Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umang Chavda

Comedy Others

4.8  

Umang Chavda

Comedy Others

કહું છું, સાંભળો છો ?

કહું છું, સાંભળો છો ?

5 mins
15.1K


કહું છું સાંભળો છો ?

રવિવારની સવાર અને આપણે જલસા ! મોડું ઉઠવાનું, શાંતિથી પરવારીને ચાનો કપ હાથમાં લઈને બાલ્કનમાં બેસીને છાપાઓ લઇને મસાલેદાર ચાની ચૂસકી મારતા મારતા લાંબા થવાનું ! આવું જેટલી વાર વિચાર્યું છે ત્યારે ત્યારે એક ટહુકો રસોડામાંથી અચૂક સંભળાયો છે : “કહું છું સાંભળો છો ?” અને બસ પતી ગયું ! ગયો રવિવારીયો સવારનો જલસો !

મને એમ થાય છે કે આપણી આ મહાન સંસ્કૃતિમાં અને એમાંથી ઉદભવેલી ભાષાઓમાં આ એક વાક્ય ના હોત તો ના ચાલત ? ભલભલા ચમરબંધીઓને માથાથી પગ સુધી ધ્રુજાવી દે તેવી આ અત્યંત ઠંડા પણ આદેશાત્મક અવાજે બોલાયેલી વાક્ય રચના !

આખો મીચીને હું ભૂતકાળમાં સારી જાઉં છું અને મને દેખાય છે કે ઋષિઓ જયારે જયારે હવન કરવા બેસતા હશે અને એમની કુટીર માંથી “કહું છું સાંભળો છો ?”નો અવાજ આવતો હશે ત્યારે એ ત્રિકાળદર્શી, ત્રિકાળજ્ઞાની મહાપુરુષ શું કરતા હશે ? બીજું તો શું હોય ? ઉભા થઇ ને હવન પડતો મૂકીને અર્ધાંગીની એ આપેલ આદેશનું પાલન ! મનમાં બબડતા બબડતા કે સાલું આના કરતા તો ઓલા રાક્ષસો સારા ! ભલે ગમે ત્યારે આવે, હવનમાં હાડકા નાખી જાય પણ સાલું બીજી કચ કચ તો નૈ ને ! એમને તો ગમે ત્યારે શ્રાપ પણ અપાય પણ અહિયાં શ્રીમતીજીનું શું કરવું ? સાલું આખી ઝીંદગી તપ કર્યું, હાડકા ગાળી નાખ્યા, ત્રિકાળનું જ્ઞાન લાધ્યું પણ એ શું કામ નું ? એક અવાજ પડે “કહું છું સાંભળો છો ?”અને આપણે કા તો નદી એ પાણી ભરવા જવાનું કે ગાયોને ચારો નાખવા કે પછી કોઈ પણ કામ ના હોય તો શ્રીમતીજી કહેશે કે બેઠા છો ને ત્યાં ? હું તો અમસ્તું જ પૂછતી હતી ! યાર હવન કરવાનો આખો મૂડ જ મરી જાય ! શું કરવું આમાં ?

આવો પ્રાચીન વિચાર કરતો હતો ત્યાં વળી અવાજ આવ્યો “કહું છું સાંભળો છો ?” અને હું સીધો સતયુગમાંથી કલયુગમાં આવી ગયો ! મારી દસ વરસની સુપુત્રી ઊર્જા મારી સામે બાલ્કનીમાં બેઠી બેઠી રમતી હતી ! એણે પણ મારી સામે આશ્ચર્યથી જોયું ! બે બે વાર મમ્મીની બુમો આવી અને પપ્પા હજી બેઠા છે ! એણે મારી સામે એવી રીતે જોયું કે જાણે મને છેલ્લી વાર જોતી હોય ! સાલું ઘરમાં જ કોઈ સપોર્ટ નથી ! બાકી છાતી તો છપ્પનની છે હો સાહેબ ! મેં પણ ઊર્જાની સામે અનિમેષ નયને જોયું અને એને છૂપો સંદેશો આપ્યો કે આજે તો ગમે તે થઇ જાય, બંદા રવિવારે ઉભા નહિ જ થાય ! ઊર્જા એ ફરીથી બે સેકંડ મારી સામે જોયું અને એ માથું ધુણાવીને રમવામાં લાગી ગઈ ! એની એ વર્તણુકનો મતલબ એવો હતો કે હમણાં હું હાર સ્વીકારી લઈશ અને સમર્પણ કરી દઈશ ! પણ ના ! આજે તો નહિ જ ! રાજપૂતો કેસરિયા કરતા હતા એમ હું આજે રવિવારીયા કરીશ, ભલે ને પ્રાણ જાય કે જે જવું હોય એ જાય પણ આજે તો નહિ જ ! મક્કમ નિર્ધાર અને મનોબળ એ પરાક્રમી પુરુષના હથિયાર છે અને આજે સમય આવી ગયો છે.

“કહું છું સાંભળો છો ?” ફરીવાર શ્રીમતી ઉવાચ અને મેં પણ મોટા પણ મક્કમ અવાજે કહી દીધું કે “ના !” ઊર્જાએ ફરીથી મારી સામે જોયું, માથું ધુણાવ્યું અને ઉભી થઇને બીજા રૂમમાં જતી રહી ! બોલો સાહેબ હવે ! આપણા લોકો આપણને દગો આપે એ કેમ પોસાય ? એવું નથી કે મારે આ સંઘર્ષમાં એની જરૂર છે પણ એ પણ મારા મહાન પરાક્રમને જોવે એવી મારી મહેચ્છા હતી ! કઈ નૈ ભાઈ, એકલો આવ્યો હતો અને એકલો જ જઈશ, એ સુત્ર યાદ રાખીને મેં ફરી થી છાપાઓમાં ધ્યાન પરોવ્યું !

જુના જમાનામાં જયારે રાજાઓ એક સાથે બે કે ત્રણ પત્ની રાખતા હતા એમનું શું થતું હશે ? વિચારીને મને ધ્રુજારી આવી ગઈ ! વિચારો કે એક રાજા જયારે યુદ્ધમાં જતો હશે અને એને એના મહેલના ત્રણ જુદા જુદા ખૂણાઓ માંથી અવાજો આવતા હશે “કહું છું સાંભળો છો ! ?” સાલું તલવાર પછાડીને એ માણસ જંગલ ભેગો થઇ જતો હશે ! કહેવાય છે કે શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી ! વિચારો કે એ પરમેશ્વર શું કરતા હશે કે જ્યારે એમને એક સાથે એમની પત્નીઓ “કહું છું સાંભળો છો” નો અવાજ દેતી હશે ? આ પરિસ્થિતિ તો મને લાગે છે કે એમનાથી પણ સહન નહિ થતી હોય.

અચાનક ઊર્જા આવીને શાકભાજી લાવવાની ની થેલી મારા ખોળામાં મૂકી ને જતી રહી ! લો પતી ગયું ! હે ભગવાન આ શું ! મારે શું યુદ્ધમાં ઉતર્યા વગર જ હાર માની લેવાની ? આ જીવને તમે શું રવિવારે શાકભાજી લેવા માટે આ પૃથ્વી પર અવતર્યો હતો ? શું એક ક્ષુલ્લક થેલી મને મારા મનોબળથી ચલિત કરી દેવા સક્ષમ છે ? શાકભાજીની થેલીમાં રહેલી ગર્ભિત ધમકી કે આદેશનો મારે શું પાલન કરવાનો ? આંખો બંધ કરીને મેં શ્રી કૃષ્ણ ને યાદ કર્યા. હું શાકભાજીની થેલી હાથમાં લઇને ઘુટણીયે પડી ને શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપ સમક્ષ છું અને એ મારી સામે જોઈ રહ્યા છે ! જાણે કે મહાભારત ના યુદ્ધ વખતે અર્જુન હથિયારો નીચે નાખી ને એમની સમક્ષ બેઠો છે ! “હે મુરલીધારી, હે પાલનહાર, હે શ્રી કૃષ્ણ, મને માર્ગ આપો, હું શું કરું ? એક બાજુ મારો રવિવાર છે, એક બાજુ મારું સ્વમાન છે, એક બાજુ મારો દ્રઢ નિશ્ચય છે, અને બીજી બાજુ આ શાકભાજીની થેલી છે ! શું કરું ઓ માધવ, મારું માર્ગદર્શન કરો”

અત્યંત વ્યથિત મને મેં એમની આગળ ઘા નાખી ! “વત્સ, ઉભો થા” એમનો અવાજ આવ્યો, કર્મ કર અને ફળ મંગાવ્યા હોય શ્રીમતીજીએ તો એ પણ લેતો આવજે”. અહી જો, હું પણ વૈકુંઠ છોડીને આજે રવિવારે પૃથ્વી પર કેમ વિહરવા નીકળ્યો છું ?”

મને સખ્ખત ઝટકો લાગ્યો, “પ્રભુ તમે પણ?” અને એ મારી સામે સ્મિત કરીને અંતર્ધ્યાન થઇ ગયા !

બસ ! પતિ ગયું ! મેં નક્કી કરી લીધું, આ શું વળી ? જયારે ને ત્યારે આપણને આદેશ કરે એટલે આપણે પાલન કરવાનું ? મારી અંદરનો જ્વાળામુખી ભભકી ઉઠ્યો, મેં બે મુઠ્ઠીઓ વાળી, ભ્રુકૃટી તંગ કરી અને આંખોમાં લાલાશ લાવી ને જોર થી શ્રીમતીજીને બૂમ પાડી

“કેટલાની લાવાની છે ?”

“અંદર ચિઠ્ઠી મૂકી છે” રસોડામાંથી શ્રીમતીજીનો ઠંડો પ્રત્યુત્તર આવ્યો જાણે ખબર હોય કે હમણા આ પ્રશ્ન પુછાશે જ !

ધૂંધવાતા ધૂંધવાતા હું ઉભો થયો, સ્લીપર પહેર્યા અને ધડામથી બારણું બંધ કરીને સડસડાટ પગથીયા ઉતરી ગયો !

જેવો નીચે મેઈન રોડ પર આવ્યો કે ઉપર ગેલેરીમાંથી ઊર્જાની એની મમ્મી ની સ્ટાઇલ માં બૂમ આવી, “કહું છું સાંભળો છો ? થોડા ફ્રૂટ્સ પણ લેતા આવજો”, મેં ગુસ્સા થી ઉપર એની સામે જોયું, એણે મારી સામે આંખો નચાવી અને ઠેંગો દેખાડીને અંદર ભાગી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Comedy