Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

અશ્ક રેશમિયા

Children Inspirational

4  

અશ્ક રેશમિયા

Children Inspirational

દગાખોર મગર

દગાખોર મગર

5 mins
14.3K


એક ગામ હતું.

ગામ મોટું અને રળિયામણું હતું.

ગામને કિનારે વિશાળ દરિયો હિલ્લોળા લેતો હતો. ગામની ઉગમણી દિશાએથી દરિયાને નાનકડી એક નદી મળતી હતી.

આ દરિયામાં એક મગર રહે.

અફાટ દરિયામાં મગર ક્યાંયનો ક્યાંય રખડતો. નાની મોટી માછલી ખાઈને પેટ ભરે. થાકે એટલે કિનારાની ઠંડી રેતમાં લાંબી આરામ ફરમાવે. મગર એક દિવસ તરતો તરતો દરિયાને મળતી નદીના નીર તરફ પહોંચી ગયો. થાક્યો એટલે એક વિશાળ ઝાડના છાયામાં આરામ ફરમાવી થોડીવારમાં એને નીંદ આવી ગઈ.

એટલામાં નદીના લીલાછમ્મ કિનારે કુંણું-કુંણું ઘાસ ચરતું એક સસલું આવી પહોચ્યું. ઘાંસ આરોગીને સસલું નાચતું કૂદતું નદીનું નિર્મળ નીર પીવા લાગ્યું.

થોડીવારે મગરની આંખ ઉઘડી.

એણે જોયું તો ધોળુધબ્બ-સુવાળુ-સુંવાળું સસલું પાણી પી રહ્યું હતું. સસલાને જોઈને મગરના મોઢામાં પાણી આવી ગયું.

એણે વિચાર કર્યો, 'આહહા...! કેવું સુંદર સસલું છે! એનો જો ખોરાક મળી જાય તો મજા પડી જ જાય! જલસે જલસા જ પડી જાય! 'આમ વિચારી મગરે સસલા તરફ દોટ મૂકવા વિચાર કર્યો. પણ એટલામાં એને વિચાર આવ્યો. એ મનમાં બોલ્યો: 'ભાઈ મગર....! ઉતાવળ કરીશ નહી. ઉતાવળમાં પેલા શિયાળને ખોયું, જાંબું આપતા પેલા વાંદરાને ખોયો. હવે આ સસલાને ખોતો નહી.'

આમ વિચારીને એ પાણીમાં ગયો. સરરરર તરવા લાગ્યો. સસલું પાણી પી ને ઘાસ પર બેઠું હતું.

સસલા તરફ જોઈને મગરે બૂમ પાડી, 'અરે એય સસલાભાઈ..! કેમ છો?'

સસલાએ ચમકીને મગર તરફ જોયું એટલે મગર આગળ બોલ્યો: 'વાહ! સસલાભાઈ તમારો ગોરો-ગોરો વાન....લાંબા-લાંબા કાન! તમે લાગો છો જાણે પૂનમનો ચાંદ!'

પોતાના વખાણ સાંભળીને ગભરાયેલ સસલામાં હિંમત આવી. એણે પણ મગરના ખબરઅંતર પૂછ્યા.

બે-ત્રણ દિવસમાં તો બંને પાક્કા ભાઈબંધ બની ગયા.

સસલાને દોસ્ત બનાવીને મગર મનમાં ને મનમાંં મલકાતું હતું. એ હવે સસલાને ફોસલાવીને ખાઈ જવાની યુક્તિમાં રાચતો હતો.

બંને રોજ સવાર-સાંજ મળે. લાંબી-લાંબી વાતો કરે. સસલો મગરને ધરતી પરની સુંદર તેમજ અજાયબ વાતો કરે જ્યારે મગર સસલાને દરિયાની રોમાંચક વાતો કરે.

સસલાને વધું વિશ્વાસમાં લેવા માટે મગર રોજેરોજ એક ટાપુ પરથી કુણું કુંણું ઘાસ લઈ આવે. ક્યારેક ક્યાંકથી ગાજર લઈ આવે. સસલું રાજી થાય

એકવાર સસલાએ કહ્યું, 'મગરભાઈ..!તમે મારા માટે ઘાસ અને ગાજર લઈ આવો છો,પણ હું તો તમને કંઈ જ આપી શકતો નથી.'

મગર તરત જ લાગ જોઈ કહે: 'અરે મિત્ર ! સસલાભાઈ ! હું તમારી પાસેથી કંઈ બદલો લેવાની આશા રાખું તો પછી આપણી દોસ્તી શાની? આમ કરતા તો આપણી દોસ્તી લાજે!'

સાંભળીને સસલો હાથ જોડતો. તેને ખુશ થતો જોઈ મગર મનમાં બબડ્યો: 'બેટ્ટમજી સસલા! હમણાં તો તું મારી પ્રસાદી ખાઈને ભલે રાજી થા. પણ યાદ રાખ કે તારા પેટમાં ગયેલું બધું જ વ્યાજ સહિત મારા પેટમાં જ આવવાનું છે!'

એક દિવસ નદી કિનારાના એ વિશાળ ઝાડ પર વાંદરો રહેવા આવ્યો. એણે મગર અને સસલાને વાતો કરતા સાંભળ્યા. લુચ્ચા મગરની દગાખોરીમાં ફસાયેલ સસલા પર એને દયા આવી.

વાંદરાએ સલાને મગરથી ચેતવવા વિચાર્યું. પણ સસલું એકલું મળતું જ નહોતું.

એકવાર સાંજની વેળાએ એકાંત જોઈ વાંદરાએ સસલાને મગરની ચાલાકીની વાત કરી. પોતે નદી કિનારે ઝાંબુના ઝાડ રહેતો હતો. મગરને રોજ ઝાંબુ આપતો હતો. એકવાર એ મગતરો મગર દગો કરીને મને પાણીમાં લઈ ગયો. ત્યાં મને એની મગતરી દાનતની ખબર પડી એટલે બુધ્ધિપૂર્વક હું એનાથી બચી ગયો.એટલે કહું છું સસલાભાઈ કે મગરની દોસ્તી મેલી દો.'

પણ સસલો એકનો બે થયો નહી.

એને તો ઘાસ અને ગાજરની મજા પડતી હતી.

એવામાં એક સવારે ફરતું-ફરતું એક શિયાળ ત્યાં આવી ચડ્યું. તેણે પણ સસલાને અને મગરને વાતો કરતા સાંભળ્યા. તેનેય પણ મગર પર ગુસ્સો આવ્યો પણ કરે શું?

એકવાર બપોરનો સમય હતો.

સસલું કુંણા-કુંણા ઘાસ પર પગ લાંબા કરીને આરામ ફરમાવી રહ્યું હતું.

પાણી પીવા આવેલા શિયાળે સસલાને જોયું.

શિયાળે ધીરે રહીને સસલાને જગાડ્યું.

શિયાળે પણ મગરે પોતાને ખાઈ જવાની જાળ રચી હતી એની વાત કરી.

પણ સસલાએ શિયાળની વાતનેય કાને ધરી નહી. એ તો કૂદતું-કૂદતું દૂર ભાગી ગયું.

એ વખતે વાંદરો ત્યાં આવી ચડ્યો. એણે શિયાળને વાત કરી કે શિયાળભાઈ! મે પણ આ સસલડાને વાત કરી કે મગરથી ચેતે પણ એ સાલું માનતું જ નથી.

શિયાળ કહે, 'વાંદરાભાઈ! આપણી તો ફરજ હતી કે કોઈને ખરાબ સોબતમાં ફસાતું બચાવીએ. પણ હવે બચવું ન બચવું એ સસલાના મનની મરજી.'

'પણ શિયાળભાઈ! આ સસલું મગરની લાલચભરી દોસ્તીમાં હમણાં તો ગૅલ કરે છે પણ જો જો એ એક દિવસ આપણને બેયને યાદ કરતું મરશે.'

શિયાળ અને વાંદરો આમ વાતો કરીને ત્યાંથી ચાલ્યા ગયા.

ત્યાં થોડીવારે મગર આવ્યો.

સસલાએ બધી વાત મગરને કરી.

મગરે મનમાં વિચાર્યું, 'નક્કી એ બેય મારો ખેલ બગાડવાના! એ થોડું ઉદાસ થયું.પણ મો પર બનાવટી આનંદ લપેટીને એણે સસલાને કહ્યું: 'સસલાભાઈ! હવે આજથી આપણે અહીં નહી મળીએ. અહીંથી થોડે દૂર નદી અને દરિયાના સંગમ સ્થળે એક ઝાંબુનું ઝાડ છે ત્યાં જ આપણે મળશું.'

બંને એ જગ્યાએ મળતા થયા. રોજ અલકમલકની ગજબભરી વાતો કરે.

હવે મગરથી રહેવાતું નહોતું!સસલાનો કોળિયો કરવા એનું મન વધારે લલચાવા લાગ્યું.

'સસલાભાઈ! તમારા મુખે સુંદર ધરતીની રળિયામણી વાતો સાંભળીને મને આ અજાયબ અવનીની સફર કરવાનું મન થાય છે.'

પછી દરિયા તરફ આંગળી કરતા આગળ કહ્યું: 'શું તમને આ વિશાળ દરિયાની મુસાફરી કરવાનું મન નથી થતું?'

'થાય તો ઘણીયે છે મગરભાઈ! પણ બળ્યો આ ધરતીનો જીવ! અમને તરતા જ ક્યાં આવડે?' ઉદાસીથી સસલો બોલ્યો.

મગરને જોઈતું હતું ને મળ્યું. એણે તરત જ એ ક્ષણને ઝડપી લીધી. અને ઝડપથી કહેવા લાગ્યો: ''અરે સસલાભાઈ ! પાણીમાં સરરરરર કરતો તરતો મારા જેવો દોસ્ત છે ને તમે આમ મુંઝાઓ છો? ચાલો, તૈયાર થઈ જાઓ ને બેસી જાઓ મારી પીઠ પર!'

'કેવી રીતે?'

સાંભળીને મગરે પાણી તરફ મોં કર્યુ અને સસલા તરફ પૂંછડું લાંબુ કર્યું.પછી કહે: 'મારી પૂંછડી પર બેસી જા, દોસ્ત!'

સસલો ધીમે રહીને મગરની પૂંછડી તરફ સરકવા લાગ્યો.

જેવો નજીક આવ્યો કે મગરે હતું એટલું જોર કરીને પૂંછડું ઝાપટ્યું!

ઝાટકાભેર સસલો ક્યાંય દૂર ફંગોળાઈ પડ્યો.જાણે ગોફણમાંથી પથ્થર છૂટ્યો! ધબાંગ દઈને એ પટકાયો. મોઢું લોહીલુહાણ અને પતલી કમરના કટકા થયા.

મગતરા મગરની લુચ્ચી દોસ્તી એને ભારે પડી.

દર્દથી કણસતા-કણસતા સસલાએ મગરને સંભળાવ્યું:

"મૂઆ તારી દોસ્તી,

મૂઆ તારી સફર..!

પીઠ પર સવારી કરાવતા,

ભાંગી નાખી મારી કમર!"

મગર દૂર પડ્યા-પડ્યા કણસતા સસલાને જોઈ રહ્યો.

સસલો જમીન પર દૂર ફંગોળાયો એટલે એનો ખેલ બગડ્યો. મગર મો વકાસીને બેસી રહ્યો. પછી મનમાં બબડ્યો: 'સાલું,ખરાબ કર્યાનું ફળ પણ ખરાબ જ મળે છે હો!'

એવામાં વાંદરો ત્યાં પાણી પીવા આવ્યો.

થોડીવારે ફરતું-ફરતું શિયાળ પણ આવી ચડ્યું.

બંનેએ કણસતા સસલાને જોયો.

એ બંનેએ પાણી પીવાનું માંડી વાળ્યું. અને સસલાને તાબડતોડ વરૂભાઈના દવાખાને પહોચાડ્યું.

થોડીવારે સસલો ભાનમાં આવ્યો. આંખ ઊઘાડતાં જ એણે વાંદરાને અને શિયાળને જોયા. એ ઊભો થયો. બંનેના પગે પડ્યો.

અને પછી બોલ્યો: 'શિયાળભાઈ..! વાંદરાભાઈ! તમારી વાતને ન માનીને મે જબરી ભૂલ કરી હો!'

પછી ઊભો થતા ફરી બોલ્યો: 'હવે પછી ક્યારેય લાલચખોર અને ખુશામતખોરનો ભરોસો નહી જ કરું!'

સસલાની વાત સાંભળતા શિયાળ અને વાંદરો રાજી થયા.

* * *


Rate this content
Log in

Similar gujarati story from Children