Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Valibhai Musa

Comedy Others

4  

Valibhai Musa

Comedy Others

કાગસભા

કાગસભા

4 mins
7.4K


ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા કાગડાઓનાં નિવાસવૃક્ષો છે. એમ કહેવાયું છે કે શીખવા માટે ઉત્સુક એવા સૌ કોઈ માટે વાતાવરણ એ ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે. અહીં મેનેજમેન્ટના અભ્યાસનું વાતાવરણ છે અને અહીં જ આ બધા કાગડાઓ વસવાટ કરી રહ્યા છે. તેમણે આ જ સંકુલનાં વૃક્ષો નીચે બેસીને મેનેજમેન્ટ વિષય ઉપરની ચર્ચાઓ કરતા કોલેજિયનોને સાંભળ્યા છે અને તેથી જ તેમણે પણ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ કાગડાઓ વચ્ચે થએલો વાર્તાલાપ નીચે પ્રમાણે છે.:

“આજે હું જ્યારે એક લીમડાના ઝાડ ઉપર બેઠેલો હતો, ત્યારે એક માનવમાતા તેના બાળકને આપણા કોઈક વડવા વિષેની સરસ વાત જે કહેતી હતી તે મેં સાંભળી. આપણા એ દાદા કેવા હોશિયાર હતા! કેવું બુદ્ધિપૂર્વક તેમણે કૂંજામાંથી પાણી પીધું હતું!”, એક કાગડો બોલ્યો.

બીજા કાગડાએ જવાબ વાળ્યો, “નિઃશંક, તે એક આશ્ચર્યજનક કાર્ય હતું. પણ, તેઓ એવું મહેનતવાળું કાર્ય કરવાના બદલે બીજી કોઈ રીત અપનાવી શક્યા હોત!”

“બીજી કઈ રીત, મારા દીકરા?”, વયોવૃદ્ધ કાગડો બોલ્યો.

પેલાએ કહ્યું, “કૂંજાના પડખે પોતાની ચાંચ વડે કાણું પાડી શક્યા હોત!”

“ના, ના. બિલકુલ નહિ! તે તારો મૂર્ખાઈભર્યો ખ્યાલ છે. આપણને કોઈનીય મિલ્કત અર્થાત્ વસ્તુને નુકસાન પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. વધુમાં, એક પક્ષીની તરસ મિટાવવા માટે જરૂરી જૂજ જ પાણી સામે પુષ્કળ પાણીનો વ્યય કરવો એ જરાય ઈચ્છનીય ન ગણાય!” વડીલ કાગડાએ કહ્યું.

“મિલ્કતને નુકસાન! કેવી ગાંડી વાત કરો છો! આપણે જોતા નથી કે વિદ્યાર્થીઓ જ્યારે હડતાલ ઉપર ઊતર્યા હોય, ત્યારે બસો સળગાવીને કે પછી રેલના પાટા ઉખેડી નાખવા જેવાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતાં કેવાં તોડફોડનાં કામો કરતા હોય છે?”

વૃદ્ધે કહ્યું, ‘તે લોકો શું કરે છે તે આપણે જોવાનું ન હોય! હું તો પ્રમાણિકપણે માનું છું કે આવી વિનાશક પ્રવૃત્તિઓ કરવી એ તો આપણા કાગ જાતિનાં નીતિમત્તાનાં ધોરણોથી સાવ વિરુદ્ધ છે. એ માટીનો કૂંજો બિચારા કોઈ ગરીબ માણસનો પણ હોઈ શકે. શા માટે આપણે કોઈને એક ટીપાભર પાણી માટે આટલું બધું મોટું નુકસાન કરવું જોઈએ? યાદ રાખો કે ભલા કાગડાઓ કદીય આવી રીતે વર્તે નહિ!”

“તો પછી, મહેરબાની કરીને, આપ પ્રકાશ નાખશો કે એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?” એક યુવાન કાગડાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

વૃદ્ધ કાગડાએ ઠાવકાઈપૂર્વક જવાબ આપ્યો, “મહેનતભર્યું કાંકરા નાખવાનું કામ શરૂ કરવા પહેલાં થોડુંક વધારે આમથી તેમ ઊડીને તમારે અન્ય જગ્યાએ પાણી હોવાની શક્યતાઓ તપાસવી જોઈએ. પાણીના કૂંજાનું ત્યાં હોવું એ જ એક એવી મોટી સાબિતી છે કે નજીકમાં જ ક્યાંક પાણી હોવું જોઈએ.”

વચ્ચે એક કાગડી પોતાના બચ્ચાનું દાણા ખવડાવવાનું કામ આટોપીને ચર્ચામાં દાખલ થતાં બોલી, “આપણા પૂર્વજો વિષેની હું કોઈ ટિકાટિપ્પણી કરું તો આપ સૌ મને માફ કરશો. પણ, આપણા સન્માનીય પૂર્વજ કાગડાજીએ બીજાઓ આગળ માત્ર પોતાનાં વખાણ ગાવા ઉપરાંત પોતે શોધી કાઢેલા પાણીને પીવા માટે બીજાઓને કહેવું જોઈતું ન હતું?”

એક તરવરિયો યુવાન કાગડો જે આખાબોલો અને નારીવાદી વિચારધારાઓનો વિરોધી હતો, તે બિચારી પેલી કાગડી ઉપર ગુસ્સાથી ભભૂકી ઊઠ્યો અને બોલ્યો, ‘જ્યારે અમે નરપક્ષીઓ વાત કરતા હોઈએ, ત્યારે તમારે માદાઓએ વચ્ચે દખલગીરી કરવી જોઈએ નહિ, સમજ્યાં?’

બધા કાગડા એકીસાથે મોટા અવાજે બોલી ઊઠ્યા, ‘શરમ, શરમ! તમારે માદાઓ સાથે આવો વર્તાવ કરવો જોઈએ નહિ! એ પણ બિચારીઓ આપણા જેવી જ જીવસૃષ્ટિ છે અને લગભગ આપણી સમગ્ર જાતિના અડધા ભાગ જેટલી સંખ્યામાં તેઓ છે. જીવનનાં તમામ ક્ષેત્રમાં એ લોકોને પણ આપણા જેટલો જ સરખો અધિકાર છે.’

એક કુશાગ્ર બુદ્ધિવાળા કાગડાએ વળી ભારતીય રાજકીય પક્ષો ઉપર કટાક્ષ કરતાં કહ્યું, ‘આપણે એ પેલા માનવી રાજકારણીઓ જેવા નથી કે જે પેલી બિચારી સ્ત્રીઓને વિધાનસભાઓ અને લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા ૩૩% પણ અનામત બેઠકો આપવા તૈયાર નથી! ખરેખર તો તેમને ૩૩% ના બદલે ૫૦% અનામત બેઠકો આપવી જોઈએ.’

આ સાંભળીને બધા કાગડા હર્ષઘેલા બનીને કાઉકાઉ કરવા માંડ્યા.

વયોવૃદ્ધ કાગડો જે IIM કેમ્પસના કાગસમુદાયનો સર્વોચ્ચ નેતા હતો, તે મોટેથી લોકસભાના સ્પીકરની અદાથી ‘શાંતિ…શાંતિ’ બોલી ઊઠ્યો અને કહ્યું, “હવે આપણે આપણા પૂર્વજ કાગડા વડીલે બીજાઓ સાથે પાણી પી લેવા અંગેનો શિષ્ટાચાર બતાવ્યો હતો કે નહિ તેવા ઊઠાવેલા નાજુક મુદ્દા ઉપર આવીએ. મારો અંતરાત્મા કહે છે કે એ વાર્તાનો સંવાદદાતા આ મુદ્દાને દર્શાવવાનું ચૂકી ગયો હોય તેમ લાગે છે. વળી એ પણ શક્ય છે કે અગણ્ય સૈકાઓના સમયગાળા દરમિયાન લોકોથી આ મુદ્દો પડતો મુકાઈ ગયો પણ હોય! હું નથી માનતો કે આપણા પૂર્વજો માનવજાત જેવા સ્વાર્થી હોય! પોતાની મહેનતના ફળરૂપે જે કંઈ પ્રાપ્ત થાય તે સઘળાઓ વચ્ચે વહેંચી લેવું એ તો આપણી કાગપ્રજાની પરંપરા અને આપણા જીવનનો મુદ્રાલેખ છે. માનવીઓમાંના મુડીપતિઓ તો અન્યોની મહેનતના લાભો કે ફળોને ઝૂંટવી લેતા હોય છે. તેઓ વધુ ને વધુ ધનિક થતા જતા હોય છે અને હજારો લોકોને ગરીબીરેખાની નીચે જીવવા માટે છોડી દેતા હોય છે. ગમે તે હોય, પણ આપણી આજની ચર્ચા રસપ્રદ રહી. આપણે સર્વસંમતિપૂર્વક ઠરાવીએ છીએ કે આપણા પૂર્વજ માનનીય કાગકાકાએ ખરેખર પાણી મેળવી લેવાની બાબતમાં જે કુશળતા અને ચાતુર્ય બતાવ્યું હતું તે પ્રશંસનીય છે. તેમની હોશિયારી સદીઓથી માનવજાત માટે પણ એક આદર્શ સમાન પુરવાર થતી રહી છે. એ આખોય બનાવ બતાવી આપે છે કે કોઈએ પણ પોતાના જીવનના પ્રતિકૂળ સંજોગોમાં કેવી રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. હવે સંધ્યાકાળ થઈ ગયો છે. ચાલો આપણે આપણા સ્વર્ગસ્થ એ પૂર્વજ કે જે ‘ચતુર કાગડો’ કથાવાળી ઘટનાના મુખ્ય નાયક હતા, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને તેમના માનમાં બે મિનિટનું મૌન ધારણ કરીએ.

અને, છેલ્લે વરિષ્ઠ કાગ મુખિયાએ જાહેરાત કરી કે “આપણી ઔપચારિક સભા અહીં સમાપ્ત થાય છે. આપણો ધ્યાન ધરવાનો સમય થઈ ગયો છે. બધાયને શુભ રાત્રિ !”


Rate this content
Log in

Similar gujarati story from Comedy