Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ભનાભાઇ ફાવ્યા

ભનાભાઇ ફાવ્યા

20 mins
486


મામાના અગાધ અંતઃકરણમાં આનંદ છે કે નહિ તેનો તાગ લેવાનું એક અચૂક માપ હતું: ચા પીધા પછી કે જમ્યા પછી જો મામા સૂડીની વચ્ચે વાંકડી સોપારીનાં એક પછી એક દૂધિયાં ફાડિયાંનો ચૂરો પડતો જ રહે, તો સમજવું કે મામાના જીવનમાં આજે નવી ઘડી સંકેલાઇ છે. ધોબી કપડાંમાં જે ઘડીઓ પાડે છે, તેવી જ જાતની જીવન વ્યવહારમાં પણ ઘડીઓ પાડવાનો ઘણાને શોખ હોય છે. મામાની જીંદગી પણ આવી 'ઘેડ્ય' પાડેલી ચાદર હતી.

આજે મામાની સૂડી ચાલુ છે. "ભનાભાઇ ! બીજી સોપારી લાવજો તો !" એમ કહે છે ત્યાં તો બાવીસ વર્ષના જુવાન ભનાભાઇ છલંગો મારીને મામી પાસે દોડે છે. કબાટનું તાળું, કે જેની ચાવી મામીની કમરે જ રહેતી, તે ઉઘાડીને મામી વાંકડી સોપારી કાઢી આપે છે; અને આજે તો બે ઘડી નિરાંતે વાતો કરાશે એમ સમજીને મામી ઓરડાની બારીએ આવીને ઊભાં રહે છે. બન્નેની આંખો સામસામી હસે છે. મામી પૂછે છેઃ "પણ આવડું બધું શું છે આજ ?"

"ભનાભાઇ ફાવ્યાઃ બીજું શું !" એમ કહીને મામાએ ભાણેજ તરફ દોંગી દ્રષ્ટિ માંડી. ભનાભાઇ ખાસ કોઇ કુદરતી લજ્જા પામીને નહિ પણ આવા પ્રસંગે લજ્જા પામવી જોઇએ એવા સભાન પ્રયત્નથી, નીચે જોઇ ગયા.

"શું, ભનાભાઇને વટાવ્યા ?" ગામના દાક્તર મામાને મળવા આવેલા, તેણે આનંદ પામીને પૂછ્યું.

"હા, વટાવ્યા !" મામાનું ગળું ફુલાઇને બોલી ઉઠ્યું: "ભનો ખાટી ગયો ! બીજા કૈંક પડ્યા રહ્યા."

"કેમ શું કન્યા બહુ રૂપાળી મળી ?" મામીએ પોતાની મતિ પ્રમાણે 'ખાટી જવા'નો અર્થ બેસાર્યો.

"સસરાજી શાહુકાર મળ્યા ?" દાક્તર સાહેબે પોતાના ગજથી માપ્યું.

"બધી વાતે ઘેડ્ય બેસી ગઇ. ભલા માણસ !" મામાની સૂડી જોરથી ચાલી."કન્યા રૂપાળી ને ભણેલીગણેલી. સાસરાનો ધીકતો વેપાર, અને એ કન્યા સિવાય બીજું કોઇ સંતાન ન મળે - અને હવે થવાનો સંભવ નથી, હો ભનાભાઇ ! મૂંઝાશો મા !" એમ કહીને મામાએ ફરીવાર શરમાવાનો પાઠ ભજવવાની તક દીધી.

દાક્તર સાહેબે પોતાના અનુભવના બોલ કહ્યાઃ "બસ, તો તો પછી હવે નાહકનું ભનાભાઇએ બી.એ. સુધી ટિપાવા શીદને જવું ! સાચી કોલેજ સસરાની પેઢી. વેપારમાં પાવરધા બનીને પછી એક આંટો અમેરિકા મારી આવે, એટલે વિદ્યા... વિદ્યાઃ હાઉં મારા ભાઇ ! આમ રઝળ્યે આરો નહી આવે. અને કાલની કોને ખબર છે, યાર ! હું તો કહું છું કે પરણી પણ વેળાસર લેવું . જે કંઇ સ્થિતિ બંધાઇ જાય તે આપણા બાપની. બાકી, સમય બહુ બારીક છે, યાર !"

"થઇ રહેશેઃ બધું જ ઘીને ઘડે ઘી થઇ રહેશે." મામાના હાથ સોપારી વાંતરતા હતા, પણ એના કપાળની પાછળ અનેક વેતરણો ચાલુ હતી. લમણાંની નસો ફુલાઇને બહાર નીકળી હતી. તે ઉપરથી જણાઇ આવે કે અંદર એકસામટી ઘણી ક્રિયાઓ ચાલી રહેલ છે. દાક્તરે કહ્યું: "ભાઇ ! હું તો અંગત અનુભવની વાત હોવાથી કહું છું. અમારે બિન્દુની વહુને એક વર્ષથી જ્વર લાગૂ પડ્યો છે. પણ ખૂબ કાળજી લઇ ઇન્જેક્શનો ઉપર ઇન્જેક્શનો આપ્યે જઇએ છીએ. બે વર્ષ એમ-નાં એમ કાઢી નાખે ને, તો એની દાદીનો તમામ વારસો બિન્દુને મળી જાય તેમ છે. મોટી સાસુ બે વર્ષમાં તો સ્વધામ પહોંચવાનાં જ, એટલે વહુ જો બે વર્ષ ખેંચી કાઢે ના, તો બિન્દુને બે પેઢીની નિરાંત -"

"થઇ રહેશે. અને તેમ છતાં આપણે ક્યાં ભનાભાઇને પૈસા સાટુ વરાવ્યા છે ? પૈસા તો પગનો મેલ છે મેલ. આતો આવા પૈસાદારોને જ ગરજ કરતાં આવવું પડે છે. એ લોકોની જ દીકરીઓ રઝળી પડેલી હોય છે. મને મિત્રોએ બહુ ગળે ઝાલ્યો, એટલે વળી મેં હા પાડી. બાકી ભનાભાઇને તો દસ નાળિયેર આવતાં હતાં. પૈસાની શી પડી છે એને !"

આટલું બોલતાં બોલતાં મામાને પાંચ-છ વાર ખોંખારા ખાઇ ગળાની સોપારી સાફ કરવી પડી.

"જે જે ત્યારે. હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ(અંતઃકરણનાં અભિનંદન), ભનાભાઇ ! વિશ યુ ગુડ લક (સદભાગ્ય ઇચ્છું છું) !" કહીને દાક્તર સાહેબ ઊઠ્યા.

"સવારે તો ભનાભાઇનું મોં લાલઘૂમ થઇ ગયેલું અને આંખમાં ધુમાડા ઉઠ્યા હતા." મામીએ મામાની તથા ભાણેજની વચ્ચે નજરને નચાવતાં નચાવતાં કહ્યું: "નાકનું ટેરવું રાતુંચોળ -"

"હવે બેસો ને, મામી !" ભાણેજે રીસ કરી.

"શા માટે વળી ?" મામાએ ટટ્ટાર બનીને પૂછ્યું.

"એના ગોઠિયા બધા ભઠવતા હતા કે ભનાભાઇએ એક દિવસની મુલાકાતમાં કન્યાની કઇ એવી પરીક્ષા કરી નાખી તે વેવિશાળ કરી બેઠા ! એ તો સસરાની લક્ષ્મી પર મોહી પડ્યા - દીકરી પર નહિ ! ને એણે કૉલેજ માં 'ઇચ્છાવર' વિષે બહુ મોટાં ભાષણો કર્યાં'તાં એ ક્યાં ઊંઘી ગયાં ! ને એને તો વારસો જોવે છે વારસો ! એવું એવું કહીને બધા ખીજવતા હતા, એટલે ભાઇસાહેબના કપાળે ઢેલડીઓ ચડી ગઇ; ડળક ડળક પાણી પડ્યાં."

"હા-હા !" મામા મહેનત કરીને હસ્યા. 'ભનાભાઇની તો છાતી જ ક્યાં છે છાતી ! કાળજાં કૂતરાં ખાઇ ગયાં છે. નીકર માથું ભાંગી નાખે એવો જવાબ ન દઇએ ! કહેવું'તું ને કે 'ઇર્ષા શેના કરો છો ? તમને ન મળી એટલે ? નાળિયેર આવ્યું હોત અને પાછું વાળ્યું હોત તો તમને બધાને સાચા બહાદુર કહેત !' બાકી - ટેબલ ઉપર છટાથી મામાએ સૂડીનો ટકોરો દઇ તાલ મેળવતાં મેળવતાં શબ્દો ઉચ્ચાર્યાઃ "એ તો બધા ઘાએ ચડ્યા છે ઘાએ. સારી કન્યા જો મળે ને," સૂડીનો ટકોરો - "તો અત્યારે આ ભરમના કાળમાં જ મળે." - ટકોરો - "ભણી ઉતર્યા પછી તો બાંધી મૂઠી ઉઘાડી પડી જાય." - પાછો ટકોરો - "નોકરી સારુ ફાંફાં મારતાને કંકુને ચાંદલે કોઇ કન્યા દેવા ન આવે. પછી તો મૂઆ પડ્યા ! અથવા તો મળે કોઇ બોદો રૂપિયોઃ અવતાર આખો ઝેર થઇ જાય. ભનાભાઇ, એ કલ્પનાને ઘોડે ચડનારાને રહેવા દે. એ બધા એવા તો પડવાના છે ને, કે છોતરેછોતરાં ઊડી જશે. કેટલા કૉલેજવાળાઓ ગોટાળે ચડીને પાયમાલ થયા છે ! ઇચ્છા-લગ્ન ! પસંદગીનાં લગ્ન ! સ્વયંવર ! એ તો બધા શબ્દો જ મીઠા લાગે છે; અને અનુભવ તો ઝેર જેવા નીવડ્યા છે. આ જોતો નથી ? હું અને તારી મામી ફક્ત એકબીજાંના ફોટોગ્રાફ જોઇને જ પરણ્યા'તાં. પંદર વરસ વીતી ગયાં, છતાં એકધારો સંબંધ ચાલ્યો જાય છે ને ! એનું નામ ઇચ્છા-લગન ! લો ચાલો, સૂઇ જાઓ બે ઘડી. ઘાએ ચડો મા, અને થઇ જાઓ મુંબઇના વસવાટ માટે તૈયાર !"

ભનાભાઇના બરડામાં હાથ થાબડીને મામા પોતાના ઓરડામાં પેઠા. પાછળ મામી પણ ગયાં. ઓસીકે જઇ ઊભાં રહ્યાં. પૂછ્યું: "હેં, સાચું કહો છો ? કન્યા રૂપાળી તો છે ના ?"

"અરે, તમારા સમઃ નમણી છે. એથી રૂપાળી - વરથી વધુ રૂપાળી - વહુ જોવામાં માલ પણ નથી. અવતાર બગડે. અને મારે તો આ ભાઇસાહેબના મગજમાં કોઇક ભૂંસું ભરાવશે એવી બીકે લગન સાથોસાથ જ કરી નાખવાં હતાં. પણ બહેનનો જીવ કોચવાય, એકનો એક દિકરો કોળીનાળીની પેઠે પરણી લે છે એમ બહેનને લાગે, એટલે જ મેં છ મહિનાની ધીરજ રાખી છે. લો જાઓ, પધારો; સૂવા દો હવે નિરાંત કરીને." એમ કહીને બપોરના બાર વાગ્યે મામાએ માથા ઉપર કાશ્મીરી શાલ ઓઢી લીધી.

અઠવાડિયાંમાં તો મુંબઇથી ત્રણ ચાર તાર આવી ગયા. સસરાએ ભનાભાઇને જલદી તેડાવ્યા. મામા પરના કાગળમાં સવિસ્તર લખ્યું કે "મારી પેઢીમાં અત્યારથી જ બેસાડું તેથી તેમને હીણપ જેવું જણાતું હોય, ઘરજમાઇનું આળ ચડતું હોય, તો અહીં મેં એક ભાગીદાર ઊભો કરીને શ્રી ભનુનો જીવ ન દુખાય તેવો સ્વદેશી વસ્તુનો વ્યાપાર નિરધારી મૂક્યો છે. માટે ઝટ મોકલો. શાંતાનો અભ્યાસ જોરથી આગળ ચાલે છે."

આવી ગોઠવણથી પ્રસન્ન બની ભનાભાઇએ બિસ્તર અને બેગ બાંધ્યાં. મામાએ કહ્યું કેઃ "વધુ સરસામાન ન લઇ જતો. તારા સસરાને ત્યાં અઢળક વસ્તુઓ ભરી છે." મામાના નાના દીકરા રમણે ભનાભાઇનું કાંડા-ઘડિયાળ માગ્યું. તે તરત જ ભનાભાઇએ છોડીને આપી દીધું, કહ્યું કે "ત્યાં મને તો માગ્યા ભેગું જ મળી રહેશે." એમ, પોતે કોઇ કલ્પવૃક્ષની છાંયડીમાં જતા હોય તે રીતે, એણે ઘણીખરી ચીજો ભેટ-સોગાદમાં દઇ દીધી. બુધવાર, દિશાશૂળ, હોળીની સામી ઝાળ વગેરે બધા જ અપશુકનીયાળ દિવસો વટાવીને ચોખ્ખે દહાડે સાંજની ટ્રેનમાં ભનાભાઇનું ઊપડવું નક્કી થયું.

ગામ નાનું, બનાવ પ્રમાણમાં મોટો, મામાની પ્રતિષ્ઠા જબ્બર, એટલે ઘણાં લોકો વળાવવા ઘેર એકઠાં થયાં. પોતાના છોકરાઓ સંબંધે કાં તો નોકરીની, કાં સ્કોલરશીપની અને, બેશક, સારાં સાસરિયાં શોધી દેવાની પણ વિનંતિઓ કરવા અનેક ઓળખાણવાળાંઓ આવ્યાં. "ભનાભાઇ ! બાપા ! અમારે તો તમારો વશીલો બંધાણો છે.વાડ્ય વિના વેલો ચડતો નથી. તમારી ચડતી કળા દેખીને અમારી આંખો ઠરે છે. મોટી પાયરીએ ચડ્યા છો. તે હવે બાની ચાકરી કરીને તમે વર-વહુ બેઉ તમારા હાથ ઠારો." એવું એવું ઘણું બધું બોલાઇ ગયું.

ભનાભાઇનાં આધેડ વયનાં બા ભારેખમ મોં કરીને સહુની વચ્ચે બેઠાં હતાં. તેની સામે નજર કરીને કોઇ બોલ્યું: "બાએ બિચારીએ સંસારનું સુખ ક્યાં ભાળ્યું છે ! એ તો સ્વપના જેવું થઇ ગયું. હવે તમે પાછો દિ વાળ્યો, ભનાભાઇ !"

"અરેરે ! રાંડી પુત્ર શે'જાદો..." એટલું બોલતાં બાથી રડી પડાયું.

મળવા આવનારાઓમાં એક ભનાભાઇની બા જેવડી જ વિધવા બાઇ હતી, અને એ વિધવાની સોળેક વરસની પુત્રી હતી. સહુ જ્યારે ભનાભાઇના આ નવપ્રાપ્ત સૌભાગ્યથી વિનોદ, આનંદ અને વિનતિઓ કરી રહ્યાં હતાં. ત્યારે આ ત્રિવેણીબહેનનું મુખ પડી ગયું હતું, પણ રંગમાં ભંગ ન પાડવા એ મહેનતથી મોં મલકાવતાં હતા.

'ત્રિવેણીબહેન !" મામીએ પૂછ્યું, "આજે લલિતા કેમ નથી દેખાતી ?"

"આ રહી. હું અહીં છું." લલિતા એની બાની પીઠ પાછળ લપાઇને બેઠેલી, ત્યાંથી બોલી.

"મોં સંતાડીને કેમ બેઠી છો ?"

"ના, મેં ક્યાં સંતાડ્યું છે ?" એમ કહેતી લલિતા ટટ્ટાર થઇ બેઠી.

"આ ત્રિવેણીબહેનની લલિતા." મામીએ સહુ સામે નિહાળીને કહ્યું.

બધાં એકબીજાંને સામે તાકી રહ્યાં. કોઇ બોલ્યું: "ભાગ્યની વાત છે, બાઇ !"

લલિતાનું મોં ગાલનાં મૂળ સુધી લાલલાલ થઇ ગયું. એ પાછી બાની પાછળ લપાઇ ગઇ.

ભનાભાઇ ઘૂમાઘૂમ કરતાં પોતાનો સરંજામ સજતા હતા. વાળની લટો કપાળ પર પડતી હતી. તેને ઝટકાવી વારંવાર ઠેકાણે નાખતા હતા.

"લ્યો, ભનાભાઇ ! આવજો. માયા રાખજો !" કહેતાં ત્રિવેણીબહેન ઉઠ્યાં.

"કાં, ત્રિવેણીમાશી ! લલિતાબહેન ! ઊઠશો ! આવજો. તમારી આશિષ." ભનાભાઇએ એટલું કહ્યું ત્યાં ત્રિવેણીબહેન ટોળાથી થોડે દૂર ચાલ્યાં ગયાં. ભનો પણ એની પાછળ ઘસડાયો. લલિતા આગળ નીકળીને થાંભલી સાથે શરીર ટેકવી પડખું ફરીને ઊભી રહી.

"ભનાભાઇ ! બાપા ! એક ભલામણ કરવી છે." વિધવાએ ઓશીયાળું મોં કર્યુ.

"હા, કહો ને, માશી !" ટાઇમ થઇ જતો હોય તેમ બતાવવા ને વાત ટૂંકી કરાવવા ભનાભાઇએ કાંડાં પર નજર કરી - પણ કાંડે ઘડિયાળ નહોતું.

થોથરાતી જીભે વિધવાએ હળવેથી કહ્યું: "બીજું તો શું ! આ લલિતાને લાયક કોઇ ઠેકાણું જડે તો ધ્યાન -"

"બા !" થાંભલીને અઢેલી ઊભેલી લલિતા એના શરીરના ટુકડેટુકડા થઇ જતા હોય તેવી વેદના સંઘરતી બોલીઃ "બા, હવે ચાલશો ? મોડું થાય છે."

મોડું શાનું થતું હતું તે તો લલિતાને માલમ. બાએ કહ્યું: "બેટા, આ અબઘડી જ આવી, હો !" આટલું કહીને પાછું એણે ભનાભાઇને પજવવા માંડ્યું: "તમે તો જાણો છો, ભાઇ ! બધી વાત જાણો છો કે આના બાપની નજર કોના ઉપર હતી. એ ગુજરી ગયા ત્યારે તમે જ એના મોંમાં પાણી દઇને સદગતિ કરાવેલી કે લલિતાનું કાડું તમે -"

એટલું કહેતી કહેતી એ આધેડ વિધવા એકીસાથે હસી પડી તેમ જ થીગડાંવાળા કાળા સાડલાના છેડા વતી આંખો લૂછવા લાગી. ભનાભાઇને સૂઝ ન પડી કે શો ઉત્તર વાળવો. એ ચારેય બાજુ જોતો જાણે કોઇની સહાય શોધતો હતો. એને નાસી છૂટવું હતું.

"બા ! હું તો જાઉં છું." કહેતી લલિતા ખડકી બહાર નીકળી પાછી દિવાલની ઓથે ઊભી રહી.

"એ આવી, હો, બેટા !" એટલું બોલીને ગરજવાનને અક્કલ ન હોય તે પ્રમાણે, પાછું ચલાવ્યું: "એ તો હોય, ભાગ્યની વાત. તમારું સુખ અને ચડતી કળા દેખી મારી આંતરડી ઠરે. પણ આ તો ઓલ્યું તમને બધું ગમતું ખરૂં ને ! વાંકો સેંથો - ને કાનમાં એરિંગ - ને સાંજે ફરવા નીકળવાનું - ને ગાવું વગાડવું - બાઇસિકલ ને પોટુગરાપ - ને ઉંમર પણ બે વરસ વધુ થઇ ગઇ - એટલે અહીં નાના ગામમાં ન્યાતનાં માણસો ગિલા કરે જ ને ! એથી હવે બહારગામ ઠીક-ઠીક સુધારાવાળું ઠેકાણું જડે તો એમ કે ઝટ કરી નખાય. તમે તો ચતુર છો; બધું સમજો છો. દાંતને જીભની ભલામણ શી હોય !"

લલિતાએ સાંજના ઠંડા પહોરમાં બહાર ઊભાં ઊભાં બાનો એકેએક શબ્દ સાંભળ્યો. પોતાનાથી ઊંચા સાદે ચીસ પાડી બેસાશે એવી બીકે એ ત્યાંથી ચાલી નીકળી તોયે બા હજી ખસી જ નહિ. કોઇ પનિહારી જળાશયને આરે પોતાના ફૂટેલા ઘડાનાં ઠીકરાં એકઠાં કરે છે તેની પોતાને સાન ન હોય, ને પછી ભાનમાં આવતાં હાથમાંથી એ ટુકડા પોતાની મેળે જ નીચે પડી જતા હોય, એવી વલે આજે લલિતાની વિધવા માતાની થઇ પડી. ત્રણ વાર એણે "લ્યો બાપા, આવજો !" એમ કહી વિદાય લીધી. તે છતાં પોતે ભનાભાઇના મુખ સામે જોતી જ રહી. ખબર નથી કે છૂટા પડવાની વિધિમાં શું તૂટે છે. કંઇક તૂટતું તો હતું જ.

"ભાઇ !" એ ત્રુટી સાંધતો મામાનો સાદ આવ્યોઃ હવે પછી વાતો ખૂટશે કે નહિ ? ગાડીનો વખત ભરાઇ ગયો છે." એમ કહેતાં મામા એ વિધવા તરફ ફર્યાઃ "ઓહો, ત્રિવેણીબહેન છે ! ત્રિવેણીબહેન ! ભનો તો ચાલ્યો."

"હા, ભાઇ ! બહુ ખુશી થવા જેવું છે."

"મને તો ઘણું ય હતું લલિતા વેરે કરવાનું, ત્રિવેણીબહેન ! પણ સાતમી પેઢીએ આપણે સગોત્રી નીકળીએ છીએ. એટલે હું લાચાર થઇ પડ્યો."

"ના, એમાં શું, ભાઇ !" કહીને વિધવા પગે લાગી રસ્તો લીધો.

એ ઘેર પહોંચી ત્યારે ઘરમાં દીવો નહોતો. પાચ-છ દીવાસળી બગડ્યા પછી જ ફાનસ પેટાવી શકાયું. જોયું તો લલિતા ડામચિયા ઉપર જ માથું ઢાળીને ઊભી ઊભી ઝોલું લઈ ગઇ હતી. ડામચિયા પરનું ગાદલું લલિતાનાં આંસુમાં ભીંજાયું હતું. તે જ વખતે ભનાભાઇને મુંબઇ લઇ જનારી ગાડી જંગલમાં પાવા વગાડતી સૂસવાટ વેગે ચાલી આવતી હતી. લલિતાની રાંડીરાંડ બાને જાણે પચીસ વર્ષનો પેટનો દીકરો ફાટી પડ્યો હોય તેવી વેદના હતી; છતાં છાતી ઉઘાડીને રડવાનો એને અધિકાર નહોતો.

પહેલાં દુખણાં લઇને સાસુએ જમાઇના હાથમાં અગિયાર રૂપિયા મૂક્યા. તે ઘડીથી જ ભનાભાઇનું દિલ હર્ષ-ગદગદિત બની ગયું. પછી તો જમવામાં બે-ત્રણ શાક અને રોટલીની સાથે કંઇક ને કંઇક મિઠાઇ તો લેવાની ખરી જ. સાયબી પણ એવી કે એક વાર શાક ઠંડું પિરસાયું ત્યારે તરત જ સસરાએ વાટકો પછાડ્યો હતો. સાંજે ઘેર જતાં ક્યાં કોને, કયા શુભ-અશુભ અવસરે કેટલી કેટલી રકમના વધાવા અથવા ઝબલાં-ટોપી મોકલવાનાં છે તે વિષે સાસુ-સસરાની વાતચીતો: શાંતાનો કયો દાગીનો જૂનો થઇ ગયો છે, અને સોનીને ત્યાં એનો કયો નવો ઘાટ ઘડવા લઇ જવાનું છે, એની વાટાઘાટઃ બેંકમાં બાપનું, માનું, શાંતાનું એમ સહુનાં જૂદાં જૂદાં ચાલુ તેમ જ 'ફિક્સ્ડ ડીપૉઝીટ'નાં ખાતાં: દાકતરોનાં બિલઃ નોકરોના ફેરફારઃ દૂધવાળીનું દૂધ બદલવાની જરૂરઃ ભંગિયાણી રિસાઇ છે, અને બીજા કોઇ ભંગીને આવવા પણ નથી દેતી માટે મ્યુનિસિપાલિટીમાં ખબર આપવી જોઇએ તેની ચર્ચાઃ એવા વિધવિધ વાર્તાલાપોથી કુટુંબનું જીવન રસાયું હતું. ભાવિ વારસ પોતાની ભવિષ્યની મિલકતો ઉપર પ્યાર કેળવવા લાગ્યો. બેંકમાં જમાઇને નામે પણ અલાયદું ખાતું ખોલવવાનું નક્કી થયું. ખરેખર, ભનાભાઇના જમણા પગની ભાગ્ય-રેખા જોઇને પાંચ વર્ષ ઉપર રેખાશાસ્ત્રીએ ભાખેલી વાણી અક્ષરે અક્ષર સાચી પડી.

પેઢી ઉપર પણ 'આ પરદેશી રાજસત્તાના અમલમાં નીતિનો વેપાર ન જ કરી શકાય' એ જૂની માન્યતાઓના ચૂરેચૂરા થઇ જાય તેવી સચોટ દલીલો ભનાભાઇ કરવા લાગ્યા. એમણે સસરાના મિત્ર સાથે સ્વતંત્ર કામ આરંભી દીધું. પરંતુ એ રીતે ચાર-છ મહિનામાં બે-ત્રણ ધંધા બદલાયા, કેમકે વેપારીની અનીતિ અને કૂડ ભનાભાઇને ફાવતાં નહોતાં. ભનાભાઇની અણઆવડતનો દોષ બીજા દ્વેશીલાઓ કે અબુધો કાઢતા; પણ એ સાચો નહોતો.

પોતાનાં ઉચ્ચ નીતિ-તત્વોના માચડેથી એ સસરાની વેપાર પધ્ધતિ પર શરવૃષ્ટિઓ કરવા લાગ્યા. પ્રથમ-પહેલાં તો આવા સિધ્ધાંત-ભક્ત જમાઇને માટે સસરાના મંડળને મોટું માન પેદા થયેલું. પણ ધીરે ધીરે એમની મશ્કરી મંડાઇ ગઇ. પેઢીની ઉપરની જ મેડીમાં એમનો મુકામ હતો. તેથી રાત્રિએ ત્યાં સુનારા નોકરોચાકરો માટે ભનાભાઇ એક રમકડું બની ગયા.

શાંતાને તો ભનાભાઇ હવે કોઇ કોઇ વાર સસરા ખાસ ઘેર જમવા તેડી જાય ત્યારે જ જોઇ શકતા. કોઇક વાર શાંતા નિશાળેથી કંઇક કારણસર પેઢી પર આવતી ત્યારે દીદાર થતા. પેઢીના નોકર પાસેથી ભનાભાઇ શાંતા વિષે ઘણી માહિતીઓ મેળવતા. કોઇ વાર એને કવિતા લખીને મોકલતા પણ શાંતા બિચારી 'પૃથ્વી છંદ'માં લખેલ ગુજરાતી સૉનેટની -

કલાપ તુજમાં ગૂંથું સુમન વ્યોમ-ઊગી વેલનાં

ઉતારું શશિ-તેજની ફરફરંત ઝીણી ઓઢણી''

- એવી પંક્તિઓમાં ભરેલા નિગૂઢ અર્થો સમજી શકતી નહોતી. પૃથ્વી છંદ એને વાંચતાં પણ આવડતો નહોતો. એને તો ધૂન હતી પરીક્ષા પસાર કરીને વિદ્યા- પ્રવીણ થવાની. એ જવાબો મોકલતી, તેમાં લાગણીની ભાષા જ નહોતી. એ એક જ વાત પર ભાર દેતી કે, 'તમે હવે જલદી કોઇ લાઇન પકડી લ્યોઃ નકામો વખત ન ગાળો, મારે હમણાં સ્કૂલના ઉત્સવમાં સંવાદ ભજવવાનો પાઠ કરવાનો હોવાથી કાગળ નહિ લખી શકું તો માફ કરજો' વગેરે વગેરે.

આમ ભનાભાઇનાં બન્ને ફેફસાં ઉપર સોજા ચડવા લાગ્યા. એનો જીવ શાંતાના આવા જવાબથી ઊલટો ઊચક થઇ ગયો. પછી એના હૃદયમાં ઇર્ષ્યા જાગી ઉઠી. શાંતાના ભણતર માટે સસરાને આગ્રહ કરનાર પોતે જ હતો તે ભૂલી જઇ ને એણે હવે વાંધા ઉઠાવવા માંડ્યા કે, "આમ ભણ ભણ કરવાથી શરીર બગડશે... આ સંવાદો અને નાટકોમાં જાહેર પાઠ લઇને નાચવું એ બરાબર નથી... બૂટ શા માટે પહેરો છો ? ચંપલ અથવા સપાટ જ હોવાં જોઇએ. શાંતાને માથું ઉઘાડું રાખવાની ટેવ પડી છે તે મારા મામાને ઘેર કેમ પોસાશે ? એણે તો, ઊલટું, મામાની લાજ કાઢતાં પણ શીખવું જોઇએ. પોલકાંની બાંય આટલી બધી ઊંચી કેમ ચાલશે ? ને વાળ કપાળે જરા ઊંચા ઓળવા પડશે; નહિ તો મારી બાને આવા પાતરવેડા ગમશે નહિ.'

આવી-આવી સૂચનાઓ જ્યારે નોકરની મારફત પોતાના ભાવિ સ્વામીનાથ તરફથી આવવા લાગી, ત્યારે શાંતાનો શ્વાસ ઊડી ગયો. એ તો ઘડીઘડી ઘરમાં રડવા લાગી. માને આ બધી વાતની જાણ થઇ ત્યારે તેણે શાંતાના બાપુને કહ્યુ કે, "આપણે તો એમ સમજીને સગપણ કર્યું છે કે જમાઇ ને દીકરી આપણે ઘેર રહી આપણો વહીવટ કરશે. પણ આ માવડિયો તો મારી શાંતાને એના મામા અને મામીના કેદખાનામાં નાખવા માંગે છે. અત્યારથી જ આટલી ખોડખાંપણો કાઢી રહ્યો છે, તે પરણ્યા પછી શું નહિ કરે ? એ તો મારી દીકરીને કહેશે કે, પાણી ભરી આવઃ લૂગડાં ધોવા ગાંસડો બાંધીને નદી-કાંઠે જાઃ ને કાં પાંચ મહેમાનોનાં વાસણ માંજી નાખ. ના, બાપુ ! મેં મારી ખોટની દીકરીને એ માટે કેળવીને તૈયાર નથી કરી. મારે તો દીકરી દઇને દીકરો લેવો હતો."

આ રીતે શરમેધરમે એકાદ વર્ષ નીકળી ગયું છે. બહુ બજાવેલા ગ્રામોફોનની ચાવી ઉતરી જાય, બહુ ફેરવેલા સ્ક્રૂના પેચ ઘસાઇ જાય, બહુ લખેલી ટાંક ઠરડાઇ જાય એ રીતે ભનાભાઇની માનસિક શક્તિના આંટા પણ બૂઠા થઇ ગયા છે. એક વાર માર્ગ ચૂકેલો મુસાફર અનંત ભૂલભૂલામણીમાં પડી જાય, તે રીતે એને રસ્તાની ગમ નથી પડતી. એને સંદેહ પડી ગયો છે કે આખી દુનિયા મારી ઠેકડી કરી રહી છે. મિત્રો કે સ્નેહીઓ તો ઠીક પણ ત્રાહીત અણઓળખીતાઓ પણ જો કશી વાતચીત કરી હસી પડે તો ભનાભાઇને એમ જ ઠસાઇ જાય છે કે, એ સાલાઓ મારી જ કશી મજાક કરે છે. બીજી બાજૂથી, પોતે આવો ભોટ અને શાંતા શાળાના મેળાવડામાં પુરુષ-પાઠ કરીને તાળીઓના ગડગડાટ સાથે ઇનામ મેળવે, એ એને પોતાનું અક્ષમ્ય અપમાન લાગ્યું. એણે શાંતાને કહી મોકલ્યું કે, "આ બધું નહિ પોસાય".

બીજે જ દહાડે ભનાભાઇના મામા કામપ્રસંગે મુંબઇ આવેલા તેને સ્ટેશન પર વળાવવા જઇને શાંતાના પિતાએ એકાંતે ઊભા રાખીને વિનતી કરી કે, "મહેરબાની કરીને ચિરંજીવી ભનુને કોઇક લાઇન પકડી લેવા સમજાવો."

મામા બોલ્યા, "હવે વળી લાઇન શી પકડવી હતી ? તમારા જેવા સમર્થનો હાથ પકડ્યો છે ના !"

"ના, એમ તો નહિ ચાલે."

"કેમ ?"

"મારી શાંતાનું મા-માટલું હું ધર્મશાળામાં ઉતારવા તૈયાર નથી."

"મારું ઘર એટલે - "

"- એટલે ધર્મશાળાઃ ભનુનું સ્વતંત્ર ઘર નહિ."

" તો પછી મને કશી પરવા નથી. મારા ભાણેજને માટે ડઝન એક શ્રીફળો હું ગજવામાં લઇને જ ફરું છું."

એવી ટપાટપી બોલી ગઇ. વેવિશાળ તૂટ્યું. એનો કડાકો સાંભળીને ભનાભાઇ મામાને ગૃહે જવા પાછા વળ્યા.

પોતાથી નીચલી પાયરીની કન્યા જ લેવી જોઇએ, અને સાળા મુંબઇગરાઓની પુત્રીઓ કોઇ પણ જુવાને ન સ્વિકારવી, એવું પ્રચાર-કામ જોશભેર ઉપાડવા એને મન થયું. એના ઘવાયેલા અંતઃકરણમાં એક જ વાતની રૂઝ વળતી હતી કે, હવે હું, વિના વાંકે તજેલી બાપડી લલિતાનો હાથ ગ્રહીને એની વિધવા માતાની રક્ષા કરીશ.

લલિતાનું સ્મરણ થતાં જ એના હૃદય-પટ પર જૂનાં સંભારણાંની રેખા ફૂટવા લાગીઃ જૂનાગઢ કૉલેજમાં પોતે ભણતો ત્યારે લલિતાને તથા એની બાને લઇ પોતે ગિરનાર પર ચડ્યો હતો. સાસુને આગળ નીકળી જવા દઇને પછી બંને જણાં આંકડા ભીડીને બબ્બે પગથિયાંની છલાંગો મારતાં ચડ્યાં હતાં. લલિતાની ઓઢણી ખભા પર ઢળી પડીને અંબોડામાંથી છટકેલી લટો ગિરનારની વાદળીઓ જેવી ફરર-ફરર થતી હતી. પોતે 'શકુન્તલ'ના તાજા મોંએ કરેલા પ્રેમ-શ્લોકો બોલતો હતો, અને વણસમજ્યે પણ લલિતા હૃદયનાથની વિદ્વતા પર વારી જતી દેખાતી હતી. અને પોતે કૉલેજ જોવા લઇ ગયેલો ત્યારે એની સામે હસી પડનાર વિદ્યાર્થીઓને "હસો છો શું જોઇને !" એવી ધમકી લલિતાની નજરોનજર સંભળાવી હતી. એવો જે હું, તેનું મૂંગું આરાધન કરતી લલિતા મારે માટે ઝૂરતી બેઠી હશે. બીજા સાથે પરણવું એને ગમ્યું જ નહિ હોય.એક વાર મને દિલ આપ્યા પછી બીજાની સ્ત્રી થતાં એ બાપડીને જુગના જુગ જાય. સારું થયું કે હું છૂટો થયો. લલિતાની પ્રાર્થના સાંભળીને જ પ્રભુએ મારી આવી દશા કરી મને પાછો વાળ્યો હશે. કેવું દયામણું મોં કરીને એ બેઠી હશે ! કેવું ઠપકાભર્યું મૌન ધારણ કરીને એ મારી સન્મુખ હૈયાફાટ રડી ઊઠશે ! એ ઠપકો હું શિર પર ચડાવીશ. આ વખતે મામા ગમે તેટલું કહેશે તો પણ હું કોઇ શ્રીમંતની કન્યા સ્વિકારવાનો જ નથીઃ ભલે ને કરોડોનો વારસો મળતો હોય. લલિતાનાં એક આંસુ ઉપર હું એ કરોડોને ઓળઘોળ કરીશ. આ વખતે મામાની દલીલો કે બાનાં ફોસલામણાં મારી પાસે નહિ ચાલે - નહિ જ ચાલે. ગરીબ, પિતાહીન પુત્રીનો પાલનહાર થવામાં મારું જીવન કુરબાન થજો ! હું શ્રીમંતોના ફાસલામાંથી બચીને પાછો ચાલ્યો આવ્યો એ સારું જ કર્યું.

આમ આ યુવાનના દિલમાં હજુ એવી ભ્રમણા હતી કે પોતે કોઇ ઉજ્જવળ કારકિર્દીને જાણીબૂઝીને જતી કરી પાછો ફર્યો છે. એ આવ્યો અને મામાએ જ્યારે કચવાટ દર્શાવી કહ્યું કે, "ભનાભાઇ ! ભાગ્યદેવીને ઓળખી ન શક્યા. હાથે કરીને હીરો ખોઇ બેઠા." ત્યારે ભાણેજે ભોં ખોતરતાં ખોતરતાં કહ્યું કે," તમે જ મને ધકેલ્યો હતો."

"મેં ! ના, તેં તારી પસંદગીથી જ વેવિશાળ સ્વીકારેલું, ભાઇ ! પણ આજકાલના જૂવાનિયાના મગજમાં રોજરોજ હજાર ઉધામા જાગે તેનું શું કરવું ? તેં જ ઉતાવળ કરી, ભાઇ ! નીકર તારે ટોંક-ટોંક કરવાની શી જરૂર હતી કે શાંતાએ આમ પહેરવું ને તેમ ઓઢવું ! આંહી આપણે ઘેર એક વાર આવી જાત, તો પછી એ બધી ઘેડ્યો આંહિ ક્યાં નહોતી પાડી શકાતી ! એક વાર આપણા દબાણમાં આવ્યા પછી આપણે ચાહે તે ઘાટ ઘડી શકીએ ને !"

આમ મામાને 'ઘેડ્ય' અને 'ઘાટ'નું સ્મરણ થયું, જીવનમાં આજે પહેલી જ વાર એને હાથે વાળેલી 'ઘેડ્ય' બગડી. સોપારીનાં ફાડિયાં આજે ખોરાં નીકળતાં હતાં.

"કશી પરવા નહિ. હવે મને મારા નિશ્ચયમાંથી ચળાવશો મા !" એટલું કહીને ભનાભાઇ જરીક વીખરાયેલે જુલફે, ઝભ્ભાના ગજવામાં હાથ નાખી, રાત પડ્યા પછી ગામ-લોક કોઇ ન દેખે તેમ ગામમાં ચાલ્યા ગયા, અને પીપળાવાળી શેરીમાં મહાલક્ષ્મીની દેરી પાસેની પોતાની પ્રિય ખડકીનું કમાડ ખખડાવ્યું.

પવનની લહેરીમાં પોતાના માથા પાસે કોઇ ખડખડાટ હસતું લાગ્યું. એણે ઊંચું જોયું: ટોડલા ઉપર આસોપાલવનાં પાંદડાંનું સુકાયેલું તોરણ જ અટ્ટહાસ્ય કરી રહ્યું છે. બારસાખની બન્ને બાજુ કંકુનાં તાજાં ત્રિશૂળો ને થાપાઓ છે. બારસાખ પરના ગણેશ તાજા સિંદૂરે રંગેલા છે. એ બધાં જાણે ભનાભાઇની સામે જાણે કે તાકીતાકીને જોતાં હતાં. તોરણનાં સૂકલ પાંદડાં કટાક્ષના સ્વરો કાઢી ખખડતાં હતાં. ખડકી ઊઘડીઃ "કોણ છે ?"

"ત્રિવેણીમાશી !"

"કોણ - ભનાભાઇ ! ઓહો, બાપ ! ક્યારે આવ્યા ? ઓચિંતાના ? બહુ સારું થયું." એમ કહીને વિધવાએ હેતનાં વારણાં લઇ દસેય આંગળીના ટચાકા ફોડ્યા. "આવો આવો અંદર !"

ભનાભાઇએ અંદર જતાં વિધવાના ઘરના ફાનસને ઝાંખે અજવાળે માણેકથંભ દીઠો. માંડવો જાણે તાજેતરમાં સમેટ્યો હોય એ બતાવતી વળીઓ ત્યાં પડી હતી. ગળું ખોંખારીને ભનાભાઇ કંઇ પૂછે તે પહેલાં તો ત્રિવેણીમાશી બોલી ઊઠ્યાં: "તમને કંકોતરી મળી હતી બેનની ?"

"કોની ?"

"લલિતાબેનની. બેનનાં લગન હજી ચાર મહિના ઉપર જ કર્યાં, બાપ ! હું જઇને બાને હાથોહાથ કંકોતરી દઇ આવી હતી. મને સરનામાની ખબર નહિ, અને બેન કહે કે, બા, જરૂર-જરૂર દઇ આવ્ય માશીને. તમને નહિ મળી હોય, ખરું !"

લલિતા પરણી ગઇ ! મારી થવા નિર્માયેલીને કોણ ચોરી ગયો ? મારી રાહ ચાર મહિના પણ ન જોવાઇ ! કોઇ ઘરડોખખ, કોઇ કૂબડો-કાણો, કોઇ રોગી દુરાચારી, કોઇ સંતતિ-ભૂખ્યો ધનવાન, આવો કોઇ કાગડો દહીંથરું ઉપાડી ગયો ! શું નાણાંની લાલચે માસીએ દીકરી વેચી મારી ! મારી તજેલીને બીજું ઠેકાણું તો ક્યાંથી મળી જ શકે ? માશીએ દીકરીને કૂવો દેખાડ્યો કે શું ?

ઉધ્ધારક બનીને દોડ્યો આવનાર એ યુવાન જ્યારે એક પલમાં આવી વિચાર-સૃષ્ટિમાં ગતિ કરી રહ્યો હતો, ત્યારે એને અડધું જ ભાન હતું કે માશી શું કહી રહેલ છે. માશી તો ભોળે ભાવે કહેતાં હતાં; પણ એવા જ નિર્મળ ભાવથી વરસતી ચાંદની જેમ કામાતુરને વગર ઇચ્છાએ દગ્ધ કરે છે, એ જ રીતે માશીનાં વેણ ભનાભાઇના કલેજા ઉપર એક પછી એક અંગાર ચાંપી રહ્યા હતાં:

"બાપુ ! તમે ક્યાંક ઠેકાણું ગોઠવી દેશો એવી આશાએ તો છ મહિના વાટ જોઇ. ગામલોકોએ તો ગિલા કરવામાં મણા ન રાખી. 'વાંકા સેંથાળી', ‘બૂટજોડાળી', 'પારસણ' વગેરે વેણની તો તડાપાટ વરસે. બેન બચા'ડી બાર ન નીકળી શકે. એનાં આંસુડાં કે'દીય ન સુકાય. રાતમાં ઝંખે ઝંખે તે કાંઇ ઝંખે ! આવી, આંગળી રોખી થઇ ગઇ. પછી મેં તો માડી, બધી પંચાત મેલીને અમારા તડા બા'રના એક જુવાનને જોઇ કાઢ્યો. બરાબર લલિતાની જોડ્ય મળી ગઇઃ એને બાપડાને 'હીણા કુળનો' કહીને કોઇ દેતું નો'તું, ને બેનને 'પારસણ' કહીને કોઇ લેતું નહોતું. મેં તો વર જોયોઃ બીજું કશું - ઘરેય ન જોયું ને કુળેય ન જોયું. ભાવનગરના છાપખાનામાં સાંચો હાંકે છે. રૂપિયા પોણોસો પરસેવો નિતારીને નીતિના રળે છે. સંચે બેઠેલો મેં જોયો, પણ કાળામશ લૂગડામાંય દેવના ચક્કર જેવી કાંતિ દીઠી. લલિતાનેય દેખાડ્યો. સામસામાં મન ઠરેલાં લાગ્યાં. કહું કે, ન્યાતનું ઘર જાય પૂછડાંમાં. આંખ્યું મીંચીને મેં તો કરી નાખ્યું. વિવા ટાણે ન્યાત સંપી ગઇ. કોઇ મારે ઘરે ન ડોકાણું. મેં કહું કે, ન આવો તો મારે શી સાડીબાર છે ! મેં એકલે હાથે ગારગોરમટી કરી, વડી-પાપડને સેવ વણ્યાં. પાંચ દીમાં વિવા પતાવ્યા. જમાઇને કહ્યું કે,"બાપુ, લૂગડાંના ગાભા લાવીશ મા ! શુકનની વાળી લઇને હાલ્યો આવજે. ચાનો વાટકો પીને વળતી ગાડીએ તેડી જજે ! પછી તારે ઘેર જઇ ભલે મારી દીકરીને સોને મઢજે કે અડવી ફેરવજે."

માશીએ અહિં શ્વાસ ખાધો,ને ભનાભાઇએ નિઃશ્વાસ નાખ્યો. માશીએ વાત આગળ ચલાવીઃ

"આ એમ પરણાવીને મેં તો મારી દીકરી વળાવી. પછી બે મહિના ભેળી રહીને પણ આવી. ને, ભાઇ, મારી તો આંતરડી ઠરી, હો ! અહો ! શું જમાઇનો સ્વભાવ ! શું એની સબૂરી ! શી એની નજર પોગે ! કહે કે, ઘી-દૂધ ઓછાં ખાઇશ, પણ આ મચ્છરવાળા ગામમાં મકાન તો હવાઉજાસવાળું જ રાખીશઃ ને લલિતાને નળની સગવડ હોય ત્યાં જ રહીશ. મનેય કહે કે, બા, તમને અહીં મચ્છરદાની વગર નહિ સૂવા દઉં. લલિતાની આંખ્યો બહુ ઉઠણી ખરી ને, તો જમાઇ કહે કે, 'ના, ચૂલે નહિ, શગડી પર કોયલે રાધો !' એક વાર મેં જમાઇને પૂછ્યુ કે, 'બાપુ ! કાંઇ કહેવા જેવુ !' ત્યાંતો બાપડો દડ-દડ-દડ પાણીડાં પાડીને બોલ્યોઃ 'બા, મારા ઘરમાં તો દેવી આવી છે. મારા જેવા ઘાસલેટમાં આળોટનારને આવું ભાગ્ય ક્યાંથી ? ઇશ્વરને કહું છું કે, મારું સપનું ઉડાડીશ મા, હે નાથ !' આમ બોલીને જમાઇ કાંઇ રડ્યો છે, કાંઇ રડ્યો છે. ભનાભાઇ ! શું કહું ! મને રાંડીરાંડને - કરમફૂટી હતી એને - આવું સુખ જડ્યું એ તમ જેવા, બા જેવાં ને મામા જેવાને આશીર્વાદે, ભાઇ !"

ભનાભાઇ ઊભા હતા. એને તમ્મર આવી રહ્યાં હતાં. એના હૈયામાં ધખધખાટ હતો. હજુ એને થઇ રહ્યું હતું કે, 'હું જેને માટે થઇને પાછો આવ્યો, જેને ઝંખી રહ્યો છું, તેણે મને છેતર્યો શું !'

'બેન તમને બહુ યાદ કરતી'તી, હો, ભાઇ ! સાંભળ્યું છે કે - ખમ્મા, એને બે મૈના પણ ચડ્યા છે, તો તો હું તેને તેડી આવીશ. તમે હમણાં અહીં જ રે'શોને !"

"હા, માશી ! હું અહીં જ છું."

એમ કહી, 'બીજે ક્યાં - જહન્નમમાં જાઉં' એવું મનમાં બબડી ભનાભાઇ કોણ જાણે કોના પર ચિડાતા, રસ્તામાં કૂતરું સૂતેલું તેને ઠેબું લાગવાથી માંડમાંડ તેનાં બચકાંમાંથી બચી છૂટતા, અંધારું હોવાથી વિના શરમે પલાયન કરતા ઘેર પહોંચ્યા. તે વખતે રાતનું વાળુ કરીને મામા સારી દૂધલી સોપારી શોધતા ઓસરીમાં બેઠા હતા.

એ સૂડી-સોપારીના કકડાટથી અને મોંના બચબચાટથી કોઇ અકળ, અગમ ત્રાસ અનુભવતો આ તરુણ ઘરમાં પેસવાને બદલે સીધેસીધો ચાલતો થયો. સડક વટાવી. સ્ટેશન વટાવ્યું. દૂર ઊભેલા સિગ્નલની લાલ બત્તી એની સામે તાકી રહી હતી. તળાવની પાળે ટિટોડી બોલતી હતી. કોઇ પીધેલા જેવા એ જુવાનનું શરીર ખોળામાં લઇ કરુણામયી કુદરત એને વાયરો ઢોળતી હતી. નશો ઊતરતાં એને પોતાની પામરતાનો થાક સમજાયો. તારાઓ એને કહેતા હતા કે, લલિતા સુખમાં પડી એથી આનંદ પામ !

સુખમાં પડી ! લલિતા ભલે સુખમાં પડી ! એકવાર એ અહીં આવશે તો હું એના બાળકને ખોળામાં લઇને રમાડીશ. હું એ બચ્ચાંના ગાલ અને હોઠ પર ચૂમી કરીશ. એના કૂણા કિસલય-શાં આંગળાંના તમાચા મારા બેવકૂફ ગાલો પર ચોડાવીશ. અને હવે તો હું જ લલિતાને કહીશ કે, 'બહેન ! ગરીબડી કોઇ બીજી લલિતા જડશે આ જગતમાં ક્યાંક ? હોય તો મારી ભલામણ કરીશ ? મને વેલાને વાડ્ય દેખાડીશ ?'

આવી ઊર્મિઓમાં નહાતો એ યુવાન અરધી રાત સુધી સિગ્નલને ઓટે સૂતો રહ્યો. વીંછીના ડંખ પર ફૂકવાથી વળે છે તેવી શાતા એને થોડી વાર વળી.


Rate this content
Log in

Similar gujarati story from Classics