Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Inspirational Thriller Tragedy

3  

Mariyam Dhupli

Inspirational Thriller Tragedy

વૈભવ

વૈભવ

4 mins
801


રસોઈ તૈયાર થઇ ગઈ. અતિ મોંઘા રાચરચીલાંવાલાં રસોડામાં એ ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગોઠવાઈ. ડબલ ડોર ફ્રીજમાંથી થોડા સમય પહેલા બહાર નીકળેલા જ્યૂસના ડબ્બામાંથી એક મોટો ગ્લાસ જ્યુસ ગળાના નીચે ઉતર્યો. ચ્હેરા ઉપર જ નહીં શરીરમાં પણ અનેરી તાજગી ફરી વળી. ઉપરના લાકડાના શેલ્ફમાંથી બિસ્કિટના ડબ્બા નીકાળી એક પછી એક ચકાસ્યા. ચોકલેટ ફ્લેવરવાળા એના પ્રિય બિસ્કિટ આખરે મળીજ ગયા. એ બિસ્કિટનો સ્વાદ કેટલો સરસ હતો એ હોઠોના હાસ્ય અને બંધ આંખો દ્વારાજ છતું થયું.

સ્વાદિષ્ટ નાસ્તાની મજા માણી,રસોડાને એક અંતિમ વાર સફાઈનો સ્પર્શ આપી એ બહાર નીકળી. વૈભવી ફ્લેટની બાલ્કનીમાંથી દેખાઈ રહેલા સુંદર સૂર્યાસ્તના દ્રશ્યને દરરોજની જેમ માણવા એ દોડતી ભાગતી બાલ્કની ઉપર પહોંચી. બાલ્કની ઉપર હવાથી ઝૂલી રહેલા નકશીકામ વાળા લાકડાના સુંદર રજવાડી હિંચકા ઉપર એ રાણીની જેમ ગોઠવાઈ. હિંચકા ઉપર ગોઠવાયેલ ભરતકામથી સજ્જ ઓશિકાઓ એના શરીરને આરામદાયક ટેકો આપી રહ્યા. પગના ઠેકડાંઓથી હિંચકો આગળપાછળ ઝૂલી ઉઠ્યો. ડૂબી રહેલો સૂર્ય, ઉડતા પંખીઓ, લીલાછમ વૃક્ષો જાણે એને પ્રેમથી નમન કરી રહ્યા.

પ્રકૃત્તિ જોડેની નિયમિત મુલાકાત નિપટાવી એ ફરી અંદર પ્રવેશી. અતિ વિશાળ બેઠક ખંડનું રાજાશાહી ફર્નિચર પોતાની સુંદર ચળકાટ જોડે એનું સ્વાગત કરી રહ્યું. ભવ્ય અરીસા પાસે ટેકવાયેલા ટેબલ ઉપરથી એણે એસીનું રિમોટ ઉઠાવ્યું. પોતાના શરીરના તાપમાનને અનુકૂળ આંકડા દબાવી એણે રિમોટ એક પડખે મૂકી દીધું. થોડાજ સમયમાં આખો બેઠક ખંડ ઠંડી, શીતળ હવાથી તાજગીસભર જીવંત થઇ ઉઠ્યો. ઉનાળાની અંદર જાણે શિયાળો પ્રવેશી ગયો.

પ્યોર લેધરવાળા સોફા કમ બેડ ઉપર એણે બન્ને પગ લંબાવ્યા. આખા દિવસનો પગનો થાક જાણે નરમ સોફાએ શોષી લીધો. સોફા સામેનાં પારદર્શક કાચના ટેબલ ઉપરથી એણે ધીરે રહી ટીવીનું રિમોટ પોતાના તરફ સરકાવ્યું. બીજીજ ક્ષણે ૪૨ ઈંચનું આંતરાષ્ટ્રીય બ્રાન્ડનું એ ટીવી પ્રભાવશાળી રીતે ઝળહળી ઉઠ્યું. પોતાની ગમતી ટીવી શ્રેણી નિહાળતી એની આંખો રસપૂર્વક એ અતિ પહોળા ટીવીના પરદા ઉપર વ્યસ્ત થઇ. થોડા સમય માટે એક જુદાજ વિશ્વમાં એ ખોવાઈ ગઈ. શરીર અને મન યોગ્ય વિશ્રામ લઇ રહ્યા.

આરામદાયક એ પરિસ્થિતમાં ક્યારે એની આંખ મીંચાઈ ગઈ,એની એને જાણ પણ ન થઇ.ઝબકીને જયારે આંખ ખુલી ત્યારે બેઠક ખંડની એન્ટિક લોલકમાં આઠ વાગવાની તૈયારી હતી.

' એ આવતાજ હશે ...' ના શીઘ્ર વિચાર જોડે એણે ટીવી બંધ કર્યું. રસોડામાં જઈ માઇક્રોવેવ થકી રસોઈ ફરી ગરમ કરી.

રસોડાની ડાબી તરફના આકર્ષક સ્નાનાઘરમાં જઈ એણે વીજળી કરી. ઝાકુઝી અને બાથટબની બીજી તરફ શણગારાયેલા કલાત્મક અરીસામાં પોતાનું મોઢું ધ્યાનથી નિહાળ્યું. થોડી ઘણી ઊંઘથી પણ ચ્હેરો તાજો લાગી રહ્યો હતો. ચામડીની કાળજી અને દરકાર માટે વસાવવામાં આવેલા અઢળક સામાન પર એની નજર સૂક્ષ્મ રીતે ફરી રહી. ગુલાબની સાચી પાંખડીઓના રસમાંથી તૈયાર થયેલું ખુબજ મોંઘુ ફેશવોશ એના હાથમાં આવ્યું. ગુલાબરસથી એણે ચ્હેરો હળવા હાથે કાળજીપૂર્વક ધોઈ નાખ્યો. ચ્હેરા ઉપરની તાજગીને ચાર ચાંદ લાગી ગયા. ચ્હેરો લૂછી, વાળ સરખા કરી, એણે દુપટ્ટો વ્યવસ્થિત પહેર્યો. પોતાના વ્યક્તિત્વ ઉપર ગર્વભરી દ્રષ્ટિ ફેરવી.

ડોરબેલ જોડે એનું શરીર સતર્ક થયું. ' આવી ગયા ' ના વિચાર જોડે એણે સ્નાનાઘરની વિજળી ઓલવી નાખી.

દરવાજો આદર પૂર્વક ખોલ્યો. સામે પોતાની શેઠાણી ઉભી હતી. તરતજ એમના હાથમાંથી એણે ઓફિસની બેગ લઇ જગ્યા ઉપર ગોઠવી.

શેઠાણીનો ચ્હેરો થાકથી નિધાળ હતો. ઓફિસના કાર્યોનો માનસિક તાણ આખા શરીર ઉપર પ્રભાવ પાડી રહ્યો હતો.

" જમવાનું તૈયાર છે . " ધીમા સ્વરે એણે શેઠાણીને જણાવ્યું.

" ના, આજે મિટિંગ ખુબજ લાંબી ચાલી. કોફી ઘણી પીવાઈ ગઈ. જમવાનું મન નથી. રહેવા દે. સાહેબનો પણ ફોન આવ્યો હતો. એમને પણ મોડું થશે. મારી દવા મને આપી દે. "

શેઠાણીને એમની નિયમિત બ્લડ પ્રેશરની દવા આપી એણે પરવાનગી માંગી.

" તો હું જાઉં. "

" હા, કાલે સમયસર આવી જજે. મારે વહેલા નીકળવાનું છે ...ને આ તારો પગાર. "

પોતાને મળેલા ઊંચા આંકડાવાળા પગારમાંથી એક નાની રકમ શેઠાણીએ એને સોંપી.

ખુશી અને સંતોષના ભાવો જોડે એ આલીશાન ફ્લેટમાંથી બહાર નીકળી આવી. કાલે ફરીથી સવારથી સાંજ સુધી આ ભવ્ય વૈભવી ફ્લેટ ફક્ત અને ફક્ત એનો જ હશે.

એના જતાં જ શેઠાણી પોતાના શયનખંડમાં જઈ થાકથી લથપથ પલંગ ઉપર પછડાઈ.

આખા ફ્લેટની વીજળી બંધ થઇ.

એ અંધકારમાં આધુનિક મોંઘુ રસોડું, ડબલ ડોર ફ્રિજ, સુંદર બાલ્કની, બાલ્કની પરનો રજવાડી હિંચકો, ડિઝાઈનર ફર્નિચર, સ્ટાયલિસ્ટ બેઠકખંડ, ૪૨ ઈંચનું હોમસીનેમા, લેધરવાળું સોફા કમ બેડ, ઝાકુઝી,બાથટબ અને શણગારનો સામાન દરરોજની જેમ શેઠાણીની રાહ જોતા રહી ગયા ....!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational