Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divyesh V Sodvadiya Dvs

Others

4  

Divyesh V Sodvadiya Dvs

Others

બેનામ સંબંધ

બેનામ સંબંધ

5 mins
14.4K


સમાચારપત્રની 'આજનો દિવસ' કોલમ જોઈ તેમાં છપાયેલ તસવીર અને તેની નીચેની ચાર-પાંચ લીટીઓ વાંચતાં નીલની આંખોમાંથી અશ્રુધારા ગાલ પરથી સરી તસવીરને ભીંજવી ગઈ.

'સાત ઓગસ્ટ, ૨૦૨૬. આજથી વીસ વર્ષ પહેલાંનો દિવસ એટલે 'સાત ઓગસ્ટ, ૨૦૦૬.’ સુરતનાં ઈતિહાસમાં સૌથી મોટી હોનારતનો દિવસ. આ તસવીર જોઈને કોઈને પણ એ દિવસની દર્દનાક યાદ આવી જાય...' કાગળ પરના શબ્દો વાંચી તસવીર જોતાં નીલથી સ્વગત બોલાઈ ગયું,

"અમારી તસવીર! લાગે છે કે તે કુદરતી આફતના સમયે મીડિયાવાળાએ અમારી પણ તસવીર ખેંચી હશે."

"દર્દનાક નહીં ભાઈ, પ્રાણઘાતક દર્દનાક લખવાની જરૂર હતી." કહેતા જ એ ફોટા સામે જોતા વીસ વર્ષ જૂના દિવસની યાદમાં ધકેલાઈ ગયો.

સ્વચ્છ, સુંદર અને રમણીયતાથી ભરપૂર એવા સુરત શહેરની દિશા બદલી નાખનાર નદી એટલે તાપી. આ જ તાપી નદીએ સુરતની કાયાપલટ કરેલો દિવસ 'સાતમી ઓગસ્ટ ૨૦૦૬.' ઉપરવાસમાં અતિવૃષ્ટિના કારણે ધસી આવેલાં ઘોડાપૂરથી તાપી બે કિનારા વીંધી શહેરમાં ઘૂસી ગઈ, અને એણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સુરત નગરીના એકપણ વિસ્તારને પોતાના પૂરનાં પ્રકોપથી ન છોડ્યાં.

દરેક વિસ્તારમાં પૂરનું પાણી ધીરેધીરે રસ્તા, શેરી અને મકાનમાં ઘૂસતું ગયું. પહેલો, બીજો, ત્રીજો અને ક્યાંક તો મકાનનાં ચાર-ચાર માળ ડૂબાડી ગયું.

નદીનાં કિનારે એક ઝૂંપડપટ્ટી અને તેની લગોલગ 'તાપી-દર્શન' સોસાયટીમાં ચારેક વર્ષનો નીલ એના મા-બાપ સાથે રહેતો. તાપીનાં ગાંડાતૂર નીરે તેના ઘરને પણ ન છોડ્યું. પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું ને કાયમ દૂધ પીવાની આદતથી ટેવાયેલ નીલે દૂધ માટે જીદ કરી. આકરી જીદ બાદ મમ્મીના કહેવાથી પપ્પા છાતીઢંક પાણીમાં દૂધ લેવા ગયા. અચાનક પાણીનું સ્તર વધ્યું ને છોકરાની હઠ પૂરી કરે તે પહેલા જ એણે જીવ ગુમાવ્યો. એનો નશ્વર દેહ તાપીના નીરમાં ડૂબવા લાગ્યો. એને ડૂબતા જોઈ મમ્મીથી કારમી ચીસ પડાઈ ગઈ. "બચાવો.. કોઈ બચાવો.." કહેતાં-કહેતાં એને એવો તો આઘાત લાગ્યો કે એ પણ પપ્પા સાથે એને એકલો છોડીને નશ્વર દેહમાં પલટાઈ ગયા.

મા-બાપને મરતાં જોઈ અણસમજુ નીલ બારીની જાળી પકડીને આક્રંદ સાથે રડતો રહ્યો. પળભરમાં એનું સર્વસ્વ વિખરાઈ ગયું. બચ્યો તો માત્ર ચાર વર્ષનો નીલ. એણે આંસુભરી આંખે આજુબાજુ નજર કરી પરંતુ દૂરદૂર સુધી એને કોઈ ન દેખાયું. દેખાય પણ ક્યાંથી.! બધું જ તો તણાઈ ગયું હતું સિવાય કે એ પોતે.

કાળાં શર્ટ-પેન્ટ, સહેજ ભૂખરાં વાળ, ગોળમટોળ ભરાવદાર ગાલ, જોતા જ ગમી જાય તેવો નિર્દોષ ચહેરો. પરંતુ અહીં ન તો એને કોઈ જોઈ શકતું હતું કે ન એ બીજાને!

પૂરની ભરતી વધતી ગઈ. ધીરેધીરે બારીની અડધી જાળી ડૂબી ગઈ, સાથે નીલ પણ. છતાં એણે જાળી ન છોડી, એણે મુઠ્ઠી મજબૂત કરીને બારીને જકડી લીધી. અનાયાસે એને દૂરથી કંઈક તણાઈને આવતું હોય તેવું લાગ્યું. ઝડપભેર એક લાકડાનું પાટિયું અને તેની ઉપર બેસેલી આશરે અઢી-ત્રણ વર્ષની છોકરી તણાતી આવી અને એકાએક નીલની બારીની તૂટી ગયેલ જાળીમાં તે પાટિયાનો ખૂણો ફસાઈ ગયો.

આગંતુક છોકરીને રડતી જોઈ નીલ ફરી રડવા લાગ્યો. એ બંને એકબીજાની સામે જોતા જાય ને રડતા જાય. બંને લાચાર, અનાથ, ભૂખ્યા-તરસ્યા લાંબો સમય રડતા રહ્યાં. તાપીમાં નીર ન સુકાયાં પણ બંનેના કપાળનાં નીર સુકાઈ ગયા. રડે પણ કેટલું! રડી રડીને સૂજેલી બંનેની આંખો એકમેકને જોતી જાય ને કોઈ મદદ કરનાર દેખાય છે કે નહીં તે શોધતી દૂરદૂર સુધી ફાંફાં મારતી જાય. દિવસ વીતી ગયો. રાત પણ આમ ભૂખ્યા-તરસ્યા જ વીતી ગઈ. તરસ લાગે તો બંને પૂરનાં ગંદા પાણીમાં હથેળી ડૂબાડી પાણી હથેળીમાં લઈ બે-ચાર ઘૂંટડા પીવે.

સવાર પડી છતાં પાણી ઓસરવાનું નામ ન લે. હવે તો ભૂખના માર્યા જીવ ડગુમગુ થવા લાગ્યો. ત્યાં જ અચાનક ચારેક સૂકી બ્રેડ ભરેલી એક પ્લાસ્ટીકની થેલી તણાઈ આવી, અને તે લાકડાનાં પાટિયાની કિનારીમાં ફસાઈ ગઈ. નીલે બંને પગ જાળીમાં ફસાવી, એક હાથે બારીની જાળીને મજબૂત પકડી બીજા હાથથી તે થેલી લઈ લીધી. જોતા જ ખબર પડી જાય કે ચાર-પાંચ દિવસ પહેલાં કોઈએ કચરામાં ફેંકી દીધી હશે. પરંતુ આ ભૂખ્યા બાળકોને આવી ભાન ક્યાંથી હોય! એણે ખુદ નીચે પડી ન જાય તેમ હળવેકથી થેલીમાંથી એક બ્રેડ કાઢી છોકરીને આપી. છોકરી ફૂગ ચઢી ગયેલ બ્રેડ ફટાફટ ઝાપટી ગઈ, તરત જ ફરી એણે બીજી બ્રેડ માંગતી હોય તેમ હાથ લંબાવ્યો.

નીલે બીજી વાર બ્રેડ આપી. ફરી છોકરીએ એવું જ કર્યું. નીલે ત્રીજી વાર એક બ્રેડ આપી. છોકરીએ વર્ષોથી ભૂખી હોય તેમ તે પણ ઝાપટી જઈ ફરી હાથ લંબાવ્યો. નીલે થેલીમાં હાથ નાખ્યો. આ શું? હવે તો એક જ બ્રેડ વધી હતી. તે થેલીમાંથી બ્રેડ કાઢતા અસમંજસમાં પડી ગયો. 'આપું કે હું ખાઈ જાઉં?' વિચારતા એણે કહ્યું, "ઉહુંક... આ નહીં આપું. આ મારું." સાંભળતાની સાથે જ છોકરી રડવા લાગી. એને શાંત કરવા નીલે છેલ્લી બ્રેડ પણ આપી દીધી. છોકરીને ફૂગવાળી ચોથી બ્રેડ ઝાપટી જતાં નીલ તાકી તાકીને જોઈ રહ્યો.

"હવે ખલ્લાસ." કહી પાટિયા પર બેસેલી છોકરી હાથ ખંખેરી ખડખડાટ હાસ્ય વેરવા લાગી. એને ખુશ થતી જોઈ નીલ પણ હસ્યો.

"તારું નામ?" નીલે પૂછ્યું.

"મીર....રાં" છોકરી લહેકા સાથે બોલી.

"મારું નીલ."

મીરાંએ પાટિયા પર આવી જવા ઈશારો કર્યો હોય તેમ હાથ લંબાવ્યા, પણ પાટિયું ડૂબી જવાના ડરથી તે પાટિયા પર ન ગયો.

 

બીજો દિવસ પણ વીતવા આવ્યો. સૂરજ ડૂબવાની તૈયારી જ હતી. ધીમેધીમે સાંજ થતાં એના ઘર આગળથી પાણી ઉતરતું ગયું. નીલ બે ફૂટ ઊંચી બારીથી કૂદકો મારી નીચે ઉતર્યો. ધીરેથી એણે બારીમાં ફસાયેલ પાટિયાનો ખૂણો બહાર ખેંચ્યો. પાટીયા સાથે મીરાં જમીન પર આવી. નીલે તણાઈને આવેલા મીરાંનાં માપથી મોટા સ્વેટરને લઈ ખાલી એક વસ્ત્ર પહેરેલી મીરાંને પહેરાવ્યું. એક સ્વેટરમાં એ આખી ઢંકાઈ ગઈ. મોટું સ્વેટર પહેરી મીરાંએ બાંય વાળવા માટે બંને હાથ લંબાવ્યા. નીલ સ્વેટરની બાંય વાળી મીરાંને ભેટી પડ્યો.

પાણી ઉતરી ગયેલી જમીન પરના પાટિયા ઉપર બંને ઘણો સમય આમ એકબીજાને ભેટીને બેસી રહ્યાં. આજુબાજુ રોકકળ કરતાં લોકો, ફૂડપેકેટ વેચતાં સેવકો, બીમારી ન ફેલાય તે માટે દવા છાંટતા સરકારી સેવકો, ન્યૂઝપેપર અને ચેનલો પર સુરતની દશા દર્શાવવા ફોટા પાડતાં મીડિયાનાં નોકરિયાત અને બે દિવસમાં ધોવાઈ ગયેલું સુરત. જાણે આ કોઈની પરવા ન હોય એમ ક્યાંય સુધી એ બંને વહાલથી વળગી રહ્યા.

***

"નીલ...સવાર સવારમાં ક્યાં ખોવાઈ ગયો? બ્રેડ શેકાઈ ગઈ છે. ઠંડી થઈ જશે. ચાલ જલ્દી..!” રસોડામાંથી આવતાં મીરાંનાં અવાજે નીલને વર્તમાનમાં લાવ્યો.

“એક મિનિટ.. આવું હમણાં.”

“ઓહ.. એક મિનિટવાળી..! તારે મેડીકલની પરીક્ષાનું છેલ્લું પેપર આપવામાં મોડું થશે. ઝડપ કર."

'નામ ક્યાં આપી શકાય છે કેટલાક સંબંધોને?

છતાં બેનામ બંધાય છે આ લાગણી..'

તસવીર નીચેની આ બે લીટી વાંચી નીલથી બોલાઈ ગયું, "હા. ખરેખર, અમારા જેવો બેનામ સંબંધ."

"એ..હા. આવું છું મારી વહાલી મીરાં." કહી એ નાસ્તો કરવા પહોંચ્યો.

"લો આ બ્રેડ. અને જલ્દી કરો.. ડૉક્ટર સાહેબ." મીરાંએ મશ્કરી કરી.

"પૂર પહેલાં બહારગામ ગયેલા પાડોશી નરેશ અંકલનાં સાથ-સહકારથી આપણે બંને જીવી શક્યાં, નહિતર તો..." સ્વગત બોલતા નીલે એક ક્ષણ અટકી જઈ શેકેલી બ્રેડ મોંમાં મૂકી.

 


Rate this content
Log in