Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા - ૨૨

પ્રભુ પધાર્યા - ૨૨

6 mins
7.7K


હાથમાં પણ બટુકડું પાતરું. પીળાં પીળાં વસ્ત્રોની હાર, મોટા પગ ને નાના પગની હાર, લાંબી લાંબી કતાર આવશે; માર્ગ ઉપર ઘેરઘેરથી સ્ત્રીઓ બોલાવશે. વીનવશે કે ફ્યા ! વહોરવા થોભો, રંક નારીના ચાવલ વહોરો! હુંયે ઊભી હઈશ આપણી શેરીને નાકે. લળીને પોકારીશ કે "ચ્વાબા ફ્યા." મા મા કરતો તું મને બાઝી ન પડતો હો, કાંઉલે! ઘેલો બનીને મારી એંજી ન પકડી લેતો. આઠ દિવસ તો ફુંગી રહેજે, જોગી રહેજે. ગોઢમા ફ્યા (ગૌતમ પ્રભુ)નો રાહુલ પણ તારા જેવડો જ હતો. તારા સરીખો જ ફૂટડો હતો. તારા જેવી જ એને મા યશોધરા વહાલી હતી. માએ એને લઈ ગોઢમાને વહોરવી દીધો'તો, તોયે કંઈ માને ઝાલી હતી એણે ?

આઠ દા'ડાના એ તો અણમોલ બાળાજોગ સૌને સર્જાયા છે, બાપુ! ભિક્ષાનું પાત્ર ધરજે ને હું તને ચાવલ વહોરાવીશ. જગત તને જોવા મળશે. આવડો બાળ ફુંગી જગતે કદી જોયો નહીં હોય. ભવના તારા ભાર ઊતરશે. તારા પિતાનાં પાપ પ્રજળશે. આઠ દહાડે પાછો વળજે.

ચાંઉમાં રહેતાં બીશ નહીં ને ? રાતમાં બાને શોધીશ નહીં ને? ફુંગીઓ તને મારશે નહીં હો ! કરડી આંખો કરશે નહીં. કોઈ કટાણું વેણ કહે તો ગોઢમા બૌદ્ધની મૂર્તિ પાસે જઈને કહેજે, ફ્યા તારી ફરિયાદ સાંભળશે.

- ને જો હો ! એક વાત્ કહું છું તે કોઈને કહીશ નહીં હોં! ગોઢમા ફ્યાને છાનોમુનો પૂછી જોજે કે બાપુ ક્યાં હશે? મામા ક્યાં અલોપ થઈ ગયા? અને બાપુના ફરી મેળાપ થવાના છે કે નહીં?

રાતે નીમ્યાએ 'અકો'ની વાટ જોતા બાળકને ઊંઘાડતાં પહેલાં એની દીક્ષાનાં આવાં દિવાસ્વપ્ન ગૂંથવાં ચાલુ રાખ્યાં હતાં. પ્રત્યેક બ્રહ્મી બાળકને માટે જીવનનો જે મહોત્સવ મનાતો, તે આઠ-પંદર દહાડાની બાળ-દીક્ષા. એ માટે માતાનું આ રટણ હતું. (છેક પ્રભુ બુદ્ધથી ચાલેલી આ પ્રથા હતી. યશોધરા પાસે બિક્ષાપાત્ર લઈ ઊભનારા ભગવાનને

માએ ખુદ દીકરો જ અર્પણ કર્યો હતો. પણ ભગવાનની ઇચ્છા રાહુલ સંસારી રહે તેવી હતી. એટલે એણે થોડા દિવસનો બાળ-ભેખ રખાવી પછી રાહુલને પાછો વાળ્યો હતો.) એ દીક્ષા અને કાન વીંધવાની ક્રિયા, બેઉ બ્રહ્મદેશમાં સાથે જ થતાં. મરણોત્સવથીયે ચડી જાય તેવી આ બાળ-દીક્ષાને સારુ પોતાનો પુત્ર ઝટઝટ મોટો થઈ જાય તેવા સોણલાં નીમ્યા સેવતી હતી. રોજ ઊઠીને પાકી ખાતરી કરતી હતી કે બાળક વધ્યો છે કે નહીં? વર્ષો ભલે ઓછાં રહ્યાં, જરીક કાઠું કરી જાય, જરીક બોલતોચાલતો ને પોતાના વસ્ત્રો પહેરતો થઈ જાય તો પછી દીક્ષા ઊજવવી હતી.

પતિ ચાલ્યો ગયે તો લાંબો ગાળો વીતી ગયો હતો. અધરાતે 'નીમ્યા...એ!' ના આગલા ઉચ્ચારની એ કાંઈ હવે ખોટી રાહ જોતી નહીં. એવા ખાલી ભણકારા પોતાને વાગતા નહીં. ને લોકો પણ નીમ્યાના લુપ્ત થયેલા દાંપત્ય-સંસારની લપમાં કદી ઊતરતા નહીં. પોલીસે પણ હવે તો નીમ્યાના ઘર ફરતી મોડી રાતની છૂપી ચોકી નિષ્ફળ ગણી છોડી દીધી હતી. પડેલા પથ્થરની સામે બુદબુદોના થોડા બુમારણ કર્યા બાદ પાછાં સમથળ બનીને વહેવા લાગતાં પાણી જેવો જીવનનો પ્રવાહ પણ બની ગયો હતો. જૂનું રંગાલય ખાલી થયું હતું. આગલા નટોએ વિદાય લીધી હતી. નવા અભિનેતાને નવા પાઠ ભણાવતી મા સજાવી રહી હતી. જિંદગી એક સાચી રંગભૂમિ હતી.

કાગાનીંદરમાં ઢળેલી નીમ્યાને એકાએક લાગ્યું કે કોઈક નીચેથી સાદ કરે છે: "મા-નીમ્યા એ...!"

આ જૂનો બોલ નથી, 'નીમ્યા...એ' નથી. આ તો સ્પષ્ટ સંભળાય છે. 'મા-નીમ્યા એ...!'

ભણકારા હશે. અત્યારે કોણ આવે?

ધીરા ધીરા બોલ ફરી વાર સંભળાયા: "મા-નીમ્યા એ...!"

બીતાં બીતાં એણે બહાર આવી નીચે નજર કરી. અંધકારમાં કોઈક ઊભું હતું.

"કોણ એ?"

"મા-નીમ્યા! જલદી ખોલ."

"કોનો અવાજ? વર્ષોથી અપરિચિત આ સ્વર કોનો સુણાય છે?

અંદર જઈ, અભરાઈ પરથી લાંબી લાંબી એક ચીજ લઈ, એક હાથે એ ચીજને ટટ્ટાર ઝાલી નીમ્યા નીચે ઊતરી.

એ ચીજ હતી - ધા.

બીજે હાથે બર ઉઘાડ્યું : " કોણ એ?"

"હું માંઉં."

"અકો!" નીમ્યાએ ભાઈને ઓળખ્યો. અંદર લીધો. શરીર પર ફુંગીવેશ નહોતો. એથી ઊલટો સરકારી યુનિફૉર્મ સજેલો.

"અકો!" નીમ્યાનો કંઠ ભરાઈ આવ્યો.

"આટલું જ કહેવા આવ્યો છું, નીમ્યા: માંઊ-પૂ સલામત છે, પણ તારા હાથમાં એ જે દિવસે આવશે તે દિવસ એ આખો નહીં હોય, એના ટુકડા જ હશે એમ લાગે છે, નીમ્યા! અહીંથી દૂર દૂર ચાલી જજે. મ્યો(હશેર)માં રહીશ નહિ, ટો-માં (જંગલનાં ગામડાંમાં) ચાલી જજે. ઉચાળા ભરી કરીને ભાગી જજે."

"શા માટે, અકો?"

"નીમ્યા વધુ પૂછતી નહીં, આંહીં ચાલ્યો આવે છે - મહાસંહાર."

"અકો ! આ તું શું કહે છે?"

"અફર ભાવિના બોલ ભાખું છું, નીમ્યા ! પ્રલય ચાલ્યો આવે છે. અગ્નિના મેઘ તૂટી પડશે. આકાશ કોપશે, તઘુલા ત્રાટકશે - પણ પાણીનાં નહીં, અગ્નિગોળાના. ભૂગર્ભ ફાટશે. પૃથ્વી ને ગગન બંને કાવતરું કરશે. માબાપ બાળકોને ભક્ષી જશે. આગની રોશની સો સો ગાઉ ફરતી દેખાશે."

"કોણ- કોણ? અકો ! કોણ આવશે ? કોણ સળગાવશે?"

"અમે, અમે જ પોતે. મહાસંહારની જબાન બનીને હું આવ્યો છું. નીમ્યા

આવ્યો હતો. કહ્યા ભેળી જ તું હતી-ન હતી બનશે ને તારા કાંઉલેને પૃથ્વી ગળી જશે. ફ્યાના બોલ છે. રખે ઉથાપતી. જાઉં છું નીમ્યા! અખ્વીં પ્યુબા! રજા આપ!"

તે પછી પરોઢ પૂર્વે એક વાદળી રંગનું વિમાન - વિના અવાજે દૂરના એક ખેતરમાંથી ઊડ્યું અને સિયામના પાટનગર બૅન્ગકોકની દિશામાં ચાલ્યું ગયું. એનો જે પાઈલટ હતો, તે બીજો કોઈ નહીં, પણ નીમ્યાનો 'અકો' માંઉ પોતે હતો, અને અંદર બેઠો હતો તે માંઉ-પૂ હતો. સાળો-બનેવી જાપાનના શાગિર્દો બની વિમાન સેવામાં પ્રવેશ્યા હતા.

મહાસંહારની આગાહીએ નીમ્યાની નીંદરને ચટકા ભર્યા જ કર્યા. ક્યારે મહાસંહાર? કોના તરફથી? શાને માટે? પોતે કોનું બગાડ્યું હતું? બ્રહ્મદેશીઓએ કોનો દોષ કર્યો હતો? ઇરાવદીએ કોને ધાન આપવાની ના પાડી હતી? આંહી કોણ કોને કાઢી મૂકતું હતું કે ખાઈ જતું હતું?

નીમ્યાને વિશ્વ-ભરખતા જર્મન જંગની જાણ હતી, પણ ઝાંખી ઝાંખી. એ યુદ્ધને ને બ્રહ્મદેશને કશી નિસ્બત નહોતી, આંહી તો બધાં ધમધોકાર કમાતાં હતાં. યંત્રો ચલાવતાં હતાં. સોનાંરૂપાં પહેરતાં હતાં. આંહીં હજુ તીન્જામ પ્વે અટક્યા નહોતા. તઘુલાની રોળારોળ કોઈએ બંધ કરાવી નહોતી. કાર્તિકી પૂર્ણિમાના તધીન્જો-દીવા કોઈએ ઓલવ્યા નહોતા. આંહીં શામાટે સંહાર ચાલે?

ચીન ને જાપાન લડતાં હતાં, પણ તે તો દૂર દૂર. આંહીં તો ચીનાઓ દુરિયાન વેચી રહ્યા છે, અપાંઉ-શૉપ ચલાવી રહેલ છે, બર્મીઓને પરણી રહેલ છે, ચાવલના ધાનના સોદા કરતા બેઠા છે. આંહીં તો જાપાનીઓ પણ દુકાનો ચલવે છે, અને ફોટૉગ્રાફી કરી પેટગુજારો મેળવે છે.

આંહીં ચીનાઓ ક્યાં એકબીજાનાં માથા કાપે છે?

અને હવે તો ઊ-સો સ્વરાજના સહીસિક્કા કરવા સારુ જ લંડન ગયેલ છે. આંહીં શા સારુ આગનાં વર્ષણ થાય?

ડૉ. નૌતમના બાબલાને તો કોઈ સપાટો નહીં લાગી જાય ને? જલદી પ્રભાત પડે, તો હું જઈને બાબલાનાં માબાપને ચેતવું.

પ્રભાતે રતુભાઈ આવ્યો. તેની સાથે પોતે સદાના જેવી હસતી રહેવા યત્ન કર્યો. એના ગળા સુધી રાતની કાળ-વાણી ભરી હતી. પણ અકો બિવરાવી ગયો હતો. એ કોઈ ફુંગીની જ ભવિષ્યવાણી લાવ્યો હશે. કોઈને કહું ને તત્ક્ષણે જ આસમાનનાં અગ્નિજળ તૂટી પડે તો ! કહેવાયું નહીં. હાય ક્યાંક કહેવાઈ જશે, તો ધ્વંસ ત્રાટકી પડશે !

રતુભાઈની સોનારૂપાની દુકાનના માલથાલ વેપાર વિશેનો અહેવાલ આપીને નીમ્યા રતુભાઈ સામે એવી નજરે જોતી હતી કે જાણે એને કાંઈક જરૂરી વાત કહેવી હતી. રતુભાઈ પણ એ રાહ જોઈને થોભી ગયો. છેવટે નીમ્યાએ વાત કાઢી:

"અકો ! તમારા દેશમાં જવાનું તમને કદી મન જ કેમ નથી થતું?"

"આ પણ ક્યાં પરદેશ છે? આહીં તમે સૌ છો ને!"

"પણ દેશ જઈને હવે પરણો કરો ને!"

"કેમ, અમા! બીક લાગી કે વળી આંહીંના જુવાનોના ભાગમાંથી. હું પણ એક બરમણને ઓછી કરીશ!"

"હા, એ તો ખરું જ; અહીં કોઈને ન પરણશો, અકો, આખરે તો પોતાના દેશ જેવું કંઈયે સારું નહીં."

"પણ દેશમા મારે કોઈ નથી - અકો, અમા, અમે (મા), અફે(બાપા), મેમા (સ્ત્રી), કોઈ કરતં કોઈ નથી. મારે તો સાચો સ્વદેશ આંહીં છે."

"તો આપણે એક કરીએ, આંહીંથી ક્યાંઈક ગામડામાં રહેવા ચાલ્યાં જઈએ; હું, તમે, ડૉક્ટરનું કુટુંબ, મારી મા એટલાં જઈએ."

"ગામડાંમાં જઈને ખાઈએ શું? ધંધો ન ચાલે, પણ મા-નીમ્યા! તું કદી નહીં ને આજે આટલી વિહ્‌વળ કેમ દેખાય છે?"

"બીજું કાંઈ નહીં, મને ગામડામાં રહેવા જવાનું દિલ થાય છે. કાંઉલેને અહીં સારું રહેતું નથી."

"તો જશું આપણે, તધીન્જો (દિવાળી) કરીને જઈએ, તે દરમ્યાન આપણે ઉઘરાણી-પાઘરાણી પણ પતાવી લઈએ. સોનારૂપાંને ઠેકાણાસર

મૂકવાં એ પણ મૂંઝવણવાળું કામ છે. હું સમેટવા માંડું."

"પણ આપણે એકલાં નહીં, ડૉક્ટર દંપતી પણ ભેગાં."

"તારું આજનું વેન પણ ભારી વિચિત્ર છે, અમા ! હં, તને આજે કોઈક યાદ આવ્યું લાગે છે."

પોતે પણ ચિંતામગ્ન બની ચાલ્યો ગયો. આ રંગીલા બર્મીઓની રંચ પણ ઉદાસી તેને અસહ્ય થઈ પડતી. સાત આગલી ને સાત પાછલી પેઢીઓની ફિકર વેઠતા, પરિગ્રહ-પુંજના બળદિયા જેવા, પલપલ રળવા સિવાય બીજા કોઈ નાદને ન ઓળખતા ને પોઢતી વેળા પણ ઓશીકે ને છાતીએ સટ્ટાના ટેલિફોનો ગોઠવતા ગુજરાતીઓને તો આનંદ કે ખુશમિજાજીનો ઈશ્વરી ઇન્કાર છે; એમને એકેય વાતની કમીના નહીં હોય તો ખુદ આનંદોત્સવની અંદરથી પણ કંઈ ને કંઈ કંકાસ ઊભો કરશે; પણ આ બ્રહ્મદેશી પ્રજાના પંખી-શા હળવાફૂલ પ્રાણ પર કેમ આવાં આત્મપીડન ઉદ્ભવવા લાગ્યાં ? નૃત્યમૂર્તિ નીમ્યા કેમ વિચારભરે અકળાવા લાગી? સારી સૃષ્ટિ રતુભાઈને ચકડોળે ચડતી જણાઈ.

કારણ કે નીમ્યા ઉદાસ બની હતી!



Rate this content
Log in

Similar gujarati story from Classics