Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Inspirational Thriller Tragedy

5.0  

અશ્ક રેશમિયા

Inspirational Thriller Tragedy

અનાથનો નાથ

અનાથનો નાથ

7 mins
15.4K


'સર, સર....!!' બાળકોએ કૂતુહલભરી અપાર ખુશીથી કહેવા માંડ્યું: 'સર, અમારાં ઘેર અમારાં દાદા-દાદી અમને મળવાં આવ્યા છે!' બાળકોનાં ચહેરા પર આનંદનાં ફુવારાઓ ઉડી રહ્યાં હતાં.

'મળવાં નહીં!' બીજાએ વચ્ચે જ કહ્યું: 'એ તો કાયમ માટે આપણાં ઘેર રહી જવાં આવ્યા છે. પાપા ખુદ એમને લઈને આવ્યા છે.'

શિક્ષક એ બંને બાળકોની અચરજભરી વાત સાંભળીને સ્તબ્ધ થયાં. પળવારમાં એ વિચારોનાં વમળે ચડ્યા.

પેલા બંને બાળકોનાં નામ નીલ અને નલીન.

‎નીલ અને નલીન આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં.

એકવાર શિક્ષકશ્રીએ નીલ-નીલેશનાં પિતાજીને શાળામાં બોલાવીને કહ્યું: 'તમારાં બાળકને તમે સમય ન આપી શકો તો દાદા-દાદી જોડે બેસાડો. એમની વાતો સાંભળશે તો આપોઆપ ખીલતાં જશે. લેશન પૂરુ કરતાં થશે. ભણતરમાં ઠીક રહેશે. દાદા-દાદી જોડે નવી નવી વાતો સાંભળીને સંસ્કાર અને કેળવણી

પણ શીખશે.'

'પણ સાહેબ!' કહેતાં અંબરભાઈની આંખો ભરાઈ આવી. હૈયું હીજરાયું. ભયંકર આઘાત અનુભવાયો. હૈયું હલી ગયું.

અંબરે માવતર જોયાં જ ક્યાં હતાં? માવતરનાં મહોબ્બતની જબ્બર ખોટ સાલી હતી એને. માતાપિતાની માયા અને અંબરને ભવોભવનું છેટું પડી ગયું હતું.

માવતરનો અભાગિયો દીકરો હતો અંબર. કારમી ગરીબીમાં સબડતા હતાં એના માવતર. એક સાંધે ત્યાં તેર તૂટે એવી કપરી દશા હતી. ચારેક ભાંગેલાં તૂટેલાં વાસણો અને ઘાસફૂસમાંથી બનાવેલ નાનકડાં ઝુંપડા સિવાય અન્ય કોઈ જાગીરી હતી નહીં! દિ' આખો દાડિયું રળે ત્યારે માંડ બે ટંકનો રોટલો નસીબ થતો. ને એવાં એક સમયે અંબરનો જન્મ થયો. સુવાવડ વખતે અપૂરતી કાળજી અને પોષણયુક્ત આહારનાં અભાવે અંબર અઠવાડિયાનો હતો અને એની માં ને રોગ લાધ્યો. બે જ દિવસમાં એ ભુંડા મોતને ભેટી. હજું પુત્રનું મોઢુંય બરોબર નહોતું જોયું ને કુદરતે એને પરબારા ગણાવ્યા.

વળી, ઓછું હતું એમ થોડાંક દિવસનાં અંતરે અંબરનાં પિતાજી પણ એની માં ની ગતિને વશ થયા.

અંબર નોંધારો થયો, સાવ નોંધારો. એનાં કાકા કે ફૂઈ હતાં નહીં. માટે બે-ચાર દિવસમાં લોકોએ એને અનાથાલયમાં મોકલી આપ્યો.

‎અંબર આ બીનાથી અજાણ હતો. એને આ હ્રદયદ્રાવક ગોઝારી ઘટના ત્યારે જાણવાં મળી જ્યારે એ દશમાં ધોરણમાં હતો. શિક્ષકે માતૃપ્રેમ વિશે નિબંધ લખવા કહ્યો. અંબરે અનાથાલયમાં આવીને પૂછ્યું: 'મારા માં-બાપ કોણ અને ક્યાં છે? મને કેમ અત્યાર લગી માવતરની મમતા મળી નહીં?'

ને એનાં ઝળઝળિયાં ભરેલાં ભીના સવાલનો જવાબ હતો: 'બેટા, તું અનાથ છે! તારાં માવતરનો કોઈ જ પત્તો નથી. અને એ હયાત પણ નથી.'

અંબર ઘટના જાણતો ગયો અને આંખેથી આંસુઓ વહાવતો રહ્યો. ભેગું અનાથાલય પણ રડ્યું.

‎અંબર ભણ્યો. ગણ્યો. બે પાંદડે થયો. ને પછી બે જીવે પણ થયો. લગન થયાં. બે બાળકનો પિતા થયો.

સંસારની સર્વ વાતોએ એ બહું જ સુખી હતો. કિન્તું બે બાબતોથી એ અત્યંત દુ:ખી હતો: એક માવતરની માયા, મમતા, લાગણી પામી નહીં શકવાનો અફસોસ અને બીજું માં-બાપની સેવા કરવાનો અવસર ન મળ્યો એનો વસવસો.

‎શાળાનાં શિક્ષકે જ્યારે એનાં બાળકોને દાદા-દાદીનાં ખોળે ખુંદવાની સલાહ આપી હતી ત્યારે રડતી આંખે અંબરે આ ઘટના સંભળાવી હતી. શિક્ષકનો આત્મા પણ ત્યારે ખુબ દુ:ખી થયો હતો.

હવે જ્યારે નીલ-નલીને પોતાનાં એ જ શિક્ષકને વાત કરી કે અમારાં ઘેર દાદા-દાદી આવ્યા છે ત્યારે એ શિક્ષકને મીઠો આઘાત ન લાગે તો જ નવાઈ.

સાંજે શાળા છૂટતાં જ શિક્ષક અંબરને ઘેર પહોંચી ગયાં. જોયું તો આલીશાન બંગલામાં બે વૃદ્ધ હિંડોળે હીંચી રહ્યાં છે. હૈયે હેત અને પાંપણે પ્યાર ઊભરાઈ રહ્યાં. બેયનાં ખોળામાં નીલ અને નલીન આનંદની ગોષ્ટિઓ કરી રહ્યાં છે.

‎શિક્ષકને હર્ષ થયો. ઉમંગે હૈયું ઝુમી ઉઠ્યું. ચોતરફ નજર કરી. અન્ય કોઈ નજરે ચડ્યું નહીં.

'લાગે છે અંબર નોકરીએથી મોડો આવશે. એની સંસ્કારી પત્ની પણ શાયદ બજારમાં ગઈ હશે.' શિક્ષકે મનોમન અનુમાન લગાવ્યું.

‎ભાવવિભોર બનીને એકટસ ઊભેલાં શિક્ષક પર દાદા-દાદીની નજર પડી. એમણે ઉમળકાભેર આવકાર આપ્યો. સાથે બાળકોએ પણ ગુરૂજીનું સ્વાગત કર્યું.

'અંબર આપનો પહેલો પુત્ર કે બીજો?' પાણી પીતાં પીતાં વાતનો તાગ જાણવાં શિક્ષકે વાત ઉચ્ચારી.

'બેટા...!' વૃદ્ધે બેટાથી શિક્ષકને વાતની શરૂઆત કરી. 'અમારાં કૂખને આવા સો ટચનાં અદના દીકરાને જન્માવવાનાં ભાગ્ય જ ક્યાં? ભાગ્યશાળીનાં પેટે જ આવાં પુત્ર અવતરે છે! અમે તો પેટે પથ્થરા જણ્યા સાહેબ, પથ્થરા!'

વૃદ્ધની આંખોએ બનેલી ઘટના કણાની માફક ફરી ખટકવાં લાગી, ઊભરાવાં માંડી.

દાદાએ વાતની શરૂઆત કરી: 'સાહેબ....!! પૂરા સો વીઘા જમીનનાં માલિક હતાં અમે. કાળની થપાટ બહું ગોઝારી છે. સમો થયો ને કુદરતે અમારાં કૂખે રૂપાળા બે દીકરા અવતાર્યા. એ દીકરાઓને જોતાં આંખ ઠરતી ને હૈયા આનંદથી ઊભરાતાં. ઉરમાં લાગણીનાં પ્રચંડ કૉડ લઈને એમને ઉછેર્યા. વખત જતાં વળી એક દીકરી અવતરી, હૈયામાં જે વાતની કમી ખટકતી હતી એ પુરી થઈ. પરંતુ દીકરી કરતાં દીકરાઓને ઉછેરવામાં કોઈ મણા ન રાખી. પેટે પાટા બાંધીને એમની જવાબદારી નિભાવી અને બે પાંદડે કરી આપ્યા. એવી ઘણી વેળા આવી જ્યારે અમારે ભૂખ્યા સૂવાનો વારો આવતો. અમે દીકરાઓને ભૂખ્યા ક્યારેય ન સૂવડાવ્યા; જો કે એ અમારી ફરજ, જવાબદારી કે લાગણી, માયા, મમતા જે હોય એ પણ અમે એમને મોટા કર્યા.'

દાદાએ પાણીનો ઘૂંટડો ભર્યો. આંસું લૂછ્યા. પોતાની વહાલી જીવનસંગિની તરફ દ્રષ્ટિ કરી વાત આગળ વધારી: 'દીકરાઓને વખતે પરણાવી ગમતી વહું લાવી આપી, ઘર વસાવી આપ્યા. બેયને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડવાં દીધી. દરમિયાન દીકરીને પણ રંગે ચંગે અને અઢળક ઉમળકાભેર પરણાવી સાસરે વળાવી. કિન્તુ જે ધામધૂમ દીકરાઓનાં લગનમાં કરી એવાં ધૂમધામથી દીકરીનો માંડવો ન રોપી શક્યાનો વસવસો હજીયે હૈયે ડંખે છે.'

'હાથપગ ચાલ્યા ત્યાં લગી કામ કરતાં રહ્યાં. હવે જીવતરનાં આંગણે ઘડપણ આવી પોગ્યું હતું. ને જોતજોતામાં જોબનવંતા ખોળિયામાં એ ઊતરી ગયું. અમને એનાં ભરડામાં લીધાં. અંતરમાં હવે અરમાન ઉમટ્યા કે હવે શાંતિથી હરિમાળા કરશું. દીકરાઓ સારે ઠેકાણે કમાતાં થઈ ગયાં હતાં એટલે લાગ્યું કે હવે એ અમને સાચવશે કિન્તું......!' બેય વૃદ્ધોની આંખે સામટો મહેરામણ ઉમટ્યો. નાના બાળકની માફક હૈયા હીબકે ચડ્યાં. અવાજ તરડાયો. ડોશીએ ડોશાને બાથમાં લઈ સાંત્વના આપી. નીલ અને નલીને ભીની આંખે દાદા-દાદીની ભીની આંખ કોરી કરી આપી. શિક્ષકે પણ પોતાની આંખ સાફ કરી.

'જવા દો હવે એ બધી બિહામણી વાતો. આપણે દીકરાઓ નહીં પણ પથ્થરા જણ્યા'તાં જાણે! આપણાં ભાગ્ય જ આવાં હશે, કોઈને હવે દોષ આપ્યે શું?' ડોશીએ સાંત્વનાનાં બોલ કહ્યાં.

‎દાદાએ વીતકકથા આગળ વધારી: 'સાહેબ.. વખત થયો ને દીકરાઓએ નોખા થવાની વાત કરી. ભાઈઓ તો નોખા થતાં આવ્યા છે એમ સમજી અમે વાત સ્વિકારી. અમલમાં મૂકી. જો કે અમારે સંયુક્ત કુંટુંબની જ ઈચ્છા હતી, કિન્તું આ નવી વહુઓને એ પોસાતું જ ક્યાં હતું?

સરસામાન, માલમિલકતનો વહેવાર કરવાની બે ઘડી મોર્ય ડોશી મને કાનમાં કહે, 'ડોશાજી! હું કહું છું જોજો...આપણને તો મોટો જ માંગશે!' કહીને એ હરખથી હલબલી ઉઠી હતી.

‎'ના, ના! આપણે તો નાનાનાં ભાગે જ શોભીએ! જગનો નિયમ જ છે કે માવતર તો નાનો દીકરો જ સાચવે.' મેં પણ મારી મંછા કહી.

‎અમે શીખવેલ સંસ્કાર, જીવન જીવવાની રીતો, જીવનને જાણવાની અને જોવાની રીતભાત, માણસાઈભર્યો વહેવાર એ બધાથી લાગતું હતું કે સૌ પ્રથમ બેય દીકરાઓ અમે કોનાં ભેગાં રહીશું એની માગણી કરશે, કિન્તું.......!'

‎કિન્તું સઘળું વહેંચાઈ ગયું, બે સરખા ભાગ પડી ગયાં. લૂગડાં-લતા, ઘરેણા-રૂપિયા અને જમીન પણ! અમે છેવટ લગી નોંધારાની માફક મોં વકાસીને બેસી રહ્યાં. એકેય દીકરો અમને માગે તો શું પણ તુટેલી ખાટલી, જૂની તપેલી અને બે ગ્લાસ અમારાં જૂનાં ખોરડામાં મૂકી આવ્યા અને પોતપોતાને ઘેર વળ્યા. અમે નધણિયાની જેમ ઝાંખી પડવાં મથતી કીકીઓમાં શ્રાવણ ભાદરવો ભરીને એકમેકને તાકી રહ્યાં. છતાં દીકરાએ અમને અનાથ અને વાંઝીયા બનાવ્યાં.

‎બસ, સાહેબ...! એ જ ઘડીએ અમે પહેરેલે લૂગડે મહામહેનતે ઊભું કરેલું-દીકરા કરતાંય સવાયું લાડકું ઝુંપડું છોડ્યું. અમારું એ ગામ, એ ઝુંપડું અમને જતાં જોઈને જાણે ચોંધારે ચડ્યા હોય એવી દશામાં અમે એમને છોડ્યા. મંઝીલ નહોતી, નહોતી સફરની ખબર કે નહોતી ક્યાંય આશરાની ફિકર. સગા દીકરાઓય અમારાં ન થયાં તો પછી બીજા તો કોની પાસે આશરાની અપેક્ષા રાખીએ. પ્રભુએ બક્ષેલા જીવનનો મલાજો જાળવવાં અમે જે જડી એ વાટ પકડી.'

'તો પછી તમે તમારી દીકરીને ઘેર કેમ ન ગયાં?' શિક્ષકે છેલ્લો સવાલ ઉપાડ્યો.

'અરે સાહેબ..! બે દીકરાઓ પણ જે ન ઉપાડી શક્યા એવાં આ રાંકડા ઘડપણનો ભાર દીકરીને માથે શીદને નાખવો? દીકરીનું ઘર ગરીબ. પણ જમાઈ લાખ રૂપિયાનાં. બાળપણમાં જ એનાં માવતર સંસારને સ્વાહા કરી ગયા હતાં. માવતરનું સુખ ન ભોગવી શકેલ જમાઈ અમને માવતર કરતાંય સવાઈ ખુશીથી અમારી સેવા ઉપાડી લેત. કિંન્તું એમને ભારી ન પડવાનું અમે મુનાસીબ માન્યું અને આખરે રખડતા-ભટકતાં દશેક દિ'એ એક મંદિરે જઈ ચડ્યા.

‎સવારની વેળાએ મંદિરને ઓટલે એક તરફ-કોઈને નડીએ નહીં એમ અમે પ્રભુસ્મરણમાં લીન બની દીન અવસ્થામાં બેઠા હતાં. હૈયે હોળી અને હોઠ પર ઝગમગાતી દિવાળી સમું તેજ હતું. એટલામાં દેવદૂત સરીખા અંબરનું આગમન થયું. ભગવાનની મૂરત પર નજર પડે એ પહેલાં જ એની અમિદષ્ટિ અમારાં પર ઠરી. એ નજરોએ અમારાં અંતરે ટાઢક ઉમટાવી. અનાથ જાણી બળતે હૈયે ઉમળકાભેર એ અમને એનાં ઘેર લઈ આવ્યો.'

'જે દિવસથી અંબર અમને અહીં લઈ આવ્યો છે તે દિવસથી એ મંદિર અને મંદિરનાં મારગને વીસરી ગયો છે. ઈશ્વરની માફક અમારી સેવા-આરાધના કરે છે એ.'

'જૂનું જે હતું એ દુ:ખ વીસરાવી દીધું છે અંબરે. કિન્તું એક નવું દરદ ક્યારેક આંખમાં ને અંતરમાં ઉથલો મારી જાય છે. અને એ વેધક વેદના એટલે અંબરને અમારી કૂખે નહીં જન્માવી શકવાનો અને લાલનપાલનનું સુખ ના આપી શકવાનો અખંડ વસવસો.'

'અમારી અઢળક આશિષ એનાં પરિવારને યુગાન્તરો સુધી ફળજો.' કહેતાં બંને વૃદ્ધોએ સામે બારણામાં ઊભેલા અંબર અને એની પત્નીનાં અમરતાભર્યા ઓવારણાં લીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational