Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics Romance

2  

Zaverchand Meghani

Classics Romance

મોતની અંધાર-ગલીમાંથી

મોતની અંધાર-ગલીમાંથી

10 mins
7.3K


હજુયે મારા કાનમાં ગાજે છે—

“બંધવા, તારો જાન ન ચાલ્યો જાય ત્યાં સુધીને માટે તને ફાંસીને દોરડે લટકાવવામાં આવશે. પ્રભુ તારા આત્માને શાંતિ આપે !”

ફેંસલો આપનાર ન્યાયમૂર્તિના એ ઠંડાગાર શબ્દો હજુ પણ મારી આસપાસ ઘૂમી રહેલ છે. દિવસ અને રાત એ ભણકારા મારા માથાની અંદર બોલે છે. દિવસ અને રાત, સૂતાં ને જાગતાં, પળે પળે ને શ્વાસે શ્વાસે એ જ ધીમો, ગંભીર અવાજ– “તારો જાન ન જાય ત્યાંસુધી ગળે રસી નાંખીને તને લટકાવવાંમાં....'

હું છુટી ગયો છું. નિર્દોષ ઠર્યો છું, મોતની અંધારી ગલીમાંથી નીકળીને જીવનના અજવાળા વચ્ચે આવી ઊભો છું. છતાંય એ અવાજ મારા કાનમાં પછડાતો મટ્યો નથી.

ગયા અઠવાડીઆના આ દિવસે તો હું જેલની ફાંસીખોલીમાં બેઠો હતો. સળીઆ અને જાળીવાળી ઊંચી નાની બારી વચ્ચે મઢેલો એક આસમાની આકાશ-ટુકડો હું નિહાળી રહ્યો હતો, અને મારી તથા મોતની વચ્ચે ઊભેલા દિવસોને હું મારાં ટેરવાં પર ગણતો હતો.

સાત દિવસ પૂર્વે તો હું ગાંઠ વાળીને બેઠો હતો કે મને લટકાવી દેશે. મારા પર અદાલતમાં જ્યારે મોતની સજા સંભળાવવામાં આવી ત્યારે જ મારી બધી આશાઓ ભાંગી ગઈ હતી. અપીલ બપીલને મારે મન કશો જ અર્થ નહોતો. મને એમાં કશી ગમ નહોતી પડતી. હું એમાં કશો રસ પણ નહોતો લેતો. મને તો મારા ગળામાં ફાંસીનો ગાળીઓ પડી ચૂક્યો જ લાગતો હતો.

મૃત્યુનો પ્રથમ આધાત – ઓહ ! એ દારુણ અને વેધક આઘાત કલેજાની આરપાર થઈ ચાલ્યો ગયો. તે પછી મને મૃત્યુનો ભય નહોતો રહ્યો. પરંતુ ફાંસી દેવાની જે જે ઝીણી વિગતભરી વિધિક્રિયાઓ મેં વાંચી કે સાંભળી હતી, તે પ્રયેકને યાદ કરતો, સ્મરણમાં ઉથલાવતો, વિચારતો હું એ ચાખી રાતના અંધારામાં જાગતો હતો.

ખરે જ મને મોતની બીક નહોતી. મને ધાસ્તી એક જ હતી: મૃત્યુની રાહ જોવામાં જે વેદના રહેલી છે તે વેદના જ કદાચ મારી નસોને તોડી નાખશે, ને છેવટની ઘડીએ કદાચ હું હિંમત હારી નામર્દી બતાવી બેસીશ !

આ હા હા ! આ બધી વાતને શું ત્રણ જ મહિના થયા ? મને તો લાગે છે કે ગયા માગશર મહિનાની એક મીઠી સાંજરે જ્યારે બે સાદા પોશાકવાળા પોલીસો મારે ઘેરથી મને તેડી ગયા, તેને તો આજે એક જુગ થઈ ગયો છે.

“આપનું થોડું કામ છે. સાહેબ પાસે જરા આવી જશો ?”

એટલા જ શબ્દોથી પોલીસોએ એ જ્યારે મને પોતાની સાથે લીધો ત્યારે મારી પત્ની ઘરમાં નહોતી, હું એક ચિઠ્ઠી લખીને મૂકતો ગયો કે “હમણાં વાળું ટાણે પાછો આવું છું.”

ખરેખર, વાળું વેળાએ તો પાછા આવી જવાની જ મને ખાતરી હતી. પોલીસ મને એથી વધુ રોકી રાખે એવું કશું જ કારણ મારી કલ્પનામાં નહોતું.

એટલે જ જ્યારે પોલીસ-ઓફિસની અંદર મારી સામે ખૂનનું તોહમતનામું વાંચવામાં આવ્યું, ત્યારે મને સાન જ ન રહી કે આ તો ગંભીર વાત છે કે કેવળ ગમ્મત છે ?

મને તો હસવાનું મન થઈ આવ્યું. કોઈ સ્વપ્નસૃષ્ટિમાં જાણે હું જઈ પડ્યો છું ! પણ પછી તો જેલની એક નાની કોટડીના લોખંડી સળીઆએ મને એ એકલતામાં જાગ્રત કરી દીધો. મને સત્ય વસ્તુસ્થિતિનું ભાન આવ્યું.

આખી રાત મેં પથારીમાં લોચ્યા કર્યું – પણ તે મારે કારણે નહિ; મને તો હું સવારમાં છુટી જ જઈશ એમ પાકી શ્રદ્ધા હતી. મને ફિકર થતી હતી મારી સ્ત્રીની.

બીજે દિવસે સવારે અદાલતમાં જઈ મારે જરૂરી વિધિઓ કરવી પડી. જીવનમાં અગાઉ કદી કોઈ પણ કોર્ટમાં મેં પગ મૂકેલો નહિ. એટલે અહીં મારા પગ ધ્રુજી ઊઠ્યા, મારી આંખે તમ્મર આવ્યાં.

કોર્ટમાં થયેલી આખી જ ક્રિયા મારી નજરે તો અર્થહીન હતી. મને એમાં કંઈ ગમ પડી શકે તે પહેલાં તો વોર્ડરે આવીને મારે ખભે હાથ મૂક્યો ને મને કોર્ટમાંથી બહાર લઈ ગયા. મને પોલીસે વધુ અટકાયતમાં રાખ્યો.

વળતે દહાડે પહેલી જ વાર મેં મારી પત્નીને દીઠી. મને એ મળવા આવી હતી. હસવાનો યત્ન કરતી એ મારી તરફ ચાલી આવતી હતી, પણ આખરે એનું કઠણપણું ન ટક્યું. બેસતાં બેસતાં એ રડી પડી.

*

“એાહ, વા’લા, વા’લા !” એ ડુસકાં ભરતી પૂછવા લાગી : “ પણ તમને શી બાબત પકડ્યા છે હેં ?”

મેં એને દિલાસો દેતાં કહ્યું : “તું કશી ચિંતા ન કર. આમાં કશીક ભૂલથાપ થઈ લાગે છે મને તો. નક્કી હું આવતે અઠવાડીએ તો ઘેર આવી ગયો હોઈશ.”

સાચેસાચ હું એમ જ માનતે હતો. એટલે સુધી કે મને ફરી રિમાન્ડમાં રાખી છેવટે મારા પર કામ ચલાવવા મોકલવામાં આવ્યો ત્યારે પણ હું બેફિકર હતો.

મારી આવી આત્મશ્રદ્ધાથી બળ મેળવીને મારી પત્ની પણ આશાવંત બની, ને એ બિચારી તો મારા ઘેર આવવાના અવસરની તૈયારી પણ કરવા લાગી.

જેલમાં એનો જે કાગળ મને મળેલો તે આ રહ્યો મારી પાસે.

“મારા વહાલા, મારે તો તમે અહીં આવો ત્યારે તમને અચાનક ચકિત કરવા હતા. પણ એટલી ધીરજ ન રહી શકી તેથી આ ખબર આપું છું. તમે પાછા આવશો ત્યારે તમારે માટે પાયજામા, જાકીટ, મોજાં, ખમીસ વગેરે જે કંઈ બની શકે તે લેવા માટે હું અત્યારે ઘરખર્ચામાં ખૂબ કરકસર કરી કરી પૈસા બચાવી રહેલ છું. બીજું જેટલું જેટલું તમારા સારૂ લેવાશે તેટલું લઈ રાખીશ. આખી ગોઠવણ મેં વિચારી રાખી છે.”

ભોળી બિચારી ! આખી ગોઠવણ એણે વિચારી રાખેલી, દેવે પણ પોતાની ગોઠવણ વિચારી રાખેલી ખરી ને !

મારી માને તેમ જ પત્નીને મેં કોર્ટમાં મુકદમા વખતે ન આવવા કહેલું. પરંતુ બપોરે કોર્ટ ઊઠી ત્યારે પાંજરામાંથી ઊતરતાં મેં પત્નીને દેખી. છેલ્લા પગથિયા પર હું થોભ્યો. અદાલતની અંદર દૂરથી અમારી દૃષ્ટોદૃષ્ટ મળી. એ હસી. મને તેણે હિંમત રાખવા ઈશારત કરી.

મેં પણ સામે મોં મલકાવ્યું, કારણ કે મને તે ખાત્રી હતી કે આ બધો સંતાપ હવે ખતમ થશે ને અમે પાછાં ભેળાં થશું.

જેલમાં હું હતે તો જ રિમાન્ડ-વોર્ડમાં મારો સ્નેહી... પણ હતો, કે જેના સસરાનું ખૂન કર્યાના આરોપ્મમાં એ હું અને એક ત્રીજો મિત્ર, ત્રણે સંડોવાયા હતા.

એ મિત્રના મુકર્દમાનો છેલ્લો દિવસ હતો. અમે બેઉ હોજ પર હાથ ધોવામાં એકઠા થઈ ગયા. એણે મને કહ્યું:

“આ ખૂન મેં કર્યું છે કે નહિ તે વાતના ફક્ત બે જ સાક્ષીઓ છે.”

મેં પૂછ્યું “કોણ કોણ બે ?”

એણે કહ્યું: “એક મારો ઈશ્વર ને બીજો હું પોતે.”

વધુ એક શબ્દ પણ બોલ્યા વિના એ ફરીને ચાલી નીકળ્યો.

ફરીને કદી મેં એને દેખ્યો નહિ. તે જ દિવસે એને ફાંસી થઈ ગઈ.

બાકી રહ્યા અમે બે તોહમતદારો: બન્ને એકબીજાને કહેતા હતા. “હિંમત રાખ દોસ્ત ! કશું થવાનું નથી.”

પણ જેમ જેમ કામ ચાલતું ગયું તેમ તેમ મારી હિંમત ઓસરતી ગઈ. કોર્ટમાં રજુ થતાં એ જુઠ્ઠાણાંને છુંદી નાખવા માટે હાથની મુઠી બીડીને છલાંગ મારવા હું ઊંકળી ઊઠતો હતો. આ મનોવેદનાને ભારે મારી નાડીઓ તુટી પડતી હતી.

મુકરદમાના છેલ્લા દિવસ સુધી આ વેદના ચાલુ રહી. જ્યુરીને એક જ કલાકનો વખત લાગ્યો. પણ મને, મારા તકદીરનાં છાબડાં તોળાતાં હતાં તે વેળાએ, એ એક મિનિટ પણ પછી એક એક કલાક જેવી, નરકલોકના અકેક કલાક જેવી લાગી.

હું જપી ન શક્યો. વિચાર પણ કરી શક્યો નહોતો.

આમ ને તેમ ટેલતો જ હતો. ગાંડો બની જઈશ એવું લાગ્યું. બીડી સળગાવી, પણ એ પીવાનું જ ભૂલી ગયો.

આખરે પાછા અંદર જવાનો વખત થયો, પાંચ મિનિટ પછી મારું નિર્માણ થવાનું. પાંચ જ મિનિટ પછી !

મને કંઈ સૂઝતું નહોતું. કઈ સંભળાતું નહોતું અચાનક એક નામ બોલાયું. મારું જ નામ !

મારું નામ કોણે પૂકાર્યું? મેં નજર કરી. મેં એક કાળા ઝભાવાળા અને ઝુલતી કાળી કાનટોપી પહેરેલ માણસને જોયો. એ માણસ મારું નામ લઈને જુરીને કંઈક કહેતો હતો.

એ એકજ શબ્દ બેલ્યો–Guilty–ગુનેગાર –અને તુરત જ મેં બાકીની બિના સમજી લીધી. મોતની સજા ફરમાવવા પહેલાં એ કાળા ઝભાવાળો ન્યાયાધીશ માથા પર કાળી ટોપી ચડાવે તે પહેલાં તે હું મારો અંજામ પામી ગયો.

જજ્જ શું કહે છે તે પકડવા મેં બહુ મહેનત કરી. પરંતુ મારું મન બીજા જ વિચારે ચડી ગયું હતું. હું જજ્જની કાળી ટોપીનું ચિંતન કરતો હતો. સાળું હુંય બેવકૂફ હતો ને ! કે આટલા દિવસથી ફાંસી દેતા જજ્જની એ કાળી ટોપીને હૅટ જ માનતો હતો. મારું બેટું આ તો હૅટને બદલે કપડાનું એક કટકું જ નીકળ્યું !

મને જે ક્ષણે મોતની ફરમાશ થતી હતી તે ક્ષણે હું આવા વિચારો કરતો કરતો ઊભો હતો એ કંઈ ઓછું રમુજભર્યું કહેવાય ? મને તો એ મોટા માણસના આવા કઢંગા વેશની મશ્કરી કરવાનું મન થતું હતું.

છતાં–છતાં એ બધો વખત મારા કાનમાં એનાં નિશ્ચલ નિ:સ્તબ્ધ, શબ્દો અફળાઈ રહેલ હતા:-

“બંધવા, તારો જાન નીકળતાં સુધી તને ગર્દને રસી નાખી લટકાવવામાં આવશે–ઈશ્વર તને શાંતિ આપે !”

એ બધી વિધિ ખલાસ થઈ. જેલને માર્ગે મને પીંજરાગાડી લઈ જતી હતી, તે વખતે મૃત્યુની અને મારી વચ્ચે ત્રણ જ રવિવાર ઊભેલા હતા.

પોલીસ અમલદારો, દાક્તરો, વોર્ડરો વગેરે મને હિંમત દેવા લાગ્યા. “નિરાશ થા નહિ. હજુ તો તારા બચાવની પૂરેપૂરી તક તારા હાથમાં છે.”

આ દિલાસા સાંભળવાની મને કશી જ તમા નહોતી રહી. મારે મનથી તો ધરતીનો છેડો આવી રહ્યો હતો.

પત્નીનો કાગળ આવ્યો; “વહાલા, મારા બાપુનો કાગળ તમને મળ્યો ? એ પણ મારી માફક જ તમને નિર્દોષ માને છે. ને અપીલ કરવા માટે તમને વેળાસર મળવા આવવા માગે છે. તમે હિંમત રાખજો. ગમે તે થાઓ, પણ તમે મારા હૃદયમાં સદાને માટે દેવ સમા જ રહેવાના. આપણે બહુ થોડો જ સમય ભેગા રહેવાનું સરજાયું હશે. થોડું છતાં કેવું કેવું અણમૂલ ! હું તો મને આટલું ટૂંકુ પરણેતર મળ્યું તે બદલ પણ ઈશ્વરનો આભાર માની રહી છું. મને હવે એનું મૂલ સમજાય છે. અને વહાલા ! જુઓ, તમને હું મારી નવી છબી

બીડું છું. કાલે જ પડાવી. બહુ જ સસ્તી પાડી આપે છે. પાવલી પાવલીમાં ! હસતા નહિ હાં કે......હિંમત ધરજો, ને હસતા જ રહેજો-”

આ કાગળ મેં ફાંસી–ખોલીમાં કેાણ જાણે કેટલીક વાર ફરી ફરી વાંચ્યો. એકલો હું કદી પડતો જ નહિ. રાત ને દિવસ બે અમલદારો મારી જોડે જ રહેતા. તેઓની સાથે હું પાનાં રમતો, પુસ્તકો વાંચતો, કાગળો લખતો, ચાલ્યા આવતા મારા નિર્માણને મનમાંથી અળગું રાખવા માટે !

પણ રાત્રિયે?–ફાંસીખાનાના દ્વાર સુધીની એ ટૂંકી મજલ: માથા ઉપર કાળી કાનટોપી... ... અને પછી ......રસીનો ગાળીઓ: એ દ્રશ્યો મારી જીભને પળેપળે પીસતાં રહ્યાં.

પહેલે જ દિવસે મને જેલ-લાયબ્રેરીમાંથી તે લોકોએ એક દળદાર પુસ્તક વાંચવા દીધું. એને ઉધાડતાં એની પહેલી વાર્તાનું નામ વાંચીનેજ મારો દેહ કમ્પી ઉઠ્યો. એ ચોપડી મેં નીચે મૂકી દીધી. ચોપડી હતી અમેરિકાના ખૂનના કિસ્સાઓની. ને પહેલી જ કહાણીનું નામ હતું “ફાંસીખોર ન્યાયાધીશ.”

અપીલના કામમાં મને રસ નહોતો. આશા જ નહોતી. મૃત્યુને તો નિશ્ચિત જ માની બેઠો હતો. અપીલને તો ફક્ત છેલ્લી વિધિ તરીકે જ પતી ગઈ જોવા હું ઉત્સુક હતો.

અદાલતમાં અપીલની સુનાવણી અર્ધો દિવસ ચાલી. ત્યાં

સુધી તો મારૂં એમાં ધ્યાન જ નહોતું. પછી વળી અમારા વકીલની જોરદાર દલીલો પર મારા કાના મંડાયા ને આશાનું એકાદ કિરણ છુટ્યું.

આખરે ન્યાયમૂર્તિ અમારા તરફ ફર્યાં. અમારું નામ લીધું ને હું એકલક્ષ્ય બનું તે પહેલાં તો મેં મારા છુટકારાના શબ્દો સાંભળ્યા. એ શબ્દો–મને જીવતદાન દેનારા, મને જીવતી કબરમાંથી બહાર કાઢનારા એ શબ્દો એટલા તો ધીમાં, ઠંડા ને પ્રાણહીન રીતે બોલાયા કે એક મિનિટ સુધી તો હું બાઘો બનીને કશું જ સમજ્યા વગર બેસી રહ્યો.

*કોઈએ આવાજ કર્યો. મને પોતાને જ બૂમ પાડી ઊઠવાનું મન થયું. પણ મારા ઊઘડેલા હોઠ પર શબ્દોચ્ચાર આવ્યો નહિ, ગળું રૂંધાઈ ગયું.

બહારના ઓરડામાં મને ને મારા સાથીને બાઝી પડી સ્વજનો મુબારકબાદી આપતા હતા, હું યંત્રવત હસતો હતો, અને આ વળી એક નવું સ્વપ્નું તો નથી ના, જાગીશ કે તરત જ ફાંસીખોલીના સળીઆ તો નજરે નહિ પડે ના, એ શંકાને દૂર કરવા મથતો હતો.

ના, ના, સ્વપ્ન ન હતું, હું ને મારો દોસ્ત મૂક્ત બન્યા હતા. અમે શેરીમાં ચાલ્યા જતા હતા. હું તે નીલ આકાશ સામે જ તાકી રહ્યો હતો: ને મારા મિત્રની આંખો ભરપૂર નદીની સામે ફાટી રહી હતી.

મિત્ર બબડતો હતોઃ “જો ભાઈ નદી તો જો ! આપણી દયાળુ બુઢ્ઢી નદી તો જો ! આ આપણી ભલી ભાદર માતા તો જો !"

--જાણે એને વિસ્મય થયું હતું કે આ નદી અહીં ક્યાંથી !

અમે છુટા પડ્યા – એ એનાં બાળબચ્ચાં પાસે ગયો ને હું મારી માની નાની હાટડીએ ચાલ્યો ગયો.

અપીલનો શો ફેંસલો આવ્યો તેની માને ખબર નહોતી, એટલે હું તો ઓટાની ઓથે છુપાઈ રહ્યો. માને મારે ચકિત કરવી હતી.

મા આવી, નીચે ઉતરી. મને જોયો. ફાટ્યે ડોળે ટાંપી રહી. જાણે હું એના મુએલા દીકરાનું પ્રેત હોઉં ને ! પછી એની આંખોમાંથી દડ દડ હર્ષાશ્રુ ચાલ્યાં. મને એણે બાથમાં લીધો. અમારા બેમાંથી કોઈ કશું બોલી જ ન શક્યું.

મા અને હું બંને મારી પત્નીને મળવા ચાલ્યાં. એ એક ચહાની હોટલમાં પીરસનારી તરીકે નોકરી કરતી હતી. એની અગાઉની નોકરી, મારો મુકર્દમો સાંભળવા માટે એ કામ પરથી થોડી ગેરહાજર રહેલી તે કારણે, તૂટી ગઈ હતી. અને આ નવી નોકરીનું પણ એમ ન થાય તે કારણે એ મારી અપીલની સુનાવણીમાં નહોતી આવી.

એ એક ખૂની કેદીની ઓરત છે એવી ખબર હોટલમાં કોઈને નહોતી. એટલે અમે સાધારણ ચાહ પીનારાં ઘરાકોની પેઠે જ અંદર પેસી ગયાં. એના જ મેજ પર જઈ બેઠાં, અને વરધી દીધી; “એય છોકરી ! બે કપ ચહા લાવ.”

મારા નવજન્મનું પ્રથમ મિલન અમારે આ રીતે થવું સર્જાયું હતું ! અમારે બન્નેને વેશ ભજવવાના હતા; એને પીરસનારીનો ને મારે ઘરાકનો. અમારાથી છચોક વરવધૂ તરીકે મળી પણ ન શકાયું. છુપું છુપું ફક્ત એક જ વાર, કોઈ ન દેખે તેમ એણે પોતાનો પંજો મારા હાથ પર દબાવી દીધે, ને ગદ્ગદિત કંઠે ચુપચાપ એ એટલું જ બોલી શકી "ઓ વહાલા !"

પછી એ નોકરી પરથી છૂટી ત્યારે તો અમે બેઉ બાગમાં દોડ્યાં ગયાં, ને ત્યાં ઝાડ તળે કંઈ પાર વગરની વાતો કરતાં બેઠાં રહ્યાં.

હવે ભવિષ્યનું શું ! કદાચ ખરી કઠણાઈ તો હજી બાકી હશે. જાણે, ક્યાંક નાસી જાઉં ! ને મારું બદનામ નામ બદલી નાખી નવો અવતાર આરંભું !

પણ જાઉં તે કેવી રીતે ? મારી પાસે પેટગુજારાના પણ પૈસા નથી રહ્યા. અહીં જ ક્યાંક મારે ધંધો શોધવો પડશે.

દરમ્યાન જાણે મારી પાછળ ને પાછળ એક ભયાનક અવાજ ચાલ્યો આવે છે:

“બંધવા, તારો જાન નીકળતાં સુધી તને ગર્દને ફાંસી. . . . . . . . . .”

ઓહ ! ઓહ ! ઓહ પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati story from Classics