Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Tragedy Drama

3  

Vijay Shah

Inspirational Tragedy Drama

રણ તો લીલાછમ

રણ તો લીલાછમ

8 mins
14.1K


 

"તમારું નામ કહું ?"

“હં !”

“સ્મિતા...”

“તમને કેમ ખબર પડી ?” સ્મિત રેલાવતાં એ ટહુકી.

“ખરું નામ કહું ?”

“હા.”

“સ્મિતા.”

“અરે કમાલ છે ! તમે તો ખરું નામ જ કહ્યું – કઈ રીતે ખબર પડી ?”

“તમે સ્મિત સુંદર કરો છો તેના પરથી તર્ક દોડાવ્યો.”

“તર્કશાસ્ત્રી લાગો છો ?”

“ના, છું તો હથોડા શાસ્ત્રી… લોહા, લાકડા, ઈંટ – ચૂનાનો ભવિષ્યનો વેપારી.. ઈજનેર… પરંતુ કદીક તમને જાઈને તર્ક શાસ્ત્રી બની જાઉં છું.”

“તમારો તર્ક ખોટો છે.”

“મને ખબર છે – પણ સાચું નામ જાણી શકું ?”

“સીમા.”

“સરસ નામ છે.”

“ધન્યવાદ.”

આ સીમા સાથેની મારી પહેલી મુલાકાત. સીમા તે વખતે સોળેક વર્ષની હતી. જોતાંની સાથે જ ગમી જાય એવી. મનોહર ચહેરો. લાંબા સુંદર ગૂંથાયેલા કાળા વાળ. તેમાં સાડીના જ કલરનું મેચીંગ ફૂલ… લાંબુ અણીયાળું ઘાટીલું નાક.. અને મૃગલી જેવી ચંચળ આંખો, એટલે જ તો હું વાત કરવા પ્રેરાયો.

એક બસ, એક સમય, એક રસ્તો, અને એક જ સ્ટેન્ડ… કેટલું બધું અનુકૂળ – સામાન્ય પરિચય મૈત્રીમાં બદલાયો. ત્યારે તો હું ખરેખર લોહા – લાકડા અને ઈંટનો ચૂનાનો વેપારી થઈ ચૂક્યો હતો.

“સૌમિલ ભાઈ ! ભાભી ક્યારે લાવો છો ?”

“એક દિવસ મારી કેબીનમાં આવીને એ ટહુકી.”

“અરે તું.. ! સીમાડી… ! અહીં ક્યાંથી ભૂલી પડી હેં ?”

“શું કરું ? તમે તો હવે મોટા માણસ થઈ ગયા… સમય ન મળે… પરંતુ અમે તો હજી નવરા ધૂપ જેવા રખડીએ છીએ.”

“ગાંડી ! તારા તો આ રમવા-ફરવાના દિવસો છે. એન્જાય ધી લાઈફ ! ધીસ ઈઝ રીયલી ધી સ્વીટેસ્ટ પાર્ટ ઓફ લાઈફ.”

“સૌમિલભાઈ, એક સવાલ પૂછું ?”

“હં !” “હેવ યુ એવર અન્જાયડ – ?”

ના – ભઈ-ના – આપણા એ દિવસો ક્યાં ? આપણે તો સીધા સાદા બજરંગબલીના ભગત – વો દિન કહાં કે મિયાં કી પાવમેં જુતી – અરે ! તારી જેટલી ઉંમરનો હતો ને ત્યારે તો છોકરીની સાથે વાત તો બાજુ પર રહી પણ એને જાતાં જ શરમથી પાણી પાણી થઈ જતો.

“ખેર… બોલ તું શું લઈશ ? ઠંડુ કે ગરમ ?”

“ઠંડુ અને ગરમ બેઉ.”

“એટલે ?”

“ઠંડી ચા અને ગરમ આઈસ્ક્રીમ.”

હું પટાવાળાને કંઈક નાસ્તો અને પીવાનું લાવવાનું કહું છું.

“બોલ આટલા બપોરે કેમ કરતાં ભૂલી પડી ?”

એ સહેજ ખમચાઈ અને પૂછી ધીમેથી બોલી –“ સૌમિલભાઈ પરિસ્થતિ કંઈક એવી ઊભી થઈ છે…“

“કેવી ઊભી થઈ છે ?”

“મા જોડે ઝઘડો થઈ ગયો છે.”

“પછી..”

“પછી શું ? કીટ્ટા કરી નાખી.”

“ગાંડી થઈ છે કે શું ?”

“હા – ખરેખર નોકરી કે કંઈક કમાવવાનું મને નહીં મળે તો કદાચ હું પાગલ થઈ જઈશ.”

“સારા ઘરની છોકરીઓ નોકરી નોકરી કરીને ખરેખર જરુરિયાતવાળા જુવાનીયાઓને પણ અન્યાય કરતી હોય છે. લગ્ન થયા કે નોકરીને તિલાંજલી અને પેલા બિચારા છોકરાને બેકારીમાં જ સબડવું પડે – ઘરે જા. કંઈક રાંધવાનું શીખ."

“અચ્છા બોલ રોટલી વણતા વણતા ગોળ ગોળ કેમ ફરે ? એ કાલા અવાજે બોલી. “બસ મને રોટલી કરવી જ નથી આવડતી – બાકી બધું.”

હું બીજું બધું પૂછવા જાઉં છું ત્યાં ચા – નાસ્તો આવી જાય છે. અને અમારી ચર્ચા અટકે છે.

સીમા એના બાપની એકની એક છોકરી છે, પરંતુ સાવકી મા ભારે ખંધી, ઠાવકી અને લુચ્ચી. સીમા પર જાતજાતના જુલમો કરે. પણ સીમા એ બધાથી ટેવાઈ ગયેલી. ઘાંટા બરાડા પાડીને કે ધોલધપાટ કરીને પણ મા પાસેથી કામ કઢાવી લે અને એટલે તો એના સ્વભાવમાં પહેલેથી સાહસ ધોળાયેલું રહેતું.

એક દિવસ તે મને કહેતી – “સૌમિલભાઈ ! હું આઠ-નવ વર્ષની હતી ને ત્યારે મારી માએ એક ઝેરી સાપ મારા પર ફેંકીને મને મારી નાખવાની કોશિષ કરી હતી. મેં એ સાપને એવી ધોબી પછાડથી સીધો કરી નાંખેલો ને કે ત્યાર પછી મા મને છંછેડતા વિચાર કરતી. તમે નહીં માનો એ સાપને હંટરની જેમ પકડી મેં મારી માને મૂડી નાખી હતી.”

મારા બાપુએ પણ તેને મારી પણ કોઈ અર્થ ન સર્યે ! બે-પાંચ દિવસ પછી રાત્રે હું ઊંઘતી હતી તે વખતે લાલ રંગનો સાલો પહેરી બંને હાથમાં લાલછમ ચીપીયા લઈને તે બીજી બે -ચાર બૈરી સાથે આવીને મારી છાતીમાં ઉપરાછાપરી ડામ દઈ દીધા. હું બેભાન થઈ ગઈ.

ત્યાર પછી એણે બાપુને પણ એવું કંઈક કરી નાખ્યું ને કે તે પણ એમનો જ પક્ષ લેતા થઈ ગયા.

“હં ! તો સીમા આજે મા સાથે ફરી શું ઝઘડો થયો ?”

“એ ડોકરીના મનમાં હજુ પેલું ભૂત ગયું નથી.”

“કયું ?”

“મારી મા એને ભૂત બનીને વળગી છે અને એ જ એ ડોકરીને છોકરા થવા દેતી નથી. ” – સૌમિલભાઈ – અમેરિકાવાળા ચંદ્ર ઉપર પહોંચ્યા અને આપણે… ક્યારે સુધરશે આ પ્રજા ? ગામડામાંથી શહેરમાં આવ્યા… શહેરમાંથી ફ્લેટમાં મારી મા રહેવા આવી તોય… વર્ણતૂક તો રામ જાણે ક્યારે સુધરશે ?

“પણ થયું શું એ તો કહે ?”

“અરે ! ઢોંગીલી – આજે સવારે ઊઠતાં વેંત રડવા માંડી… મને ફલાણા પીરે દર્શન દીધા છે – અને કહે તારા ઘરમાં પાપની જડ છે તેને તું નહીં કાઢે ત્યાં સુધી તારો ખોળો નહીં ભરાય.. નેચરલી – મારા બાપને તો ન જ કાઢી મૂકાય. એટલે આજે સવારે ઊઠીને મારી સાથે સંપૂર્ણંપણે યુદ્ધ જાહેર કરી દીધું.”

બળુકી થઈને અત્યારે તો મેં એને ટાઢી પાડી છે. પણ સૌમિલભાઈ મને નથી લાગતું કે હવે તે મને શાંતિથી જીવવા દે. ઘરમાં આટલો પૈસો, છતાં એક મિનિટ શાંતિ નહીં. – ખરેખર મગરની ચામડી કરીને રહું છું. તેથી જીવાય છે નહીંતર તો કાચીપોચી તો ક્યારનીયે કમોતે મરી ગઈ હોય…

“અને હા, તારો કોઈ સારો બોયફ્રેન્ડ છે કે નહીં ? પરણીને જુદી થઈ જા. સ્વમાનભેર જિંદગી વીતાવીને – ”

“બોયફ્રેન્ડ… કહેવાના તો ઘણા છે – પણ ખરેખર તો કોઈ નથી. દરેક જણ પેલી ગોળની કાંકરી પર માખી બણબણે તેમ… દરેક મારા હાડમાંસના પૂજારી છે. સૌમિલભાઈ, ખોટું ન લગાડશો. પણ મને તો દરેક પુરુષમાં વાસનાની ચિનગારી ભડકતી દેખાય છે. હું સહેજ કુણી પુડું કે ઢીલી પડું તો મને આખેઆખી ચાવી જાય – અને તેમાં વળી મારી મા ધારે તો ફિલ્મોની વેશ્યાઓની માસી કે ફોઈનો રોલ કરવામાં પાછી ન પડે.”

“ખેર… જવા દો… તમે કાયમ માન આપ્યું છે. અને મેં તમને મોટાભાઈ માન્યા છે – તેથી…”

“તું નોકરીની ચિંતા ન કર… તને તે મળી જ છે સમજ… પણ એકલી નોકરીના જોરે તું શું કરવા માગે છે ?”

“હું એકલી રહીશ. મારા પોતાના પગ પર ઊભી રહીશ.”

“હે ! પછી ?”

“પછી શું ? કોઈક સારો મુરતીયો મળતાં પરણી જઈશ.”

“ભલે, કાલથી ટાઈપ શીખવા માંડ, દસપંદર દિવસમાં હું ઘરે તને ખબર કરીશ.”

***

સીમાને મેં જ્યાં રખાવી હતી. ત્યાં તેણે ચારેક મહિના કામ કર્યું. ત્યાર પછી અચાનક તેણે કામ છોડી દીધું. ઊડતી ઊડતી વાત મળી કે એણે એના બોસને લાફો મારી દીધો હતો. કંઈક અડપલું કર્યું હશે, અગ્નિ જેવી તેજ હતી. છોકરી. ખેર, ત્યાર પછી તો એના કોઈ સમાચાર નહોતા, પરંતુ એ છોકરી એનો રસ્તો ખુદ શોધે તેવી હતી.

વચ્ચે છાપામાં – બે ત્રણ વાર એના બાપુની જાહેરાત આવી હતી.

“સીમા દીકરા, જ્યાં હોય ત્યાંથી પાછી આવી જા ! મારી તબિયત બગડતી જાય છે. તારી મા તને મળવા કલ્પાંત કરે છે.”

મને તો ખાતરી હતી કે પાછી આવે તે સીમા નહીં. અને ખરેખર એ પાછી ન જ આવી.

***

સમય વીતતો ગયો. એક સાંજે હું અને સ્વાતિ અને મારી દીકરી સીમ્પુ કાંકરિયા પાસેના રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા નાસ્તો કરતા હતાં ત્યાં સીમ્પુએ બૂમ પાડી – ડેડી ! ત્યાં કોઈક પડી ગયું – હમણાં જ … સામે નગીનાવાડીની પાળ ઉપરથી એક છોકરી કૂદી પડી હતી.. એ ડૂબકાં ખાતી હતી…

લોકો એની તરફ જાઈને આંગળી ચીંધતા કંઈક બોલતા હતા… કદાચ અરે કોઈ બચાવો… બચાવો ! ડચકાં ખાતી ખાતી એ છોકરીનો હાથ ફરી ઉપર આવ્યો. પણ કોઈની હિંમત ન ચાલી કે તેને બચાવે.

નીચે કોઈક બોટ તૈયાર થતી લાગી. હું સીમ્પુને “મમ્મી પાસે જ રહેજે” કહીને સડસડાટ નીચે ઊતરી ગયો…

એક નેવી ઓફિસર બોટને બંધ કરતો હતો… ત્યાં હું પહોંચ્યો.

“સા’બ કોઈ વહાં ગીર ગયા હૈ !”

“કોન કમબખ્ત..”

“ચલો, સાબ વક્ત નહીં હે !”

હું અને નેવી ઓફિસર એ છોકરી જ્યાં પડી હતી ત્યાં ગયા. નેવી ઓફિસર પાણીમાં કૂદ્યો અને પેલી છોકરીને ઉપર લઈ આવ્યો.

***

સીમા સાથે આ રીતે મુલાકાત થશે એનો તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં. પોલીસ પંચકેસ પત્યો અને હોસ્પિટલમાં દાખલ કરો. બેભાન હતી ત્યાં સુધીમાં સ્વાતિને મેં સીમાની પૂર્વ હકીકતથી વાકેફ કરી દીધી. એની આંખમાં કરુણા હતી. સહાનુભૂતિ હતી. અને સાથે સાથે દુન્વયી રીતો સામે મર્દાનગીથી લડીને ટ્ટટાર રહેવાની રીત પ્રત્યે પણ માન હતું.

ભાનમાં આવ્યા પછી મેં સ્વાતિની ઓળખાણ આપી. એ બોલી, “કેવું કમનસીબ ! ભાભી, હું તમને મળી તો પણ કાયર જેવી. હું એવી નથી ભાભી !”

સ્વાતિ કહે, “સીમાબહેન મને એમણે બધું કહ્યં છે – તમે શાંતિથી સૂઈ રહો” પોલીસે સ્ટેટમેન્ટ લીધું – આપઘાતનો ગુનો દાખલ કર્યો – એ બધી વિધિ પત્યા પછી મેં સીમાને પૂછ્યું – “સીમા ! તું છેક આટલી બધી હારી જઈશ તેની તો મને કલ્પના સુદ્ધાં નહોતી.”

“સૌમિલભાઈ ! નાનપણથી જ હું અભાગી છું. નથી પિતાનું વાત્સલ્ય જોવા મળ્યું કે નથી માનો લાડ – પ્યાર, નથી ભાઈઓનો દુલાર કે નથી બેનોનું સંખ્ય. બધાની સામે હું ઝઝૂમી. સીધી રીતે ન મળે તો ઝૂંટવીને પણ લીધું. તો પણ આત્મસંતોષ ન થયો. એ મમતા અને વાત્સલ્યની ઝંખનામાં હું તડપતી રહી, તપતી રહી.”

ત્યાં શિરીષ મળી ગયો. એ પણ મારા જેવો જ હતો સમ-દુઃખિયો. અમે પરણી ગયા.

દામ્પત્યજીવન વહેતું ચાલ્યું – મારી મમતા, લાગણી અને ભાવનાની જે પ્યાસ હતી તે મા બનવા તરસી રહી હતી. સૌમિલભાઈ મારા સંતાનને મારા જેવું દુર્ભાગ્ય ન સાંપડે તેથી તો કેટલાંય શમણાં ગૂંથી રાખ્યાં હતાં.

નાના-નાના મોજાં ગૂંથતી રમકડાં ખરીદતી -શીરિષ એ બધું જોતો અને હસી પડતો. મારી ઘેલછા પર.. દામ્પત્યજીવનના બે – અઢી વર્ષ વીત્યા પણ મારી ઘેલછા ન સંતોષાઈ – આજે બપોરે એમના અને મારા મેડિકલ ચેકઅપના રીઝલ્ટ પરથી ખબર પડી… હું અભાગણી છું. વાંઝિયણ છું.

સૌમિલભાઈ મારી બધી હિંમત ઓગળી ગઈ. હું સાવ કાયર થઈ ગઈ. હું સમાજ સામે ટક્કર લેવાની જે હિંમત ધરાવતી હતી તે ગુમાવી બેઠી. મને મારી જાત પર તિરસ્કાર આવી ગયો અને આ પગલું લઈ લીધું.

“બહું સારું કર્યું નહીં ?” અજાણ્યો અવાજ સાંભળી અમે બંને ચોકી ઊઠ્યા.

“શીરીષ ! શીરીષ ! મને માફ કર.”

એની આંખમાં આંસુ વહી રહ્યા હતાં. “સીમા, તું એકલી નથી, તારું દુઃખ સહેવા તારી સાથે હું બેઠો છું – જા હવેથી આવું પગલું લેશે ને તો ભગવાન તને સાત ભવ માફ નહીં કરે, સમજી ? અરે, કોઈ અનાથના નાથ બનીશું… કોઈક આપણા જેવા કમનસીબ સંતાનના ભાગ્ય ફેરવીશું.”

એ બોલતો જતો હતો તેમ સીમા વધુ હીબકાં ભર્યે જતી હતી. એને રડીને હૈયું ઠાલવી દેવાનું હતું – શીરીષ એને કહેતો જતો હતો.

સીમ્પુ બોલી, “અંતલ, આંતી ભમ્‌ થઈ ગયા !”

શિરીષ કહે, “તાલી આંતી તો ગાંડી છે – કીટ્ટા કરી નાખ…”

સીમ્પુ વિચારમાં પડી ગઈ. પછી સીમાના ખોળામાં લપાઈ ગઈ. “આંતી તો ગાંડી નથી, ડાહી છે..” અને સીમા તેને વહાલથી ગળે લગાડી લે છે. જાણે એની જ દીકરી ન હોય…

હું અને સ્વાતિ મલકી ઊઠીએ છીએ પરમ આનંદથી…

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational