Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance Drama

2  

Vijay Shah

Romance Drama

સપ્તપદીની પ્રતિજ્ઞા (પ્રકરણ ૨)

સપ્તપદીની પ્રતિજ્ઞા (પ્રકરણ ૨)

13 mins
7.3K


“બા મને પરદેશ જવાની વાતની ધાસ્તિ નથી પણ કશુંક અમંગળ થતી હોવાની લાગણી વારે વારે લાગે છે.”

“નવું નવું હોય ત્યારે આવું થાય તેમાં કશું અજુગતું નથી”.. પરભુ બાપા એમની ગાડી ચલાવતા ચલાવતા બોલ્યા.

“હા બેટા પપ્પાની વાત સાચી છે. પણ જેમ જેમ દિવસો જતા થશેને તેમ તેમ એ બદલાવનો ડર પરિચિતતામાં બદલાઈ જશે.” ધીરીબાએ ધરપત આપી.

એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે બૉર્ડીંગ શરુ થઈ ગયું હતું. બેગો સીધી હ્યુસ્ટન બુક થવાની હતી.. એક નાનકડી બેગમાં જીવકોર બા અને સુશીલાના બે દિવસનાં કપડા હતા જે સાથે લઈ લેવાની હતી. પ્લેનમાં બેસતા પહેલા અને ખાસ તો ધીરીબાને આવજો કહેતા સુશીલાની આંખો છલકાતી જોઈને શશી બોલ્યો.. ”અમેરિકામાં આવા પોચકા મુક્યા કરીશને તો તકલીફ થઈ જશે.” એક કડક નજર સાથે શશીની સામે જોઈને તેણે આંસુ લુંછી નાખ્યા.. તેની કડક નજરો શ્યામાએ અને જીવકોરબાએ જોઈ. શ્યામાદી બોલ્યા “શશી સંવેદનશીલ હોવું એ સદગુણ છે. અને હજી તે ભારતીય છે તેને અમેરીકન થતા પહેલા ના વખોડ.”

છણકો કરતાં શશી બોલ્યો..”મારે એની સાથે રહેવાનું છે જિંદગીભર..સહેજ સુચન આપ્યું ત્યાં તમે તુટી પડ્યા…’

જીવકોરબાએ શ્યામાનો પક્ષ લેતા લેતા એ જ કહ્યું કે “સુશીલાને તારો પરિચય અત્યારે ને અત્યારે આપવાની જરૂર નથી એને ખબર છે તારું અસલી રૂપ..”

“એટલે ?”

“એટલે પહેલે દિવસે જ ઑકીને ઘર બગાડ્યુ.. રાત બગાડી.’ શ્યામાએ લગભગ ઉધડો જ લીધો.

“દી” સુશીલાની હાજરીમાં તો મને ના ખખડાવો.”

“કેમ પરણ્યો એટલે કંઈ માથે શીંગડા ઉગ્યા?” જીવકોરબા બોલ્યા…

પેલા બે ડાઘિયા કુતરા વચ્ચે નાનક્ડું પપી ગુંગળાય તેમ શશી બે પગ વચ્ચે પૂછ દાબી દઈને શાંત થઈ ગયો. આવી દશા ઘણી વખત પંકજની બે બેનો કરતી હતી તે યાદ આવ્યું અને સુશીલા સહેજ મલકી.

“હવે બા તેમને બહુ ના ખખડાવો..પછી મારો કંઈ કહેવાનો વારો જ નહી આવે… “

“એટલે?” પપીએ ડાઘિયો બનવાનો પ્રયત્ન કર્યો.

“એટલે રાત આખી ઉંઘવા નથી દીધી હવે આ કલાક હું તમને ઉંઘવા નથી દેવાની..” દેવેન અને શ્યામા બંને ખડ્ખડાટ હસ્યા..શશી કહે “આતો હું ઉલામાંથી ચુલામાં પડ્યો.”

“તે ભૂલ કરો તો સજા પણ ભોગવવી પડેને?"

“સજા? શેની સજા? અને કેવી ભૂલ?”

“શેમ્પેન પીવાના દિવસે સંતરાનો કન્ટ્રી દારુ ઓછો પીવાય?” દેવેને આંખ મારીને શ્યામા સામે જોતા કહ્યું..

પ્લેન સરદાર વલ્લભભાઈ એરપોર્ટ છોડી ચુક્યું હતું. થોડોક સમય ગયો હશે અને સરસ ગરમ બ્રેક્ફાસ્ટ અને ચા કૉફી અપાવા માંડી હતી ત્યારે શશીએ પુછ્યુ..”યાર તું તો મારી પાર્ટીમાં છે ને તું મને ક્લીન બૉલ્ડ કેમ થવા દે છે?”

“કંઈ સોરી કહેવાથી મારી મધુરજનીની ક્ષણ પાછી થોડી આવવાની હતી? અને તે ગંધથી તો બધાનું માથુ ફાટ ફાટ થતું હતું.”

પેલું પપી પાછું બે પગ વચ્ચે પૂછડી દબાવીને હાર માનવા જતું હતું ત્યારે સુશીલાએ બહુ વહાલથી જેમ પંકજને માથે હાથ ફેરવે તેમ હાથ ફેરવીને યુદ્ધ સમાપ્તિ જાહેર કરી દીધી. જીવકોરબા બાજુમાં જ બેઠા હતા. તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને શશીને કહ્યું.. સંભાળજે પરવાળા જેવી સુશીલાને.. તેને શીખવાડવાની કોઈ જરૂર જ નથી તું હવે તેને સંભળીશ તો તું ખુદ સંભાળાઈ જશે.

શશીને સુશીલા દરેક પગલે તેને હંફાવતી હોય અને હરાવતી હોય તેમ લાગ્યું. તેનું મોં પડી ગયુ ત્યારે તે ફરી થી બોલી “વરજી આપણે સ્પર્ધક નથી. એકમેકના પૂરક છીએ..આપણી વચ્ચે હાર અને જીત નથી. આપણે તો એકમેકની એબ ઢાંકવા અને એક્મેકને સુખી કરવા જન્મ્યા છીએ…” પપીનું અહમ થોડીક્ષણ દબાયું તેથી તેને સહેલાવતા ફરી મીઠા બોલે તે બોલી.. આતો ખાલી ખાલી ગમ્મત…વરજી…”

શશીને સારું તો લાગ્યું પણ તેને મન પત્ની એટલે ઉતરતી જાત.. તેણે તો વરનું કહ્યું માનવાનું.. ઉપરી તરીકે સ્વિકારવાનું…અને એણે કહેલું બધું જ કરવાનું.. આમેય ભલે અમેરિકામાં આઠ વર્ષ રહ્યો પણ હજી પુરુષ પ્રધાન સ્વભાવ નહોતો બદલયો… તેથી મનમાં ચુપ ચુપ કર્યા કરતો હતો.

ગરમાગરમ બ્રેક્ફાસ્ટ પુરો કરીને સહેજ આંખ મળી કે ના મળી ને સાંતાક્રુઝ એરપોર્ટ પર ઉતરાણની જાહેરાત થઈ. ઘડીયાળ સાડા છ બતાવતી હતી…

દેવેનનો ભાઈ જીતેન ગાડી લઈને આવ્યો…અંધેરીમાં તેના એપાર્ટ્મેંટમાં હંગામી મુકામ હતો.

બરોબર નવના ટકોરે બ્રીજકેંડી હોસ્પિટલની બાજુમાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઓફીસમાં પહોચ્યા જો કે ખાસી લાઇન હતી. જોકે મેરેજ નોંધવાની બારી ઉપર ભીડ ઓછી હતી પણ નંબર તો બરોબર સાડા અગિયારે આવ્યો. લગ્નનું સર્ટીફીકેટ, અમેરિકન અને ભારતીય પાસપોર્ટ અને કંકોત્રી આપી.

અંદર કોઈક ગોરી મેડમ હતી તેણે પૂછ્યું “માથે ચાંદલો કે સિંદુર કેમ નથી?”

શશીએ તોછડો જવાબ આપ્યો “અમેરિકામાં તેની જરૂર નથી તેથી તેને મેં ના કહી હતી.”

તેણે સિંદુરની ડબલી અંદરથી આપતા કહ્યું “અત્યારે તો તે ભારતમાં છે ને? તેમને ચાંદલો કરવા કહો અને સેંથીમાં સિંદુર ભરવા કહો.”

શશી બબડવા જતો હતો પણ સુશીલાએ તેને રોક્યો અને કહે “એ અધિકારી છે જેમ કહે છે તેમ કરોને?”

“પણ આ તો અજબ કહેવાય..”

“હું મનોવિજ્ઞાન ભણેલી છું મને ખબર છે આ એક ટેસ્ટ છે. જો તમે ખચકાઓ તો તેનો અર્થ કંઈક દાળમાં કાળું છે અને પછી વધારે પ્રશ્નો. ”

શશી કહે “આ તો મારા અંગત ગમા અને અણગમાનો પ્રશ્ન છે.“

“આ ભારત છે અહીંથી અમેરિકા જવા કેટલાય લોકો લગ્નના ઓઠા હેઠળ ફ્રોડ કરે છે..એમ કરતા સિંદુરની ડબલીમાં આંગળી બોળી શશીના ભાલે ચાંદલો સુશીલાએ કર્યો અને તેમજ શશીને પણ કરવાનું ભાર પૂર્વક સુશીલાએ કહ્યું એટલે કચવાતા મને તેમ કર્યુ. એણે બારીમાંથી કેમેરા ઉપર બંનેનો સાથે ફોટો પાડ્યો.

પેલી લેડીએ ફરી પૂછ્યું “લગ્ન હજી કાલે જ થયા છે?”

“હા મેમ.”

“સાક્ષીમાં કોણ છે?”

"મારી મોટી બેન અને બનેવી..”

“તે લોકોને તેમની ઓળખ સાથે બોલાવો.”

શ્યામા અને દેવેન તેમના પાસપોર્ટ સાથે આવ્યા.

“તમે શશીના શું થાવ?”

“એ મારો નાનો ભાઈ છે અને આ મારી ભાભી.”

“તમે સીટીઝન છોને?”

“હા અને શશી પણ સીટીઝન છે.“

“તમને ખબર છે ને કે અમેરિકામાં કાયદાને બહુ માન છે. કશુંક ગેરકાયદે પકડાશે તો આ ગુનામાં ભાગીદારી કર્યાની સજા પણ તમને થઈ શકે છે.”

શ્યામએ માથું હલાવ્યું અને કહ્યું "હું આ બંને જણની ઓળખ પણ આપુ છું અને બાંહેધરી પણ લઉં છું. આ આખી ઘટના ગઈ કાલે બનેલી છે. તેના ફોટા અને કંકોત્રી સાચા છે."

લાંબુ ફોર્મ ભરાવ્યું અને અરજી ફાઇલ થઈ.

સાડા બાર વાગે નીકળતા હતા ત્યારે તે લેડીએ મોટું લેક્ચર આપ્યું અને શશીને કહ્યું “તમારા પત્નીને લીધે આજે અરજી લઉં છું બાકી તમે તો ફ્રોડ હોવાની પાકી શંકા જન્માવી ચુક્યા હતા!”

બહાર નીકળતા શ્યામા કહે “શું થયું હતું?”

શશી કહે “કંઈ નહીં.”

શ્યામા કહે “ભાભલડી તું કહે શું બન્યુ હતું?”

“સ્ટાફની છોકરીએ પુછ્યું સિંદુર કેમ નથી? અને તમારા ભાઈને તે ના ગમ્યું.. તેમને લાગ્યું કે તે તેમની અંગત ગમા અણગમાની વાત છે. ભારતમાં કોઈ અપરિણિત સ્ત્રી કે સેથીમાં સિંદુર ના ભરે તેથી તેમની આ એક કસોટી હતી.. અને તમારા ભાઈ જાણે હું તેમની કોઈ ના હોય તેમ વર્તતા હતા…”

“કેમ અલ્યા શશી કાલની હજી ઉતરી નથી કે શું?” દેવેને પુછ્યું

“ના. ગઈ કાલનો ગુનો એમનો અને રૂઠ્યા છે એ.. સમજાતુ નથી.. ખૈર એમણે સિંદુર ના ભર્યુ તો મેં એમેની પાસે ભરાવડાવ્યું… અગ્નિ ફેરા વખતે જે પ્રતિજ્ઞાઓ કરેલી તે મુજબ મેં એમના પર બળજબરી કરી ને ધાર્યુ કરાવી લીધું.“

“સારુ કર્યું..” શ્યામા દી’એ હકાર ભણ્યો જે શશીને ના ગમ્યુ… દીદી તમે પણ એનો જ સાથ આપો છો. સુશીલાને એક બાજુ બીક લાગતી હતી અને બીજી બાજુ શ્યામા દિ’ સાથે છે તેથી થોડીક ટીખળ કરી લેવાની હિંમત વધતી હતી.. તેથી બોલી “વરજી..ભારતમાં તો તમને તકલીફ નહિં પડવા દઉં સમજ્યા?" કહી માથામાં હાથ ફેરવવા ગઈ તો શશીએ તેનો હાથ ઝટકાવી દીધો. અને સહું ખડખડાટ હસી પડ્યા… શશી ધુંધવાઇને બોલ્યો “હું પંકજ નથી…સમજી?”

અંધેરી પાછા જતાં રસ્તામાં સારી ગુજરાતી હોટેલ પૂરોહિતમાં જમવા રોકાયા અને જીવકોરબાને જીતેનના વાઇફ આરતી લઈને આવ્યા. જમ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે ત્રણ વાગી ગયા હતા. રાતની ફ્લાઇટ સહારા એરર્પોર્ટ્થી અગિયાર વાગે હતી તેથી થોડોક આરામ કરવાનો સમય હતો.

પિયામિલનની ફરી એક તક મળશે તેમ માનીને હરખાતી હરખાતી સુશીલા રૂમમાં ગઈ.. થોડી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ .તેને શશીનાં વર્તનથી દુઃખ થતું હતું.. શાવરમાં થોડુંક રડી લીધું પછી તેને શશીના કહેલા શબ્દો યાદ આવ્યા.

“જો બીજી એક વાત.. હું હથોડા છાપ માણસ અને તું અંગ્રેજી અને સાય્કોલોજી જેવા વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની તેથી કહી દઉં ધારણા ન ધારીશ… મનમાં જે હોય તે સ્પષ્ટ કહેજે.. તારા મનમાં શું ચાલતું હોય તેની મને તું નહીં કહે અને મને સમજણ પડી જશે તેવું ધારી ના લઈશ.” આ શબ્દોએ તેના ઘાયલ અપેક્ષાગ્રસ્ત મનને શાંતિ આપી.

દસેક મિનિટમાં તૈયાર થઈને બહાર આવી ત્યારે હળવા અત્તરથી મહેંકતી હતી. માથે મોટો ચાંદલો અને સેંથીમાં સિંદુર સરખી રીતે ભરેલું હતું અને આછા લીલા રંગનો રેશમી ગાઉન પહેરેલો હતો સ્નાનને લીધે થોડીક હળવાશ આવી હતી.

શશી જેવો બેડરૂમમાં આવ્યો તેવોજ ઉંઘી ગયો હતો…

તેને ઉંઘતો જોઈને તેના મોંમાંથી સોલ્જર શબ્દ નીકળી ગયો.. હા એ ખરેખર હથોડા છાપ જ છે તેને ક્ષણ ભર તો થયું કે નીચે જઈને શ્યામા દી’ને વાત કરું પછી થયું કે આખી જિંદગી પડી છે આ અનાડી સૈયાંને ખિલાડી બનાવવામાં.. તેણે બારણું બંધ કર્યુ અને ધીમે ધીમે તેના પગ દબાવવાઅ શરુ કર્યા. મોંમાં મીટ હતી. શશીની ઉંઘ ઘેરી થતી જતી હતી અને તેથી તેનું  મન ગાતું હતું “બેદર્દી બાલમા તુજે મેરા મન યાદ કરતા હૈ.”

પંદરેક મિનિટ પછી કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તે પણ સુઈ ગઈ. જ્યારે તે જાગી ત્યારે શશી બાથરૂમમાં નહાતો હતો સાડા છ થયા હતા અને સાત વાગે નીકળવાની વાત હતી તેથી તેણે ગાઉન બદલી નાખ્યો. સાડી પહેરીને સજ્જ થતી હતી ત્યારે શશી બહાર નીકળ્યો. ત્યારે બેડ ઉપર તેના કપડા, હાથરુમાલ કાંસ્કો અને પલંગ નીચે જુતા અને મોજા તૈયાર હતા.

“જો સુશીલા આ બધું મને તું હાથમાં આપે તે ગમતું નથી હુંતો મારી રીતે જીવવા ટેવાયેલો છું.”

“ભલે વરજી પણ તે ગઈ કાલની વાત હતી..આજથી હવે પત્નીજી સાથે હોય ત્યારે આ બધા લાડકોડથી ટેવાવું પડશે. ચા નાસ્તો હાથમાં મળશે ગરમ ગરમ જમણ હશે અને રાતના શૈયા સંગિની પણ હુંફાળી મળશે સમજ્યા?

એ સહેજ હસ્યો..સુશીલાની સ્ટાઇલ ફની હતી તેથી.. તે બોલ્યો આ “વરજી” અને “પત્નીજી”ને તિલાંજલી આપીને “હબી” અને “સ્વીટી”ને આપણી વાતોમાં લાવીએ?”

“ભલે જેવો હુકમ! સ્વીટી..સુશીલાએ ચાળો કર્યો.

“તું મારી સ્વીટી અને હું તારો હબી.”

સહેજ હાથે ચૂટલી ખણી સુશીલાએ પાકું કર્યુ એ સ્વપ્ન તો નથી જોતીને?

શ્યામાદી’નું હાસ્ય પાછળથી સંભળાયું.

“તો દી’ આ તમારી શીખ હતી?” સરસ નામકરણ કર્યું.

“જો ભાઈ જેમ તારો પંકજ તેમ મારો શશી.. હેતુ તો એક જ છે ને..મેળ મેળાપ વધેને..?”

“ જો ભાઈ તમને માંડ માંડ તક મળીને મારો બુદ્ધુરામ ભાઈ ઘસઘસાટ ઉંઘી ગયો પણ હવે ચોક્કસ તું અમેરિકા આવીશ ત્યાં સુધીમાં તે પ્રેઝંટેબલ થઈ જશે.

“દી'’ માનવામાં નથી આવતું કે અમેરિકા જેવી ખુલ્લી સોસાયટીમાં રહેલ યુવાનને આ બધી સમજણ ના હોય.”

શશી બંનેની વાતો સાંભળતો હતો… તે હળવેથી બોલ્યો “મને સંવેદનશીલ પત્ની સાથે વાતો કરતા જરા પણ ફાવતુ નથી. વળી વાતે વાતે સપ્તપદીની શરતો તો બીલકુલ જ સમજાતા નથી. એક સીધા સાદા માણસ સાથે સીધી સાદી વાતો ના કરાય.. વૉટ ઇસ ધીસ વરજી અને પત્નીજી?”

શ્યામા અને સુશીલા પેટ ભરીને હસ્યા…

સુશીલાને બદલે શ્યામાએ એના માથા ઉપર હાથ ફેરવ્યો ત્યારે શશી ખુબ જ ગુસ્સે થયો.

"દી’ મારી મજાક ના ઉડાવો મને સમજાવો કે હું કેવી રીતે આ પત્ની બલા નામે સુશીલાથી મેળ કરું?”

“પહેલા દારુના નશામાં સોરી કહેલું તે સોરી બે વાર કહે.”

“બે વાર? કેમ દી'”?

“ જો સમજ! લગ્ન પછી બે વખત તને આ બધી વાતો અને સમજાવટ કરવાની તક મળી પણ તે બંને વખત ગુમાવી. તેમાં સુશીલાને તેં દુભાવી.”

“બે વખત?”

"હા.. જ્યારે મધુરજની હતી ત્યારે દારુ પીને ધુત્ત થયો અને આજે ફરીથી બપોરે એકાંત મળ્યુ ત્યારે ગઈ કાલની બાકી ઉંઘ પુરી કરવામાં તું ચુક્યો."

“પણ દી’ મેં તેને આગળ પણ કહ્યું છે કે મનમાં ને મનમાં નહીં રાખવાનું આજે તે મને ઉઠાડી શકતી હતીને?” 

“રાજા ભૈયા.. બે વખત “સોરી” કહી દે ને એટલે વાત પતે…”

“દી' આ એવા ગુનાની મને સજા મળે છે જે અજાણતા થયો છે.”

“માની લેને ભૈયા રાજા ગુનો તો થયો છે ને?”

સુશીલા હવે વચ્ચે પડીને બોલી ” દી’ મારે એવી કંઈ માફી નથી જોઈતી અને એમણે તો પહેલેથી જ કહ્યું છે ને. જે જોઈતું હોય તે બોલવું.. સમજી જશે એમ નહીં ધારવું.”

“ભાભલડી.. એવી સમજણ શું કામની જ્યાં સગું દુભાય અને જમણ પણ જાય?”

“હા. તે વાત તો સાચી છે પણ આવા રુઠવાને મનાવવાના પ્રસંગો તો આખી જિંદગી આવવાના છે.”

“હા. તે તો આવશે જ.. પણ મને જે ખાટલે ખોટ દેખાય છે કે તે પતિ છે તારા કરતા એનું મહત્વ વધારે છે..તે પુરુષ ઇગો ભારતમાં શું અમેરિકામાં પણ ભુલ ભરેલો છે. બંને એકમેકના પૂરક છે. કોઈ ઉંચું નથી કોઈ નીચું નથી… તેને ટપારવા જ હું આજે તેની પાસે સોરી બોલાવડાવું છું… સમજ્યા મારા નવા વરઘોડીયા?”

નીચેથી જીવકોરબાએ બધાને નીચા આવવા બુમ પાડી.

આરતીએ બધાને દહીં ખવડાવ્યુ..ભગવાનના મંદિરમાં દીવો કર્યો અને જીવકોરબાને અમેરિકા જતા બધા પગે લાગ્યા. સુશીલા બધાને પગે લાગી ત્યારે શ્યામા કહે “ભાભલડી જેવા વીઝા મળે ને તરત જ આવી જજે.. હવે મારા ભાઈને જાતે ખાવાનું બનાવીને ખાવાનું દુઃખ જતું જ રહેવું જોઈએ.. સેંડવીચો ખાઈને ક્યાં સુધી દહાડા કાઢશે?"

જીતેને બધાને હેપી બૉન વૉયેજ કહ્યા અને કાર એરપોર્ટ જવા રવાન થઈ.

બૉર્ડીંગ શરુ થઇ ચુક્યુ હતું. અને જીવકોરબા અને સુશીલાની આંખો ભરાતી જતી હતી.

શશીને આમેય પોચકા મુકતી સુશીલા જચતી નહોતી તેથી તે બોલ્યો “પત્નીજી રડતાં રડતાં નહી હસતાં હસતાં વિદાય આપો..સમજ્યા સ્વીટીજી!”

સુશીલા સહેજ મલકી..આજુબાજુ જોયું તો જીવકોરબા એમનથી થોડા આઘા હતાં તેથી હિંમત કરીને થોડુંક શશીને વળગી લીધું..અને કાનમાં ગણગણી “હબીજી આઇ લવ યુ..” શશી પણ બોલ્યો “લવ યુ ટૂ સ્વીટીજી!”

પ્લેનમાં બેસવા જતા શશીને જોઈ શકાય ત્યાં સુધી જોવાનો પ્રયત્ન કર્યા બાદ..જીવકોરબા અને સુશીલા જીતેન સાથે ઘરે પાછા આવ્યા ત્યારે રાતના ૮ વાગ્યા હતાં. ભોજનના ટેબલ ઉપર ઉદાસ સુશીલાને જોઈને આરતી ભાભી બોલ્યા..” ભાભી હવે તો વીઝા આવે ત્યાં સુધીની ઉદાસી છે પછી તો હ્યુસ્ટન ખાતે સઈંયાજી સાથે જિંદગી મઝેથી જીવાવાની છે.” કોણ જાણે કેમ સુશીલાની આંખોમાં આંસુ ઝળુંબી ગયા ત્યારે જીવકોરબા બોલ્યા “આ ગાળો જ એવો છે ને કે એકલું ગમે નહી શ્યામાની હાલત પણ આવી જ હતી. એક તો નવો દેશ..નવો નવો સજન સાથે નવો સહવાસ અને શનિ રવિ સિવાય કોઈ મળે નહીં…ખૈર એ બધી પરિસ્થિત નવી નવી હોય ત્યાં સુધીનો અજંપો હોય.. સૌ સારા વાન થૈ જશે…”

બીજે દિવસે સવારે સાત વાગ્યે તો અમદાવાદમાં હતા. પરભુકાકા અને ધીરીબા લેવા આવ્યા હતા અને સાથે ગરમા ગરમ ઢોકળા અને લીલી ચટણી પણ લાવ્યા હતા. ધીરીબા બોલ્યા “આ નાસ્તાને ન્યાય આપો અને ઘરે જવાને બદલે અમારી સાથે રહેવા આવો."

“ના. ના. હમણા તો સુશીલાને લઈને આપણે ઘરે જ જઈએ તેના પગફેરાની વિધિ હજી બાકી છે તેથી છોકરાને મોકલજો અને તમે બધા પણ સાથે આવજો.. અને છોકરાઓ પહોંચી ગયાના સમાચાર આવે પછી સુશીલાને લઈ જજો.”

“હા ભાઈ હા અમે તો છોકરી વળાવી દીધી એટલે એ હવે તમારે ત્યાં શોભે “પરભુ બાપા બોલ્યા.."

ગાડી મુગુટ સોસાયટી પહોંચી. વેવાણ અને દીકરી સાથે ઘરમાં આવીને ઝટપટ ચા મુકી અને ગરમા ગરમ ઢોકળા અને લીલી લસણની ચટણી સાથે સૌ ખાવા બેઠા….

દસ સાડા દસે રસોઈયા મહારાજ આવી ગયા તેમને જીવકોરબા એ કહ્યું “આજે સુશીલાનો પગ ફેરો છે એટલે તેમનું ઘર આખું જમશે.. લાપશીના આંધણ મુકજો વંશ આગળ વધારનારી વધુને આજે ઘરમાં વહાલે વધાવવાની છે.”

“બા અમારી સુશીલા નસીબની બળીયણ છે કે જેથી શશી ને તમે ગમાડી.”

“હા ભાઈ સરતા સંસારે સરતા રહેવું હોય તો ખો આપ્યા કરવાની..જેમ જેમ સમય આવતો જાય તેમ તેમ ખો અપાતી જાય તો ગામતરે હળવા થઈને જવાય. અને અરે ધીરીબેન હું તમારી બા ક્યાંથી થઈ આપણે તો વેવાણો એટલે બેનનો સબંધ સારો.”

ભલે જીવકોરબેન કહીશ પણ અમારી સુશીલા બા કહે એટલે મને પણ માનાર્થે બોલાવવું ગમે અને આમેય તમે તો મારાથી સાત વર્ષે મોટા..અને જમાઈની મા એટલે માન તો હોય જ ને?”

ત્યાં ફોનની ઘંટડી વાગી ફોન લંડનથી હતો શ્યામાની નણંદનો.. તે લોકો હ્યુસ્ટનની ફ્લાઇટમાં બેસી ગયા છે મઝામાં છે.

ધીરીબાને હાશ થઈ અડધે પહોંચી ગયા. મોડી રાત્રે હ્યુસ્ટન સુખરૂપ પહોંચી ગયાના સમાચાર પણ આવી ગયા.. બધાને શાંતિ થઈ. ૯૯.૯૯ ટકા કશું થતું નથી પણ નવા સંબંધોમાં આ ચોક્ક્સાઈ ગમે છે.

“લવ યુ સ્વીટી જી..” તેનાં કાનમાં પડઘાતું રહ્યું…

૧૫ દિવસમાં વિઝા… કૉલ આવી ગયા અને ૨૦મે દિવસે ઉડવાની ટીકીટ પણ આવી ગઈ!

સાસરીમાંથી પિયર બહું અવાતું નહોતું. સાસુમા ખુબ જ ભાવથી અને ચાવથી સુશિલાને માણતા હતા..અને ધીરીબા પરભુબાપા અલપ ઝલપ ખબર લઈ જતા હતા.

વંદના અને ઉર્મિ પણ મુગુટ સોસાયટી આવતા અને જીવકોરબાને ખાલી ખાલી ઘર ભરેલું લાગતુ…

અને એ દિવસ આવી ગયો જ્યારે સાસરેથી પિયુદ્વાર જવા થનગનતા હૈયાની ધડકનોને કરાર મળવાનો હતો.લગ્નના ફોટાનું આલ્બમ આવી ગયું હતું બેગો ભરાઈ ચુકી હતી અને પ્લેનમાં અમદાવાદ અને ત્યાંથી હ્યુસ્ટનની ફ્લાઇટ હતી. જીવકોરબા ધીરીબા અને પરભુબાપા મુકવા જવાના હતા.

રાત્રે પ્લેન ઉડવાના સમયે ધીરીબા એકલા જ આર્દ્ર હતા. તેમને લાગતું હતું કે થોડીક ઉતાવળ થઈ ગઈ છે. 

પ્લેન તેના સમયે સુશીલાને લઈને રવાના થયું આવજો જજો કરતા તેને આશા હતી કે શશી સાથે વાત થશે.. પણ તે અપેક્ષા ના ફળી.. શ્યામાબેન એર પોર્ટ આવવાના હતા.. એક અજબ ઉલઝન તેના મનને કોરવા લાગી હતી.. શું શશીને હું ગમતી નહીં હોઉં.. પણ “પત્નીજી રડતાં રડતાં નહીં હસતાં હસતાં વિદાય આપો..સમજ્યા સ્વીટીજી!” શબ્દો તેના હૈયાને સાંત્વના આપતા હતા… અને ક્યાં તે કુરુપ છે કે પતિને ના ગમે?

પ્લેનમાં તે આમ તો એકલી હતી..પણ પેસેન્જરોથી ભરપૂર બંને વખતે તેની બાજુમાં તેના જેવુંજ કોઈ ભટકાતું હતુ..જે પહેલી વખત પરદેશ જતું હોય…અને વિરહ જીરવાતો ના હોય.. તેમને જોઈજોઈ તે થોડીક હિંમત મેળવી લેતી હતી.

તેનું મન કહેતું હતું કે શશી તો સોલ્જર છે બહુ અપેક્ષા ના બાંધ.. વાંઢાનું ઘર કેવું હોય? ધીરીબા કહેતાં હતાં કે પતિને ખુબ વહાલ સમજ અને ધીરજથી વાળવાનું. પહેલા ફરજ બજાવવાની પછી હક્ક મળશે તેવી આશા પણ નહીં રાખવાની સમજી? એના ચહેરા સમક્ષ શશીના બે ચહેરા ઉપસ્યા.. એક હસતો અને બીજો તેને અમેરિકન ખખડાવતો ચહેરો…તે ધ્રુજી તો ગઈ પણ પાછું પેલું સ્વીટીજીનું વહાલભરેલું વાક્ય સંભાળાયુ અને બાજુના બેન સહેજ ગણગણ્યાં.

धीरे धीरे मचल ए दिल कोइ आता है..

युं मचल मचल के ना शरमा कोइ आता है

સુશીલા તે બેન સામે જોઈને મલકી અને કહ્યું બહુત અચ્છા ગાના હૈ..

સહેજ મલકીને તે બેને કહ્યું “હાં મેરા ફેવરાઈટ હૈ..”

૧૪ કલાક્ની સફર અને ૮ કલાક એરપોર્ટ ઉપર લાઇનમાં ઉભા રહેવામાં થયા ત્યારે જ્યોર્જ બુશ એરપોર્ટમાં ઉતરાણ થયું.

બે કલાકની લાઇનો અને ચેકીંગ પતાવીને બહાર નીકળી ત્યારે શ્યામાબેન એકલા નહોતા. ”હબીજી” મલકતા હતા… લાલચટ્ટક ગુલાબનો બુકે અને ચોકલેટનું પેકેટ લઈને “વેલકમ સ્વીટીજી” બોલ્યા..

સહેજ શરમમાં સુશીલા ઉભી ત્યાં તો હબીજી એને બાંહોમાં ભરી લીધી.. અને કહે આપણને તો અમેરિકન અને બિન્દાસ્ત સ્ટાઇલ ગમે છે..

સુશીલા કહે “પણા હબીજી ..શ્યામા દી' છેને?”

“બોલ દી'ને પૂછીને ફરીથી તને ભેટું?”

ત્યાં શ્યામાદી' "કહે હવે જરા આઘો ખસ મારી ભાભલડીને હગ કરવાદે…”

વહાલથી આવકારતા શ્યામાએ પૂછ્યુ “ભાભલડી પ્રવાસ કેવો ગયો?”

“કેવો હોય દી’ ઝુરી ઝુરીને જતો?”

“હવે તે દિવસો પૂરા થયા..”

બેગો ગોઠવાઈ અને નીસાન અલ્ટીમામાં ગોઠવાયા. ગાડી શ્યામાદી’ ચલાવતી હતી અને પ્રેમી પંખીડા પાછળ કસીને ભેગા થયા.

“બે દિવસ નહાઈ નથી કે શું? જરા ફ્રેશ થઈને આવવું હતું ને?”

સુશીલાને પહેલો ઝાટકો લાગ્યો..શરીરથી ભલે તેઓ નજીક હતા પણ એક ટકોરે તેને ગાઉ દુર છેટા કરી નાખ્યા.

“ઘરે જઈને એ કામ પહેલા કરવાનું છે.”

શશી બોલ્યો “તારે અહિંની બધી એટીકેટ શીખવી પડશે તેમાંની પહેલી જરુરિયાત શરીરમાંથી ઓડર તો ના જ આવવી જોઈએ…"

સુશીલાએ તે વાતને ઉડાડવા કહ્યું “વરજી એ બધું તો થઈ જશે. હમણાં તો મને આ ચોકલેટ અને ગુલાબને માણવા દો.."


Rate this content
Log in

Similar gujarati story from Romance