Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahesh Yagnik

Others

2.1  

Mahesh Yagnik

Others

વાત દેવીબાની....

વાત દેવીબાની....

6 mins
14.7K


 “એક સાથે પચાસ માણસ જ જમી શકે એટલી કેપેસિટિ છે.એ છતાં, તમારા બધાનો સહકાર છે એટલે રોજની ત્રણસો થાળી ઉપડે છે..” શ્રી લક્ષ્મી ડાઈનિંગ હૉલનું નામ હવે રિનોવેશન પછી દેવીબા ડાઈનિંગ હૉલ થઈ ગયું હતું. પહેલા દિવસે કાયમી ત્રીસેક ગ્રાહકો વચ્ચે પાંત્રીસ વર્ષનો વિજય આભારવશ અવાજે પ્રવચન આપી રહ્યો હતો.

“આ દેવીબા કોણ? તમારા મમ્મી?” એક ગ્રાહકે પૂછ્યું. 

“ના.અમારે લોહીનો કોઈ સંબંધ નહોતો. આ નામ પાછળ એક ઈતિહાસ છે.દેવીબા હતા તો સવા પાંચ ફૂટના વૃધ્ધા, પણ મારા માટે તો એ સાક્ષાત દેવી જ હતા. આકાશમાંથી ઊતરીને ઈશ્વર કોઈ માણસનું નસીબ પલટાવી નાખે એવું વાર્તામાં વાંચેલું પણ આ દેવીબાએ તો હકીકતમાં મારી જિંદગી બદલી નાખેલી. આજે જે કંઈ છું એ દેવીબાના આશીર્વાદથી...”

ભૂતકાળમાં ખોવાઈને વિજય યાદ કરીને બોલતો હતો.“બાપા મરી ગયા પછી શહેરમાં ભણવા મોકલવાની બાની જરાય ઈચ્છા નહોતી. એકનો એક દીકરો ગામમાં આંખની સામે રહે. બિચારી બા બધા લોકોને આ કારણ કહેતી હતી.જનેતા તરીકે એની આ લાગણી પાછળ વરવી વાસ્તવિકતારૂપે બીજું કારણ વધુ મજબૂત હતું.બાપાના પેન્શનની જે નાનકડી રકમ દર મહિને આવતી હતી એમાંથી ઘર માંડ ચાલતું હતું.મારા અભ્યાસ અને જમવાના ખર્ચ માટે દર મહિને પૈસા મોકલવાનું કોઈ કાળે શક્ય નહોતું.” બધા ધ્યાનથી સાંભળતા હતા.વિજય નિખાલસતાથી બોલતો હતો.

 “મારે આગળ ભણવું હતું. મહેનત કરવાની તૈયારી સાથે એટલો આત્મવિશ્ર્વાસ હતો કે અભ્યાસની સાથે નાની-મોટી નોકરી કરીને રહેવા-જમવાના ખર્ચ જેટલું કમાવામાં વાંધો નહીં આવે. જ્ઞાતિના એક ટ્રસ્ટ તરફથી કૉલેજની ફીની વ્યવસ્થા થઈ ગઈ પછી મેં બાને વાત કરી કે મારી ચિંતા ના કરીશ.બધુંય થઈ પડશે. મારી સાથે મેટ્રિક થયેલા ગામના ત્રણ મિત્રોએ કૉલેજમાં ભણવા માટે શહેરમાં રૂમ રાખી હતી. એ રૂમની સાફ-સફાઈ અને પાણીની માટલી રોજ ભરવાની શરતે મારું એ રૂમમાં રહેવાનું સેટિંગ થઈ ગયું.એ ત્રણેય તો પેઈંગગેસ્ટ તરીકે ક્યાંક જમતા હતા, પણ એવી સાહ્યબી મારા નસીબમાં નહોતી.બાએ આપેલા પૈસા અકબંધ રહે એ માટે કૉલેજ છૂટ્યા પછીના સમયમાં નાની-મોટી નોકરી શોધતો હતો..  ”

એના હોઠ મલક્યા.“દૂરના વિસ્તારના ડાઈનિંગ હૉલમાં અઠવાડિયું રેગ્યુલર પૈસા આપીને જમતી વખતે શેઠ સાથે સંબંધ વધારી દેવાનો.પછી પંદર દિવસ ઉધારી કરીને રસ્તો બદલી નાખતો. આવી નાલાયકી પણ કરવી પડેલી.! ખિસ્સું ખાલી હોય અને પેટ ભૂખ્યું હોય એ દશામાં બહારનું કોઈ જ્ઞાન કામમાં ના આવે. એ વખતે તો મગજ એની જાતે જ રસ્તા શોધવા માંડે.”

લગીર અટકીને એણે આગળ કહ્યું. “ એક ડૉક્ટરને ત્યાં બપોરે ત્રણથી રાત્રે આઠની સારી નોકરી હતી.પણ એણે બોપલમાં હોસ્પિટલ કરી. એટલે હું નવરો થઈ ગયો.ક્લાસના મિત્રોના ઘેર જમવાના સમયે પહોંચી જવાની ચાલાકી કરવામાં પણ કોઈ શરમ કે સંકોચ નહોતો રહ્યો.ગુરૂવારે સવારે એક દોસ્તને ત્યાં જમ્યા પછી રાત્રે ખાધું નહીં. શુક્રવારે બાર વાગ્યે કૉલેજ છૂટ્યા પછી કકડીને ભૂખ લાગેલી એટલે જમવાની ગણતરી સાથે એક મિત્રની ખબર કાઢવા ગયો.કરમની કઠણાઈ કે એને હોસ્પિટલમાં લઈ ગયા હતા ને ઘેર એની મમ્મીએ ઠંડુ પાણી પીવડાવ્યું! હતાશ થઈને ભાંગેલા પગે એની સોસાયટીમાંથી બહાર નીકળતો હતો ત્યારે છેલ્લા બંગલાના ઓટલા પર ઊભેલા માજીએ મને બોલાવ્યો.એક કામ કરીશ,બેટા? એમણે પ્રેમથી કહ્યું કે આ સાઈકલ લઈ જા અને ચાર રસ્તેથી દસ કિલો ખાંડ લાવી આપ.. એમણે થેલી અને બસો રૂપિયા મારા હાથમાં આપ્યા.

મેં માજીને સમજાવ્યું કે બા,તમે મને ઓળખતા નથી.આ સાઈકલ અને બસો રૂપિયા સાવ અજાણ્યાને આપવાની ભૂલ કરી રહ્યા છો.સાઈકલ અને પૈસા લઈને હું ભાગી જઈશ તો?

દીકરા, આ દિવાળીએ મને બોંતેર વર્ષ પૂરા થશે. આ વાળ તડકામાં ધોળા નથી થયા. થોબડું જોઈને કાચી સેકન્ડમાં માણસની ખાનદાનીને પારખવાની આવડત છે મારામાં. તું લૂંટારો નથી.ચોરી કરે એવા તારા સંસ્કાર નથી..માજીએ હસીને મારી સામે જોયું .તું ચોર નથી એની ખાતરી થઈ ગઈ એ પછી તું ઓળખીતો છે કે નહીં એનો કોઈ સવાલ જ ક્યાં ઊભો થાય છે ? જા, જલ્દી ખાંડ લઈ આવ..

એમણે આવું કહ્યું એને લીધે મારી પણ હિંમત ખૂલી.. એમની પાસે જઈને પૈસા લેતી વખતે હળવે રહીને પૂછ્યું. માજી, મારું થોબડું જોઈને સંસ્કારનો અંદાજ તમને આવી ગયો પણ મારી ભૂખનો અણસાર ના આવ્યો ? શરમ છોડીને કહી દીધું કે બા,ગઈ કાલે સવારે જમ્યો એ જમ્યો એ પછી હરિઓમ !  આજે બપોર થઈ ગઈ, પેટમાં અન્નનો દાણોય નથી પડ્યો! મારી સામે જોઈને એમણે બોખું મોં મલકાવ્યું.કહે કે એ પણ થઈ પડશે , ફટાફટ ખાંડ લાવી દે..ખાંડ લઈને હું આવ્યો એ પછી એ સાવ અજાણ્યા માજીએ સગી માની જેમ હેતથી જમાડ્યો. ”

વિજયના જીવન સંઘર્ષની કથા બધા ધ્યાનથી સાંભળતા હતા.

  “કશુંય છૂપાવ્યા વગર મેં માજીને મારી દુ:ખભરી દાસ્તાન સંભળાવી. તારી નોકરીનો મેળ પડી જશે.લાટસાહેબ જેવો પગાર નહીં મળે પણ પેટ ભરીને જમવા મળશે એ મારી ગેરંટી..એમણે આવું કહ્યું એટલે સુખદ આશ્ચર્યથી હું એમની સામે તાકી રહ્યો. મારો સગો ભાઈ લોજ ચલાવે છે. અમારા છ ભાંડરડામાં હું સૌથી મોટી ને એ સૌથી નાનો. હાર્ટની વારસાગત નબળાઈને લીધે વચ્ચેના ચારેય ઉપર પહોંચી ગયા છે.માજીએ સમજાવ્યું.મારો હુકમ થાય એટલે એણે કામ કરવું જ પડે. આમેય એનો સ્વભાવ તિતાડી, ને પગાર ઓછો આપે એટલે કોઈ માણસ એની લૉજમાં ટકે નહીં.મારી ભલામણથી જઈશ એટલે તને સારી રીતે રાખશે.એના રાશી સ્વભાવથી કંટાળીને એનું બીજી વારનું બૈરુંય ભાગી ગયું છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ હજુ ચાલે છે એનાથી એ ગળે આવી ગયો છે. એ અડબંગને સાચવવાની તારામાં આવડત હશે તો સગા છોકરાની જેમ સાચવશે.એનું કહ્યું માનીશ તો તકલીફ નહીં પડે. ”

બધા શ્રોતા સામે જોઈને વિજયે ચારે તરફ નજર ઘૂમાવીને ઉમેર્યું.“ માજી સાંજે રિક્ષા કરીને આવ્યા અને આ ડાઈનિંગ હૉલમાં મારી કારકિર્દીનો આરંભ થયો. માજીની સૂચના મુજબ મેં નગીનમામા... નગીનમામા કહીને શેઠની સેવા પૂરી નિષ્ઠાથી શરૂ કરી દીધી.આ શહેરમાં અસ્તિત્વ ટકાવીને આગળ વધવાનું મારું ધ્યેય હતું એટલે સ્વમાન ભૂલીને નગીનમામાની સેવામાં મચી પડ્યો.અઢાર વર્ષ એમની સાથે વિતાવ્યા.ક્યારેક તો એ ચિડાઈને હાથ પણ ઉપાડે.ક્યારેક કાઢી મૂકે ત્યારે હું દોડીને દેવીબાને બોલાવી લાવું.મારા માટે એ બધા કામ પડતા મૂકીને આવે અને નાના ભાઈને તતડાવે. નગીનમામાનો સ્વભાવ ઉગ્ર પણ અંદરથી નરમ. બૈરી સાથેના કૉર્ટ કેસમાં હું સતત એમની પડખે રહ્યો.અંતે, એમણે પોતાનું ઈસનપુરનું મકાન એને આપી દેવું પડ્યું ને એ પણ મારી સાથે અહીં જ રહેવા આવી ગયા. એ બલામાંથી મુક્તિ મેળવ્યા પછી નગીનમામાનો સ્વભાવ પ્રમાણમાં સારો થઈ ગયો.ચાર વર્ષ અગાઉ દેવીબા દેવલોક પામ્યા ત્યારે એમને રડવા માટે માત્ર મારા ખભાનો સહારો હતો.એકમેકને વળગીને અમે બંને ખૂબ રડ્યા.કોણ જાણે કેમ એ પછી એમને જીવનમાંથી રસ જ ઊડી ગયો.મને લખી આપ્યું કે હું મરું પછી આ લૉજ તારી!”  

વિજયના અવાજમાં ભીનાશ ભળી.“એમને હાર્ટની તકલીફ વધી ગઈ ત્યારે સતત એમની સેવા કરી.પંદર દિવસ અગાઉ એ અવસાન પામ્યા ત્યારે એમના છેલ્લા શ્ર્વાસ સુધી હું એમની સાથે જ હતો. દેવીબા જેવા પુણ્યાત્માની સ્મૃતિ ચિરંજીવ રહે એ માટે લૉજનું રિનોવેશન કરાવીને એમનું નામ આપ્યું...”

એ દેવીબાના વખાણ કરતો હતો ને શ્રોતાઓ ધ્યાનથી સાંભળતા હતા.

દિવસભરના થાકને લીધે ઊંઘ જલ્દી આવશે એવી વિજયની ધારણા ખોટી પડી. ઓરડામાં કોઈક છે એવો ભાસ થયો કે તરત એ ઝબકી ગયો.

 “નીચ! હલકટ! હત્યારા! બધાની આગળ મારા ગુણગાન ગાય છે,પણ તારી નાલાયકીની તો વાત કર.. !” પલંગની સામે દેવીબા ઊભા હતા. ગુસ્સાથી એમનો પાતળો દેહ ધ્રૂજતો હતો. “દુનિયામાં કોઈને કંઈ ખબર નથી,એટલે બધાને મૂરખ બનાવ, પણ મને તો આકાશમાંથી બધું ચોખ્ખું દેખાય, મૂરખ! એ બિચારો ડૉક્ટર પાસે ગયો ત્યારે પણ તને સાથે લઈ ગયો હતો. એને તો તારા ઉપર સગા દીકરા જેટલો વિશ્વાસ હતો,પણ તું સાવ ડામિસ નીકળ્યો. તારી હાજરીમાં ડૉક્ટરે સમજાવેલું કે છાતીમાં મૂંઝારો થાય કે તરત આ દવાની ટીકડી જીભની નીચે મૂકી દેવાની.એ વખતની પળેપળ મૂલ્યવાન સમજીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં આવી જવાનું.”

ધગધગતા આક્રોશથી એમનો તીણો અવાજ તરડાઈ ગયો હતો.“ તેં જે કરામત કરીને મારા ભાઈને મારી નાખ્યો એ આખો સીન મેં જોયેલો,જનાવર ! ઠંડા કલેજે એનો કાંટો કાઢીને તું તો કરોડપતિ બની ગયો! એ બપોરે તું જાણે સાક્ષાત રાક્ષસ જ લાગતો હતો. તું નગીનની પડખે ઊભો હતો. એની છાતીની ભીંસ અસહ્ય બની ગઈ ને ટેબલ ઉપર માથું ઢાળીને એ ખુરસીમાં ફસડાઈ પડ્યો ત્યારે તું એની દવાની શીશી અને એનો મોબાઈલ લઈને ભાગ્યો. ધ્રૂજતા ને તૂટતા અવાજે એ કરગરતો રહ્યો, લાચાર આંખે તારી સામે તાકી રહ્યો, તોય તને દયા ના આવી. એ તરફડિયા મારતો હતો અને પૂતળાની જેમ બારણે ઊભો રહીને તું એના મોતનો તમાશો જોતો રહ્યો,નાલાયક!”  

 વ્હેરી નાખે એવા દેવીબાના શબ્દો ધગધગતા સીસાની જેમ કાનને દઝાડતા હતા. પરસેવે રેબઝેબ વિજય નીચું જોઈને ધ્રૂજી રહ્યો હતો. 


Rate this content
Log in