Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3.3  

Vijay Shah

Tragedy

હંસા બા

હંસા બા

7 mins
14.7K


નામ એનું અરૂણ ત્રિવેદી અને એટી નામે ઓળખાય. ખાસો ભારાડી. તેથી જ કદાચ રેખાને તેની સાથે રહેવું નહોતું. પ્રેમમાં પડ્યા સિવાય લગ્ન થાય જ કેવી રીતે? પણ અરૂણ એવું માનતો નહોતો તેને તો રેખાને પરાણે ગળે પડીને ફીલ્મી સ્ટાઇલમાં ફસાવી અને લગ્ન પણ કર્યા ત્યારે તે બીએના છેલ્લા વર્ષમાં હતી અને અરૂણ એલ. એલ. બીના છેલ્લા વર્ષમાં હતો.

તેને કાયદો જાણવો હતો પણ ડરવા માટે નહીં તેના અર્થઘટનોથી લોકોને ડરાવવા માટે. અમદાવાદના મીલ એરીઆ અમરાઈવાડીમાં તે મીલોના કારીગરોનો બની બેઠેલો લીડર હતો..જે મીલના શેઠીયાઓ એટીને જાળવે તે મીલોમાં હડતાળ ના પડે કે ના બૉનસ મળે. શેઠીયાઓને આમ જુઓ તો આખા ગામના બધા મીલ મજુરોને બોનસ આપવાને બદલે એકલા એટીને ત્યાં ‘મીઠાઇ' બોક્ષ પહોંચે એટલે ભયો ભયો હતું.

રેખા આ હરામની આવકો સાથે જોડાયેલ ખતરાથી પણ ડરતી હતી. તે અરૂણને સમજાવતી કે વ્યવસ્થિત પ્રેક્ટીસ કરે. પણ અરૂણ તો આ આવકોને જ ધીખતી પ્રેક્ટીસ માનતો.

રેખા બેજીવી થઈ ત્યારથી જ ચિંતીત હતી. આ સંઘ કાશીએ કેમ પહોંચશે? પતિ તો રોજ બળાત્કાર કરતો હતો. તેને આમેય ઉબકા આવતા થયા ત્યારથી એટીના મુખ ઉપર બારસના ચંદ્રમા જેવડું મોટુ સ્મિત રહેતું. પણ રેખા ભણેલી હતી અને સમજતી પણ હતી કે આ નરાધમનું સંતાન પણ નરાધમ જેવું જ નીકળશે તો આખી જિંદગી કેવી રીતે જશે?

તેના જાગૃત મગજે નોંધી લીધું હતું કે આ બીજી બેડી છે. હજી તો લગ્નની બેડીમાંથી તો કળ નથી વળી ત્યાં પ્રસુતિ પીડા ? મને તો પહેલા બંધનમાં જ નથી રહેવું ત્યાં આ વળી બીજું નવું બંધન?

રેખાએ એબોર્શન કરાવ્યું તે વાત જ્યારે વિધવા હંસાબાએ અરૂણને કહી ત્યારે તે આગબબૂલો થઈ ગયો. હંસાબાએ તેને ખુબ વાર્યો.. અને સમજાવ્યો કે પત્નીની રજામંદી વિના સંતાન ન કરાય.. આ તો તારો જુલમ છે જે રેખા સહે છે.

“એટલે?”

“થોડો શાંત થા અને તેને વહાલથી વાળ.”

“તે જ પ્રયત્ન હતોને? છોકરું થઈ ગયા પછી ક્યાં જતે?” અરૂણે મનની વાત હંસાબાને કહી…

હંસા બા સ્તબ્ધ થઈ ગયા તેમના પતિ કૃપાશંકરે પણ આમ જ કર્યુ હતુને? અરૂણના જન્મ પછી કદી તેઓ પાછા વળ્યા નહોતા અને ગુનાની દુનિયામાં ક્યાં અને ક્યારે વિંધાઈ ગયા તે ના સમજાયું….અરૂણને એકલે હાથે મોટો કરતા તેને નવ નેજા થયા હતાં..

સ્કુલમાં પાણીવાળી બાઈથી શરુ કરેલી નોકરી આજે મુખ્ય શિક્ષીકા સુધી પહોંચી હતી… બહુ સંઘર્ષમય જીવન હતું. અરૂણના પરાક્રમોથી કાયમ જ દુભાયેલી હંસાબાને રેખા માટે ભલી લાગણી થઈ હતી. આ કબુતર જેવી ભોળી રેખાને પોતાના જેવી દુઃખ ભરી જિંદગી જીવવી પડશે તે ભયથી કમકમીયા આવ્યા.

જો કે તે સાંજે સાબરમતી નદીના કિનારે રેખાને બાર ઈંચનું રામપુરી ચપ્પુ મુઠ સુધી મારી મોતને ઘાટ ઉતારી તે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો.

કોર્ટમાં રેખાને ચરિત્રહીન ઠેરવી અને ઝપટા ઝપટીમાં રેખા તેના પોતાના હાથે મરાઈ તેવું ઠેરવીને સાફ છુટી ગયો. ઘણા બધા મિઠાઈના પડીકા લાંચમાં વપરાઈ ગયા પણ હવે તે ગુનાની દુનિયાનો ડૉન અને “ભાઈ” બની ગયો હતો.. સોપારી લેતો અને હવે તેની સલ્તનત જમીન અને ભેલાણના કિસ્સાઓમાં વધતી ચાલી.. હંસાબાનો નાનો ભાઈ કાનજી ભાણાના પરાક્રમો જોતો અને ચિંતા કરતો અને કહેતો મોટી બેન ભાણો તો બરોબર કૃપાશંકરના પગલે જ ચાલે છે..તારા સંસ્કાર કે તારું લોહી નામ માત્ર નથી.

અમરાઈવાડી હવે તેની સલ્તનતનું નાનું બીંદુ હતું..ગાંધીનગર અને વિધાનસભામાં તેની હાક બેસી ગઈ હતી. બોપલ રોડ ઉપર એક ફ્લેટ હતો અને તે ફ્લેટમાં જિંદગીની બધી મઝાઓ હતી. મિઠાઈના ડબ્બાઓ હવે પેટીઓ અને ખોખા બન્યા હતા. આમેય મીલો માંદી પડી હતી..પણ એટી તો એટી હતો…અને પાછો વકીલાત જાણતો નીડર ગુંડો હતો. જેનું માનવું હતું કે રાવણની જેમ તેના દસ માથા હતા…ગુંડાઓની એક મોટી ફોજને તે પોષતો હતો.

ટીવી ઉપર તેની કથાઓ કદીક ટેરર તો કદીક બ્રેકીંગ ન્યુઝ તરીકે જોતા હંસાબાને થયું..આતો દીકરો કે શાપ? જે લોકો પહેલા માનથી જોતા હતા તે હવે ડરીને માન આપતાં.

કાનજી તે દિવસે વાત લાવ્યો..મોટીબેન અરૂણ તો તારી કોખે દાગ છે. તેના ગુંડાઓ તેના નામે બેફામ લૂંટ ચલાવે છે. જમીનોના ભરવાડોના ભેલાણ તો કાઢે છે પણ પછી નજીવી કિંમતે દાદાગીરી કરી તે જમીન પચાવી પાડે છે. પોલિસ પોલિટિશ્યનો અને એટીએ એવા ગુમડા છે કે જ્યાં સુધી નસ્તર નહીં મુકો ત્યાં સુધી ફેલાયા જ કરશે.

હંસાબાનો માંહ્યલામાંનો શિક્ષક તેને વારંવાર કહેતો હતો કે અરૂણ તેના પેટે જન્મેલો રાક્ષસ છે. તેનો આ રાક્ષસી સ્વભાવને કારણે રેખા એકલી જ નહીં અસંખ્ય લોકો તેના ભયથી પીડાય છે. અને આ પાપનું નિવારણ કરવું જ રહ્યુ. હવે નસ્તર તો મુકવું જ પડશે.

પણ કેવી રીતે? એક બાજુ પંડનું લોહી….ભલેને કહ્યામાં નથી.. પણ થરથરતી જાંઘે એને જનમ આપ્યો છે ને? અને બીજી બાજુ તેના પરાક્રમો રોજે રોજ જોવાના અને સાંભળવાના..ક્યારેક કકળતી આંતરડીએ ઉનો નિઃસાસો નંખાઈ જતો કે તે હવે પકડાઈ જાય કે ગોળીનો શિકાર બની જાય તો હું વગોવાતી બચું. પછી બીજી જ ક્ષણે અંદરની મા કહેતી હતી રે કેવી મા છે તું? છોકરો ડાહ્યો હોય કે ગાંડો માની અંતરની વાતો તો તે વધુ જીવે તેજ હોયને? અને તું તારા દિકરાને શાપ દે છે?

કાનજીની સાથે નવરાત્રીના પહેલે નોરતે તેડું મોકલાવ્યું કે દશેરાને દિને તારી રાહ જોઈશ…તને ભાવતા ફાફડા અને જલેબી ખાવા આવજે…અરૂણ પહેલા તો માની જ ના શક્યો કે આ માવડીનું સાઠે ખસ્યું કે શું? મોટા ઉપાડે કાઢી મુક્યો હતોને.. કે મારું મોં પણ જોવા ના આવતો. અને હવે આ તેડું?

કાનજી ફફડતો ભાણા પાસેથી જવાબ લેવા ખમ્યો અને અરૂણે રાડ પાડી.. “જા મામા. કહેજે ડોશીને આવીશ પણ ક્યારે તે ખબર નથી. જેવો સમય તેવું ખાવાનું ખાઈશ.. અને હા કહેજે કે મને લેક્ચર નહીં આપવાનું નહીંતર ભડાકે દઈશ એ ડોકરીને…વળી મારા પાંચ દસ પૉઠીયાઓ સાથે હશે.. પાંચસોનો નોટ ફેંકતા કહ્યું સૌને માટે બાસુંદી પણ બનાવજે હં કે?”

કાનજીએ આવીને હંસાબાને કહ્યું.. “મોટી બેન આ બેલ મુજે માર જેવું કર્યુ છે. તે આવશે અને સાથે ગાડી ભરીને માણસોને પણ લાવશે.”

દશેરાના દિવસે કાંકરીયા પાસેના મેદાનમાં રાવણના પૂતળા ઉભા કરાયા હતા. અમરાઈવાડીના મંદિરમાં બહુ ઠાઠમાઠથી આવેલા અરૂણને હંસાબાએ ઘરે જમવા બોલાવ્યો..તેના બધા જ સથીદારોને પુરી શાક અને બાસુંદીના ભોજન કરાવ્યા.અને રાવણ દહન માટે તે સૌને રવાના કર્યા.

મા અને દીકરો એકલા પડ્યા ત્યારે જલેબી અને ફાફડા ચટણી ધરતા હંસાબા બોલ્યા..

“રેખાના મૃત્યુ પછી તું દસ વર્ષે આવ્યો ખરું અરૂણ?”

“હા પણ હંસાબા તમે તો મને કાઢી મુક્યો હતોને? પછી આ દસ વર્ષે કેમ તેડ્યો મને?”

“જો બેટા ગમે તેમ તોય તું મારૂં લોહી… અને આ શિક્ષણે મને એક વાત શીખવેલી કે છોકરા મોટા થઈ જાય પછી માબાપે છોકરાના દોસ્ત બની જવું જોઇએ..અને મને ચિતા દેવા તો તારે આવવાનું જ છે ને.. તો પછી હવે ગુસ્સો શું રાખવાનો?”

ફાફડા અને જલેબી સાથે મુકાયેલી ચટણી ખાતા ખાતા અરૂણ બોલ્યો ”હંસાબા તમારા મોંમાંથી તો આજે મધ ઝરેછેને કંઈ!"

“હા બેટા.." કહી હંસાબાએ તેને માથે હાથ ફેરવ્યો.

પોતાના એકના એક દીકરાને ચટણીમાં મેળવેલા અમલની અસર થવા માંડી હતી તેથી તે બોલ્યો “મા મને ઉંઘ આવે છે હું અહિં સુઈ જઉં છું,” હંસાબાએ તેને કહ્યું ભલે સુઈ જા…માથે હાથ ફેરવતાં ફેરવતાં માની આંખો ચુમતી હતી.

રામે કાંકરિયાના મેદાન ઉપર તીર છોડી રાવણ અને કુંભકર્ણના પૂતળા દહન કર્યા હતા ઉત્સવના ઢોલ નગારા વાગતાં હતાં. કાનજીએ આવીને મોટી બહેનને કહ્યું “ચાલો મોટીબેન ગામ પહોંચી જઈએ…”

“નારેના રાવણ દહન પછી તો વિજય યાત્રા નીકળે તે તો ખબર છેને? પોલિસને ફોન કર મારા દીકરાને મેં મારી નાખીને મારા જિંદગીથી દુઝતા ગુમડાને મેં નસ્તર દીધું છે…”

અરૂણ સળવળ્યો…અને બોલ્યો.. “હંસા બા તમે મને ઝેર દીધું છે?"

“હા તેં અને તારા બાપે આખી જિંદગી મને ઝેર પાયુ હતુંને? આજે ખરેખર મા તરીકે ૩૫ વર્ષ પહેલા કરવાનું કામ આજે પુરું કર્યુ છે……"

અરૂણે ઉલટી કરી ઝેર કાઢવા બહુ મથામણ કરી પણ ભૂખી નાગણ એના હાથમાં આવેલા બચ્ચાને ખાધા વિના ઓછું છોડે? ઉલટી કરતા અરૂણ ઉપર પરાઈના બે ભારે ઘા કરી મોતને ઘાટ ઉતાર્યો ત્યારે જંપ્યા. જાણે રાવણ ઉપર રામે તીર ન માર્યુ હોય…અને બોલ્યા “ઢોલ વગડાવો આજે બુરાઈ ઉપર સચ્ચાઈનો વિજય થયો.’ પછી હંસાબાએ “હાશકારો” લીધો..રાવણને મારી કોખનો દાગ ધોયો. જે કામ તેના જન્મ પહેલા કરવાનું હતુ તે ૩૫ વર્ષે કર્યુ.

પોલિસની સાયરનો વાગવા માંડી હતી કાનજી મોટીબેનને નીકળી જવા વિનવતો હતો..ત્યાં આડોશ પાડોશમાંથી લોકો નીકળી હંસાબાનો જયકારો કરતા જોઈ અરૂણના ગુંડા છૂમંતર થઈ ગયા. પોલિસ આવી અને મૃત્યુ પામેલા એટીને જોઈ એમ્બ્યુલન્સ મંગાવી. હંસાબેનને માનભેર પોલિસ સ્ટેશને લઈ ગયા.

ન એફ આઇ આર કે ન કોઈ પુછપરછ..અરૂણની લાશનું પંચનામુ કર્યા વિના જ અગ્નિદાહ દેવાયો. દશેરાને દિવસે રાવણનું દહન થાય તેમાં કોઈ કેસ બનતો નથી કરીને હંસાબાને કાનજી સાથે તેમના ગામ દહેગામ પોલિસ મુકી આવી.

તે રાત્રે રેખા સ્વપ્નમાં આવી અને કહેતી હતી કે મા મેં અબોર્શન કરાવ્યુ હતું તે સાચુ હતુંને? બુરાઈનાં સાપોને તે કંઈ દુધ પીવડાવાય? તેમને તો કચડવા જ પડેને?

મા પીગળતી જતી હતી..નાના અરૂણમાં જાણે અજાણે તેના ઉછેરમાં હંસા ઉણી ઉતરી હતી..બ્રહ્મણનું ખોળીયું અને વહાલના ધાવણથી ધાવીને રાક્ષસ ઓછા પેદા થાય? પણ મૂળશંકર તરફનો અણગમો અને આક્રોશ અને લઢાઈ ઝઘડા જોતો અરૂણ મા અને બાપ બંનેને ધીક્કારતો હતો..અને એ ધીક્કારનું ઝેર જ ધાવણને દુષિત કરતું હતું. દીકરો એકલો દોષી નહોતો તેનું બચપણ ઉપેક્ષિત હતું. મા બાપે જરૂરી વહાલ અને દુલાર નહોતા આપ્યા તેને જરા વધુ વહાલ કર્યુ હોત તો? મૂળશંકરનો વંશજ તો તે હતો પણ તેમાં તારું પણ લોહી તો હતુંજ ને?

હંસાબાને રહી રહીને રડવું આવતું હતું માંહ્યલો હવે બીજા રાગ વગાડતો હતો. દુન્યવી રીતે દેખાતા એમના “હાશકારા”માં હવે વાત્સલ્ય એમને રડાવતું હતું.. આખરે તો તે મા હતીને?

વહેલી સવારે કાનજી જ્યારે મોટીબેનને ઉઠાડવા આવ્યો ત્યારે મોટીબેન હસતાં તો હતાં જ પણ તેમની આંખોમાં હાશકારાને બદલે “હાયકારો” દેખાતો હતો અને ખડખડાટ કારણ વગર હસતા હંસાબાની મગજની સ્થિરતા અરૂણની “મા”એ છટકાવી દીધી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy