Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Irfan Juneja

Action Romance

3  

Irfan Juneja

Action Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૫

હમ તુમ્હારે હૈ સનમ - ૫

9 mins
14.2K


અરમાન અને એનો પરિવાર પણ આયતના પરિવારના ગયા પછી થોડા જ સમયમાં રાજકોટ રવાના થાય છે. અરમાન રાજકોટ સ્ટેશન એ પહોંચી ઘર તરફ જય રહ્યો હોય છે ત્યારે રસ્તામાં એની ક્રિકેટ ટીમ નો કપ્તાન મળે છે.

"આવી ગયો અરમાન... કાલે અમદાવાદની ટીમ આવે છે. તો સવારે આવી જજે મહત્વની મેચ છે."

"હા કપ્તાન આવી જઈશ. બીજું કઈ ?"

"અરે તું લગ્ન માં જઈને આવ્યો. તો ઉદાસ કેમ છે ?"

"કઈ નહિ કપ્તાન ચાલ કાલે સવારે મળું..."

અરમાન કપ્તાનને મળીને પોતાના ઘરે જાય છે. સાંજે આયતના ઘરે એની સહેલી સારા આવે છે. બંને ઉપરના રૂમ માં બેસે છે.

"આયત કેવા રહ્યા લગ્ન મળી એને..?"

"લગ્ન તો સારા હતા. મળી તો નથી બસ જોયો છે..."

"કેવો લાગે છે આયત એ...?"

"રંગ રૂપે તો ખુબ દેખાવડો છે. પણ થોડી અક્કડ અને ઘમંડ છે. " આયત શરમાતા બોલી.

"તો એને જોયો તો વાત કેમ ન કરી તે ?"

"વાત કરવા એને બોલાવી હતી. હું જઈ રહી હતી પણ અમ્મી એ ગુસ્સો કરીને મને રોકી દીધી."

"કેમ તારા અમ્મી આવું કરે છે આયત...?"

"સારા મને લાગે છે સગાઇ તૂટવાની છે. બસ એ લોકો રવિવારે આવશે તો અમ્મી અબ્બુ ના કહી દેશે એટલું જ બાકી છે..."

"આવું કેમ કરશે તારા અમ્મી અબ્બુ તને કંઈક ભૂલ થતી લાગે છે.."

"ના સારા ... હું જાણું જ છું મારા અમ્મી અબ્બુને કે એ હવે અરમાનને અપનાવવા નથી માંગતા..."

"પણ આનું કારણ શું હોઈ શકે..?"

"સારા મને બહુ તો ખબર નથી પણ એવું સાંભળ્યું છે કે અમ્મીની આબિદઅલી માસા સાથે સગાઇ હતી. અને જે દિવસે અમ્મીના લગ્ન એમની સાથે થવાના હતા એ જ દિવસે અનિશામાસી સાથે થઇ ગયા..."

"આવું થોડી ને હોય. સગાઇ નાની બેન સાથે અને લગ્ન મોટી બેન સાથે...? આવું કેમ કર્યું હશે એમણે..?"

"એ તો ખબર નથી સારા. જયારે ખબર પડશે ત્યારે જ કહીશ..."

"ચાલ એ છોડ અરમાન વિષે કે તે એને જોયો તો એ તને સંતાઈ ને જોતો હતો...?"

"ના સારા આંખોમાં આંખો પરોવીને જોતો હતો. મને લાગે છે હું એને ગમી ગઈ છું..."

"ઓહો.. તો તો તમારી સગાઇને કોઈ ના રોકી શકે આયત. એ આંખોમાં આંખો નાખીને જોતો તો તે શું કર્યું..."

"હું પણ એની સામે જ જોતી રહી. એની આંખોમાં મને સાચા પ્રેમની અનુભૂતી થઇ...."

"આયત તું હવે બસ દુઆ કર તારું કામ તો તે કરી દીધું છે. હવે અલ્લાહ પર છોડ બીજું બધું..."

"મેં શું કામ કર્યું સારા. મને ડર લાગે છે એ નઈ મળે તો હું કેમ જીવીશ..."

"તું એની આંખોમાં જોઈને આવી છે. હવે તો તું એના દિલમાં જગા બનાવીને જ આવી છે. તું બસ અલ્લાહને દુઆ કર..."

આયત અને સારાની વાતો આમ જ ચાલતી રહી. બીજા દિવસે સવાર થતા આયતના ઘરની પાછળના ભાગમાં ગાર્ડેનમાં એના અમ્મી અબ્બુ બેઠા છે.

"તો રુખશાના હું શું કરું... આબિદ અલીને ટપાલ લખી દઉં કે અમારે આ સંબંધની વાત આગળ નથી વધારવી તમે રવિવારે ન આવતા...?"

"ના ના... આવા દો એમને.. ના સાંભળવા દો. બદનામ થવા દો ને લુતા લમણે પાછા જવા દો... પછી મજા આવશે...."

રુખશાના બદલાની આગમાં બોલી રહી. રાજકોટમાં સવારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે મેચ ચાલુ થઇ. અરમાન બેટિંગ કરી રહ્યો છે. આજે અરમાન ખુબ જ ઉગ્ર બની ને બોલરો પર પ્રહાર કરી રહ્યો છે. એનો ગુસ્સો એની બેટિંગમાં નજરે પડી રહ્યો છે. પચાસ બોલમાં સો રન (૧૦ છગ્ગા અને ૫ ચોકકા) સાથે ટીમ માટે સારો ટાર્ગેટ સેટ કરે છે.

"અરમાન પાગલ થઇ ગયો છે. તું સિક્સ મારતો ન હતો એને બદલે આજે દસ છગ્ગા મારી દીધા તે. શું ખાઈને આવ્યો છે ભાઈ..."

"કઈ ખાઈ ને નઈ કપ્તાન... આજે હું બધાને મારીશ કોઈને નઈ છોડું....." અરમાનને એના માસી રુખશાના પર ગુસ્સો હજી પણ યથાવત છે.

અરમાનના ઘરે એક ટપાલ આવે છે. અરમાનની બેન ઝોયા એ ટપાલ ખોલી એના અમ્મી અનિશાજી સામે વાંચે છે. ટપાલમાં જૂનાગઢની બાજુમાં આવેલા એક ગામમાં શુક્રવારે અરમાનના નાનાની વર્ષી (મરણના એક વર્ષ પછીની વિધિ) રાખી હોય છે. અરમાન મેચ રમીને ઘરે આવે છે. એના અમ્મી એને કહે છે.

"બેટા તારા નાનાની વર્ષી છે તો અમે ત્યાં શુક્રવારે જઈશું અને પછી એક દિવસ રોકાઈ રવિવારે જૂનાગઢ જઈને આવીશું. તું ઝોયાનું ધ્યાન રાખજે..."

"અમ્મી એ આવાની છે વર્ષીમાં?"

"ના બેટા એ નઈ આવે અને આવાની હશે તો પણ તું ના આવ એકવાર અમે જઈ આવીએ પછી તું જજે..."

"સારું અમ્મી તમે જઈ આવો...."

સાંજ પડતા જ અક્રમ આવે છે ને અરમાનને અક્રમ બંને પોતાના રૂમમાં બેસે છે.

"અરમાન તું હજી ગુસ્સામાં છે ? એની સાથે વાત ન થઇ એનો ગુસ્સો છે..."

"અક્રમ મને ગુસ્સો એ વાતનો નથી કે એની સાથે વાત ન થઇ. ગુસ્સો તો એ વાતનો છે કે માસી એ આવું કેમ કર્યું. કેમ રોકી એને ?"

"શાંત થા , તારા અમ્મી અબ્બુ જશે રવિવારે તો એનો હાથ માંગી લાવશે પછી તું કરી લેજે વાત..."

"અક્રમ મને એ નથી સમજાતું કે હાથ માંગવાની જરૂર શું..... કામ..... ને પડી રહી છે..." અક્રમ ગુસ્સે થાય છે.

"અરમાન અહીં આવ બેસ મારી પાસે. જો ગુસ્સો ના કર તારા પ્રેમને તારી તાકાત બનાવ એને મજબૂરી ના બનાવ. તારી જાતનો જે ઘમંડ છે એને થૂંકી દે. સાચો પ્રેમ કઈ નાસ્તા જેવો નથી જે રોજ સવારે તને આસાનીથી મળી જાય છે. એના માટે અલ્લાહને દુઆ કર અને ઘમંડ છોડ. મનમાંથી એ કાઢી નાખ કે તું અરમાન કોલેજ ટૉપેર, સારા ફેમિલી વાળો , રાજકોટ શહેરમાં રહેવા વાળો, સારો ક્રિકેટર, એ તારી માસીની દીકરી નાના ગામની છોકરી, તારી બાળપણની મંગેતર. એ બધું ભૂલીને એની તરફ જો. એ કેટલી લાચાર છે. તું જેમ ગુસ્સાથી કહી શકે એ છોકરી પોતાના હક માટે એને અમ્મી અબ્બુ સામે ઉફ પણ નથી કરી સકતી. તારાથી વધુ તકલીફમાં એ હશે. તું સમજવાની કોશિસ કર..."

"અક્રમ હું સમજુ છું પણ માસીને મારાથી શું તકલીફ છે..."

"કઈ નહિ, હવે આ બધું છોડ અલ્લાહને દુઆ કર અને રવિવાર સુધી રાહ જો..."

સાંજે આયત જમવાનું બનાવીને એના અમ્મી અબ્બુને ઓરડામાં આપવા જાય છે. દરવાજે પહોંચતા જ એના કાને અવાજ આવે છે..

"રવિવારે આવે તો શું કહેશું રુખશાના..."

"કઈ નહિ ના કહી દેજો કે અમને છોકરો પસંદ નથી... પણ જેતપુર વાળી મારી બેન અને મારા પિયરમાં બધાનો અરમાન લાડકો છે. જો ના કહીશું તો બધા રિશાઈ જશે..."

"તો શું કરીશું...?"

"મારા પિયરમાં બધી સ્ત્રીઓ પીર-બાબામાં બહુ વિશ્વાસ કરે છે. કહી દેશું કે પીર-બાબાએ ના પાડી છે. જો આ લગ્ન થશે તો બેમાંથી એક મરી જશે...."

"હા એમ કહી દેશું કે અરમાન મરી જશે....."

આટલું સાંભળ્યા બાદ આયતથી ન રહેવાયું એ અંદર આવી જમવાનું થોડું પછાળીને મૂકતા બોલી.

"અબ્બુ જમવાનું મૂકી દીધું છે. જમી લેજો..." અને એ બહાર ચાલી ગઈ.

આયત બહાર ફળિયામાં આવી ત્યાં એના મોટા બાપુજીનો દીકરો શાહીલ ત્યાં આવ્યો. શાહીલ આયતને થોડી ખરાબ દૃષ્ટિથી જોઈ રહ્યો હતો. આયત એને આવકાર આપ્યો અને જમવાનું પણ આપ્યું. એ આયતને જમતા જમતા પણ આંખોથી ઘુરી રહ્યો હતો. આયત થોડીવાર પછી પોતાના રૂમમાં ચાલી ગઈ.

શુક્રવારની સવારે વહેલા અરમાનના અમ્મી અબ્બુ જૂનાગઢની નજીક ગામમાં વર્ષીની વિધિ માટે ગયા અને આયતના અમ્મી અબ્બુ પણ ત્યાં પહોંચ્યા. આયતના મોટા બાપુજીનો દીકરો એમના ગયા પછી તરત ફરીવાર આયતની ઘરે આવ્યો.

"ગુડ મોર્નિંગ... આયત..."

"આવો શાહીલ ભાઈજાન... આજે સવારે અહીંયા કેમ ?"

"કાકા કહીને ગયા છે. કે આજે ઘરની રખવાળી મારે કરવાની છે..."

એટલામાં જ આયતના નાના ભાઈ બહેન સ્કુલ જવા માટે બહાર ફળિયામાં આવ્યા.

"ચાલો બેટા આજે સ્કુલની રજા તમારે નથી જવાનું સ્કુલ..." આયત એ એના ભાઈ બહેનો ને કહ્યું

"કાકા કહીને ગયા છે. બાળકો જશે સ્કૂલે..."

"શાહીલ ભાઈજાન તમે મારી રખેવાળી કરશો તો એ પણ કરશે ને... નથી જવું કોઈને ચલો કપડાં બદલી લો..."

શાહીલ આયાતને ઘુરી જ રહ્યો. અને બાળકોના સ્કૂલે ન જવાથી એ થોડો ગુસ્સાથી જોવા લાગ્યો. એ આયાતની પાછળ પાછળ ઘરમાં ફરતો હતો પણ આયાત એને કઈને કઈ કરી ને દૂર કરી દેતી.

અરમાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે ગયો. આજે એ ઉદાસ હતો. કપ્તાન આવ્યો અને બોલ્યો..

"ચાલ અરમાન આજે હું તને થોડી પ્રેક્ટિસ કરાવી દઉં..."

"ના કપ્તાન બીજા કોઈને નેટમાં મોકલી દે મારો મૂડ નથી..."

"અરમાન તને થયું છે શું.. હું જોઉં છું લગ્નમાંથી આવ્યા પછી તું ઉદાસ રહે છે. ગુસ્સો વધ્યો છે..."

"કઈ નઈ કપ્તાન... મને પ્રેમ થઇ ગયો છે..."

"પ્રેમ અને તને શું મજાક કરે છે યાર...."

"હા કપ્તાન મને સાચો પ્રેમ થયો છે..."

"પણ તારી તો બાળપણની સગાઇ હતી ને... "

"હા હતી પણ મને પ્રેમ થયો છે..."

"તો શું એ છોકરીને ચિટ કરીશ..."

"ના કપ્તાન તને હું એવો લાગુ છું ? ... મને પ્રેમ એ મારી બાળપણની મંગેતર જોડે જ થયો છે અને જો એ નઈ મળી તો હું દુનિયા ને આગ લગાવી દઈશ...."

"હા તો બોલ હું શું મદદ કરું આમાં..."

"મારી સાથે જૂનાગઢ આવીશ આજે...."

"અત્યારે જૂનાગઢ... પણ કેમ...?"

"એને મળવા.. એને પણ પૂછી લઉ ને કે એ પ્રેમ કરે છે કે પછી ખાલી બાળપણની સગાઇ ના કારણે જ સંબંધ નિભાવી રહી છે..."

"તું એકલો જતા ડરે છે...?"

"ના ના કપ્તાન ડરતો નથી પણ હું એકલો જઈશ તો બધા ખોટું સમજશે. હું કહીશ અમે જૂનાગઢ મેચ રમવા આવ્યા હતા તો થયું ચાલો મળતા જઇયે. એના અમ્મી અબ્બુ પણ ઘરે નઈ હોય હું એકલો જઇશ તો એ ડરશે. તું સાથે હોઈશ તો કોઈ ખોટું નઈ સમજે.."

"તો તું વાત શું કરીશ....?"

"વાત કોણ કરશે.. એ મારાથી ડરે છે અને હું એનાથી. ત્યાં જઈને એક લેટર લખીશને આપી દઈશ એને.... જો એનો જવાબ આવશે તો વિચારીશું કે આગળ શું કરવું..."

"ઓકે ચાલ અરમાન તો આપણે નીકળીએ...."

કપ્તાન અને અરમાન જૂનાગઢ ટ્રાવેલ્સમાં નીકળે છે. જુનાગઢ પહોંચીને એક રિક્ષા કરે છે. રિક્ષા વાળા કાકા થોડા ઉંમર લાયક હોય છે.

"કાકા કસબામાં જવું છે આવશો...?"

"કેમ જશો બેટા સટલ કે મીટર..."

"કાકા મીટરથી..."

"હા બેસો બેટા..." એમ કહીને કાકા રિક્ષા ચલાવે છે.

"બેટા કસબામાં કોની ઘરે જશો ?"

"કાકા અમારે સુલેમાન ભાઈ ના ઘરે જવું છે..."

"તમારું નામ અરમાન છે ...?"

રિક્ષાવાળા કાકાના પ્રશ્નથી અરમાન અચંબિત થઇ જાય છે. પણ એમ સમજે છે કે કોઈ સગામાં હશે. એટલે વળતો પ્રશ્ન નથી કરતા. ઘર પાસે પહોંચીને જયારે અરમાન પૈસા આપે છે ત્યારે કાકા એ લેવાની ના પાડે છે. તમારાથી પૈસા ન લેહવાય એમ કરી કાકા ત્યાંથી જતા રહે છે. અરમાન ઘરની ડેલી ખખડાવે છે. ડેલી ખુલતા જ સામે શાહીલ ઉભો હોય છે.

"તમે કોણ ?.." શાહીલ અરમાન અને કપ્તાનને જોઈને પ્રશ્ન કરે છે ...

"તમે કોણ...?" અરમાન એને વળતો પ્રશ્ન કરે છે.

"હું શાહીલ.. આ મારા કાકાનું ઘર છે..."

"હું એમને ભાણેજ ... અરમાન... "

આટલું સાંભળતા જ આયત આંગણામાં ખાટલા પરથી ઉભી થઇ જાય છે. અરમાન ડેલીમાંથી અંદર પ્રવેશે છે. અરમાન અને આયતની આંખો મળે છે. અરમાન આયત ને જોઈ ને એક પ્રેમ ભર્યું સ્મિત આપે છે. આયત સ્તબ્ધ બની ને અરમાનને જ જોઈ રહી છે...

કર્મશ:...


Rate this content
Log in

Similar gujarati story from Action