી પણ ગઈ.

ગુડ મોર્નિંગ પંજાબ… સરસોના લહેરાતા ખેતરો, વાદળી મકાનો, નાના મોટા ગુરુદ્વારા. કેટલો વિવિધ છેને આપણો દેશ, ટ્રેનમાં બેઠા બેઠા તમને ખબર પડી જાય કે પ્રદેશ બદલાયો, ભૌગોલિક પરિસ્થિતિ, પહેરવેશ, ભાષા બધામાં વિવિધતા.

સવારની કોફી સાથે પંજાબની સુગંધ હવામાં ભરી લીધી. કુદરતને માણતા માણતા થોડું માનવસર્જિત સુંદર કામ પણ દેખાઈ ગયું જેમ કે એલ.પી.યુનિવર્સિટી. ફરી ટ્રેનનું જમવાનું આવ્યું, જમી લીધું.

થોડી વાતો, થોડી હસી મજાક. બસ અમારી મંઝિલ અવવામાં હતી સાંજે જમ્મુ આવ્યું, ટ્રેનમાંથી ઉતાર્યા, મિનિબસમાં બેસી હોટેલ પહોંચ્યા.

જમ્મુમાં તો અમદાવાદ જેવી જ ગરમી હતી, તાવી નદી તો સાબરમતી કરતાંય સુક્કી હતી, પરંતુ આર્મી વિસ્તારમાંથી પસાર થતા આપણી છાતીમાં અચાનક જ જાણે દેશભક્તિ અને ગર્વ છલકાય જાય. હોટેલ પહોંચ્યાં, ત્યાં ફ્રેશ થયા પછી અમારી આગળની સફર માટેની મિટિંગ કરી. સવારે સાડા પાંચનાં તૈયાર રહેવાનું હતું. સાંજ ઘણી થઈ ગયેલી તો પણ અમે બધા ચાલતાં 'રઘુનાથ મંદિર' જોવા ગયા.

સરસ બજાર વચ્ચે વિશાળ મંદિર, આતંકવાદીઓના ભયના હિસાબે પોલીસ ઘણી, મંદિરમાં દેવી દેવતાઓની અસંખ્ય નાની મોટી મૂર્તિઓ, શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધાના આડંબરો વધારે, સ્ફટિકનું શિવલિંગ ખરેખર સુંદર અને વિશાળ છે. પાછા ફર્યા, હોટેલમાં સરસ પંજાબી જમ્યા, હજુ બહુ રાત નહોતી થઈ એટલે થયું ચાલો આઈસ્ક્રીમ ખાવા જાઈએ, અમે પાંચથી છ લોકો બહાર ગયા અને ત્યાંતો મસ્ત મજાના અમી છાંટણા, થોડી રિમઝીમ અને બધો ઉકળાટ ગાયબ. મે આઈસ્ક્રીમ ખાવાનું ટાળ્યું. રૂમ પહોંચી સુઈ ગયા પણ ઉત્સુકતામાં ઊંઘ જના આવી. વગર એલાર્મ એ હું તો પાંચ વાગે બેઠી થઈ ગઈ. નાહીને બેગ લઈ નીચે ઉતરી પણ હું તો એકલી તૈયાર થયેલી નીચે હતી.

વહેલી સવારે જમ્મુને ઊઠાડવા આ ગુજરાતણ એકલી નીકળી પડી. મસ્ત મોર્નિંગવોક લીધી, થોડા ફોટો પડ્યા અને હોટલ પાછી આવી. નાસ્તો તૈયાર હતો. બધાં સહયાત્રીઓ પણ તૈયાર હતા, પણ અમારી જીપ મોડી આવી. સાડા પાંચની બદલે અમે સાત વાગ્યે પ્રવાસ શરૂ કર્યો.

જમ્મુની બહાર નીકળતા જ કુદરતની અદભૂત કારીગીરી દેખાવા લાગી. જાણે હવા જ બદલાઈ ગઈ. ફક્ત નૈસાર્ગીક સૌંદર્ય. સામેજ વૈષ્ણોદેવી જવાનો પૂરો રસ્તો દેખાતો હતો. અર્ધકુમારીકા મંદિર દેખાતું હતું. પછી શરૂ થયા પર્વતીય ઢોળાવવાળા રસ્તા.

એક બાજુ હિમાલયના શિખરોની અલપઝલપ ઝલકીઓ અને બીજી બાજુ ઊંડી ખીણો. હવામાં મીઠી શીતળતા અનુભાવવા લાગી હતી. જવાહર ટનલમાં ઘૂસતા પહેલા એક બહુ સુંદર વળાંક આવ્યો પણ આખો આજુબાજુ લાકડાથી સલામત કરેલો, ડ્રાઈવરે માહિતી આપી, "યે ભૂતિયા મોડ હૈ, યહા તેઝ હવાસે કભીભી વાહન ઉડ જતા થા.” પછી શરૂ થઈ જવાહર ટનલ અમે તો નાના બાળક બની આખી ટનલમાં રાડો પાડી. મજ્જા પડી પણ આતો બસ શરૂઆત હતી.

ટનલની બીજી તરફ કુદરત મને એના સૌંદર્યથી અભિભૂત કરવા માટે સજ્જ હતી. મારા બીજા સાથીદારો થોડું ઘણું સૂઈ લેતા પણ હું તો બધું મારી અંદર સમાવી લેવા માંગતી હતી. પટનીટોપ આવ્યું ત્યાં અમને એક 'પેનોરમિક પોઈન્ટ' ઉપર ઉતારી કહેવામાં આવ્યું દસ મિનિટમાં ફોટો પાડી લ્યો. મને થયું કે કહ્યું, “ગાગરમાં સાગર સમાવી લ્યો.” પછી ઉપાડ્યા અમે જમવા, એક ઢાબો આવ્યો જ્યાં અમને અગાઉથીજ કહેવામાં આવેલું મેનુ ફિક્સ છે; “રાજમા, ચાવલ અનાર ચટણી..” એટલે અમારે ટેબલ પર ગોઠવાવાનું હતું, બહાર જોયું તો આંખો ઝપકવાનું ભૂલી ગઈ, ચેનાબ નદી પર બાંધેલો “બગલીહર ડેમ”, બરફનું ખળખળ વહેતું પાણી અને એની બાજુમાંથી પસાર થતા નાના કાચા રસ્તા.

જમવાનું પણ ખૂબ સ્વાદિષ્ટ હતું. પછી તો શરૂ થઈ ગઈ કાશ્મીર વેલી. સાદા માણસો અને ઘર કરતા વધારે આર્મીના જવાનો અને આર્મી ક્વાર્ટર્સ હતાં. પહેલું મોટું ગામ આવ્યું 'ઉધમ પુર' યાદ આવી ગઈ આતંકવાદી હુમલાની. અમારા ડ્રાઈવરે અમને સૌ પહેલું કુદરતી ઝરણામાંથી પાણી ભરાવ્યું. સાચું 'મિનરલ વૉટર' ખૂબ ઠંડુ અને મીઠાશ ભરેલું. ઠેર ઠેર આર્મી અને લાચાર લોકો ને જોઈ મનમાં ટિસ ઊઠી, “આતંકવાદનો કોઈ ઈલાજ ન હોઈ શકે?”

રસ્તામાં એક મુઘલાઈ જર્જરિત ઈમારત જોઈ પણ ઉતારવાનો સમય નહોતો. પેમ્પોરમાં કેસરના ખેતરો જોયા પણ જીપમાંથી જ અને મોડી સાંજે જેલમના કિનારે પહોંચ્યાં. સ્વપ્નલોકસમું શ્રીનગર, અમારા ટ્રાવેલિંગ પ્રોગ્રામમાં નહોતું ફક્ત રૈનબસેરા, બાર કલાકની મુસાફરી પછી લાલચોકનાં ખૂણે આવેલી એક હોટેલમાં પહોંચ્યાં. સરસ હોટેલ, સરસ જમવાનું પણ રાત થઈ ગયેલી એટલે બધા સૂઈ ગયા. સવારે છ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ હોટલ ગાર્ડનમાં થોડા ફોટો પાડ્યા અને કમરકસી લીધી આખા દિવસના સફર માટે.

નસીબજોગે અમારી કારના ડ્રાઈવરને એની પત્નીને મળવું હતું એટલે અમને ડાલ લેકને નજરભર જોઈ લેવાનો અવસર મળી ગયો. થોડા ફોટા લીધા અને થોડું એ શરમાળ કાશ્મીરી દંપતીને હેરાન કર્યા. રસ્તા ઉપરથીજ ત્યાંના મંત્રી નિવાસો, સરકારી નિવાસો અને હઝરત બાલ મસ્જિદ જોયા. શ્રીનગરમાં બધુજ સુંદર હતું પણ મારુ મન મોહી લીધું. લુમેજુમે જુમતા ગુલાબો એ.

શ્રીનગરની બહાર નીકળ્યા પછી પલક ફરકાવવી પણ પોસાય તેવું નહોતું. મારા મગજમાં તો જમ્મુ છોડ્યું ત્યારથી દર મિનિટે એક જ વાત આવતી, 

“ગર ફિરદૌસ બન રુએ જર્મી અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત.”

સોનમાર્ગની સિંધ નદીમાં ઉતર્યા વગરના રહેવાયું, ઠંડીમાં બર્ફીલું પાણી, અવર્ણીય અનુભવ. થોડે આગળ બરફથી રમ્યા, ત્યાંથી કારગિલ પહોંચ્યા, શાહિદ સ્મારક અને કારગિલ પૃષ્ઠભૂમિના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું, શહીદો માટે થોડા આંસુના ફૂલ આપોઆપ સરી ગયા. પછી બીજે દિવસે શરૂ થયું લડાખ, એક પહાડીથી બીજી પહાડીનો રંગ જુદો, દર દસ મિનિટે વાતાવરણ પલટો ખાય, રસ્તાઓ ખતરનાક ઢોળાવથી ભરપૂર, સનસનાટી ભરી મજા.સૌથી પહેલા લડાખી દર્શન થયા.

“લામાયુરું મોનેસ્ટ્રી”ના, અફસોસ અંદરથી જોવાનો સમય અમારા કાર્યક્રમમાં નહોતો, પછી આવી “મુન હિલ” સોનેરી પહાડ જે દિવસના દરેક પ્રકાશમાં પોતાનો રંગ બદલે, રસ્તામાં એક અતિ પૌરાણિક બુદ્ધ મઠ જોયો જેમાં ભગવાનની મૂર્તિ પહાડની અંદર કોતરેલી હતી, તેના ચિત્રોના રંગો હજુ પણ રંગીન હતા, પછી પહોંચ્યા “ઝાંસ્કાર”, જ્યાં ઝાંસ્કાર નદી સિંધુ નદીને મળે છે અને બંનેના જુદા રંગ દ્રશ્યને અદભુત બનાવે છે. આગળ જઈ ઝાંસ્કારને કાંઠે કારગિલથી સાથે લીધેલા “લંચ પેક” ખોલી પિકનિક મનાવી જે પ્લાનમાં નહોતી. પડઘા પાડ્યા અને પથ્થરો ફેંક્યા. ત્યાંથી મેગ્નેટિક હિલ જે મેગ્નેટિક તો ન લાગી પણ મેસ્મરાઈઝિંગ લાગી, પથ્થર સાહિબ ગુરુદ્વારાના દર્શન કર્યા અને લોકોની શ્રદ્ધા જોઈ છેવટે પહોંચ્યા લેહ. રૂપકડું, સાદું, પારંપરિક, કુદરતી ગામ.

સાંજ ઢળી ચૂકી હતી, બધાને ત્યાંના વાતાવરણમાં સેટ થવા આરામ કરવાની સલાહ આપવામાં આવી પણ અમે તો ભમવા નીકળ્યા હતા. આરામ કરવા નહીં, હોટેલની બાજુની માર્કેટમાં ગયા, ફક્ત ગરમ કપડાંની માર્કેટ, વારાફરતી બધાની તબિયત થોડી બગડી, હું તો ફુલ્લફોર્મમાં હતી, મદદ માટે તૈયાર હતી, સારું લાગ્યું, મને સારી તંદુરસ્તી આપવા ભગવાનનો અને પારિવારિક વરસાનો આભાર માન્યો.

સાંજનું જમી સુઈ ગયા. બીજે દિવસે લેહ ફરવા નીકળી પડ્યા, શેહ પેલેસ - જૂનો મહેલ જ્યાં પથ્થરમાં સરસ ચિત્રો દોરાયા છે.

હેમીસ મોનેસ્ટ્રી - ભારતનો અત્યારનો સૌથી મોટો શૈક્ષણિક મઠ, પવિત્રતમ વાતાવરણ.

થિકસે મોનેસ્ટ્રી - ખૂબ ઊંચાઈ ઉપર આવેલી અને ત્યાં તમને વાતાવરણમાં એક અલગ પ્રકારના ગૂઢ તાંત્રિક રહસ્યોનો અનુભવ થાયા વગરના રહે.

શાંતિ સ્તૂપ - ખૂબ સુંદર જગ્યા પણ વાતાવરણના અચાનક ખાધેલા પલટાને કારણે ફક્ત ઝલક મેળવી.

લેહ પેલેસ - તિબેટના પોટાલા પેલેસની પ્રતિકૃતિ, બધું બહુ રહસ્યમયી લાગ્યું પણ સૌથી સુંદર હતું ત્યાંથી લેહ ગામ આખું દેખતું હતું.

પછીનો દિવસ હતો 'પેન્ગોગ ત્સો'ના નામે, “થ્રી ઈડિયટ”ને કારણે ખૂબ ઉત્સુકતા હતી પણ ખરી મજા તો એના રસ્તામાં હતી. કોઈ જમાનામાં અહીં સમુદ્ર હતો તેની સાક્ષી પૂરતા પહાડોના આંકા, સફેદ રેતી, રંગબેરંગી પહાડી અને મારા જીવનનો પહેલો સ્નોફોલ, હાથમાં બરફની રૂ જેવી પોચી કણીઓ ઝીલી.

જંગલી યાક જોયા, એક રૂપકડું શરમાળ પ્રાણી મરમુટ જોયું, નાના નાના પાણી ના સુંદર તળાવો જોયા અને પહોંચ્યા 'પેન્ગોગ ત્સો (લેક)', જેની સુંદરતા વર્ણવા માટે કાલિદાસના અલંકારો ઓછા પડે, જીવન તૃપ્ત થઈ ગયું.

સાંજે પાછા પહોંચ્યા અને લેહની બજારો જોઈ, રાત્રે ખરાબ સમાચાર મળ્યા કે કાલે ખારડુંગલા નહીં જઈ શકાય કેમકે બરફ વધારે છે અને ત્યાંથી આગળ નુબ્રા વેલી પણ નહીં જઈ શકાય, બહુ અફસોસ થયો, કો-ઓર્ડીનેટરે આશ્વાસન આપ્યું કે કાલ બપોર સુધીમાં પણ જો આર્મી “નુબ્રાથી મનાલી” - વે ખોલશે તો આપણે જાશું. લેહમાં એક સવાર વધી, ગામ ફર્યું, સિયાચીન મ્યુઝિયમ જોયું.

બપોરે હોટલ પાછા આવ્યા તો જાપાનિઝ મહેમાનો આવેલા તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અમને જોવાનો લ્હાવો મળી ગયો.

ત્રીજે દિવસે આગળ જવાની પરમિશન તો ન મળી પણ “વર્લ્ડ હાયેસ્ટ મોટરેબલ રોડ” ખારડુંગલા ગયા. અમાપ ક્ષિતિજ સુધી બરફ જ બરફ. ત્યાંથી ઐતિહાસિક “સિલ્ક રૂટ”ની દિશા જોઈ, પણ ખૂબ ખરાબ ઓક્સિજનને કારણે મારા બધા સહયાત્રીઓ બિમાર પડ્યા. કહે છે ને કે આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય, બસ એવું જ કંઈક. પાછા લેહ આવ્યા. ખરાબ હવામાને અમને વધુ જોવાનો મોકો ન આપ્યો, ગયા હતા તેજ રસ્તે અમે પાછા વળ્યા, આ વખતે નવું જોવાનું કંઈ નહોતું પણ હવે બધું પોતીકું લાગતું હતું, જાણે હું લેહ-કાશ્મીર સાથે લાગણીથી બંધાઈ ગઈ.

અંતે, હું ભારતની પ્રકૃતિ માટે કહીશ, “હમીં અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત..”


Rate this content
Log in