Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance

3  

Pravina Avinash

Inspirational Romance

ઝાકળ બન્યું મોતી -૧૧

ઝાકળ બન્યું મોતી -૧૧

8 mins
14.8K


ખાલીપણાનો અહેસાસ

સુહાની ગયા પછી જતીન સાવ ભાંગી પડ્યો. આ વર્ષે લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવવા બન્ને ઉત્સુક હતા. વહાણ મધદરિયે આવીને ડૂબી ગયું હતું. નીરા અને તારા મમ્મી વગર નિસહાય થઈ ગયા. પપ્પાને ધીરજ બંધાવતા, પણ તેમનું કોણ? જલ્પા દુખ સહન કરવા માટે અનુભવી હતી. તેણે બન્ને બહેનોને પ્રેમથી સંભાળી. મહેમાનો તો આવે અને જાય. ઘરમાં કોણ ? જલ્પા સ્ટોર પરથી શરૂઆતના દિવસોમાં જતીનેને ઘરે જતી. દિશા ભૂલેલા જતીનને તેમજ તેની દીકરીઓને સાંત્વના આપતી. નીરા અને તારા કોલેજ છોડીને આવી હતી. અઠવાડિયા પછી જતી રહી.

ઘરમાં જતીન એકલો થઈ ગયો હતો. મહિના પછી જલ્પાએ જવાનું ઓછું કર્યું. જતીને પણ સ્ટોર પર અવવાનું ચાલુ કર્યું. ઘરમાં રહીને શું કરવાનું ? છેલ્લા કેટલા સમયથી તેનું જીવન માત્ર સુહાનીની આસપાસ ચકરાવો લેતું હતું. જતીનની હાલત ખૂબ દયનીય હતા.સુહાની સાથે વિતાવેલ જીંદગીની મધુરી ક્ષણોમાં ખોવાયેલો રહેતો. એકલતા ખાવા ધાતી, ઘરના ખૂણે ખૂણે સુહાનીની યાદ બોલતી હતી. બાળકો વગર બન્ને જણા ખૂબ સરસ રીતે શાંતિથી જીવન ગુજારતા હતા. જ્યારે સાથી વિદાય થાય ત્યાર પછી અચાનક તેની કિમત સમજાવા માંડૅ. તેના વિયોગે ઘર તેમજ સૃષ્ટી ખાલી ખાલી લાગે. ઝઘડતા, મનાવતા જીંદગી માણતા હતા. હવે , ખાલી ઘર ખાવા ધાતું.

જલ્પા ક્યારેક ફોન ઉપર વાત કરતી. કોઈ પણ કામ હોય તો વિના સંકોચે જણાવવાનું કહેતી. ધીમે ધીમે જતીન શાંત થયો. કામમાં ગળાડૂબ રહેતો. ‘મનપસંદ’માંથી કોઈ પણ એકાદ વસ્તુ ઘરે લઈ જઈ પેટ ભરતો. સુહાની વગર ગમતું નહી. દીકરીઓ સમય મળે ત્યારે પપ્પા પાસે આવતી. તેઓ ઘરે આવતા ત્યારે જતીનને ખૂબ સારું લાગતું.

આમ કરતાં લગભગ દોઢ વર્ષ થઈ ગયું. એક વાર જતીન જ્યારે બિમાર પડ્યો ત્યારે તાવમાં તરફડતો સ્ટોર પર ગયો. કોઈને કહીને શું ફાયદો ? ચા વાળા પાસે આખો દિવસ ચા મંગાવીને પીધા કરી . ખાવાનું મન થતું નહી. આજે જરા સારું લાગતું હતું. ઘરે વહેલો આવીને સુહાનીની તસ્વિર સાથે વાતે વળગ્યો.

“સોની, મારી હાલત તું કલ્પી શકે છે. તું બિમારીને કારણે મને અડધે રસ્તે છોડીને ચાલી ગઈ. નીરા અને તારા તેમના ભણવામાં દિલ લગાવીને કામ કરે છે. સોની તારા વગર હું દિશા શૂન્ય થઈ ગયો છું. હવે કોની સાથે વાત કરું? ક્યાં જાંઉ ? ધાંધામાં પણ જીવ લાગતો નથી” આમ વિચારમાં ને વિચારમાં તેની આંખ મિંચાઈ ગઈ. ભૂખ પણ ભાગી ગઈ હતી.

અચાનક સુહાની આવી, તેના મસ્તક પર હાથ પસવારી રહી.

‘જતીન આમ ઓછું નહી લાવવાનું. હું ક્યાં તમારાથી દૂર છું. નીરા અને તારામાં તમને હું નથી જણાતી ? આપણા જીવનના ૨૫ વર્ષો તમારી હર ધડકનમાં વસી હતી’.

પ્રિયે જો એક વાત કહું તો નારાજ થશો?” હતું સ્વપનું પણ જતીનને સાંત્વન આપતું હતું”.

સુહાનીને એકદમ આનંદમાં આવી કહેવા લાગ્યો, ‘પ્રિયે, તું કહે ને હું ના પાડું ? તે એવું માની કેવી રીતે લીધું’?

‘તો આપો મને વચન કે હું જે કહીશ, તે સાંભળીને નારાજ પણ નહી થાવ અને વિચાર કરી હકારમાં જવાબ આપશો’.

”તું કહે તો ખરી’?

‘આ જલ્પા છે ને, આખી જીંદગી કુટુંબ માટે ઘસાઈ. હવે તે પણ એકલી છે. ખૂબ સાલસ અને હોંશિયાર છે. સમયની અનુકૂળતા જોઈ તેને તમારા મનના ભાવ જણાવજો. તેના ભાઈ અને બહેન ઠેકાણે પડી ગયા છે. એ પણ જીવનમાં સાથી વગર ખાલિપો અનુભવી રહી છે. તમે તેની એકલતા દૂર કરી શકશો. તમે બન્ને એકબીજાને સારી રીતે ઓળખો છો’.

જતીન ઉંઘમાંથી સડાક દઈને ઉભો થઈ ગયો. તેના આખા શરીરે પસિનો વળી ગયો. સુહાનીને જોરથી બોલી ઉઠ્યો, ‘તું આ શું કહે છે ?’

પછી ભાનમાં આવ્યો. તેની વ્યાકુળતા શાંત થઈ. મનોમન વિચારવા લાગ્યો , ‘સુહાનીની વાત ખોટી નથી. એકલા બાકીની જીંદગી ગુજારવી ખૂબ કઠીન છે. જલ્પા પણ લગભગ ૪૦ની આસપાસ છે. જલ્પાને હવે તે ખૂબ નજીકથી જાણતો હતો ‘ જલ્પાની કાબેલિયતથી તે વાકેફ હતો.

આજે રવીવાર હતો. સવારથી ચા બે વાર ઠંડી થઈ ગઈ, પણ ચાનો કપ પૂરો ન થયો. અવઢવમાં હતો, કેવી રીતે જલ્પા સાથે વાત કરવી. ખૂબ ગડમથલને અંતે ફોન ઉપાડ્યો અને જલ્પાને નંબર જોડ્યો. જલ્પા ઘરે ન હતી. સામે છેડેથી જવાબ ન મળ્યો. નિરાશા વ્યાપી ગઈ.

જલ્પાને આજે નાની બહેન સાથે સિનેમા જોવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. રાતના બન્ને જણા બહારથી જમીને પાછા આવ્યા. બે બહેનો હવે બહેનપણીઓ હતી. જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે બન્ને જણા સાથે સમય ગાળતા. નાનકી ભૂલી જતી કે મોટી બહેન તેનાથી ઘણી મોટી છે. જલ્પાને પણ તેનો સંગ ખૂબ ગમતો. આમ વર્ષોથી તેનું જીવન ખૂબ વ્યવસ્થિત હતું. બીજે દિવસે સ્ટોર પર ગઈ અને કામમાં ગુંથાઈ.

જતીનને ચેન પડતું નહી. એક્લતા તેને સદી ન હતી. સુહાનીની વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ હતી. જલ્પા સાથે કામકાજ માટે અવારનવાર મળતા ત્યારે બન્નેને ખૂબ ગમતું. પણ ક્યારેય એ દૃષ્ટીથી વિચાર કર્યો ન હતો. સુહાનીનો પ્રસ્તાવે જતીનની આંખો ખોલી હતી. ખૂબ ઉત્કંઠાથી આવતા રવીવારની રાહ જોવા લાગ્યો. આશા હતી કે આજે જલ્પા સાથે ફોન ઉપર વાત થશે. આખા અઠવાડિયા દરમ્યાન બે વાર મળવાનો મોકો મળ્યો હતો પણ તેની સામે વાત કરવાની હિમત ન હતી.

રવીવારે સવારે ચા નાસ્તો કરીને ફોન હાથમાં લીધો. જેવો ફોન જોડ્યો કે સામેથી પરિચિત અવાજ સંભળાયો.

‘હલો, જલ્પા’.

‘જી’.

‘હુ, જતીન બોલું છું’.

‘હા, બધું બરાબર છે ને’ ?

‘અરે બધું બરાબર છે, એક વિચાર આવ્યો, તમને વાંધો ન હોય તો જણાવું”.

જતીનનો ફોન આવી રીતે પહેલી વાર આવ્યો હતો. જલ્પાનું હ્રદય ધબકારો ચૂકી ગયું. છતા પણ જાત પર કાબૂ મેળવી બોલી, હા, તો બોલો શું વિચાર આવ્યો હતો’?

‘આજે રાતના તાજમાં ડીનર લેવા જઈશું’ ?

જલ્પાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. જવાબ આપતા જરાક વાર થઈ. અંતે ખૂબ હિમત ભેગી કરીને બોલી, ‘હા’.

જલ્પા ફોન મૂકી દે તે પહેલા જતીને કહ્યું ,’ હું આઠ વાગે તેડવા આવીશ’.

જલ્પાએ જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. જતીને જે કહ્યું તે બરાબર સાંભળ્યું હતું.

જતીન સાથે ફોન પર વાત કર્યા પછી જલ્પાની હાલત ખૂબ બૂરી હતી.

‘શું તેણે જતીનના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો” ?

‘સુહાનીના ગયા પછી જતીનને એકલતા સતાવતી હતી ‘ ?

‘ફોન કરવાનો જતીનનો ઈરાદો શું હતો ‘?

‘શું ખરેખર જતીને, રાતના તાજમાં ડીનર પર જવાનું આમંત્રણ આપ્યું ? મને આઠ વાગે લેવા આવવાનું કહ્યું ?’

‘ વાત કર્યા પછી જલ્પાનું ચેન ખોવાઈ ગયું. સારું થયું ફોન પર વાત કર્યા પછી ખાસો સમય હતો. ખરા ખોટા બધા વિચારોનું તુમુલ યુદ્ધ મનમાં જામી ગયું હતું. આજે ઘરમાં એકલી હતી. રમા બહેનને પણ કાંઈ કામ હતું એટલે આજે રજા આપી હતી. નવરાશની પળોમાં વાંચવાની આદત પાડી હતી. વિચારોને ખંખેરવા, હાથમાં ચોપડી લઈને બેઠી. એક પણ અક્ષર ઉકલતો ન હતો. બસ ‘જતીન’ના વિચારો મનમાં આવતા હતા. અચાનક તેના દિમાગમાં વિજળી ઝબુકી.

અરે, ‘જતીન પણ હવે એકલો છે. તેના મનમાં લડ્ડુ તો નથી ફુટતાને’?

જલ્પા જોરથી હસી પડી .

‘એના મગજમાં ફૂટે છે કે મારા મગજમાં’ ?

હવે તેને ધીરે ધીરે સમઝ પડવા માંડી. પોતે આજે ૨૦ વર્ષથી એકલી છે.

‘ક્યારેય પરણવાનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો’ . લોહી ખૂબ વેગ ભેર વહી રહ્યું હતું. ધબકારા જોર જોરથી ધમનીની માફક ચાલતા હતા. તેનો શ્વાસ ફુલી ગયો. છાતી પર હાથ મૂકીને હ્રદયને શાંત કર્યું.

‘હા, પરણી ન હતી. વિચાર તો અનેક વાર આવ્યા હતા.

મને બળવો કર્યો, ! ‘જલ્પા જાત સાથે ખોટું બોલીને તું કોને ઉલ્લુ બનાવે છે ? તારો અંતરાત્મા બધું જાણે છે’.

જલ્પાએ કબૂલ કર્યું. ઘણીવાર એકલતા સતાવતી હતી. પણ કોને ફરિયાદ કરે ? આજે જતીનનો ફોન મૂક્યા પછી વિચારોની વણઝાર શરૂ થઈ ગઈ.

‘જતીને રાતના ડિનર પર જવાનું આમંત્રણ આપવા પાછળ તેનો ઈરાદો શું છે. એ સમજતા જલ્પાને વાર ન લાગી’.

કોઈ પણ નતિજા પર પહોંચતા પહેલા જલ્પાને,’ સાત ગરણે પાણી ગાળવાની આદત હતી.’ કેમ ન હોય ? ૨૦ વર્ષની કુમળી વયે આખા કુટુંબની જવાબદારી લીધી. પિતાનો ધિકતો ધંધો સંભાળ્યો. જલ્પા જીવનમાં ખૂબ ઘડાઈ હતી. પ્રતિભા પ્રાપ્ત કરી હતી. ૪૦ વર્ષની ઉમરે જીવનની તડકી તેમજ છાંયડી અનુભવી ચૂકી હતી. કોઈની પણ સહાય વગર સઘળાં મોટા નિર્ણયો લેતા શીખી ગઈ હતી. નસીબ સારા હતા પિતાજી સ્વપનામાં આવીને રાહ બતાડતા.

પાછી જતીનના ફોનના વિચારે ચડી ગઈ. ધારોકે જતીન રાતના કોઈ પણ વાતની શરૂઆત કરે તો પોતે કેવો પ્રતિભાવ આપશે ? જલ્પા મનમાંને મનમાં તેનું વારંવાર રટણ કરવા માંડી.

‘હા પાડીશ, કે ના પાડીશ’?

હા પાડીશ તો શામાટે ? ના પાડવાને કોઈ કારણ નથી. આ તો જાણે ભાવતું હતું ને વૈદે કીધું એવી પરિસ્થિતિ સરજાઈ હતી.

એકદમ ,અચાનક જલ્પા વિચારોની દુનિયામાંથી જમીન પર આવીને પટકાઈ. ‘મૂરખ શેખચલ્લીના વિચાર શામાટે કરે છે’ ?

સાંજ થવા દે, ખબર પડશે જતીનનો શું ઈરાદો છે. અત્યારથી કોઈ ઘડા, લાડવા ન ઘડ.

આ નિર્ણય પર આવતા ખૂબ વાર લાગી. કિંતુ હવે દિલમાં શાંતિએ સામ્રાજ્ય સ્થાપ્યું. રાતના જો ‘તાજ’માં ડીનર માટે જવું હોય તો અત્યારે બહુ નથી ખાવું, એમ નક્કી કર્યું. તેને યાદ પણ ન હતું કે તે છેલ્લી ‘તાજ’માં ખાવા ક્યારે ગઈ હતી. બહુ મથામણ પછી યાદ આવ્યું, જેમિની જ્યારે એના વકીલની ઓળખાણ કરાવવાની હતી ત્યારે તેમની સાથે તાજમાં ગયા હતા.

ચાલો મગજ શાંત તો થયું. પણ કેટલા સમય માટે ? હવે તો ખરી કસરત તેની પાસે કરાવવાની હતી. રાતના તાજમાં જવા માટે શું પહેરીશ ? આ પ્રશ્ન જલ્પાને સતાવે છે એવું નથી. કોઈ પણ સ્ત્રી યા છોકરી માટે આ ખૂબ ગહન સમસ્યા છે. કેટલા દિવસ થયા જલ્પાએ સાડી પહેરી ન હતી. ગમતી બહુ પણ આદત ન હોવાને કારણે પહેરતાં ખૂબ સમય લાગે. જેમિની હોય તો મદદ કરે પણ આજે તો બહેનબા બહાર ગયા હતા. એકતો કઈ સાડી પહેરવી તેની ભાંજગડમાં મગજ બહેર મારી ગયું. અંતે સુહાની મારફત જાણવા મલ્યું હતું કે, જતીનને પીળો રંગ ગમે છે.

સરસ મજાની પીળી સાડી કાઢી. તેની સાથેનું બ્લાઉઝ ખૂબ સુંદર હતું. જલ્પાને જાતે સાડી પહેરવાની હતી તેથી કલાક પહેલા તૈયાર થવા ગઈ. જતિન સાથે બીજી કશી વાત થઈ ન હતી. શેખચલ્લી ઘીના ગાડવાની જેમ જલ્પાનું દિમાગ કામ કરવા લાગ્યું. વિચારમાં ને વિચારમાં ગાડવિ ફુટી પણ ગયો. તેમાં સાડી સરખી પહેરાતી ન હતી. જલ્પા પોતાની છાતી પર હાથ દબાવી શાંતિથી બેસી ગઈ. બધા વિચારોને મના કરી. ‘મહેરબાની કરી મન તું શાંત થા.’ મન જાણે ડાહ્યું ડમરું બની ગયું. જલ્પાએ શાંતિથી તૈયાર થઈ અત્તર લગાવ્યું.

બરાબર આઠ વાગે જતીનની ગાડીનો હોર્ન સંભળાયો. જલ્પાએ બારીમાંથી આવું છું કહ્યું. ધીરે રહીને રાતની ઝીણી બત્તી ચાલુ કરી. ઘર બહાર તાળુ મારીને નિકળી. બે માળના મકાનમાં લિફ્ટ ન હોય. સાડી પહેરીને ચાલતા જરા મુશ્કેલી લાગતી હતી.

જેવી જતીનને તે આવતી દેખાઈ કે એની આંખો ખેંચાઈ. એકદમ આભો બની ગયો. ‘શું આ એ જ જલ્પા છે . જેનો સ્ટોર તેની બાજુમાં છે. જલ્પા સ્વર્ગની અપ્સરાથી કમ નહોતી લાગતી. તેમાંય પીળા રંગની સાડીમાં તેનું રૂપ ઔર નિખર્યું હતું. જતીનતો તેને ટગર ટગર જોઈ રહ્યો. નજરથી જલ્પાને રૂપને પી રહ્યો હતો. આજે લગભગ છ મહિના પછી આમ ડીનર પર જઈ રહ્યો હતો. એ પણ જલ્પા જેવી સુંદર સ્ત્રી સાથે ! જલ્પા ગાડીના દરવાજા સુધી આવીને ઉભી હતી. તેની આંખો ઢળી ત્યારે જતીન ભાનમાં આવ્યો.

માફ કરજો, કહીને લગભગ દોડીને જલ્પા માટે દરવાજો ખોલવા ઉભો થયો. જલ્પા બરાબર તેની બાજુમાં બેઠી.

જતીનથી કહ્યા વગર ન રહેવાયું, ‘તમે ખરેખર ખૂબ સુંદર દેખાવ છો’.

જલ્પાના હ્રદયના ધબકારા ખૂબ વધી ગયા. આવી પરિસ્થિતિની તેને કલ્પના ન હતી . આવો આહલાદક ભાવ અનુભવવાનો લહાવો તેને કદી સાંપડયો ન હતો. જલ્પા આજે પ્રથમ વખ્ત કોઈ પુરૂષ સાથે તાજમાં ડીનર પર ગાડીમાં જઈ રહી. જે જાણિતો હતો છતાં તે શરમથી કોકડું વળી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational