Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance

3  

Pravina Avinash

Inspirational Romance

ઝાકળ બન્યું મોતી - ૧૨

ઝાકળ બન્યું મોતી - ૧૨

10 mins
14.1K


બોલતાં તો બોલાઈ ગયું પણ પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. જતીનને પણ મનમાં થયું, નજીવી ઓળખાણ પર આવું નહોતું કહેવું જોઈતું. વાણી એકવાર મુખમાંથી બહાર આવે પછી મનુષ્ય લાચાર છે. હવે આનો ઈલાજ શો ? જતીન તો મુંઝવાયો કિંતુ જલ્પા તેના કરતા અનેક ગણી દ્વિધામાં મૂકાઈ ગઈ. જતીન મનોમન વિચારી રહ્યો આનો ઈલાજ અને બેભાનપણામાં ગાડી તેજ ચાલી રહી !

જતીને ગાડી તાજ તરફ મારી મૂકી. મનના વિચાર તો તેનાથી પણ તેજ ગતિ પકડી ચૂક્યા હતા ! જલ્પાનું નિખરેલું રૂપ જોઈને તે ચકાચૌંધ થઈ ગયો હતો. સુહાની વગર તે નાવિક વગરની હોડીને મન ફાવે તેમ હલેસા મારતો હતો. ભલું થજો સુહાનીનું, જેણે જતીનના મનમાં ‘જલ્પા’ નામનું બીજ વાવ્યું. આ બીજને હજુ ખૂબ જતનથી સંવારવાનું હતું. તે જાણતો હતો ,’ઉતાવળે આંબા ન પાકે ” !

તાજના આંગણામાં આવીને ગાડી ઉભી રહી, જતીને ‘વેલે પાર્કિંગમાં” ગાડી આપી જલ્પા સાથે ચાલવા માંડ્યું. જલ્પાનો હાથ પકડવાનું મન થયું પણ અજુગતું લાગશે માની સીધા બન્ને જણા ‘ક્રિસ્ટલ રૂમમા” પહોંચ્યા. જતીન ખૂબ સાવધ બની ગયો. વાત બનતા પહેલાં બગડી ન જાય તેની તકેદારી રાખવાનું નક્કી કર્યું. જતીન તો ૨૫ વર્ષનું લગ્ન જીવન માણિ ચૂકેલો અનુભવિયો હતો.

જલ્પા માટે તો આ પ્રથમ અનુભવ હતો ! તેનું મોઢું સિવાઈ ગયું હતું. તેના દિલના ભાવ કળવા જતીન અસમર્થ હતો. તેને પણ મૌન રહેવાનું યોગ્ય લાગ્યું. બન્ને જણા ખૂણાની ખુરશીઓમાં ગોઠવાયા. ત્યાંની ઝાકમઝોળ લાઈટ અને સુંદર વાતાવરણ આંખોથી માણવા લગ્યા. અચાનક બન્નેનિ આંખો ટકરાઈ અને જતીને સ્મિત રેલાવ્યું. જલ્પાએ પણ પ્રતિભાવ આપ્યો.

જતીનને લાગ્યું હવે ‘ગ્રીન સિગ્નલ’છે. બોલવામાં વાંધો નહી આવે. જલ્પાના હાસ્યમાં જતીનને મીઠો આવકાર જણાયો.

સંમતિની “લીલી ઝંડી’ ફરકતી જણાઈ !

‘હું તો ઘણા વખત પછી આવી રીતે બહાર ડીનર પર આવ્યો છું. સુહાનીની માંદગીને કારણે બધું વિસરાઈ ગયું હતું. તેની સંગમાં આ બધું જરૂરી પણ નહોતું લાગ્યું. ‘

‘મને પણ યાદ નથી, આવી રીતે હું ક્યારેય અંહી ડીનર પર આવી હોંઉ”.

‘તમને કેવું લાગે છે’?

‘ખબર નથી પડતી’.

જતીને અનુભવ્યું ધીરે ધીરે જલ્પાનો સંકોચ દૂર થશે. પૂછ્યું , ‘ઠંડુ પીણું કયુ મંગાવું’?

જલ્પાને ‘સ્વીટ લાઈમ સોડા’ ખૂબ ભાવતા. જતીને બે ગ્લાસ નો ઓર્ડર વેઈટરને આપ્યો. સાથે વેફર્સ અને ખારા કાજુ પણ મંગાવ્યા. બન્ને જણાને વાતો કરવી હતી. શરૂઆત કોણ કરે ? જતીન અને જલ્પા ઘણા વખતથી ઓળખતા હતા. સુહાનીની માંદગી અને વિદાય પછી થોડા નજીક પણ આવ્યા હતા. હજુ જલ્પાના મનમાં શું ચાલે છે, તે કળવું મુશ્કેલ હતું.

જતીન તો જાણે નિરધાર કરી ચૂક્યો હતો,’યેને કેન પ્રકારેણ’ જલ્પાને રિઝવી તેની સાથે સંસાર શરૂ કરવો. સુહાની અને દીકરીઓ વગર તેને ઘરમાં ગોઠતું નહી.

અનુભવી જતીન ખબર નહી કેમ આજે નવા નિશાળિયા જેવું વર્તન કરી રહ્યો. જેવી જલ્પાના દિલ અને દિમાગમાં હલચલ મચી રહી હતી એવો કોઈ અનુભવ જતીનને ન થાય એ સ્વાભાવિક હતું. ૧૯ વર્ષની બે દીકરીઓનો બાપ હતો. તાજેતરમાં પત્ની ગુમાવી હતી. હજુ તેની સ્થિતિ સામાન્ય ન હતી. તેમ છતાં સ્ત્રીના સાંનિધ્યને ઝંખતો હતો. એકલો રહેવાને ટેવાયેલો ન હતો. જલ્પા ભલે જાણિતી હતી પણ આ રીતે કદી નિહાળી ન હતી. મનમાં સુહાનીનું સ્મરણ કરી રહ્યો.

‘સુહાની મારી મદદે આવ’ !

જતીનને એવું લાગ્યું સુહાની તેની હાંસી ઉડાવી રહી છે. મનમાંથી વિચારોને તિલાંજલી આપી. સભાન પણે જલ્પાને નિહાળી રહ્યો. જલ્પાના મુખના હાવભાવ કંઈ જુદું કહી રહ્યા હતા. જાણે જતીનને કહી રહી. હોય, ‘મને આ સુખદ અનુભવ ગમ્યો’ !

જલ્પાને એકલા રહેવાની આદત હતી. છતાં તેનું મન રહી રહીને જતીનની નિકટતા ભોગવવા તરસતું હતું.

. ૪૦ની આસપાસ પહોંચી હતી. ભાઈ અને બહેન હવે તેમની મંઝિલ પર મુસાફરી કરી રહ્યા હતા. માર્ગમાં કોઈ રૂકાવટ ન હતી. જો તેને યોગ્ય સાથી મળે તો શાંતિનું જીવન જીવવાની તેની પણ તમન્ના હતી. જતીને જ્યારે તાજમાં ડીનર પર જવાનું આમંત્રણ આપ્યું ત્યારે કેટલા બધા સ્વપના તેણે ખુલ્લી આંખે જોયા હતા. જ્યારે બન્ને સાથે હતા ત્યારે તેની જબાન પર ‘ગોદરેજનું તાળું’ વાગી ચૂક્યું હતું. જતીને તેને હળવેથી, મીઠી વાણી દ્વારા ખોલવાની જરૂર હતી.

જતીનના મનમાં શંકા જાગી, જલ્પાને તેનો સંગ ગમે છે ? શરમાળ જલ્પા તે કહેતા સંકોચાતી હતી. જતીને હિમત કરીને કહ્યું ‘જલ્પા, તમે આજે ડીનરનું આમંત્રણ સ્વીકાર્યું, તેથી મને ખૂબ આનંદ થયો’.

જલ્પાએ મીઠું સંમતિ સૂચક સ્મિત વેર્યું. હવે જતીનની હિમત વધી. તેને ખબર હતી, જલ્પા શરમાય છે. કામની વાત કરવા આવતી ત્યારે બે ધડક પોતાની મુશ્કેલીનું વર્ણન કરતી જલ્પા અને સામે સુંદર પરી જેવી લાગતી જલ્પામાં ખૂબ તફાવત હતો. જતીન સાથે વાત કરતાં પોતાનો અભિપ્રાય નિર્ભય પણે આપતી. આજે તે પહેલીવાર આવી રીતે જતીન સાથે આવી હતી એટલે સંકોચ અને લજ્જાના કોચલામાંથી બહાર આવી શકતી ન હતી. જેમ જેમ તે કોચલું તોડવાનો પ્રય્ત્ન કરતી હતી તેમ તે વધારે સકુડાતી હતી.

જતીન તેની લજ્જા કળી શક્યો. હિંમત કરીને તેની નજીક સર્યો અને હળવેથી હાથ પકડ્યો. જલ્પાને ગમ્યું પણ આંખો ઉંચી ન કરી શકી.

ધીરેથી તેની નજીક જઈ બોલ્યો,’જલ્પા હું જતીન છું. તું મને ઓળખતી નથી ?’

આ સવાલે જલ્પાની શરમ જરા ઓછી થઈ. મુસ્કુરાઈને જવાબ આપ્યો,’ તમારી સાથે આ રીતે પહેલીવાર છે. મને ખબર નથી પડતી કેમ મને આટલી બધી લજ્જાએ ઘેરી લીધી છે’.

‘કોઈ વાંધો નહી. આપણે અંહી શાંતિથી બેઠા છીએ. તું નિર્ભય બન’.

‘પ્રયત્ન કરીશ’.

‘ચાલ ,જો આ ડ્રિન્ક, ચિપ્સ તેમજ કાજુ આવી ગયા છે. થોડું લે એટલે તને હિમત આવશે. ‘તારી મરજી યા સંમતિ વગર કોઈ પગલું હું નહી ભરું. તું મારા કહેવાનો અર્થ સમજે છે ને?’

જલ્પાએ ડોકું હલાવી હા પાડી. જતીનને જવાબ મળી ગયો. જલ્પાની ઈચ્છા જાણવાની તેને જરૂર ન લાગી.

જલ્પા વિચારી રહી, ‘આવું સુંદર વાતાવરણ, મનગમતો સંગાથ, હું કાંઈ નાની ૨૦ વર્ષની નથી કે આમ શરમાઈને સમયને હાથમાંથી સરી જવા દંઉ’. ખૂબ હિમત એકઠી કરી, મગજને શાંત કર્યું. હવે આગળ શું બનવાનું છે તેનો અંદાઝ આવી ગયો હતો. દિલમાં ઉમંગ વ્યાપ્યો. આ વિચાર તેને કોઈ દિવસ આવ્યો ન હતો. જ્યારે જતીનને આવ્યો અને આમંત્રણ મળ્યું ત્યારે ઘરમાં એકલી દર્પણ સામે નાચી ઉઠી હતી. જતીનને ઓળખતી હતી. ઉમર વચ્ચે માત્ર દસેક વર્ષનો ફરક હતો. જે તેને માન્ય હતો. દેખાવમાં ખૂબ સોહામણો હતો. આ તો સુહાની બિમારીને કારણે સાથ છોડી ગઈ, તેથી પોતે ભાગ્યશાળી બનવાની હતી’.

જલ્પાએ વિચાર ખંખેર્યા. આ બધું વિચારવા ઘર છે. અંહી આજે તાજના ‘ક્રિસ્ટલ હોલ’માં ડિનરની મઝા માણવાનું નક્કી કર્યું. ધીમેથી ઉંચુ જોયું અને જતીન તરફ જોઈ મુસ્કુરાઈ. જતીને પણ હસીને જવાબ વાળ્યો. બન્ને જણા ડ્રિન્કની મઝા માણી રહ્યા. જતીનને શું બોલવું તે સમજ પડતી ન હતી. જલ્પાએ સામાન્ય વાતચીત ચાલુ કરી. ‘ આજે રજાનો દિવસ હતો એટલે આખો દિવસ શું કર્યું ?’ એવો સવાલ પૂછી બેઠી.

‘સાચું કહું, કે ગપ્પુ મારું.'

‘તમારી મરજી.’

‘ના. તો સાચું કહીશ. સવારથી ઘડિયાળમાં સાંજ ક્યારે પડશે તેની રાહ જોતો હતો. મને લાગ્યું કે આ ઘડિયાળ આજે ચાલે છે કે નહી?’ તો હવે તું પણ કહે તેં શું કર્યું ‘?

જલ્પા ગભરાઈ ગઈ. મેં, મેં શું કર્યું ? કાંઇ નહી’.

‘આ તારો જવાબ ખોટો છે’.

‘કેમ એમ લાગ્યું’.

‘હું તને છેલ્લા બાર કરતા પણ વધારે વર્ષોથી ઓળખું છું. હા, પરિચય સામાન્ય છે. માત્ર કામ પૂરતો હતો. આ તો સુહાનીને કારણે આપણે થોડા નિકટ આવ્યા. તેના ગયા પછી તો મિત્રતા વધી ગઈ. હવે તેં આખો દિવસ કાંઈ નથી કર્યું એ હું કેવી રીતે માનું’. જો તારો કહેવાનો ઈરાદો ન હોય તો હું જબરદસ્તી નહી કરું, ‘કહી હસવા લાગ્યો.

જલ્પાએ સ્મિત રેલાવી ,પોતે જુઠું બોલી રહી છે તે કબૂલ કર્યું. ‘જો સાચું કહું, આમ જોઈએ તો મેં કશું જ નથી કર્યું’ . એક રૂમમાંથી બીજા રૂમમાં પંદર આંટા માર્યા. સાંજે કઈ સાડી પહેરીશ એ નક્કી કરવામાં બાકીનો સમય પસાર કર્યો.’

‘શું પહેરીશ ‘? એ પ્રશ્ન દરેક સ્ત્રી માટે સામાન્ય તેમજ ગહન છે. સુહાનીની આદત પણ એવી જ હતી. સુહાનીનું નામ સાંભળતા જલ્પાના મુખ પરના ભાવ બદલાઈ ગયા. તે જોઈ, જતીને મનોમન નક્કી કર્યું ,બને ત્યાં સુધી હવેથી ક્યારે પણ ,સુહાની અને જલ્પાની સરખામણી કરવાની ભૂલ નહી કરવાની. સુહાની સંગેનું જીવન જતીન માટે સુનહરો ભૂતકાળ હતો.

જલ્પાને, જતીન તેની આજ અને આવતી કાલ સંવારવા માટે આમંત્રી રહ્યો છે’. ભૂતકાળ અને ભવિષ્યકાળ ક્યારેય દોસ્ત બની શકે નહી ! સહુ સહુના સ્થાન પર યોગ્ય છે. ‘ જતીને આ વાતની ગંભિરપણે નોંધ લીધી. સુહાની તેની ગઈ કાલ હતી. જલ્પા તેની જીંદગીમાં પ્રવેશ પામી તેની આજ અને આવતીકાલ સંવારી સુખ પામવા અને આપવા મથી રહી છે. જેણે ૪૦ વટાવી હોવા છતાં કોઈ પણ પુરૂષને નિકટતાથી જાણ્યો તથા પિછાણ્યો નથી. ‘

જતીનના સંગ તેનામાં આનંદનો અવધિ ઉછળી રહ્યો હતો. તેનું કાળજું ખૂબ ઋજુ હતું. તેને સ્નેહથી સંવારવાનું હતું. કુટુંબની જવાબદારીનો ભાર વહન કરતાં જલ્પા પોતાની જાતને વિસરી ગઈ હતી. આજે એ સૂતેલાં અરમાન ફરીથી સજીવ થઈ તેની સમક્ષ નૃત્ય આદરી રહ્યા હતા. પ્રેમ કાંઇ ઉમર જોઈને થતો નથી. એ તો પર્વતમાંથી નિકળતા ઝરણા જેવો પવિત્ર છે. બસ ખળખળ વહે છે. ન ખબર હોય તેને ગતિની કે ન ભાન હોય તેને દિશાનું. પ્રેમ પૂછીને પણ થતો નથી. હજુ જલ્પાના હ્રદયમાં તેના ઝીણા ઝીણા અંકુર ફૂટી રહ્યા હતા. જલ્પા પોતે પણ તે ભાવ કળવાને અસમર્થ હતી. છતાં પણ હ્રદયમાંથી ઉભરાતા ભાવની ગંગામાં સ્નાન કરવું જલ્પાને ગમતું હતું.

જતીન અને જલ્પા સુંદર પીણાનો આસ્વાદ માણી રહ્યા હતાં. ઘણી વખત શબ્દો કરતાં ‘મૌન’ ખૂબ વાતોડિયું જણાય છે. શબ્દોની સીમા સિમિત છે. જ્યારે મૌનને કોઈ બંધન યા સીમા જકડી શકતી નથી. મૌનનો ઘોંઘાટ અને ઘુઘવાટ જો માણવો હોય તો સુંદર રળિયામણા સ્થળે મનગમતી વ્યક્તિ સાથે બેસજો. એ અનુભવની સુંદરતા કોઈ પણ વ્યક્તિ આલેખવા સમર્થ નહી બની શકે. તેનો અહેસાસ આહલાદક છે. જલ્પાને બસ આજનો દિવસ, સ્થળ અને સંગ મન ભરીને માણવા હતા. વર્ષોની પ્યાસ તેની બુઝાવવી હતી. જે સંજોગની કલ્પના પણ ન હતી તેનો અનુભવ લેવો હતો. બસ કાંઇ બોલવું ન હતું. માત્ર અહેસાસ કરવો હતો. જુવાનીમાં જે અનુભવ પામવાનો વિચાર સુદ્ધાં જલ્પાના મનમાં સ્ફૂર્યો ન હતો. તેનું મન આકબૂલ કરવા તૈયાર ન હતું. છતાં મનને મનાવ્યા વગર ન ચાલ્યું કે ,’આ હકિકત છે’.

જતીન જલ્પાની ભાવના સમજી શકવાને અસમર્થ હતો. તેના પોતાના હાલ પણ કંઇ વખાણવા જેવા ન હતા, સુહાની અને જલ્પા વચ્ચે ઝોલા ખાતો હતો. અટવાતો હતો. ભૂતકાળ ભૂલવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો. પણ એમ કાંઈ જીવનના ૨૫ વર્ષ ભુંસાય ખરા ? તો પછી જલ્પાનો સંગ માણાય કઈ રીતે ? જલ્પાના રૂપે તેણે સુંદર મિત્રની પ્રાપ્તિ થઈ હતી. જેણે હ્રદયમાં સ્થાન આપવાનું હતું. મિત્ર રૂપે તો જીવન સાથે છેલ્લા દસેક વર્ષથી વણાઈ હતી. આ તો મધદરિયે સુહાનીએ સાથ ત્યજ્યો એટલે એકલતા દૂર કરવાનો માર્ગ હતો. જે સુંદર અને મનગમતો હતો. મન અને શરીરની માગ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. આજે જલ્પા સાથે તાજમાં બેઠો હતો અને માનસ પટ પર સુહાની છવાઈ હતી. સુહાનીનો દોરવાયો અંહી સુધી આવ્યો તો ખરો ! પણ નક્કી કરી ન શક્યો એ શું ઝંખે છે ?

ચાલતા ચાલતા મંઝિલ પર સાથી નો હાથ છૂટી જાય અને નવો પ્રવાસી મળે તો તેની સાથે મનમેળ તેમજ પ્યાર થતા સમય લાગે એ સ્વભાવિક છે. જલ્પાને જોતા જતીન ધરાતો ન હતો. તેના મુખ પરના ભાવ વાંચવામાં તેને નિષ્ફળતા મળી. અચાનક જલ્પાને થયું જતીને તેને તાકી રહ્યો છે. જલ્પાએ જાત ઉપર કાબૂ મેળવ્યો અને વાતચીતમાં પરોવાનો પ્રયાસ આદર્યો. એક પણ શબ્દ ગળાની બહાર નિકળી શક્યો નહી. જતીન આખરે હકિકતની હરિયાળીમાં લહેરાવવા તૈયાર હતો. તે જલ્પાની વહારે ધાયો.

જતીનને લાગ્યું, પહેલ તેણેજ કરવી પડશે. ‘ચાલો તો ડીનરમાં શું મંગાવશું ?'

જતીને પૂછેલા પ્રશ્નના જવાબમાં જલ્પાએ સામો પ્રશ્ન કર્યો. ‘ તમને ખબર હશે અંહી કઈ વાનગી સરસ મળે છે’. આજે જલ્પા જતીન જે પણ કરે તેમાં ઉત્સાહ સભર સાથ આપવા કટીબદ્ધ થઈ. એવો સુંદર જવાબ આપતી કે છેલ્લો નિર્ણય જતીને જ કરવો પડે. જતીને તો સવારથી કાંઈ ખાધું ન હતું. બસ સાંજની ઈંતજારીમાં ભૂખ ભાગી ગઈ હતી. જલ્પાના હાલ તેનાથી સારા ન હતા. મનમાં ઉઠતા ઉમંગના ફુવારામાં સ્નાન કરી રહી હતી. ભૂખ જાણે આજે દિવસ દરમ્યાન ભાગી ગઈ હતી તે અત્યારે ડ્રાંઉ ડ્રાંઉ કરી રહી.

જતીને સારામાં સારા બે પંજાબી શાક, રૂમાલી રોટી અને બિરિયાની મંગાવ્યા. પાપડ, કચુંબર અને ભજીયા ભૂલ્યા વગર પહેલા લાવવાનું કહ્યું. જલ્પા જતીનના મુખ પરના બદલાતા ભાવ નિરખી રહી. સમય . સમયનું કામ કરે છે. ક્યારેક વહેલું ક્યારેક મોડું એમ માનવીને લાગે છે. ખરું જોતા યોગ્ય સમયે તે થયા વગર રહેતું નથી. આજની મધુર સાંજ જલ્પા અને જતીનને નામ !

બન્ને જણા આ પરિસ્થિતિને પોત પોતાની રીતે યાદગાર બનાવવા પ્રય્ત્ન આદરી રહ્યા.

જલ્પા અને જતીન બન્ને ખુશ દેખાતા હતા. જલ્પાને જતીનનો સંગ ગમતો હતો. જીવનમાં પહેલીવાર ‘પ્રેમ’નો અર્થ સમજી હતી. પ્રેમ થાય ત્યારે કેવી લાગણી ઉદભવે, શરીરમાં કેવા સ્પંદનો ઉઠે, અણુ અણુ પ્રેમ માટે તરસે આ બધું ખૂબ ગમ્યું હતું. જતીન માટે આ નવું ન હતું તે તો પાકો અનુભવિયો હતો. બે જુવાન જોધ દીકરીઓને બાપ હતો. જલ્પાની હાલત જોવી તેને ગમતી હતી. તેની આંખો પામી ગઈ હતી કે જલ્પાને સ્પર્શ અને સહવાસ દ્વારા કેટલો રોમાંચ થઈ રહ્યો છે.

જલ્પા ખુલ્લા દિલે પોતાના મનના ભાવ કોઈની પાસે ઠાલવી શકતી ન હતી. બન્ને ભાઈ બહેન નાના હતા. મીઠી મુઝવણની માદકતા અનુભવતી હતી. જતીન માટે આ અહેસાસ નવો ન હતો.

આજે રહી રહીને જલ્પાના મનમાં વિચાર ઝબકી ગયો, ‘મારી ગાડી છૂટી ગઈ હતી !"

હા, જીવનમાં તેણે ઘણું મેળવ્યું હતું . તેની સામે તેણે ઘણું ગુમાવ્યું પણ હતું. સંજોગો આગળ માનવી, સારા અને નરસાની તુલના કરી પોતાનો રાહ તય કરે છે. જલ્પાને લાગ્યું હવે સાચી કેડી પર પગરણ માંડી રહી છે. કંઈ પામવા કશુંક ખોવું પણ પડે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational