Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Shah

Inspirational

2  

Swati Shah

Inspirational

મા તે મા

મા તે મા

9 mins
7.9K


મા તે મા

"અરે કલમુહી યે ક્યા કર દિયા તુને?" શબ્દો કાને પડતાં જ હું તો એકદમ ગભરાઈ ગઈ. મારા પેટમાં ફાળ પડી કે પાછો શું વાંધો પડયો હશે! આટલી સરખી સિલાઈ તો કરી છે. એક તો સાત મહિનાનો ગર્ભ ને કામનાં ઢસરડા, ઉપરથી સિલાઈ કામ... કહેવું તો પણ કોને? પતિ આફતાબને તો રોજી પરથી થાકીને આવીને બસ પડ્યાં રહેવું હોય. સાસુને હવે એક જ ઉમીદ કે વારસ આવી જાય એટલે ઘણું. હું પણ હવે થાકી. મનમાં એક ખોફ ઘૂસી ગયો કે અલ્લાહ આવનાર બાળક હવે સુખરૂપ ને સારું આપે...

‘‘અધૂરા મહીને જ મેં જમાલને જન્મ આપ્યો. મારા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યું. આ તો પડોશમાં રહેતાં રેહાનાબહનને આપકા સેન્ટર દિખાયા તો મેં સમય નિકાલકે જમાલ કો લે આઈ."

જોતાંની સાથે વ્હાલ ઉભરાય એવું તેનું સ્મિત. અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં ઘણા બાળકો આવે, જ્યાં નવજાત શિશુનું ડોકટરો દ્વારા એસેસમેન્ટ થાય. તેમની તકલીફનું નિદાન થાય અને તે પ્રમાણે તેમની સારવાર નક્કી થાય. કોઈક બાળકને સેરિબ્રલ પાલ્સી હોય તો વળી કોઈક ડાઉન સિન્ડ્રોમવાળું હોય કે પછી ઓટીઝમ હોય, ઘણાં એવાં બાળક પણ હોય કે જેઓનો વિકાસ અધૂરા મહિને જન્મ થયો હોવાને કારણે થોડો ધીમો હોય. આમ અનેક પ્રકારનાં બાળકોને સારવાર આપવામાં આવે છે. જેટલાં વહેલાં બાળકનું નિદાન થાય અને જો નાની ઉંમરમાં સારવાર શરૂ થઇ જાય તો બાળકને ઘણું સારું જીવન જીવી શકવાને સક્ષમ કરી શકાય.

આવા એક સેન્ટરમાં હું બાળકોને પ્લેથેરાપી આપું એટલે કે રમતાં- રમતાં શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટેની પધ્ધતિ વળી માતા- પિતાને સામાન્ય ભાષામાં બાળકની તકલીફ વિષે સમજાવી નિયમિત સારવાર કરવા સેન્ટર પર લાવવાનું પણ સમજાવું... પહેલાં દિવસે ઉઝમા એ આખી વાત કરી કે કેવાં સંજોગોમાં તેણે જમાલને જન્મ આપ્યો.

એસેસમેન્ટ દરમ્યાન જમાલને સેરીબ્રલ પાલ્સી નામના રોગનું નિદાન થયું તે દિવસ ઉઝમા પર જાણે કયામત આવી. સેરીબ્રલ પાલ્સીમાં બાળકનાં મગજ તેમ જ સ્નાયુ પણ અસર પામ્યાં. અને જીવન પર્યંત તેઓનો શારીરિક તેમ જ માનસિક વિકાસ ઘણો ધીમો થાય. રોજ તેને સારવાર કરાવવા લાવવાનું કીધું અને સમજાવ્યું કે, "બહેન જો તમારાં બાળકને નિયમિત સારવાર અપાવશો તો ફાયદો થશે. અને તમે એની પાછળ જેટલો સમય આપશો તેટલો તેનાં વિકાસમાં ફાયદો થશે. "આટલું કહી હું બુરખા પાછળ છુપાયેલી તેની આંખો વાંચવા કોશિશ કરી રહી. એ દિવસે તો ફરી પાછી આવીશ કહી તે ચાલી ગઈ.

એક દિવસ ઉઝમા આવી મને કહે, "બેનજી, મારું બાળક છે અને મારે એની સરવાર કરાવવી જ છે." ત્યારે પાછી તેની વિતક વાત કરવા લાગી, "બહેનજી, તમને મળીને હું ઘરે ગઈ તો મેરી સાસને આસમાન સરપે લે લિયા ઔર બોલેને લગી કી કયું એ અપાહિજ જૈસે બચ્ચે પે અપના સમય બિગાડતી હો! ઇસકી બજાય થોડા સિલાઈ કામ કર દિયા હોતા તો દો પૈસે ઘરમેં આતે ને. ઔર ફિર ન બોલને કે શબ્દ સુનાયે. લેકિન મેરી પડોસન રેહાનાબહનને હમેં આપને કહા થા વૈસા હી કહા ઔર મૈં આ ગઈ યહાં."

 તેના પતિને બીજા દિવસે મળવા બોલાવ્યો. ઘરે પણ પાછો પ્રશ્ન કે રોજ પર ન જાય તો એ દિવસની આવક નું શું? જેમ-તેમ કરીને ઉઝમા એની નણંદને લાવી. અમે એને સમજાવી કે "બહેન આ બાળકનો તો વિચાર કરો. બીજા દિવસે જ્યારે ઉઝમા આનંદિત ચેહેરે આવી ત્યારે હાશ થઇ. નિયમિત સારવાર શરૂ થઇ. ઉઝમા સાથે નિયમિત વાતો પણ થતી રહે. સેન્ટર પર તો દિવસમાં બે કલાક આવે, પણ તેની સાથે જમાલને દિવસમાં બીજી ત્રણ વાર કસરત કરાવવી પડે. તે બધી કસરત ઉઝમા શીખતી ગઈ. ઘરે કેટલું કરાવ્યું તે પાછી ઉત્સાહભેર કહે.

એક દિવસ આવી મુંઝાયેલા અવાજે  કહે, "મૈંને જમાલકો અપને કિચન કે પાસ સુલાયા થા ઔર કુકરકી સીટી જોર સે બજી ઔર મૈં હૈરાની સે ઉસકા મુંહ દેખતી રહી, પર ઉસકો જૈસે ઉસકો કોઈ ફર્ક નહીં પડા." અમે એને સમજાવી કે સમય આવે અને ઉમર પ્રમાણે આપણે તપાસ કરતાં રહીશું. એક સંતોષ સાથે તેણે માથું નમાવ્યું અને ધગશથી સારવાર કરવા લાગી. જમાલની શારીરિક પ્રવૃત્તિમાં વિકાસ થયેલો જોતાં ઉઝમાનાં જીવને હૈયા ધારણ થયું.

આ આનંદ બહુ ના ટક્યો. જમાલનો કાનનો ઓડિયોગ્રામનો રિપોર્ટ ખરાબ આવ્યો, જેમાં જાણવા મળ્યું કે જમાલ કદી સાંભળી નહિ શકે. પાછી નિરાશા ઘેરાઇ. બીજા દિવસે તો ઉઝમાને સંભાળવી મુશ્કેલ હતી. થોડા દિવસ બધું બરબર ચાલતું લાગ્યું. જમાલનો સારવાર પ્લાન પણ તે મુજબ બદલાયો.

એક દિવસ ઉઝમા આવી તો ખરી, પણ બુરખો ન ઊતર્યો. રડતાં અવાજે કહ્યું, "બેનજી, મેરે ઘરવાલે દુસરા બચ્ચા ચાહતે હૈ." ઉઝમાનો વિરોધ હતો, કહે, ‘‘બેનજી, આ મારા જમાલનું શું થશે ઔર દુસરા બચ્ચા નોર્મલ નહીં આયા તો?”

એક માની આ વ્યથા... ઉઝમાની નણંદ જરા સમજુ તેથી તેને બોલાવી સમજાવ્યું કે જમાલ થોડો મોટો થાય પછી બધા ટેસ્ટ કરાવી બીજું બાળક પ્લાન કરવું.

જમાલની સારવાર જોઈને ઘરના બધાંને પણ અમારા કહેવામાં વિશ્વાસ જાગ્યો, પણ હંમેશા ઉઝમાનું મોઢું ચિંતિત. એક દિવસ જમાલ આવતો બંધ થયો.

લગભગ વરસ પછી મારાથી ન રહેવાયું ને મેં ઉઝમા સાથે ફોન પર વાત કરી, ત્યારે તેણે કહ્યું, "બેનજી, મૈં પેટસે હું." ફટાફટ ફોન મૂકી દીધો. તે વાતને આજે લગભગ ત્રણ વર્ષ થઇ ગયાં. એકાએક ઉઝમા યાદ આવી ને મેં સાચવેલો ફોન નંબર જોડ્યો. નસીબે ઉઝમા જ ફોન પર મળી. કહેવા લાગી, "જમાલને પાગલખાનામાં સારવાર માટે મોકલું છું. ઘર કે લોગ જમાલ કે પીછે જ્યાદા સમય ઔર પૈસે ખર્ચ કરના નહીં ચાહતે. દુસરા લડકા થોડા ઠીક હૈ તો વો લોગ ઉસકે બારે મેં જ્યાદા ધ્યાન દેના મુનાસીબ માનતે હૈ." ગળગળા અવાજે એટલું જ બોલી, "બેનજી એક દિન મેરે ઘર આપકે જમાલ કો દેખને આઇયે, મને તમારો ઇન્તઝાર રહેશે."

બસ પછી હું ફોન પકડીને એક સ્ત્બધ બેસી રહી... પણ મન ખૂબ વ્યાકુળ થઇ ગયું. એકદિવસ ફોન કરી ઉઝમાનું સરનામું લઇને જઈ ચડી એનાં ઘરે. ઉઝમા તો એકદમ આવાક... હાંફળી થઇ મને બેસાડવાની તઝવીઝમાં લાગી. તેની એક આંખમાં મને જોયાનો આનંદ, તો જાણે બીજી આંખમાં એક ભય મને દેખાયો. પાસે બેસાડી તો એકદમ રડવા લાગી ને કહેવા લાગી કે, "આજ આપ અચ્છે સમય પે આયે, મેરી સાસ બાહર ગઈ હૈ."

એનાં વિતેલા ત્રણ વર્ષનું સરવૈયું આપવા લાગી. એક વર્ષ પહેલાં પતિ ગુમાવ્યો. સાસુનો ત્રાસ માઝા મુકી વરસવા લાગ્યો. શરમની મારી કોઈ દિવસ પતિ દારૂડિયો છે તેવું જણાવ્યું નહોતું પણ, એ જ દારૂની લતે તેનો જાન લીધો હતો. જમાલ તો પહેલેથી માથે પડેલું બાળક લાગતો. પૂરા સમયે બીજું બાળક આવ્યું, એટલે સાસુને જરાક વંશ જળવાઈ રહેશેની હૈયે ટાઢક. ઉઝમા દિવસ રાત સિલાઈ કામ કરી ઘર ચલાવે...

આમ એની વિતક કથા ચાલતી હતી ને એનાં સાસુ આવી ચઢ્યાં. સાસુ ઉઝમાનું બીજું સંતાન રહીમને લઇને બહાર ગયાં હતા તે પાછા આવ્યાં. ઉઝમાએ મારો પરિચય આપ્યો. સાંભળ્યું ન સાંભળ્યું કરીને તેઓ અંદરનાં કમરામાં ચાલી ગયા. જમાલ કેટલા વાગે જાય અને કેટલા વાગે પાછો આવે વગેરે વાત કરતાં હતા, ત્યાં જ ઉઝમા બોલી કે બસ હવે એને રીક્ષાવાળો લાવશે. મને પણ થયું કે હવે જમાલ આવી જાય તો તેને જોઈને ઘરે જવા નીકળું.

નાનો એવો રહીમ પણ જાણે દેખાવમાં જમાલની કાર્બન કોપી લાગે. બાંધો સારો એટલે શારીરિક રીતે સ્વસ્થ લાગે. ઉઝમાની બાજુમાં રહીમને બેસાડ્યો હતો. રહીમની ઉંમર લગભગ ત્રણ વર્ષની થવા આવી હતી. મેં એને બોલાવવા કોશિશ કરી, પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે તુરંત મેં ઉઝમાને પૂછ્યું તો કહે, "સાસ કે લાડ પ્યારને ઉસે બહુત બિગાડા હૈ. કિસીકી સુનતા નહીં ઔર કુછ લેને કે લિયે હાથ લંબા ભી નહી કરતાં ક્યુંકી જિસ ચીઝ પર ઉસકી નઝર પડતી હૈ સાસ ઉસકે હાથ મેં વો ચીઝ થમા દેતી હૈ... મુઝે પતા નહીં ચલતા મૈં ક્યા કરું." ઉઝમાની વાત પરથી તો એમ જ લાગ્યું કે રહીમને જન્મ આપ્યો ને સાસુએ હવાલો લઇ લીધો, વારસ જો છે.  રહીમનું બધું ધ્યાન એ જ રાખે. ઉઝમાને તેના પ્રોગ્રેસની કંઈ ખબર ના હોય કે ખબર પડવા જ ન દે. આથી  ઉઝમા મનમાં જ મુંઝાયા કરે.

હું બેઠી જોયા કરતી, કારણ મારે તો જમાલને પણ મળવું હતું. રહીમને ખાટલા ઉપર ટેકો દઈને બેસાડયો, પણ જાણે બેલેન્સ ના રહેતું હોય તેમ હાલકડોલક બેઠો રહ્યો. હું રહીમની સામે જોવું તો આંખ ના મિલાવે. જોઈ મને જરા શંકા જન્મી કે રહીમ નોર્મલ બાળક તો હશે ને! હવે ઉઝમા સાથે વાત કરવી તો ઘણી અઘરી. મનમાં ને મનમાં પ્રભુને પ્રર્થના કરવા લાગી કે રહીમ સ્વસ્થ બાળક હોય. પણ, ઘરનાંને પરિસ્થિતિનો ખ્યાલ તો આપવો જ જોઈએ. આ તો મને જરા એવું લાગ્યું કદાચ ડોક્ટર કંઈ સારા સમાચાર પણ કહે.

મૂંઝાયેલી હું જમાલની રાહ જોતી બેઠી. ત્યાં થોડીવારમાં જમાલની રીક્ષા આવી. મારી ધીરજ ખૂટી. હું ઊભી થઇ દરવાજા સુધી જમાલને જોવા ગઈ. રીક્ષા પાસે ગઈ ત્યારે મને થયું હે ભગવાન, "હું આ શું જોઈ રહી છું... રીક્ષામાં જમાલ એકલો હતો. અંદર નજર કરી તો બે હાથ સાંકળથી બાંધેલા હતાં. કારણ પૂછતાં જાણવા મળ્યું કે જમાલને રીક્ષામાં બેસાડવો અઘરો છે. એની સાથે કોઈ પણ વ્યક્તિને નાં બેસાડી શકાય. વારે વારે બહુ ઝનૂની થઇ જાય છે. પાગલખાનામાંથી કહેલું છે કે જમાલને આ રીતે જ ઘરે મુકવા જવાનો અને એનો હાથ ઘરનાને સોંપી દેવાનો. આમ તો ઉઝમા એના પ્રત્યેના પ્રેમને લીધે જ મને મળવા રોકી હતી. રીક્ષામાંથી બહાર આવી જમાલના બેઉ હાથ પકડીને સાચવીને ઘરમાં લઇ જાય, પણ તેની ક્યાં પહેલાની નિર્દોષ આંખો ને ક્યા અત્યારની ઝનુન ભરેલી આંખ. એક બાજુ માતા ખવડાવે તો ખાય એવી હાલત એની...

જમાલને જોઈ દુઃખી થઇ. જવા માટે ઉભી થઇ ત્યાં એકદમ રહીમનો અવાજ આવ્યો. ઉઝમા દોડીને જોવા ગઈ તો જઈને જુએ છે તો રહીમ પર એપીલેપ્સીનો એટેક ઉપાડ્યો હતો. તાત્કાલીક ડોક્ટરને બોલાવવા પડોશીનો છોકરો દોડ્યો. મારી જાણ હતી તેટલી સારવાર આપવામાં મદદ કરી. મોઢામાં જાડો રૂમાલ ખોસ્યો, જેથી જીભ ના કચરાઈ જાય. ઉઝમાને તો જણાવી દીધું કે રહીમનું એકદમ ધ્યાન રાખે. ડોક્ટર બરાબર તપાસીને કીધું કે આ બાળકની વહેલી તકે સારવાર કોઈ સારા ઇન્ટરવેન્શન સેન્ટરમાં લઇ જાવ. ઉઝમા તો બીચારી બેબાકળી થઇ ગઈ, પણ આજે ખરું આભ તૂટ્યું ઉઝમાની સાસુ પર. તેમનું આખું વિશ્વ જાણે ચૂરચૂર... રડવાનું જરા ઓછું થયું એટલે મેં તેઓને સમજાવ્યા અને કીધું, "રહીમના પણ જમાલ જેવા હાલ ના કરો! જો યોગ્ય અને નિયમિત કસરત થશે અને આંખ, કાન , હાડકાં, મગજ આ બધાનાં ડોક્ટર તમને એક જ સંસ્થામાંથી તમારા બાળકને તપાસે એવું ફાયદાકારક... મારા ઘરે બધા મારી રાહ જોતા હશે તેવો વિચાર માત્ર નથી આવ્યો. ઉઝમા અને એના સાસુ બંનેને વાત આખી ગળે ઉતારી પછી હું મારા ઘરે જવા નીકળી.

કોઈ પણ કામ હોય તો તુરંત જણાવવા કીધું. જમાલની ઉંમર પણ હવે તો થઇ હતી, એટલે એની વાત ભૂલી રહીમને યોગ્ય સારવાર મળે તેવી સલાહ આપી. હું બીજા દિવસે જયારે સેન્ટર પર પહોંચી, ત્યારે ઉઝમા અને તેનાં સાસુ આવીને બતાવવા માટે ગોઠવાયેલા એ જોઈ જરા હૈયા ધારણ રહ્યું. પહેલો દિવસ હતો એટલે ડોક્ટરની પેનલમાં બતાવવાનું હતું. જેમાં બધાં ડોકટરો બાળકને તપાસી સાથે નિદાન પર આવે અને પછી તે બાળકની પ્લાન પ્રમાણે સારવાર શરૂ થાય. બધા ડોકટરોનું એક જ નિદાન આવ્યું કે બાળક સ્વસ્થ થતાં થોડો સમય લાગશે. એની પાછળ નિયમિત સમય આપી શકો તો આ બાળક એકદમ નોર્મલ થઇ જશે.

ઉઝમાનાં જીવમાં જીવ આવ્યો. એના સાસુને પણ પોતાની ભૂલ સમજાઈ અને નિયમિત રહીમને લઇને આવતા થયા. આવતાં જતાં અમારા સેન્ટરની બાજુનાં એક સેન્ટરમાં છોકરીઓને સીવણ- ભરત- ગૂંથણ શીખવવામાં આવતું હતું. ઉઝમાને મેં ત્યાં જઈ તપાસ કરી આવવા કીધું. પાછા આવતા તેના પગ જાણે હવામાં ઉડતા હતા... મને કહે, "બહેન બાજુમાં જે ક્લાસ ચાલે છે તેમને એક સિલાઈ શીખવાડે તેવી બહેન જોઈએ છે. તો હું એ જગ્યાએ લાગી જાઉં જેથી મારા રહીમની સારવાર પણ થાય અને મને આર્થિક મદદ પણ મળે!" આવકમાં વધારો કરવો પડે એમ તો હતું જ. ભલે સારવાર રાહત દરે થાય, પણ આવવા જવાના ખર્ચા ને બધું ગણાયને. આખી વાત ઘરે જઈ સાસુને કરી તો તેઓ પણ ખુશ. એના સાસુ જમાલ પાગલખાનામાંથી આવે એટલે એને ખવડાવીને ઊંઘાડી દે. ઉઝમા રહીમને સેન્ટર પર મૂકી કલાક બાજુમાં સિલાઈ શીખવાડીને પાછી આવે અને પોતે રહીમને જે કસરત ઘરે કરવવાની હોય તે ધ્યાન પૂર્વક શીખી લે.

જયારે એક માતા એક દીકરામાં ઠોકર ખાધાં પછી જે ગાંઠ વાળે છે કે તે ભૂલ બીજા સંતાનમાં ન થાય તે માટે જમાના સાથે લડી લેવા પણ તૈયાર થઇ જાય છે. પતિ ગુમાવ્યાનાં દુઃખ કરતાં સંતાન અપાહિજ થવાનું દુઃખ વિશેષ હોય છે. એક બાજુ હમદર્દી બતાવી નજીક આવનાર પુરુષ વર્ગથી પોતાની જાતને પણ સંભાળવી પડે!

આમ ઉઝમા ખુબ મહેનત કરી રહીમની નિત્ય સારવાર કરવતી હોવાથી રહીમમાં પણ ઘણો ફેર પડ્યો. બે- પાંચ પગલાં ચાલતો થયો. એ જોઈ ઉઝમાનાં સાસુ બોલી ઉઠ્યા, "આટલી મહેનત તો મારો પેટનો જણ્યો દીકરો પણ ના કરી શક્યો હોત, જે આ દીકરી ઉઝમાએ કરી દેખાડ્યું."

ઉઝમા તો ખાલી એટલું જ બોલી કે, "હું એક માં છું ને!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational