Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Gandhi

Others

3  

Dharmesh Gandhi

Others

છેલ્લો દિવસ

છેલ્લો દિવસ

3 mins
14.4K


ત્રીજી વખત ગણપતિ આગળ ઓલવાયેલો દીવો સળગાવતાં યામિનીબેન બબડયાં, 'દેવા, કેમ આમ? ક્યાં ભૂલ થઈ અમારી...?'

કંઇક અમંગળ ઘટના ઘટવાના એંધાણ વર્તાય એ પહેલાં, દીકરી ઝીલનો ગણગણાટ કાને પડ્યો, 'ડેડુ, પાર્ટી કરવાના પૈસા...? વર્ષનો 'છેલ્લો દિવસ' નજીક આવી રહ્યો છે, થર્ટી-ફર્સ્ટ ડિસેંબર...'

'પાર્ટી...? શું એ નથી જાણતા કે આવી પાર્ટીઓમાં કેટલાં જોખમો રહેલાં છે?' યામિનીબેનનો ચિઢાયેલો સ્વર દેવસ્થાનમાંથી ગૂંજયો, '...ને વિશ્વાસ પણ કોની પર મૂકાય આજના જમાનામાં? પેલો મુર્શીદ ખાન - શિક્ષક થઈને શાળામાં છોકરીઓની છેડતી કરતા ઝડપાયો, ને જેલ ભેગો થયેલો...'

'ઉંમર છે એની પાર્ટી કરવાની, હમણાં નહીં તો ક્યારે કરશે?' ડેડીએ દીકરીનો પક્ષ લીધો. વોલેટમાંથી 'બાપુ'ના નવાં 'ડીપી'વાળી પાંચ ગુલાબી નોટો દીકરીને પકડાવતા મોટા સાદે બોલ્યા, 'લે, પણ... માત્ર બે હજાર રૂપિયા જ મળશે...' - ને ઝીલે દસ હજાર રૂપિયાની નોટોની મુઠ્ઠી વાળતાં, ડેડી સામે જોઈ આંખ મીચકારી; ઉત્સાહથી બોલી ઊઠી, 'થર્ટી-ફર્સ્ટ ડિસેંબરની પાર્ટી તો મનાવીશું જ.'

એટલામાં હવાની એક લહેરખી આવી, ને ફરી એકવાર યામિનીબેનનો દીવો બૂઝાયો.

છેક એવું પણ નહોતું કે યામિનીબેન દીકરી પ્રત્યે કડક વલણ અપનાવતાં હતાં. પરંતુ, એમને દીકરીની ચિંતા હતી. સમાજની ગંદી નજરથી એની વધી રહેલી યુવાનીને સુરક્ષિત રાખવાની હતી. અને એટલે જ એમણે પડોશમાં રહેતા એક વિશ્વાસુ છોકરાને ઝીલનું 'ધ્યાન' રાખવાનું કામ સોંપ્યું હતું.

* * *

થોડાં દિવસો બાદ,

'આય-હાય, દેવા રે દેવા... આ છોકરીને શું કુમતિ સૂઝી?' યામિનીબેન આકુળવ્યાકુળ થઈ ઊઠ્યાં.

'હા આંટી, છેલ્લા ઘણા દિવસોથી હું મારી સગી આંખે, ઝીલને શાળાનાં પેલા - છેડતીખોર સાહેબ મુર્શીદ ખાનના ઘરમાંથી નીકળતી જોઉં છું...' યામિનીબેનનાં જાસૂસ છોકરાએ સચોટ માહિતી આપતા ઉમેર્યું, 'એક વાર તો એની સાથે અન્ય ત્રણ-ચાર છોકરીઓ પણ હતી.'

યામિનીબેન ચિંતાતુર રહેવા લાગ્યાં. દીકરીને આ અંગે વધુ પૂછપરછ કરવામાં વાત બગડશે એવી સમજ ધરાવતાં હતાં. આખરે એક દિવસ ધૂંધવાતાં ધૂંધવાતાં શાળાએ જઈ પહોંચ્યાં. વર્ગ-શિક્ષક તથા પ્રિન્સિપાલ સાહેબને મળ્યાં. રોષ ઠાલવતાં બોલ્યાં, 'તમે શું ધ્યાન રાખો છો વિદ્યાર્થીઓનું? કોઈ છોકરી ઘણા દિવસો સુધી શાળાનાં સમય દરમ્યાન 'ગાપચી' મારતી હોય, તો તમારી ફરજ નથી એનાં પેરેન્ટ્સને જાણ કરવાની?'

'અરે બેન, પરંતુ... તમારી ઝીલ બે દિવસ શાળાએ આવે, ને બે દિવસ ગેરહાજર હોય. જ્યારે અમે તમને જાણ કરવાનું નક્કી કર્યું હોય, એ દિવસે શાળામાં એ હાજર થઈ જાય.' પ્રિન્સિપાલસાહેબે ચોખવટ કરી.

'આજની પેઢીને શાળામાં સાચું જ્ઞાન અપાતું જ નથી અને ઉપરથી જાતજાતની પાર્ટીઓનાં દૂષણો ઊભાં કરાય છે એ જુદાં.' યામિનીબેન ઉભરો ઠાલવી રહ્યાં હતાં, ને એમનાં જાસૂસનો ફોન આવ્યો, 'આંટી, જલ્દી આવો... કોર્ટની સામે મોટી ભીડ જામી છે. ને ઝીલને હમણાં જ મેં કોર્ટમાં પ્રવેશતાં જોઈ...'

કોર્ટનું નામ સાંભળીને યામિનીબેનનાં હૃદયનાં ધબકારા ધમણની ગતિએ વધ્યા. મસ્તિષ્કમાં વમળો સર્જાયા. જેમતેમ સ્વસ્થતા મેળવી પતિને પણ આ હકીકતથી વાકેફ કર્યા.

* * *

મારતી ગાડીએ પતિ-પત્ની કોર્ટ આગળ પહોંચ્યાં. વિદ્યાર્થીઓનું ટોળું કોલાહલ મચાવી રહ્યું હતું. મા-બાપની પરેશાન આંખો દીકરી ઝીલને શોધી રહી હતી.

ત્યાં જ એક યુવાને હાંફળાફાંફળા કોર્ટરૂમમાંથી દોડતા બહાર આવીને ટોળાંને ઉદ્દેશીને બુમરાણ મચાવી, 'સાંભળો મિત્રો સાંભળો... આપણે કેસ જીતી ગયા... આપણા લાડીલા મુર્શીદસરને પૂરાં સન્માન સાથે બધા આરોપોમાંથી મુક્ત કરાયા છે!'

ને ટોળું ચિચિયારીઓ પાડી ઊઠ્યું.

થોડી જ વારમાં શિક્ષક મુર્શીદ ખાન, ઝીલ તથા એનાં સહાધ્યાયીઓ ગૌરવભેર કોર્ટની બહાર નીકળ્યાં. ઝીલની જ ઉંમરની એક છોકરી યામિનીબેન તરફ આગળ વધી અને બોલી, 'આંટી, આજે ઝીલ અને મિત્રોના સંગઠનને લીધે જ હું મારા શિક્ષક-પિતાને સુરક્ષિત પાછા મેળવી શકી છું. શાળાનાં ટ્રસ્ટીઓએ જુઠા આરોપો થોપીને એમને ફસાવ્યા હતા. ઝીલ તથા મિત્રોએ પાર્ટી કરવાને બહાને પોતપોતાનાં ઘરેથી ઉઘરાવેલી રકમમાંથી લગભગ એક લાખ રૂપિયા ભેગા કર્યા, ને એક બાહોશ વકીલ રોક્યો; કેસ લડ્યા, અને આખરે જીત્યા.'

આંખમાં વેદના અને ખુશીના મિશ્રણવાળા આંસુઓ ભરીને મુર્શીદ ખાનની દીકરી ગળગળી થઈ, 'વર્ષનો આ છેલ્લો દિવસ આજે અમારા નવાં જીવનનો પ્રથમ દિવસ બની રહ્યો...!'

અને બધા મિત્રો પોતાના વ્હાલા અને ચોખ્ખા શિક્ષક સાથે થર્ટી-ફર્સ્ટ ડિસેંબરની પાર્ટી ઉજવી રહ્યાં.

* * *

'તમને દીકરીનાં આ પરાક્રમની અગાઉથી જાણ હતી?' યામિનીબેને પ્રશ્નાર્થ નજરે પતિને પૂછ્યું.

'ના, જાણ તો નહોતી. પરંતુ હા, વિશ્વાસ જરૂર હતો દીકરી પર!' પતિએ મસ્તક ઊંચું કરતા કહ્યું.

અને ઝીલ ઉત્સાહથી ઉછળી પડી, 'કહ્યું હતું ને મમ્મી, થર્ટી-ફર્સ્ટ ડિસેંબરની પાર્ટી તો મનાવીશું જ...'

ને ફરી એક હવાની લહેરખી આવી. પરંતુ, દીવાની જ્યોત અડીખમ રહીને પોતાનો ઉજાસ રેલાવી રહી હતી.

(ઉર્દૂ શબ્દ 'મુર્શીદ' = શિક્ષક, માર્ગદર્શક)

 

 


Rate this content
Log in