Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ચૂંદડીની સુગંધ

ચૂંદડીની સુગંધ

3 mins
701


ઊના દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી ન્હાતો હતો, ત્યારે વાજા ઠાકોર વીંજલજીના ગુશલખાનામાં ભાટ-રાણી તેલ અત્તરનાં મર્દને અંઘોળ કરતી બેઠી હતી.

એ તેલ, એ અત્તર, મર્દન અને ગુશલખાનાંનો એ શોખ સોરઠને કાંઠે નવો આવ્યો હતો. મોખડા ગોહલના પેરંભ પર ત્રાટકેલી મુસ્લિમ પાદશાહત સૌરાષ્ટ્રના સાગર-તીર પર ઠેઠ પ્રભાસ પટ્ટણ સુધી ફરી વળી હતી. સોરઠની કંઠાળી રાજઠકરાતોને ઇસ્લામની તલવારે પોતાની ધાર હેઠળ કાઢી કરીને વિલાસના એ બધા નવા લ્હાવા ચખાડ્યા હતા. સુરૈયાઓ ખુશબોની પેટીઓ લઈ ગામોગામ ઘૂમતા. મશરૂ અને મલમલો મીઠાં થઈ પડ્યાં હતાં. રાજપૂતો જીંદગી માણતાં શીખ્યા હતા.

"હું -હું તમને મારા સગા હાથે મર્દન કરી નવરાવું." વીંજલ ઠાકોર ગુશલના ઓરડાનાં કમાડ ભીડવા દેતો નહોતો.

"આજ નહિ, આજે તો જોવો, મને આવડે છે કે નહિ ? ન નાઇ જાણું તો કાલ નવરાવજો !" ભાટ-રાણી કમાડ ભીડવાની રકાઝક કરતી હતી.

એ ધમાચકડીમાં હારેલો વીંજલ ઠાકોર ગુશલખાનાની બહાર વાટ જોઈ બેઠો હતો. અંદર ચોળાતું શરીર અંગોઅંગના મર્દન-ધ્વનિ સંભળાવતું હતું. એ રૂપાળી કાયાના મસળાટને કાન માંડતો રાજા બીજી બધી વાતે બેભાન હતો. ને પવનની લેરખી એની બંધ બારીને હળવો ધક્કો મારી ચારણીની ચૂંદડીને ક્યારે મેડીની વળગણી પર લટકાવી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. દરવાજે મચેલા મામલાની એને ગતાગમ નહોતી. ભાટોના કાળા કળકળાટ બંધ પડ્યા હતા.

"ચૂંદડી-મારી ચૂંદડી દ્યોને દરબાર !" અંદરથી ભાટ-રાણીએ ચૂંદડી માગી ત્યારે છેલ્લાં પાણી એની કાયા ઉપરથી ઢળી જતાં કનોકન જાણે વાતો કરતાં હતાં.

ઓરડો કોઈ અવનવી અને અલબેલી માદક સોડમે મ્હેકતો હતો.

"બહાર આવો, જાતે પહેરાવું."

બહાર આવે, તો તો ચૂંદડીને ઓળખી પાડે. ચૂંદડી અજાણી હતી. પણ એણે અંદર રહ્યે રહ્યે જ આજીજી કરી "આ ફેરે તો ત્યાંથી જ આંહી ફગાવી દ્યો."

"વાહ ચૂંદડી ! ખુશબોદાર ચૂંદડી ! ક્યારે વોરી આ ચૂંદડી ? અને કયે અતરીએ આવા અરક આણી આપ્યા ?"

એવું કેફ-ચકચૂર વેણ બોલતે બોલતે વીંજલે વળગણીએથી ચૂંદડી ખેંચીને મ્હોં ઉપર ફૂલોનો હાર દબાવતો હોય એમ દબાવી ચૂંદડી સુંઘી, ને અંદર ઘા કર્યો.

"આ ઓઢણી કોની ? આ તો મારી નહિ." અંદરથી કોચવાતો અવાજ આવ્યો.

"તમારી નહિ ? કોની ત્યારે ?"

"મને ખબર નથી. કોની ? હું બળું છું -મને બળતરા-જાણે અગન-કાળી-લાય-"

"હેં ? હેં ? શું બોલો છો ? ઊઘાડો, ઊઘાડો."

"બાપુ ! બાપુ ! ઉઘાડો." બહારને બારણે કોઈક બોલવી રહ્યું છે.

"કોણ છે ? શું છે ?"

ગોકીરો વધ્યો : "બાપુ ! ઝટ ઉઘાડો, ઝટ બહાર આવો."

"હું બળું છું-મને લાય-"

"મને ય આગ લાગી છે. મારા પેટમાં દાહ થાય છે." વાજો ઠાકોર બબડી ઊઠ્યો.

"બાપુ ! ચારણ્યે લોહી છાંટ્યું. ચારણ્યનું ત્રાગું. ચારણ્યની ચૂંદડી મેડીમાં આવી છે. અડશો મા બાપુ." બહાર ગોકીરો ને બોકાસાં વધવા લાગ્યાં.

"ચસકા કોણ પાડે છે ? કઈ ચારણ્ય ? ક્યાંથી આવી ચારણ્ય ? ચારણ્યની ચૂંદડી ? આંહી કેવી ? હું તો અડ્યો છું. મેં સૂંઘી છે. મને દાહ થાય છે. આગ ઊપડી છે. આગ-આગ-આગ-રૂંવાડે રૂંવાડે અગનના અંઘોળ-"

"અગનનાઅંઘોળ-" ઠાકોરના શબ્દનો જાણે ગુશલખાનેથી પડછંદો પડ્યો.

"અગનના અંઘોળ-અગનના અંઘોળ-અગનના અંઘોળ."

એક મહિનો-બે મહિના-છ મહિના : વાજા ઠાકોરના ગુલાબી દેહને

રોમે રોમેથી રક્ત પરૂના રેગાડા ચાલ્યા જાય છે. તેલે અને અર્કે ભભકતી એ મેડીમાં બદબો માતી નથી. ચાકરી કરનારાઓ ચાકરી મેલી મેલી ભાગી છૂટ્યા છે. અતરિયાઓએ સુગંધી અર્કોના કૂડલે કૂડલા ખૂટવાડ્યા છે, પણ બદબો દબાતી નથી. નાની નાની માખીઓ જ નહિ પણ મોટા મોટા નરકભક્ષી માખા પણ કોણ જાણે કઈ દુનિયાને કાંઠેથી દોડ્યા આવીને દરબારગઢમાં બણબણી રહ્યા છે. વાજા ઠાકોરનું પીંડ રૂના પોલમાં લપેટાઈને પડ્યું રહે છે. રજાઈઓ ને તળાઈઓ બાકી રહી નથી. પડ્યો પડ્યો એ એક જ પોકાર પાડે છે : "અગનના અંઘોળ ! અગનના અંઘોળ ! અગનના અંઘોળ !"

"એ ભાટ ક્યાં ગયાં ? એનાં છોકરાંને તેડાવોને ! મારે જોવાં છે." આવું આવું એ લવતો થયો.

પાસવાનોનાં મોંમાં જવાબ નહોતો. ભાટવાડો ઉજ્જડ હતો. ભાટનાં છોકરાં ઈશ્વરને આંગણે રમવા ગયાં હતાં.

"મારે ભાટોનાં છોકરાં ભેળું રમવું છે. સાત તાળી દાવ રમવો છે. મને હેમાળા ભેળો કરો. હવે મારે લેપ દવા નથી કરાવવાં. હેમાળા ભેળો કરો.

મ્યાનામાં રૂના પોલની બિછાત કરી. વીંજલ ઠાકોરનો રક્ત નીતરતો દેહ સગાંવ્હાલાંઓએ હિમાલયની ઉત્તરાદી દિશામાં ઉપાડી મૂક્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics