Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

બાપુજીનું તત્ત્વજ્ઞાન

બાપુજીનું તત્ત્વજ્ઞાન

5 mins
408


“ત્યારે એ લ્યો આ મારો ખરડો.” એમ કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેમાં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં.

“કે’જો લખમણ બા’રવાટિયાને –” મીરનો અવાજ અષાઢના મોરલાની માફક ગહેક્યો : “કે’જો કે કવિ મોટી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે –

મીતર કીજે મંગણાં; અવરામ આળપંપાળ;

જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર.”

“તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, ફણા મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ! મૂવા પછી તને કોઈ નહિ ગાય.”

“પણ મને એ ક્યાં મળશે?” પિનાકીએ માન્યું કે બહારવટિયાના મુકામ પર તો કોઈ સીધી સડક જતી હશે.

“જુઓ ને ભાઈ!” મીરની આંખો ઘેરાવા લાગી. “આ અહીંથી ઊપડો તે નીકળો જમીને ધડે. ત્યાંથી તુળશીશ્યામ. ત્યાંથી નાંદીવેલે. ત્યાં ના હોય તો પછી સાણે ડુંગર. ત્યાંયે ન જડે તો પછી ચાચઇ ને ગઢે, જેસાધારે, વેજળા કોઠે...” કહેતો કહેતો મીરા ઝોકાં ખાવા લાગ્યો. બહારવટિયાનાં સ્થાનોની નામાવલી સાંભળતો સાંભળતો પિનાકી મોં ફાડી રહ્યો. એણે પૂછ્યું : “એ બધા ક્યાં આવ્યાં?”

“એ કાંઈ મેં થોડાં જોયાં છે, બાપ!” મીર હસ્યો.

“ત્યારે તમને ચોકકસ ઠેકાણની જાણ નથી?”

“તો તો પછી હું જ ન જાત? તમને શા માટે તસ્દી આપત?” મીરની આંખો દુત્તી બની ગઈ. એક આંખ ફાંગી થઈ; જાણે એ કોઈ નિશાનબાજની માફક બંદૂક તાકતો હતો.

પિનાકીને મીર પક્કો ધૂર્ત લાગ્યો.

“લાવો લાવો મારો ખરડો, તમે જઈ રીયા બહારવટિયાને મુકામે.” કહીને મીરે પોતાનો કવિતાનો કાગળ પાછો ખેંચી લીધો. “સિકલ તો જુઓ સિકલ!” મીરની ગરદન ખડી થઈ. એનું માથું, ફસાડી પડેલા કોળા જેવું, છાતી પર ઝૂકયું. એ વધુ વિનોદે ચડ્યો: “નિશાળ ભેળા થઈ જાવ, ભાઈ, નિશાળ ભેળા.“

પિનાકીએ પોતાની કમતાકાતનો મૂંગો સ્વીકાર કરી લીધો. અને એને નિશાળનું સ્મરણ થયું એ ચમક્યો: ‘આજે હેડમાસ્તર કાળના તોફાનવાળા વિદ્યાર્થીઓની શી વલે કરશે? સદાના એ ગભરુ છોકરાઓને ગઈ કાલે કશાકથી પાણી ચડે ગયું હતું; પણ આજે તો રાતની નીંદે એમના જુસ્સાને શોષી લીધો હશે. મને નહિ દેખે એટલે એ બધા મૂંગા મૂંગા ઊભા માર ખાશે, બરતરફ થાશે ને એમના માબાપો વડચકાં ભરશે તે તો જૂદું.’

આખી દયાજનકતાનો ચિતાર પિનાકીની કલ્પનામાં ભજવાવા લાગ્યો. પાછો જવા એ તલપાપડ થયો. મોટા બાપુજીની બીકના માર્યા નાસી છૂટવામાં પોતે પોતાની પામરતા અનુભવી. હેડ-માસ્તરના જાલીમાં સ્વરૂપની એણે ઝાંખી કરી. એનાથી ના રહેવાયું, ‘જે થાય તે કરી લે. મારે પાછા જઈ આજે સ્કૂલમાં જ ખાડ થવું જોઈએ, નહિ તો ધિક્કાર મને! મામી જો સાંભળે તો જરૂર ધિક્કાર આપે.’

વળતી ગાડીમાં એ પાછો ચાલ્યો. બારીમાંથી એ જોતો હતો. ગિરનારની મૂછો ઉપર વાદળીઓ ગેલ કરતી હતી. શ્વેત દહેરાં બુઝુર્ગ ગિરનારાના બોખા મોંના કોઈ કોઈ બાકી રહેલાં દાંત જેવાં જણાતાં હતાં, એનીયે પાછળ, કેટલે આઘે, ગીરના કયા પહાડગાળા બહારવટિયાઓને ગોદમાં લઈ બેઠા હશે!

એ હાઇસ્કૂલના વિદ્યાર્થીને ભમવાની ભાવના-પાંખો ફૂટવા લાગી. નાના બાળક જેવા બનીને એને ડુંગરા પરથી વાદળીઓમાં બાચકા ભરવા મન થતું હતું. સૂર્યનો ઊગતો ગોળો નજીક રમતા મિત્ર જેવો ભાસતો હતો. નવાગઢ સ્ટેશનના પુલ નીચે પડેલી ભાદર નદી, આ રેલગાડી અકસ્માત પડે તો તેથી ચેપઈ જવાના કશા ભય વગર, નાનાં છોકરાં માટે પાંચીકા (કૂકા) ઘડતી હતી. પિનાકીના હ્રદયમાં ભાદર જીવતી હતી. એ ક્યાંથી આવી, એનું ઘર ક્યાં, એનાં માબાપ કોણ, એને ક્યાં જવું છે, આટલી ઉતાવળે કોને મળવું છે, કેટલાં ગામડાં એના સ્તનો પર પડી ધાવે છે, કેટલી કન્યાઓ એને કાંઠે વાતો કરે છે, કેટલી પનિહારીઓ એના પાણીની હેલ્યો ઉપાડી ભેખડો ચડે છે, વાઘરીઓના વાડામાં પાકતી સાકરટેટીને અને તરબૂચોને આ ભાદરની વેકૂરી એક કરીને અમૃત પાય છે- આવા પ્રશ્નોની એના મોં પર કતાર ને કતાર લખાઈ ગઈ. પ્રકૃતિના ધ્યાનમાં એ નીરવ બન્યો. અંતરના ઘોડા પહાડો તરફ દોડવા લાગ્યા. ઊલટી દિશામાં દોડતી ગાંડીતૂર ગાડી ચીસાચીસ પાડતી હતી, કેમકે રસ્તામાં ઊંડું કપાણ આવ્યું હતું. એમ કરતાં રાજકોટ આવ્યું.

ઘરમાં દાખલ થતી વેળા પિનાકીએ પોતાની પીઠ અને છાતી સજ્જ રાખ્યાં હતાં. મોટાબાપુજીની ગઠ્ઠાદાર લાકડીને એ ઓળખતો હતો.

બાપુજીને એણે જોયા. રિવોલ્વોરની નાળીને એ સાફ કરતા હતા.

“તું આવ્યો?” બાપુજીએ સાદા અવાજે પૂછ્યું. પિનાકી જવાબ ના દીધો.

“તું ના આવ્યો હોટ તો હું તને નામર્દ માનત.” બાપુજી બોલતાં બોલતાં રિવોલ્વરની ‘ચેમ્બર’માં કારતૂસો ભરતા હતા, “વિક્રમપૂરનાં રાણી સાહેબે...” એટલું બોલીને બાપુજી ચેમ્બર બંધ કરી અને રિવોલ્વરની ‘સેફ્ટી-કી’ (સલામતીની ઠેસી) જોર કરી બેસારી.

પિનાકીની છાતીમાં છેલ્લા ધબકારા ઊઠ્યા. બાપુજી વાક્ય પૂરું કર્યું: “રાણી સાહેબે તારા માટે પંદર રૂપિયાની માસિક સ્કોલરશીપ કરી આપી છે.”

પિનાકીને શંકા પડી કે પોતાના કાન ખોટા પડી ગયા છે.

“હું તો અત્યારે ઊપડું છું.” બાપુજી રિવોલ્વર ચામડાની ‘કેઈસ’માં નાખતાં નાખતાં કહ્યું : “તું ને તારી ડોસી સાચવીને રહેજો. દાદાજીને બરાબર સાચવજો, હું જાઉં છું બહારવટિયા પાછળ. પાછો આવું કે ન યે આવું. જા, નાહીધોઈ ઝટ નિશાળે પહોંચી જા. માસ્તરે માર્યું એમાં નાસવા જેવું શું હતું! મારા બરડા પર તો હજુય નાનપણના સોળા છે.”

પિનાકીને એવું થયું કે બાપુજીના પગમાં પડી પડી રડી નાખું. મોટીબા આવીને ઊભાં રહ્યાં. એની પાંપણે આંસુના તારા ટમટમતા હતાં.

બાપુજી એને દેખી ભાણાને કહ્યું: “એ તો તારા નામનું મોં વાળીને બેઠી’તી ફકીર પાસે દોડતી’તી કાજળી જોવરાવવા, ને જોષી પાસે જતી’તી ટીપણામાં તને ગોતવા. આખી રાત મને ઊંઘવા ના દીધો. હું તો ખુશ થયો કે તેં એકલા નીકળી પાડવાની હામ ભીડી. આખરે તો સહુને એકલા જ જવાનું છે ને!”

“મોટા તત્ત્વજ્ઞાની!” મોટીબાના મોં પર હર્ષ અને વેદનાની ધૂપછાંય રમવા લાગી.

“મારું તત્ત્વજ્ઞાન તો, આ જો, આમાં ભર્યું છે.” મોટા બાપુજી રિવોલ્વર બતાવી. “હું રોતલ નથી. મારા છોકરાને રોતલ બનાવવા નથી માગતો. પૂછી જો બાપુને; માર ખાઈને હું ઘેર આવતો ત્યારે મને ઘરમાં પેસવા જ નહોતા દેતા. માસ્તર હતો જાલિમ. એને સ્લેટ મારીને હું ભાગ્યો’તો. બાપુજીએ મને ગોતીને શાબાશી આપી હતી.”

બહારની પરશાળમાં એક ખોંખારો આવ્યો અને હસવું સંભળાયું. એ તો દાદાજી હતાં.

પિનાકી એ વાર્તાલાપનો લાગ જોઈ બીજા ખંડમાં પેસી ગયો. ‘ઑરડરલી’ સિપાઈ શેખફરૂકની જોડે કૂદાકૂદ કરવા લાગ્યો. શેખફરૂક ખોટા સિક્કા પાડવા બાબત પકડાયો હતો, ને પછી ગુનાની કબૂલાતને પરિણામે નોકરીમાં ભરતી પામ્યો હતો. એટલો નેકીદાર હતો કે આ માણસ ખોટા સિક્કા પાડતો હતો એવું, એ પોતે કહે તો પણ, ન માની શકાય.

મહીપતરામ કપડાં ચડાવીને બહાર નીકળ્યા, પણ પોતે જીવ સટોસટના જંગમાં જઈ રહેલ છે એવી કશી જ ડંફાસ એના દીદારમાં ન દેખાઈ.

મોટીબાએ આવીને કહ્યું: “અંબાજી માનો દીવો કર્યો છે, તે જરા પગે તો લાગતા જાવ.”

“હવે ઠઠારો મૂક ને, ઘેલી, એવી શી ધાડ મારી નાખી છે હજુ!” એમાં કહી ફરી પાછી બૂટની વાધરી છોડી. અંદર જઈ પગે લાગી, વળી કંઈક બીજું લફરું પત્ની કાઢી બેસશે એ બીકે વાધરી બાંધી – ન બાંધી ને ઊપડ્યા.

“એક વાત ના વીસરજો.” પત્નીએ કહ્યું.

“શું?”

“જેની પાછાળ ચડો છો એના આપણાં માથે ઉપકાર છે.”

“હા, હા; સરકારને હું કહેવાનો છું કે એને ઘીએ ઝબોળી રોટલી પહોંચાડવાનો બંદોબસ્ત કરે ! ભલી થઈને ક્યાંય આવા બબડાટ કરતી ફરતી નહિ.”

રાવસાહેબના એ શબ્દોમાં તોછડાઈનો આડો આંક હતો.

પત્નીએ અંદર જય દીવાને પ્રણામ કરતે કરતે ઉચ્ચાર્યું :

“ હે અંબાજી મા! સ્વામીની આબરૂ રાખજો, પેલાઓની પણ રક્ષા કરજો!”

બેવડી પ્રાર્થનાના આંચકા એના અંતરમાં લાગતા હતા.

પિનાકી સ્કૂલે ગયો. અજાયબ થયો. વર્ગો શરૂ થઈ ગયા હતા. હંમેશની રસમ ચાલુ હતી. છોકરામોનાં મોં પર ગંભીરતાનું વાદળ ઘેરાયું હતું, કંઈક થવાનું છે, ઝટ નથી થતું એ વધુ ભયાનક છે, હેડમાસ્તર કોણ જાણે શા મનસૂબા ગોઠવી રહેલ હશે – એવા એવા ભાવોનો મૂંગો ગભરાટ ઘેરો બન્યો હતો. પણ કશું જ ન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics