Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

મૃત્યુ પણ ઉત્સવ બને.

મૃત્યુ પણ ઉત્સવ બને.

4 mins
14.5K


કૈલાસભાઈની ઉંમર તો ૮૫ને વટાવી ગઈ હતી. ત્રણેય છોકરા અને ચારેય છોકરીઓને ત્યાં બબ્બે પૌત્રો અને પૌત્રીઓ હતાં. મોટાને ત્યાં તો પ્રપૌત્ર પણ હતાં. લીલી વાડી જોઈને તે હરખાતા. ધીરધારનો ધંધો આમ તો મુખ્ય કામ; પણ દીકરાઓને ગવર્નમેન્ટ નોકરીઓમાં સ્થિર કરેલા.

મોટાની સાઠમી વર્ષગાંઠે મોટી વહુ બબડેલી, “આ ડોહલો મરતો નથી અને ડલ્લો છોડતો નથી...” ત્યારે કૈલાસભાઈને પત્ની ઉમા જતી રહ્યાનું ભારે દુઃખ લાગ્યું હતું. નહાતી વખતે છાનાં બે-ચાર ડૂસકાં ભરી લીધા પછી વિચારે ચઢી જવાતું. શા માટે વિધુર જીવન જીવવાનું?

જોકે, આ અફસોસ જ્યારે પણ સૌથી નાના પુત્રનાં સ્કૂલે જતા પૌત્રને જુએ ત્યારે જતો રહેતો; કારણ કે, દાદા અને તે પૌત્ર ભારે વાતોડિયા… સ્કૂલેથી આવે અને પહેલા પિરિયડથી છેલ્લા પિરિયડ સુધી શું ભણ્યો તે બધું તે દીકરો દાદાને ભણાવે અને દાદા તેની સાથે આખી દુનિયાની વાતો કરે. અને મોટી ફફડે પણ ખરી. મારા બંને અમેરિકા બેઠા તેમના દીકરાઓને તો કદી આવી રીતે રાખ્યા નહોતા... પણ નાની છે ને મીઠડી... બાપા બાપા કરી તેમનું બધું સાચવે… બાપા બધું તેમને જ આપીને જવાના છે.

હરિભક્તિ સોસાયટીમાં ત્રણ માળનું મકાન કરેલું. નાનો નીચે રહે. મોટો વચ્ચે અને અમેરિકાવાળા વચલાનો ઉપલો છેલ્લો માળ… રસોડું એક જ નીચે ચાલે અને બધાનું જીવન વ્યવસ્થિત એટલે એક જ સમયે જમવાનું અને દસનાં ટકોરે ત્રણેય માળની લાઇટો બંધ થઈ જતી. મોટી અને નાની વહુ વચ્ચે ખાસ્સો બાર વર્ષનો ગાળો એટલે ઉમા બહેનનાં મૃત્યુ પછી મોટી તેને માટે સાસુ જેવી જ... પણ ફેર એટલો કે મોટી મેટ્રીક ભણેલી ત્યારે નાની ગ્રેજ્યુએટ થયેલી. તેથી ચાલાક જબરી… કોઈ પણ રીતે જેઠાણીને સાસુ થવા જ ના દે. અને મીઠડી પણ એવી જબરી કે ભાભી કહેતી જાય ને એને જે ના કરવું હોય તે સસરાને કહી ના કરે.

દીકરીઓ અને જમાઈઓની તો વાત જ શું કરવાની? પણ ઉમાનાં જતા રહ્યા પછી તે બધા હરિભક્તિ સોસાયટીમાં તેડે તો જ આવે. બાકી બહેનો દરેક શનિવારે ભેગી થાય, પણ બાપાની ખબર ફોન ઉપર જ લેવાની અને ભાઈ-ભાભીને બને તેટલા દૂર જ રાખવાના…

મોટાને બોલાવીને કૈલાસભાઈએ કહ્યું, “આ મોટીને મારા વિશે કશોક ભ્રમ થયો છે.”

“શું થયુ છે બાપા” ઠાવકાઈથી મોટાએ પૂછ્યું.

“મોટી મારા મરવાની અને દલ્લો મળે તેની રાહ જુએ છે... પણ તેને કહે એ જે દલ્લો જુએ છે તે તો લોકોની જણસો છે, જામીનગીરીની… રૂપિયા વ્યાજે ફરે છે અને તેમાંથી ઘર ચાલે છે.”

“એટલે?”

“આ જણસો ૨૫ લાખની છે પણ મારી મૂડી તો ૧૫ લાખ જ છે… પૈસા પાછા આવે ત્યારે જણસો તો પાછી આપવાની હોય ને?”

“તો એ બતાવીને ભ્રમ કેમ પેદા કરો છો?”

“વારે તહેવારે તે જણસ પહેરી તો શકાય જ. અને જો ઉધારી કરનારો સમયસર પૈસા ન ચુકવી શકે તો જણસ આપણી થાય. અને આ તો સોનાના ભાવો વધે છે એટલે લોકો જણસો છોડાવી જ જવાના…” કૈલાસભાઈએ જમાનાનું સત્ય સમજાવ્યું.

“લોકોને તો એમ છે કે તમે તો મોટા આસામી છો.”

“હા. ધીર-ધારનાં ધંધામાં એવી છાપ તો રાખવી પડે… પણ વિચાર કર, કે સાત છોકરા પરણાવ્યા આ મોટું સાહ્યબીથી ભર્યું ઘર કર્યું... પછી કેટલુંક બચ્યું હોય?”

મોટો હકારમાં માથું હલાવતો ગયો અને તેના મનમાં એક જ વિચાર આવ્યો. બાપા આખી જિંદગીમાં આટલું જ કમાયા હશે? એમના કરતા સવાઈ તો મારી જાગીર છે.

મોટાના ચહેરા ઉપરના પ્રતિભાવ જોઈ કૈલાસભાઈ વિચારમાં તો પડી ગયા... કે બાંધી મુઠ્ઠી ખોલવાની ભૂલ થઈ ગઈ.

એકાંતમાં તેમના મને ઉદાસીનતા ભરવા માંડી. ઉમાનાં કહેલા વચનો યાદ આવતાં હતાં. પેઢી બદલાય ત્યારે જો આપણે ના બદલાઈએ તો આપણે માનીએ તેવી આપણી સંતતિ હોતી નથી. તેમની પોતાની અને તેમના ઘરવાળાની અસરો તેમના ઉપર હોય છે… આપણે બદલાવું રહ્યું કાં તેમની સાથે અળગા થૈને રહેવું.

આજે મોટાનાં બદલાયેલા વહેવારે તેમને આકુળ-વ્યાકુળ કરી મૂક્યા…

દિવસો જતા ગયા તેમ-તેમ તેમણે તેમની નિજ જિંદગીમાં ધર્મનું મહત્વ વધારી દીધું.

ઉનાળાનાં દિવસોમાં લૂ લાગવાથી તેમને ઝાડા થઈ ગયા ત્યારે બધા પરિવારને ભેગો કરી તેમણે તેમનો એક નિર્ધાર જણાવ્યો. મારી માંદગી પાછળ એક પૈસો ખરચવાનો નથી અને એક ઇન્જેક્શન આપવાનું નથી. હું માનું છું કે મને પ્રભુ બોલાવી રહ્યો છે. તમારે મારી પાછળ કશું જ કરવાનું નથી. ફક્ત મને મારા અંતિમ દિવસોમાં શાંતિથી વિદાય કરજો.

બધા સ્તબ્ધ હતા. આંખથી અશ્રુનું એક બુંદ પણ પાડવાની મનાઈ હતી. ફક્ત ધર્મની એક કેસેટ વગાડવાની હતી. નકોરડા ઉપવાસનાં વીસમે દિવસે સૌ દેણદારોને બોલાવી જણસો પરત કરી અને કહ્યું, ‘તમે તમારી અનુકૂળતાએ પૈસો આપી જજો. મારે કોઇ ભાર બાકી નથી રાખવો.

મોટી ત્યારે બોલી, “હેં બાપા, તમારો દલ્લો આટલો જ હતો.”

મોટો બોલ્યો અને આ દલ્લો બચાવવા જ તેમણે સંથારો લીધો. ધાર્મિક જીવ... ધર્મનાં માર્ગે આગળ વધી રહ્યો છે.

કૈલાસ ભાઇની હાજરીમાં જ સૌ દેણીયાતો રકમ પાછી વાળી ગયા.

મોટીને હજી એમ જ લાગતું હતું કે કંઈક છુપાવી રાખેલ છે... નાનીને ઓળવી દીધું છે. ત્યારે ધીમા અવાજે મોટીને બોલાવીને ઘરની ચાવી સોંપતા કૈલાસભાઈ બોલ્યા... ”મોટી હવે તમારે સૌને સંભાળવાના છે…કબાટમાં મારી મરજી મુજબનું વહેંચણું કર્યુ છે. અને તમે જેની રાહ જોઇ રહ્યા છો તે દિવસ આવી ગયો છે.”

મોટી ત્યારે ખરેખરી રડી… ”બાપા મને માફ કરો.”

બાપા કહે તારે માફી માંગવાની જ ના હોય. તું આવું બોલી ત્યારે તો મને જ્ઞાન થયું કે આપણો સમય થાય ત્યાર પછી પડ્યા રહીયે તો હડે-હડે થવાય… ઉમાનાં ગયા પછી આ રાહ તરત જ પકડવાનો હતો… પણ વાંધો નહીં, હવે હું જગ્યા કરીશ તો જ તમને જગ્યા મળશે ને?

સૌથી નાનો પૌત્ર રડતો હતો તેને માથે વ્હાલથી હાથ ફેરવી કૈલાસે છેલ્લો શ્વાસ લીધો.

મોટી આખાબોલી હતી તો નાની પણ કંઈ ઓછી નહોતી.. છોકરાઓ હવે તમે જાવ તેમ કહે તે પહેલા જવાની વાત સમજાય તો મૃત્યુ પણ ઉત્સવ બને.


Rate this content
Log in