Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Tragedy

5.0  

Prashant Subhashchandra Salunke

Tragedy

મને તારી ખૂબ ચિંતા થાય છે

મને તારી ખૂબ ચિંતા થાય છે

4 mins
665


૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રવિવારના રોજ મને સાંજના એક કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું હતું. જોકે તેનો ઉલ્લેખ અહીં જરૂરી ન સમજતા માત્ર એટલું કહેવાનું કે તે કાર્યક્રમને લઈને અમે સહુ પરિવારજનો ખૂબ ખૂશ હતા. એ દિવસે બપોરે ટીવી પર ઇન્ડિયા અને બાંગ્લાદેશની ક્રિકેટ મેચ ચાલતી હતી. મારી માતા કબ્બડી ચેમ્પીયન હોવાથી તેમને રમતગમતનો ખૂબ શોખ હતો. મોટાભાઈ સાથે તેઓ મેચ જોવામાં મશગુલ હતાં. મને મેચ જોવાનો જરાયે શોખ ન હોવાથી ભોજનને ન્યાય આપ્યા બાદ થોડો આરામ કરી લેવાનું વિચારી હું ઉપરના માળે આવેલી મારી રૂમમાં જતો રહ્યો. રૂમમાં પહોંચી હું પથારીમાં પડ્યો અને થોડીવારમાં જ મારી આંખ લાગી ગઈ.


અચાનક મને લાગ્યું કે મને કોઈ હલાવી રહ્યું છે. મેં જોયું તો મારી સામે મારા માતૃશ્રી હતા. મારા માતૃશ્રીને મારા પર ખૂબ વહાલ હતું. અમને બંનેને એકબીજા વગર એકપળ પણ ચાલતું નહોતું. હું કદાચ ઉપર આવતો રહ્યો એ તેમને ગમ્યું નહીં હોય અને કદાચ એટલે જ તેઓ મારી પાછળ પાછળ આવ્યા હશે એમ વિચારી મેં પૂછ્યું, “માઁ, શું થયું?”

મારા માતૃશ્રીએ હેતથી મારા માથે હાથ ફેરવતા કહ્યું, “બેટા, બસ એમ જ તને જોવા આવી છું.”

મને કશુંક અજુગતું લાગતા મેં ચિંતિત વદને પૂછ્યું, “કેમ શું થયું માઁ?”


મારા માતૃશ્રીએ કહ્યું, “બેટા, તારો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો છે. તેથી મને તારી ખૂબ ચિંતા થાય છે. મને વચન આપ કે તું આજ પછીથી ક્યારે ગુસ્સો નહીં કરે અને મોટાભાઈની વાતોથી નહીં અકળાય. બેટા, તારો મોટોભાઈ ખૂબ ભલો છે. તેને તારી ચિંતા થતી હોવાથી જ તે તને લડે છે.”

મેં કહ્યું, “માઁ, હું વચન આપું છું કે આજ પછી ક્યારેય ગુસ્સો નહીં કરું... બસ! હવે મને ઊંઘવા દે સાંજે મારે કાર્યક્રમમાં જવાનું છે ખબર છે ને?”

મારી વાત સાંભળી મારા માતૃશ્રીના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

હજુ હું કંઇક કરું કે વિચારું એ પહેલા કોઈ બારણાને જોર જોરથી ખખડાવી રહ્યું હતું. 

*****


“કાકા.... કાકા...” મારી ભત્રીજી દેવશ્રીની ચીસોથી હું ઝબકીને જાગી ગયો.

મેં આંખો ખોલીને જોયું તો મારા માતૃશ્રી મારા ઓરડામાં નહોતા!

“શું થયું દેવી કેમ ચીસો પાડે છે?” મેં ગભરાઈને પૂછ્યું.

દેવશ્રીએ રડતાં રડતાં કહ્યું, “જલ્દી નીચે ચાલો....બા... બા...”

હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત નીચે દોડી ગયો. એ પગથિયાં હું કેવી રીતે ઉતર્યો એ હજીપણ મને યાદ આવતું નથી. પણ નીચે જે દ્રશ્ય જોયું એ કાળજું કંપાવનારૂ હતું. મારી માઁએ ભાભીના હાથ પર માથું ઢાળી દીધું હતું અને એની સામે ઉભા રહી મારા મોટાભાઈ નિશાંત કાળજું કંપાવી દે તેવું રૂદન કરી રહ્યા હતા, “માઁ... માઁ... ઉઠ.. ઉઠ... આવું શું કરે છે?”

હું શૂન્યમનસ્કપણે ત્યાં ઉભો રહ્યો. આડોશ પડોશના લોકો પણ ત્યાં સુધીમાં આવી ગયા હતાં. મેં મારી પત્ની દીપાને પૂછ્યું, “માઁ ને શું થયું?”


દીપા રડતા રડતાં બોલી, “માઁના વાળ ભાભી ઓળી રહ્યા હતા અને અચાનક જ એમણે વાતો કરતાં કરતાં માથું ઢાળી દીધું. જુઓને તેઓ કંઈ બોલતા નથી કે ચાલતાં નથી.”

અમારો પડોશી મિત્ર વિપુલ બોલ્યો, “ચાલો... માસીને જલ્દી આપણે હોસ્પિટલમાં લઇ જઈએ.” આ સાંભળી અમે સહુ કોઈ હરકતમાં આવી ગયા. ફટાફટ કારમાં માતાને પાછળની સીટ પર સુવડાવી અમે હોસ્પિટલ તરફ કારને દોડાવી મૂકી.

*****


બીજી જ મિનિટે અમે હોસ્પિટલમાં હતા. પરિચારિકાઓએ આવીને મારી માતાને સ્ટ્રેચર પર લેવડાવી અને અમો બન્ને ભાઈઓ તથા મિત્રો હતી એટલી તાકાત ભેગી કરી મમ્મીને ગહન ચિકિત્સા કેન્દ્ર (ICU) તરફ લઇ ગયા. ત્યાં ડોક્ટરે મારી માતાની તરત સારવાર શરૂ કરી દીધી. અમે બન્ને ભાઈઓ ચિંતિત વદને બહાર આંટા મારવા લાગ્યા. પિતાજી ત્યાંજ હતાં પણ આ બધા સમય દરમ્યાન મારું ધ્યાન સમગ્રપણે મારી માતા તરફ જ હતું. બરાબર ચાર વાગે ડોક્ટર બહાર આવ્યા. મોટાભાઈ એમની તરફ દોડી ગયા. જાણે ભગવાન મારી માતાને અમરત્વનું વરદાન આપવા ઊભા હોય તેમ અમે એ દેવદુત જેવા ડોક્ટર સામે હાથ જોડી ઊભા રહ્યા. ડોક્ટરે અમે ધારેલું એના કરતાં ઉલટો પ્રતિસાદ આપ્યો, “તમારી માતાજીનું હાર્ટ ફેલ થયું હતું અને આવા કિસ્સામાં અમે ત્યારે જ કંઈક કરી શકીએ જયારે દર્દી અમારી સારવાર હેઠળ હોય. જેમ વીજળી અચાનક ગુલ થઇ જાય તેમજ આવા કિસ્સાઓમાં હાર્ટ અચાનક કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. સોરી પણ કેસ ક્યારનોય ખલાસ થઇ ગયો છે.”


મારું દિમાગ સુન્ન થઇ ગયું.. મોટાભાઈ માતૃશ્રીને બચાવી લેવાની ડોકટરોને વિનવણીઓ કરવા લાગ્યા..પરંતુ સઘળું વ્યર્થ અમારા જીવનમાં એકાએક શૂન્યતા પ્રસરી ગઈ.

નરી શૂન્યતા.. સર્વત્ર અંધકાર..


મુઠ્ઠીમાંથી રેતી સરી જાય એમ અમારા વચ્ચેથી અમારી માઁ સરી ગઈ હતી. સામે માતાનું નિસ્તેજ શરીર અમારૂં હૃદય કંપાવી રહ્યું હતું. મારી માતૃશ્રીને મારી પાસેથી છીનવી લેનાર એ ઈશ્વર પર મને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ બીજી જ ક્ષણે માતૃશ્રીએ મને સ્વપ્નમાં કહેલા શબ્દો યાદ આવ્યા, “બેટા, તારો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે. તેથી મને તારી ખૂબ ચિંતા થાય છે.”

બેબસી અને લાચારીથી કંઈ કરી ન શકતા. મારી સહુથી નજીકની વ્યક્તિ એવી મારા માતાશ્રીની એ વસમી વિદાય સમયે હું પોક મુકીને રડવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy