Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Gandhi

Abstract Tragedy

4  

Dharmesh Gandhi

Abstract Tragedy

ઘૂંટવું એટલે

ઘૂંટવું એટલે

2 mins
14.2K


કોલસાના ટુકડાને આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવી એણે ખરબચડી દીવાલ પર હળવા હાથે લિસોટા ખેંચ્યા... જાણે કે ચિત્રને આખરી ઓપ આપી રહ્યો હોય !

એમ તો વર્ષોથી આ એક જ માસૂમ ચહેરો એ ચીતરે જતો હતો. કોઈ વિદ્યાર્થી એકડો ઘૂંટે એમ... એના અહીં આવ્યા પછી મોડે-મોડે જાણવા મળેલું કે એ ચહેરો એની નાનકડી ઢીંગલી કે જેને પાંચેક વર્ષની વયે બહારની દુનિયામાં એકલી મૂકીને એ અહીં સ્થાયી થઈ ગયેલો, થવું પડેલું. એના જીવનનો એકમાત્ર ધ્યેય કહો કે લાગણી, કે પછી પોતાના અંશ પ્રત્યેનો અવિરત પ્રેમ. એ કોમળ ચહેરો જ, છેલ્લાં પંદર વર્ષથી એક જ દીવાલ પર અનેક વખત ચીતરાઈ ચૂકેલો એ નાદાન ચહેરો.

હ્રદયના ટુકડા સાથે થનારા મિલન માટે હવે આ પોતીકી થઈ ચૂકેલી વસાહત એણે છોડવી પડે એવો અણધાર્યો વખત આવી પહોંચ્યો હતો. જાણે કે આખરી વખત દીવાલ પર ઉપસેલા આભાસી ચહેરા પર હાથ ફેરવી લેવા માંગતો હોય એમ લાડથી બોલ્યો, 'બસ બેટા, હવે માત્ર થોડી જ ક્ષણો.'

એનું વર્તન દૂરથી જોનારને મૂંઝવણમાં મૂકે એવું હતું. આ જગ્યા છોડવાનો એને વસવસો હતો કે વર્ષો પહેલાંની દુનિયામાં પાછા ફરવાનો અણધાર્યો ઉમંગ એ કળવું મુશ્કેલ હતું. ખૂણામાં પડતી ત્રણ સળિયાવાળી બારીમાંથી એણે બહાર નજર નાખ. આકાશ સાફ જણાયું.

ક્યારેય અધખૂલ્લો ન મૂકાતો એની કોટડીનો દરવાજો આજે સંપૂર્ણ ઊઘડી ચૂક્યો હતો. ગણતંત્ર દિવસના અવસરની ઉજવણીનાં ભાગરૂપે, સારી વર્તણૂક બદલ એને આજીવન કેદની સજામાંથી મુક્ત કરાઈ રહ્યો હતો; નવું જીવન શરૂ કરવા માટે એક તક અપાઈ રહી હતી ! ને વર્ષે-દહાડે માંડ એકાદ વખત દેખા દેતો એનો સમ ખાવા પૂરતો એક મિત્ર આજે ઓચિંતો એને મળવા આવી ચઢ્યો. ખભે લટકાવેલા બગલ-થેલામાં હાથ ઘાલતા એ ઉત્સાહભેર બોલ્યો, 'ખુશીનાં બે-બે સમાચાર છે, દોસ્ત...'

એ તો મિત્રને અપલક તાકી જ રહ્યો !

'એક – તું આજે છૂટે છે...'

એ હજુયે નિઃશબ્દ... 

'...ને - ચીંકી મોટી થઈ ગઈ છે. ખૂબ જ મોટી.' મિત્રએ કંકોત્રી એના હાથમાં થમાવતા ગળગળા સ્વરે કહ્યું, 'એટલી મોટી કે હવે પોતાને, પોતાના બની રહેલા પરીવારને સંભાળી શકે ! તને જેલમાંથી છૂટતો જોઈ એ તો ગાંડી-ઘેલી થઈ જવાની.'

મિત્રની વાત સાંભળતાં જ એના પગ થીજી ગયા; નજર જડ બની ગઈ.

અચાનક એણે મારી તરફ દોટ મૂકી, ને સણસણતો એક લાફો ઝીંકી દીધો. મારી સર્વિસ-રિવોલ્વર ઝૂંટવી લઈ મારા લમણે ઠોકી દીધી.

પણ જેલના અન્ય સુરક્ષા અધિકારીઓએ બાજી સંભાળી લીધી; એને દબોચી લીધો. જેલરને લાફો મારવા, તેમજ રિવોલ્વર તાકવાના ગુનાસર એની, લગભગ થઈ જ ચૂકેલી રિહાઈ રદ કરી દેવામાં આવી, ને ફરી એ જ કોટડીમાં ધકેલી દેવામાં આવ્યો. દરવાજે બે કિલોનું તાળું લટકી ગયું.

હું માત્ર એટલું જ અનુમાન લગાવી શક્યો કે દીકરીનાં લગ્ન આડે એ કોઈ વિઘ્ન આવવા દેવા માગતો નહીં હોય, કદાચ. મારા ચચરતા ગાલે હાથ ફેરવતા હું એની મનોસ્થિતિ વિચારી રહ્યો, ‘લાંબો કારાવાસ ભોગવી ચૂકેલા ‘રીઢા ગુનેગાર’ની દીકરીને સારા ઘરનો કયો છોકરો લઈ જાય ?’

મેં કોટડીમાં નજર નાખી. એનો એક હાથ, ખરબચડી દીવાલે ઉપસેલા માસૂમ ચહેરાને ઘૂંટી રહ્યો હતો, ને બીજો હાથ કંકોત્રીને.


Rate this content
Log in

Similar gujarati story from Abstract