Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishnu Desai

Romance Inspirational

3.5  

Vishnu Desai

Romance Inspirational

એક પ્રેમ આવો પણ !

એક પ્રેમ આવો પણ !

12 mins
875


અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈ રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની માસિયાઈ બહેન જેવી લગતી હતી. તેના ચહેરા પર ના તો હાસ્ય હતું કે ના તો દુઃખ હતું. તેનો ચહેરો સોહામણો છતાં ગંભીર હતો. અનંતને તે ફોટો જોતાં જ તે યુવતીના ચહેરા ભાવ જાણે પોતાના મનના જ ભાવ કહી રહી હોય તેમ લાગ્યું. બસ તેની આ લાક્ષણિક મુદ્રા અનંતને ગમી ગઈ. અનંતને તે ફોટામાં તલ્લીન થયેલો જોઈને ફોટા બતાવનારે પૂછ્યું, “આ પસંદ છે ?” તેના પ્રશ્નથી અનંતની વિચારમાળા તૂટી. તેણે જવાબ આપ્યો, “હા આ ચાલશે.”


રખેને કોઈ એવું માને કે અનંત તેની સગાઈ માટે છોકરી જોઈ રહ્યો હતો ! અને એ ફોટા બતાવનાર ભાઈ કોઈ લગ્ન કરાવી આપનાર પંડિત કે મેરેજબ્યુરોનો સંચાલક હતો ! આ તો એકવીસમી સદી છે મિત્રો. અહીં તો બધા જ ધંધા આજે પ્રોફેશનલ બની ગયા છે. અનંતને ફોટો બતાવનાર પણ એકવીસમી સદીનો બિઝનેસમેન હતો. તે માણસ તે ફાઈવસ્ટાર હોટલનો મેનેજર હતો. તેણે અનંતના હાથમાં એક ચાવી મૂકી અને કહ્યું, “રૂમ નંબર સોળ સર” અનંત ઉઠીને રૂમ નંબર સોળ તરફ ચાલવા લાગ્યો. પેલો મેનેજર અનંતને રૂમ નંબર સોળ સુધી મુકવા આવ્યો. “હેવ અ નાઈસ ટાઈમ સર, એન્જોય યોર સેલ્ફ.” કહીને તે ત્યાંથી પાછો વળી ગયો.


થોડું અનંત વિશે જાણીએ તો, અનંત એક મધ્યમ કક્ષાનો બિઝનેસમેન હતો. અમદાવાદમાં નાનો પણ મોકાનો કહી શકાય તેવો રેડીમેડ ગારમેન્ટ્સનો તેનો ધંધો હતો. અનંત પોતાના વિશે કંઈ જાણતો નથી. તેને ખુદને પણ ખબર નથી કે તે અહીં ક્યાંથી આવ્યો હતો. પણ હા એટલી ખબર હતી કે તેને જ્યારથી સમજણ આવી ત્યાંરથી તે અહી શેઠ રજનીકાંતની દુકાનમાં હતો. આ દુકાનના મૂળ માલિક રજનીકાંત શેઠને તે ચાર વરસનો મળી આવ્યો હતો. લાલદરવાજાની ભીડમાં એકલા અટુલા ઉભા રહીને રડી રહેલા અનંતને નિ:સંતાન શેઠ રજનીકાંત પોતાના ઘરે લઈ આવ્યા હતા. બસ ત્યાંરથી શેઠ રજનીકાંત જ તેના મા-બાપ હતા. તેમણે અનંતને ભણાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બારમા ધોરણમાં બે વાર નપાસ થયા પછી અનંતે ભણવાનું છોડી દીધું. બસ ત્યારથી તે શેઠ રજનીકાંત સાથે તેમના ગારમેન્ટના ધંધામાં જોડાઈ ગયો. અનુભવી શેઠની છત્રછાયામાં તે પાક્કો વેપારી બની ગયો. મોટી ઉમરે શેઠ જયારે થાક્યા ત્યારે અનંતે જ તેમના પુત્ર બનીને તેમની ખૂબ સેવા કરી. જીવનના અંત સમયે શેઠ રજનીકાંતે પોતાની તમામ મિલકત અને આ દુકાન અનંતને વારસમાં લખી આપી. એ વાતને આજે પાંચ વરસ થઈ ગયા. આજે અમિત ઓગણત્રીસ વરસનો યુવાન છે. એક અનાથ બનીને ભટકતા અનંતને કિસ્મતે ઘણું આપ્યું હતું. તેમ છતાં તેને જીવનમાં કશુંક ખૂટતું હોય તેમ લાગતું હતું. તેણે લગ્ન કરી સંસાર વસાવવાનો વિચાર ઘણીવાર કર્યો. પણ તેના ભૂતકાળથી પરિચિત વેપારી જગતમાં કોઈ તેને છોકરી આપવા તૈયાર ન હતું. તે ખુબ ઉદાસી અને એકલતા અનુભવતો હતો. તેનો દિવસ તો ધંધાની દોડધામમાં નીકળી જતો હતો. પણ રાતનું એકાંત તેને કોરી ખાતું હતું. તેની આ પરિસ્થિતિ જોઈને તેને એક વેપારી મિત્રએ તેને મન હળવું કરવા એક ફાઈવસ્ટાર હોટલનું સરનામું આપ્યું હતું. જ્યાં સુંદરીઓ અનંત જેવા એકલા અટૂલા અનંત યુવાનોનું દિલ બહેલાવતી હતી.


ઘણા સમય સુધી અનંતે આ બાબતે વિચાર્યું ન હતું. પણ આજે તેનું મન ખુબ એકાંત અનુભવતું હતું. તે એકધારા જીવન પ્રવાહથી કંટાળો અનુભવતો હતો. તેને પેલા વેપારી મિત્રની વાત યાદ આવી. અને તે મિત્રએ આપેલા સરનામા મુજબ ફાઈવસ્ટાર હોટલને શોધતો અનંત આજે અહીં આવી ચઢ્યો હતો. હવે તેની આગળની મંજિલ હતી રૂમ નંબર સોળ. તેને ત્યાં જઈ રૂમ નંબર સોળના દરવાજામાં ચાવી લગાવતા જ દરવાજો ખુલી ગયો. તે રૂમમાં પ્રવેશ્યો. આખો રૂમ કોઈ રાજમહેલના શયનખંડ જેવો હતો. રૂમના ડબલબેડ પલંગને મધુર રજનીની શૈયાની જેમ શણગારવામાં આવ્યો હતો. કેન્ડલ લાઈટનું માદક અજવાળું અને એર ફ્રેશ્નરની સુગંધ મનને રોમાંચિત કરી દેતા હતા. રૂમમાં પ્રવેશતા જ અનંતે એક અજબની માદકતા અનુભવી. છતાં તેનું મન બેચેન હતું. કેમકે આ તેના જીવનનો પહેલો અને નવો જ અનુભવ હતો.


તેના રૂમમાં પ્રવેશતા જ તે સુંદરી પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ગ્રાહકને આવકારવા ઉભી થઈ. અનંત પલંગ પર તે સુંદરીથી થોડું અંતર રાખીને દુર બેઠો. તે યુવતીને નવાઈ લાગી. રૂમનો દરવાજો ખુલતાં જ પોતાના શરીર પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા અનેક ગ્રાહકો તેણે જોયા હતા. ત્યારે આવો ધીરજવાન યુવાન તેણે પહેલી જ વાર જોયો હતો. તે પણ પલંગ પર બેઠી. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ રહી. કોઈ કશું બોલતું ન હતું. આખરે યુવતીના શબ્દોથી રૂમની શાંતિ તૂટી. “તમે રૂમમાં પ્રવેશ્યા ત્યાંરથી જ તમારા મનોરંજનનું મિટર શરુ થઈ ગયું છે. અહી તો સેકન્ડના ભાવ ગણાય છે. જેટલી સેકન્ડ વધારે તેટલું બિલ પણ વધારે.” આમ કહીને અધર્મના ધંધામાં પણ પોતાનો ધર્મ જાણનાર તે યુવતી પોતાના દેહ પરથી વસ્ત્રો ઉતારવા લાગી. અનંતે તેને તેમ કરતી અટકાવી, “ના ના તમે એમ જ બેસો. “ યુવતીના આશ્ચર્યનો પર ના રહ્યો. પણ પોતે અહીં દાસી હતી અને અહીં આવનાર દરેક તેના સ્વામી હતા. તેને પોતાના આ સ્વામીની અજ્ઞા માન્ય રાખી. બંને જણ થોડીવાર એમ જ બેસી રહ્યા. સમય વહેતો રહ્યો. અનંત તો માત્ર તે સુંદરીને જોતો જ રહ્યો. અને તે યુવતી પણ નવાઈ ભરી નજરે અનંતને જોતી રહી. ઘણો સમય વીત્યા પછી અનંત ત્યાંથી વિદાય થયો. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર તેની રાહ જોઈને બહાર જ ઉભો હતો. તેણે ચહેરા પર બનાવટી હાસ્ય પાથરીને બિલ અનંતના હાથમાં મુક્યું. અનંતે બિલ ચુકવ્યું. પેલા મેનેજરે “યુ આર વેલકમ સર, ફરી પધારજો” કહી અનંતને વિદાય આપી.


અનંત ત્યાંથી ઘરે આવ્યો. ઘરે આવીને પણ તેને ઊંઘ ના આવી. પેલી હોટલવાળી યુવતીનો ચહેરો તેની આંખો આગળથી ખાસતો ન હતો. “શું તેની સુંદરતા હતી. શું કામ કોઈ પોતાની આવી સુંદરતાને આમ છડે ચોક લુટાવતું હશે. એવી તો શી મજબુરી હોતી હશે !” આવા અનેક પ્રશ્નો અનંતના મનમાં થઈ રહ્યા. આ બાજુ પેલી યુવતીના મનમાં પણ અનંતની અજબની છાપ વસી ગઈ. પોતાના જીવનમાં આવો યુવાન તેણે આજ પહેલા ક્યારેય જોયો ન હતો. ભૂખથી કકળીને અહીં આવે અને મિષ્ટાન ભરેલા થાળ પરથી ભૂખ્યો જ ચાલ્યો જાય એવો યુવાન આજે તેને પહેલીવાર જ જોયો હતો. “શું ફરી આ યુવાન સાથે મુલાકાત થશે !” તેવા પોતાના પ્રશ્નના જવાબમાં એક ઊંડો નિસાસો નાખીને તે અનંતના વિચારોમાં ખોવાઈ રહી. બે-ચાર દિવસનો સમય પસાર થયો. અનંતની નજર સામેથી તે યુવતીનો ચહેરો હટતો ન હતો. આજે ફરી તેનું મન તે સુંદરીના દર્શન માટે વ્યગ્ર બન્યું હતું. અને સાંજે તે ફરી પેલી ફાઈવસ્ટાર હોટલ તરફ દોડી ગયો. જેમ તરસ્યું હરણ મૃગજળ પાછળ દોટ મુકે તેમ અનંત હોટલ તરફ દોડી ગયો. ત્યાં પહોચતા જ પેલો મેનેજર ફરી ચહેરા પર બનાવટી હાસ્ય સાથે હાથમાં અનેક છોકરીઓના ફોટા લઈને આવી ગયો. પણ તે અનંત આગળ ફોટા ધરે તે પહેલા જ અનંતે કહ્યું, “રૂમ નંબર સોળ” “ઓ.કે.સર” કહી પેલા મેનેજરે રૂમ નંબર સોળની ચાવી અનંતના હાથમાં મૂકી. અનંત રૂમમાં પહોંચ્યો. અનંતને ફરી જોતાં જ પેલી યુવતીએ તેની તરફ દોટ મૂકી. પણ અડધે રસ્તે જ તે અટકી ગઈ. તેને ભાન થયું કે તેના રૂમમાં આવનાર એ તેનો કોઈ આશિક કે પ્રિયતમ ન હતો. તેણે પોતાની જાતને સાંભળી લીધી. પણ ત્યાં જ અટકી ગયેલી તે યુવતીને જોઈને અનંતે પોતાની બાહોં ફેલાવી. અને અટકી પડેલી તે યુવતી વધુ વેગથી દોડીને અનંતની બાહોંમાં સમાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઈ. પછી બંને જણ બેઠાં અને વાતે વળગ્યા. આજે વરસો પછી બંનેને કોઈ પોતાના મનની વાતો સાંભળનાર મળ્યું હતું. પછી તો હૃદયના દ્વાર ખુલતા ગયા, અને વરસોથી મનમાં ધરબાઈ પડેલી વાતો હોઠે આવતી ગઈ.


અનંતે શરૂઆત કરી, ”ભગવાને તમને આવો સુંદર દેહ આપ્યો છે તો તેને આમ લિલામ શું કામ કરો છો ?” તે સુંદરીએ જવાબ આપ્યો, “ભગવાનનો આપેલો આ સુંદર દેહ મારા માટે વરદાન નહી પણ શ્રાપ છે.” અનંતે આગળ ચલાવ્યું, “તમારા પરિવારની એવી તો શી મજબુરી છે કે તમારે આ રસ્તે ચાલવું પડે છે.” “મારે પરિવાર નથી એ જ મોટી મજબુરી છે.” યુવતીએ જવાબ આપ્યો. અનંતને આજે જીવનમાં પહેલીવાર કોઈ સમદુઃખી મળ્યું હતું. તે યુવતીનું નામ ચેતના હતું. પણ અનંતને મળ્યા પહેલા તેનું જીવન સાવ અચેતન જ હતું. તે પણ અનંતની જેમ જ તેના પરિવાર અને સમાજથી તરછોડાયેલી હતી. પણ તેનું મોટું કમનસીબ એ હતું, તે છોકરી હતી અને પાછી સુંદર હતી. તેને અનંતની જેમ કોઈ શેઠ રજનીકાંત મળ્યા ન હતા. પણ જે મળ્યો તે રાક્ષસ હતો. જે તેને આ વેશ્યાગૃહમાં વેશ્યા બનવા માટે વેચી ગયો હતો. હવે તેના માટે આ જ તેની દુનિયા હતી. બંનેની વાતોમાં સમય વીતતો ગયો અને સાથે સાથે બંનેનો વીતેલો સમય વાગોળાતો ગયો. આમને આમ વાતોમાં જ સવાર થઇ ગઈ. અનંત વિદાય લેવા ઉભો થયો. ત્યાં જ ચેતના બોલી, “ફરી ક્યારે દર્શન થશે ?” “બહુ જલ્દી” કહી અનંતે વિદાય લીધી. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર પોતાની જુઠ્ઠી સ્માઈલ સાથે બહાર જ ઉભો હતો. અનંતે તેના હાથમાં હજારની નોટોની એક થપ્પી મૂકી અને કહ્યું, “એક મહિના માટે બુકિંગ સમજો. બીજા કોઈને આ રૂમ ન મળવો જોઈએ.” “ઓ.કે.સર” કહી મેનેજર રૂપિયાની થપ્પી ગણવા લાગ્યો. ચેતના ભારે મને અનંતને જતો જોઈ રહી. પછી તો આ સીલસીલો રોજનો બની ગયો. દિવસભરની દોડધામથી થાકીને અનંત રાતે ચેતના પાસે પહોંચી જતો અને ત્યાં ચેતનાના ખોળામાં મથું નાખી સુઈ જતો. ચેતનાનો હાથ તેના માથા પર ફરતાં જ તેનો બધો થાક ઉતરી જતો. બીજી તરફ ચેતના પણ રાતે અનંતને મળવાની ઝંખનામાં દિવસ વિરહની વેદનામાં પસાર કરવા લાગી. આમને આમ મહિનાઓ પસાર થઈ ગયા. હવે અનંત અને ચેતનાને એકબીજા વગર જીવવું અશક્ય લાગતું હતું.


એક દિવસ પોતાની વિદાય લઈને જઈ રહેલા અનંતને ચેતનાએ પૂછી લીધું, “બસ આમ જ મળતા રહેશો કે મને તમારા જીવનમાં અપનાવશો !” હકીકતમાં તો આ અનંતના મનની જ વાત હતી.પણ પોતે અહીં એક ગ્રાહક હતો. અને ચેતના ભાડે લીધેલી વસ્તુ. ભાડે લીધેલી વસ્તુને પોતાની કેમ બનાવી શકાય તે જ અનંતના મનની મુંજવણ હતી. પણ આજે ચેતનાએ સામે ચાલીને અનંત સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો એટલે અનંત માટે તમામ રસ્તા હવે ખુલ્લા હતા. અનંતે ચેતનાને પોતાની બાહોંમાં ખેચી લીધી અને કહ્યું, બસ હું આ જ ક્ષણની રાહ જોતો હતો. બહુ જલ્દી હું તને આ નરકમાંથી છોડાવીને મારા ઘરે મારી જીવનસંગીની બનાવીને લઇ જઈશ.” અનંતે તરત જ હોટલના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, “હું આ ચેતનાની ઇચ્છાથી તેને મારી સાથે મારા ઘરે લઈ જવા માંગું છું, કિંમત તું કહે તેટલી !” અનંતની વાતથી પહેલા તો મેનેજરને ઝાટકો લાગ્યો. પછી તેની આંખો આગળ હજારની નોટો ડોકિયાં કરવા લાગી. મેનેજરે કલાકની ગણતરીથી વરસો સુધી ચેતના થકી થનાર કમાણીનો હિસાબ માંડ્યો અને કહ્યું, “વીસ લાખ” જવાબમાં “ઠીક છે.” કહી અનંત ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે વીસ લાખ રૂપિયા લઈને તે પોતાની પ્રિયતમાને આ નરકમાંથી છોડાવવા હોટલ આવી પહોંચ્યો. તેને કિંમત ચૂકવીને ચેતનાનો કાયદેસરનો કબજો મેળવ્યો. એ જ દિવસે ચેતના અને અનંતે મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા અને કોર્ટમાં નોંધણી કરાવી. તે દિવસે સમાજ અને પરિવારથી તરછોડાયેલા બે પાત્રો થકી એક નવો જ પરિવાર બન્યો.


તેમનું લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યું. અનંતને જીવન જીવવા જેવું લાગવા લાગ્યું. ચેતના માટે પણ અનંત ખુશીઓનો દરિયો સાબિત થયો. બંનેની એકલતા અને ઉદાસીનતા દુર થઈ. પરિવારથી તરછોડાયેલા એ બે જણ થકી એક નવો જ પરિવાર બન્યો. બસ હવે આ પરિવારમાં કોઈ ખોટ હોય તો તે એક જ વાતની હતી. અને તે હતી અનંત અને ચેતનાના પ્રેમ બાગમાં એક પુષ્પ ખીલવાની. તેમને બસ હવે એક ફૂલ સમાન બાળકની જ ખોટ હતી. એ ભૂલકાના આવતા જ તેમનો પરિવાર અપૂર્ણમાંથી સંપૂર્ણ બની જવાનો હતો. બંને જણ રોજ ભગવાન પાસે હવે બસ આ એક જ ખુશી આપવા પ્રાર્થના કરવા લાગ્યા. સમય વીતતો ગયો. આજે ખુશીના સમાચાર મળે, કાલે ખુશીના સમાચાર મળે તેમ રાહ જોવામાં મહિનાઓ પસાર થઈ ગયા. ભગવાને તેમની ધીરજની કસોટી કરી. ભગવાન પરથી બંનેનો વિશ્વાસ ડગવા લાગ્યો. ત્રણ વરસ જેટલો સમય પસાર થયો. પણ ચેતનાની ગોદ સુની જ રહી. હવે બંને જણે કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એક દિવસ બંને જણ શહેરના એક પ્રખ્યાત ગાયનેક પાસે ગયા. પહેલા અનંતના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તે બધાજ નોર્મલ આવ્યા. અનંતમાં કોઈ ખામી ન હતી. હવે ચેતનાનો વારો હતો. તેના પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા. અને થયું પણ એવું જ. આ દુનિયા રૂપી શતરંજ બિછાવનાર ભગવાને રમતનો એક્કો પોતાની પાસે રાખ્યો હતો અને પોતે સર્વોપરી હોવાનું સાબિત કરી રહ્યો હતો. ચેતનાના રિપોર્ટ્સ કર્યા પછી ડોક્ટરે બંને જણને પોતાની કેબીનમાં બોલાવ્યા અને નવાઈ ભરી નજરે ડોક્ટર અનંત સામે જોઈને બોલ્યા, “તમે લોકો અમારી ડોક્ટરની મજાક કરો છો ?“ ડોક્ટરની વાત સાંભળી અનંત અને ચેતના નવાઈથી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ સમજ્યા નહી. અનંતે કહ્યું, “શું વાત છે સાહેબ તમે કેમ આવું બોલો છો ?” ડોક્ટરે થોડો ગુસ્સો જતાવતા કહ્યું, “તો તમારા જેવા લોકોને બીજું શું કહું. એક તો તમે પહેલેથી જ તમારી પત્નીને બાળક ન થાય તે માટે નસબંધીનું ઓપરેશન કરવેલ છે, અને હવે રીપોર્ટ કરવો છો કે અમારે બાળક કેમ નથી થતું !” આ સંભાળીને અનંત અને ચેતનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ વાત તેમના માટે વજ્રઘાત જેવી હતી. બંને જણે લાચાર ચહેરે ડોક્ટરની રજા લઈ બહાર નીકળ્યા. બંનેને હકીકત સમજવામાં વાર ન લાગી. ચેતનાને આગળ જે વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી ત્યાં નરાધમોએ ભવિષ્યના પ્રશ્નોનો વિચાર કરીને પહેલેથી જ ચેતનાનું સંતાન નિયંતિનું ઓપરેશન કરી દીધેલ હતું. ખુદ ચેતનાને પણ આ વાત યાદ ન હતી કે આ ક્યારે કરવામાં આવ્યું હતું.


ઘરે આવીને ચેતના ખુબ રડવા લાગી. તેને આમ રડતી જોઈને અનંત તેને પોતાની બાહોંમાં લઈને સમજાવવા લાગ્યો. “તું ચિંતા ના કર ચેતના, આપણે કોઈ બીજા સારા ડોક્ટર પાસે તારું આ ઓપરેશન ખોલાવી નાખીશું.” એમ કહી ચેતનાને હૈયા ધારણ આપવા લાગ્યો. બીજા દિવસે બંને જણ બીજા ડોક્ટરને મળવા ગયા. અને ચેતનાનું ઓપરેશન ખોલવાની વાત કરી. ડોક્ટરે તપાસ કરી. પરિણામમાં ત્યાં પણ ચેતનાને આંસુ જ મળ્યા. એ ડોક્ટરે સમજાવ્યું કે આ ઓપરેશન ફરી ખોલવું શક્ય નથી. અને ખોલવા છતાં ચેતના મા બનશે જ તેવી કોઈ ખાતરી નથી. આ સમાચાર ચેતના માટે આઘાત પહોંચાડનાર હતા. તે દવાખાનામાં જ અનંતના ખભા પર માથું મુકીને રડવા લાગી. અનંતે તેના માથે હાથ ફેરવી તેને પરાણે શાંત કરી. ત્યાંથી નિરાશા લઈને બંને જણ ઘરે પાછા ફર્યા. એ પછી ચેતના ઉદાસ રહેવા લાગી. અનંત તેને હિંમત આપતો અને સમજાવતો. ચેતનાને ખુશ રાખવા અનંત તેને અવાર નવાર સિનેમાગૃહમાં ફિલ્મ જોવા લઈ જતો. એકવાર બંને જણ સિનેમાગૃહમાં ફિલ્મ જોઈને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી તેમની ગાડી સિગ્નલ પર ઉભી હતી. ત્યાં જ ચેતનાની નજર બાજુમાં આવેલા એક અનાથ આશ્રમના બોર્ડ પર પડી. તેને મનમાં અજબની ખુશી થઈ આવી. તેણે બાજુમાં બેઠેલા અનંતનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “અનંત આપણે અનાથ બાળકને ખોળે લઈએ તો ?” એમ કહી તેણે અનંતને અનાથ આશ્રમનું બોર્ડ બતાવ્યું. અનંતે જોયુ તો ત્યાં આશ્રમમાં નાના ભૂલકાંઓ દોડાદોડ કરી રહ્યા હતા. અનંતે ચેતનાના હાથ પર હાથ મુક્યો અને કહ્યું, “તું બિલકુલ સાચું કહે છે. આપણે એમ જ કરીશું. પણ એક શરત છે, આપણે દીકરો નહી દીકરી દત્તક લઈશું.” અનંત અને ચેતના બંને સમાજ અને પરિવારથી તરછોડાયેલા હતા એટલા સ્વાભાવિક જ અનાથ બાળકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. સિગ્નલ ખુલતાં જ અનંતે ગાડી અનાથ આશ્રમ તરફ વાળી. ત્યાં જઈ ત્યાંના ટ્રસ્ટીને પોતાનો વિચાર જણાવ્યો. ટ્રસ્ટીએ બંનેને અભિનંદન આપ્યા અને તે માટેની કાયદેસરની કાર્યવાહી સમજાવી. ચેતના અને અનંત તેમની શરતો માટે સંમત થયા. પાછી ટ્રસ્ટી તેમને બાળક પસંદ કરવા માટે લઈ ગયા. બાળકોને જોતી વખતે ચેતનાની નજર એક તાજી જ જન્મેલી અને તરછોડાયેલી બાળકી પર પડી. તેને જોતાં જ ચેતનાને તેનામાં પોતાનો ભૂતકાળ દેખાયો. ‘રખેને આ બાળકી પોતાની જેમ કોઈ પાપીને હાથ લાગીને નર્કમાં જઈ પડે !’ તેવો વિચાર આવતાં જ તેણે દોડી જઈને તે બાળકીને પોતાની ગોદમાં ઉચકી લીધી અને પોતાને ગળે વળગાડી ચુંબન કરવા લાગી. બાળકની પસંદગીની વિધિ ત્યાં પૂરી થઈ. ઘરે આવીને તેમણે તે બાળકીનું ‘ચાહત’ તેવું મીઠું નામ પાડ્યું. અને તે ચાહતના આવવાથી ચેતના અને અનંતનો અધુરો પરિવાર પુરો થઈ ગયો.


વર્તમાન સમયમાં સમાજમાં પોતાના લોકો પોતાના લોકોને તરછોડી મુકે છે. ત્યારે આવા તરછોડાયેલા જીવ ભેગા મળીને એક નવો જ પરિવાર બનાવે છે. આ જ તો કુદરતની કમાલ છે અને ઈશ્વરની સર્વોપરીતાનું એક ઉદાહરણ. દુનિયામાં મા-બાપ જયારે સંતાનને તરછોડી મુકે છે ત્યારે અનાથ આશ્રમ ઉભા થાય છે. અને જયારે સંતાન મા-બાપને તરછોડી મુકે છે ત્યારે વૃદ્ધાશ્રમો ઉભા થાય છે. આ બંને ભારત માટે કલંક સમાન છે. હે ભગવાન કૈક એવું કર કે સંતાનોનો અંતર આત્મા જાગે અને ભારતના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. અને કૈંક એવું કર કે મા-બાપનો અંતર આત્મા જાગે ને ભારતના તમામ અનાથ આશ્રમો બંધ થઈ જાય. અને જયારે ભારતમાં આવું થશે ત્યારે મારો કૃષ્ણ કનૈયો જરૂર એ ભારતને જોવા પાછો અહીં અવતરશે.



Rate this content
Log in

Similar gujarati story from Romance