Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

પાછા વળતાં

પાછા વળતાં

7 mins
573


"વૈશાખ મહિનાના આગવર્ષાણ મધ્યાહ્ને જ્યારે રા'એ પોતાનો રસાલો પાછો હંકારી મૂક્યો ત્યારેરે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો. એક ભીલ જુવાન ને બીજી એની માતા. એ સભર-ભર તીર્થભૂમિ વિષે ન તો પ્રાચીન કુંડમાં સ્થાન પામી શકેલા કે ન ત્રિવેણીનું નહાવણ પામી શકેલા વીજલ વાજાને રા'એ રસ્તામાં કહી દીધું : 'જાવ પાછા ઊનામાં. મુસલમાન દરવેશો સાથે બગાડશો મા. અત્યારે ગૂજરાતની સુલતાનીઅત પર એ હઝરતોનું જ પરિબળ છે તે ભૂલશો મા, ને હિંદુ દેવસ્થાનાંથી વેગળા રહી રાજ કરજો. સાચવી શકાય ત્યાં સુધી સાચવજો. મને આશા તો નથી રહી છતાં રાજપૂતોનું જૂથ જમાવવાનો એક યત્ન કરી જોઉં છું. એ નહિ થઇ શકે તો પછી જેવી પ્રારબ્ધની ગતિ. પણ ફરી સોમૈયાજીનાં દર્શન તો અમે નથી પામવાનાં તેવું લાગે છે. ભાંગેલ હૈયે પાછો જાઉં છું.'

ઊનાના પાદરમાંથી જ પરબારા રા'એ દોંણ-ગઢડાના ભીલ-રહેઠણ પર રસાલો હંકાર્યો. ને એક દિવસ ભાટની વહુવારૂને કાને જે સૂરો પડ્યા હતા તે જ સૂરો મછુંદરીનાં નીર ઊતરતે ઊતરતે રા'એ સાંભળ્યા -

જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે,

જોબનિયું કાલ જાતું રે'શે;

જોબનિયાને માથાના અંબોડલામાં રાખો

જોબનિયું કાલ જાતું રે'શે.

એવા સૂરો રા'ના હતાશ પ્રાણમાં સીંચાયા - મીઠા લાગ્યા. રા'નું મન મલકાયું. થોડીક વાર - ભલે ઘડીક જ વાર.

સાચે જ શું આ સંસાર ને આ જોબનિયું માણી લેવા જેવાં જ હશે ! એથી આગાળ શું કંઈ જ નહિ હોય?

ઘોડવેલમાં બેઠાં બેઠાં રા'ને નવા વિચારો ઉપડવા લાગ્યા. ને પોતાનાથી ઓચીંતાનું ઉચ્ચારાઈ ગયું, 'હુંય કેવો ઉત્પાતીઓ જીવ છું ! કુંતા સાચું કહેતી હતી તે રાત્રિએ. કોઇને પડી નથી. એક ફક્ત તું જ ગાડા હેઠળ હાલતું કૂતરૂં બન્યો છે.'

રસાલો આગળ ને આગળ ચાલ્યો. ગિરની વનરાઇ ઘાટી ને વધુ ઘાટી બનતી ગઇ. ઘોડવેલ અને મ્યાનાનો માર્ગ બંધ થયો. રા'એ અને કુંતાદેએ બે ઘોડા પર રાંગ વાળી. ભીલકુમાર માર્ગ બતાવતો ચાલ્યો. કુંતાદેના અશ્વની કેશવાળી સમારતો ને એની માણેકલટ પંપાળતો ભીલ જુવાન પોતાની બહેનની સામે પાછળ ફરી ફરી નિરખતો જતો હતો ને માને કહેતો હતો, 'મા, જોજે હો, બેનને ઝાડવાંના ઝરડાં લાગે નહિ. મા, તું ડાળીઓને વાળતી આવ.'

મચ્છર જેવાં ઝીણાં ઝીણાં જંતુઓનાં ઝૂમખે ઝૂમખાં ઘોડાને ઘોડેસવારોને ઘેરી વળતાં હતાં. તેને ભીલકુમાર પોતાની પછેડીના ઝપાટા મારી મારી દૂર કરતો ગયો. ને મધગીર આવી ત્યારે એણે પોતાનો અવાજ તદ્દન ઝીણો કરી નાખી, એક પછી એક વિચિત્ર સૂરો કાઢવા શરૂ કર્યા. એ એની વિલક્ષણ વાંભ હતી. એ વાંભનું જાદુ અકળ અને અજબ બની ગયું. ગીરના ઝાડવે ઝાડવાં જાણે સજીવન થયાં હોય તેમ કોતરોમાંથી ને ખીણોમાંથી, ડુંગરાની ટોચેથી ને તળેટીઓમાંથી માણસો ઊભરાયાં. એ સેંકડો લોકોના રંગ કાળા હતા, અંગો અધખુલ્લા હતાં, ખભે કમાનો હતી, ભુજાઓ લોખંડી હતી, ચામડી ચળકાટ મારતી હતી, તેમના પગના તળિયા નીચે બાવળ જેવા ઝાડના શૂળા પણ ભચરડાતા હતા. તેમના દેહ પર ચીરાડિયાં બોલાવતી કાંટાળી ડાળીઓને તેઓ ગણકારતા નહોતા.

તેમનાં ટોળેટોળાં ઉભરાયાં. તેમના કીકીઆટા ઊઠ્યા. તેમનાં પપૂડાં વાગ્યાં. તેમ તેમ તો તેમની મેદની ઊભરાતી ચાલી.

તેમનાં ટોળાં હતાં, છતાં સરખી કતારમાં ગોઠવાઇને ચાલતાં હતાં. તેમના સીસમ સરીખા પગ ઢોલની સાથે તાલ મેળવી કદમો માંડતા હતા. તેમની આંખોમાં આનંદ નાચતો હતો.

મધ્યગીરમાં એક ઉઘાડો ઓટો હતો. મંદિરનો ત્યાં ભભકો નહોતો. સાદા એક પથ્થરનું શિવલિંગ હતું. એની ચોપાસ ખુલ્લા ચોગાનમાં થાળી ફગાવો તો જાણે સપાટ ધરતી પર રમતી જાય એવે ઠાંસોઠાસ માથે એ ભીલ-મેદની ઊભી રહી હતી.

ઓટા ઉપર રા'ને ને રાણીને સિંહચર્મોના આસન પર બેસારી ભીલકુમારે સૌને કહ્યું -

'આ મારાં બોન છે. આ ગંગાજળિયો રા' છે. હિંદવો સૂરજ છે. હાજરાહજૂર દેવ છે. આ બોન છે. એ કેવી છે? કેમ કરીને કહું કે કેવી છે? બોન છે, બસ એમાં જ બધું આવી રીયું છે. બોનને ને રા'ને રીઝવવાં છે. રમતો દેખાડવી છે. દોંણશર ડાડાની હજૂરમાં રમત માંડીએ.'

પુરાતન યુગ રા'ની નજરમાં પાછો સજીવન થયો. દ્રોણ ગુરુએ શુદ્ર કહી તરછોડેલો એકલવ્ય જે ઠેકાણે ગારાની ગુરુ-મૂર્તિ માંડીને અજોડ બાણાવળી જોદ્ધો બન્યો હતો તે જ કહેવાતું આ ઠેકાણું હતું.

પાંચ હજાર વર્ષ પહેલાંના એક બ્રાહ્મણાચાર્યે પણ શૂદ્રને તિરસ્કારેલો, અને ઉપર જાતાં એનો અંગૂઠો ગુરુદક્ષિણામાં છેદાવી લીધેલો. એની જ બિરદધારી આ જાતિ હતી. પાંચ હજાર વર્ષે ય શંભુના પુરોહિતો શું એની એજ આભડછેટ સાચવીને બેઠા હતા ! આભડછેટ નહોતી ફક્ત આ શંભુને પોતાને, દેવાધિદેવને, સ્મશાનના સ્વામી મૃત્યુંજયને, જીવનના સૌંદર્યગામી વિરાટ નટરાજને...

નટરાજની ઉપાસના રા'એ આ જંગલવાસી નરનારીઓના સહિયારા નૃત્યમાં નિહાળી. અન્ય કોઈ વેશે નહિ ને ભીલાંરાણીના વેશે ભોળો શિવ શીદ મોહાયા તેની આંહી પ્રતીતિ દીઠી. હિન્દવો દેવ દિવાનો નહોતો. વિષયભોક્તા કામાતૂર નહોતો. ચાહે તેવા જંગલી ફૂલે અને ઝરણ-જળે તુષ્ઠમાન રહેનારો એ પરમ પુરુષ કોઇને અપ્રાપ્ય નહોતો. હજારો શિવલિંગો ભલેને તૂટી ચૂક્યાં, હજારો કદાચ તૂટશે, સોમનાથનાં છિન્ન શિખરો પાછાં કદાચ નહિ ચડે, તોયે શંભુની ઉપાસના ક્યાં થોભવાની છે ! મહાકાળનો વિલય ક્યાં શક્ય છે? કંકર એટલ શંકર કહેતી ખોટી નહિ પડે.

રા'ને ભેટ ધરવાનો સમય થયો. ગીરના મધના ઘડેઘડા આવ્યા, સિંહચર્મ, વાઘચર્મ અને મૃગચર્મોની થપ્પીઓ ખડકાઈ ગઈ. ચણોંઠીઓની રાતીચોળ ટોપલીઓ હાજર થઈ, અને પહાડોના કાળમીંઢ પથ્થરોમાંથી ઝરનાર રસના બનેલા ગુંદર શિલાજીતની સોગાદ થઈ.

એ સૌની વચ્ચે ભીલકુમાર પોતાની બગલમાં બે નાનાં સિંહબચ્ચાં દબાવીને આવ્યો. એ બચ્ચાં એણે રાણી બહેનના ખોળામાં મૂકી દીધાં. કુંતાદે ડરી. રા'એ દાંત કાઢ્યા. નાનકડાં ધાવણાં બચ્ચાં જે ઘૂરઘરાટ કરતાં હતાં તે હજુ નકલી હતા.

'રાખ બોન, રાખ. પાળી રાખજે. તારે ખપ લાગશે. તારી રક્ષા કરશે.'

એમ કહીને ભીલ યુવાન શું બહેનને કોઇ ચાલી આવતી આપત્તિકાળની ચેતવણી આપતો હતો? હશે કદાચ, પણ રા'ને એની સરત નહોતી, એ તો શિલાજીતના શક્તિદાયી સેવનનનું ધ્યાન ધરી રહ્યો હતો.

રા'એ ને કુંતાદે'એ ઝૂંપડાં જોયાં, જ્યાં સોમનાથની સહાયે જતા હમીરજીનો સત્કાર થયો હતો, જ્યાં ભોજનનાં અને તે સાથે છૂપી વન-પ્રીતનાં પીરસણાં થયાં હતાં, ને જ્યાં પહેલી-છેલ્લી રાતનાં પોઢણ થયાં હતાં. ને રા'એ એ ઝાડઘટા જોઇ, જેની નીચે ઉઘાડી હવામાં હમીરજીના પુત્રનો પ્રસવ થયો હતો.

એક રાત ત્યાં પડાવ રાખીને રા'એ રસાલો ઉપાડ્યો. પણ એ આખા નિવાસ દરમ્યાન ભીલ જુવાનની માતા થોડી થોડી જ પ્રગટ થઇ હતી. એણે બન્યું ત્યાં સુધી પોતાની જાતને છૂપાવી રાખી હતી. પોતાના પતિએ ને પિતાએ રક્ષેલા ને નિજ શોણિતથી છંટકારેલા દેવસ્થાનાની છાંયા હેઠળ પુત્રનું જે ગૌરવ ખંડન થયું તેની ખટક માતાના પ્રાણમાંથી રૂઝાતી નહોતી.

'જૂનાગઢ તેડાવીશ. આવજો.' એમ કહીને રા'એ રસાલો ઉપાડ્યો. પણ રા'ને જે એક વાતની ઝાઝી સરત નહોતી રહી તે તો આ હતી : ભીલજુવાન અને કુંતાદે વચ્ચે પરોવાઇ ગયેલી મમતા.

ધ્રાફડ નદી ઊતરીને રા; મેણીઆના માર્ગ પર ચડ્યા હતા. બીજા દિવસના બપોર ચડતા હતા, તે વખતે એણે ચાર દિવસ પર સાંભળી હતી તેવી પશુની કીકીઆરી સાંભળી. કીકીઆરી કરનાર પશુ નહોતો. પશુથી યે બદતર દશામાં જઇ પડેલો એક માનવી હતો. એ હતો એ નગ્નહાલ ચારણ ભૂંથો રેઢ.

કાળી ચીસ નાખીને ન્હાસી જતા, ઠેકડા મારતા, વોંકળાની ભેખડો છલાંગતા એ લાંબા મોટા રૂંછડાવાળા માનવીને કોઇક મીઠા દયામણા અવાજે બોલાવી રહ્યું છે. અવાજ એક સ્ત્રીનો છે.

'ચારણ ! ભાગ મા. ઠેકડા માર મા. સંતાઈ જા મા! ઊભો રહે, ઊભો રહે, આ લે, આ લે, ઊભો રહે ચારણ.'

ભૂંથો રેઢ અટકી જાય છે. વોંકળામાં વાછરૂ ચરાવતી એક વૃદ્ધ બાઇ એના તરફ જાય છે. નગ્નહાલ ગાંડો પોતાની પીઠ ફેરવીને ઊભો છે. વૃદ્ધ સ્ત્રી પણ નીચું નિહાળી નિહાળી તેના તરફ જાય છે. ને નજીક પહોંચીને એક લૂગડું ફેંકે છે. પોતાના દેહ પર ઓઢેલ સફેદ ઊનનો ભેળીઓ (ચારણીનું ઓઢણું) ઉતારીને ઘા કરે છે. ઘા કરતી કરતી બોલે છે 'માતાજી ! ખમૈયાં કરજો. મુંથી નથી જોવાતું. વીશ વરસ થઇ ગયાં. કેટલો બધો દુઃખી થયો હશે! એનું કોણ? બહુ કરી, અહહહ! બહુ કરી. હવે તો મારું એક પણ પાપ ન હોય, તો માતાજી, એની એબને ઢાંકવા દેજો.'

એમ બોલીને એ સ્ત્રી પોતાનો ભેળીઓ (ઊનનું ઓઢણું) એ માનવી તરફ ફેંકે છે. નગ્ન ચારણ એ ઝીલે છે. આજ વર્ષો સુધી એણે ભોગવેલી હાલત એકાએક બદલાય છે. ભેળીઓ સળગતો નથી. ભેળીઓ લઇને ચારણ પોતાની કમ્મર ફરતો લપેટી લે છે. લપેટીને શાંતિ પામે છે. ઊભો રહે છે. પાછી આંસુ સારતી એ ડોશીની સામે કરુણાર્દ્ર નયને ને ગરીબડે મોંયે જોઇ રહે છે. અને અરધું અંગ ઢંકાયાની ખાત્રી થયા પછી ધીરે ધીરે પગલે ચાલી નીકળે છે. ચાલતો ચાલ્તો પણ એ ખાત્રી કરતો જાય છે. લપેટેલ ભેળીઓ હેમખેમ છે કે નહિ તેની ખાત્રી એ વારંવાર સ્પર્શ કરી કરીને મેળવે છે. પોતે મરી ગયો છે એવા સ્વપ્નામાંથી જાગી ઊઠેલોમાનસ પોતાની હયાતીની ખાત્રી કરતો કાળી મધરાતે જે લાગણી અનુભવે છે તે લાગણી આ ચારણ અનુભવી રહ્યો.

ને પોતાના મહાપરાધી માણસની એબ, ખુદ પોતે જ નવસ્ત્રી બનીને ઢાંકનાર એ બુઢ્ઢી બાઇ અર્ધ ઉઘાડા દેહે વાછરૂં હાંકતી ક્યારની ટુંકા માર્ગે મેણીઆ ભણી ચાલી નીકળી હતી. રા'આ ઓઢણા વગરની બુઢ્ઢી બાઇનું અચરજ નિહાળતા નિહાળતા મેણીઆને પાદર ગયા.

બપોરા કરવાનું ને રોંઢો ગાળવાનું રા'ના રસાલા માટે ત્યાં ઠર્યું હતું. ચારણોનું એ આખું ગામ ઢોલે શરણાઇએ સામે હાલ્યું હતું.

નહોતાં આવ્યાં ફક્ત એક ચારણી નાગબાઇ.

રા'એ પૂછપરછ કરી ત્યારે એમને ખુલાસો કરવામાં આવ્યો કે 'આઇના સંસારમાં બધું એવું બની ગયું છે કે પોતે આવા રાજ-અવસરે બહાર નીકળતાં નથી. ને આજ હૈયા ઉપર કાંઇક વધારે ભાર છે. એ ભાર શેનો છે તે ખબર કોઇને નહોતી પડી.

એનો પુત્ર ખૂંટકરણ ગઢવી, જે ચારણોનો ન્યાત-પટેલ હતો, ને પૌત્ર નાગાજણ ગઢવી. બેઉ હાજર હતા. નાગાજણ પાંચેક વર્ષ રા'થી નાનો હતો. પણ બોલવે ભારી વાતડાહ્યો નીકળ્યો. રા'ને નાગાજણે સાંજ સુધી એટલી બધી સુવાણ કરાવી કે રા'ને ને એને પ્રથમ મેળાપે જ પ્રીત બંધાઇ ગઇ.

રા'ના ગયા પછી ગામમાં વાતો થઇ કે આઈ આજે વગડેથી ઊઘાડાં કેમ આવ્યાં હતાં? સાંજે ગૌધણ ઘેરે આવ્યાં ત્યારે ગોવાળોએ ખબર દીધાં કે ઓલ્યા નાગાને કોઇકે છેવટે ઢાંક્યો લાગે છે. પણ એણે પહેરેલ હતો એક ભેળીયો. ને એ તો ગુલતાનમાં આવી જઈ બોલતો જતો હતો કે 'ઢાંક્યો-ઢાંક્યો-મને એણે જ ઢાંક્યો.'


Rate this content
Log in

Similar gujarati story from Classics