Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પ્રેમની શક્તિ

પ્રેમની શક્તિ

11 mins
7.0K


બે વર્ષના સ્કોલરશીપ અભ્યાસ પછી હું દેશ પરત થયો. ટ્રાફિકમાં કલાકો ફસાવા કરતા પપ્પાને ઘરેજ રાહ જોવા કહ્યું. ટેક્ષી લઈ સીધો ઘર તરફ નીકળ્યો. મિત્રોને મળવાના બે વર્ષ વીતી ચૂક્યા. ક્યારેક ફેસબુકને વોટ્સ એપ્પ પર ડોકિયું કરી લેતો પણ બંને દેશોના સમયમાં લાંબા કલાકોનો તફાવત હોવાથી વાર્તાલાપ નહિવત જેવોજ હતો. આજે એ લાંબા સમયની રાહનો અંત આવ્યો. સાંજે આખી ગેંગને જૂની કોલેજ ઉપર બોલાવી એક જબરદસ્ત રીયુનિયન કરવાના હેતુ એ વારાફરતી કોલ કરવાના વિચારને વાચા આપી. પરંતુ પહેલાંજ મિત્રને કોલ કરતા જે સમાચાર સાંભળવા મળ્યા, એ સાંભળીનેજ જાણે પગ નીચેથી જમીન સરી પડી. હૈયું દ્રવી ઊઠ્યું. ધ્રુજતા હાથોમાંથી મોબાઈલ નીચે ગબડ્યો.

"અંકિતાની સ્કૂટીનું અકસ્માત થયું અને બે અઠવાડિયા પહેલાંજ આ દુનિયા છોડી ગઈ?"

ટેક્ષી ચાલકને ઘરની જગ્યાએ આરુષના ઘરનું સરનામું આપ્યું. ટેક્ષી આરુષના ઘર  તરફ વળી ને મારા વિચારો ભૂતકાળમાં આરુષ ને અંકિતાની પ્રેમકથા તરફ. આરુષ મારો સૌથી ખાસ મિત્ર. સ્વભાવે અતિસંવેદનશીલ, શહેરના અગ્રણી ધનાઢ્ય બિઝનેસમેનનો એકનો એક પુત્ર. માતાપિતાના લાડ, પ્રેમને પંપાળથી ઉછરેલો. એની દરેક ઈચ્છા તેજ ક્ષણે પૂરી કરાવી અપાતી જે ક્ષણે ઉદ્દભવતી. એના  જીવનનો સફર તદ્દન કાંટાવિહીન પુષ્પ જેવો. મોંઘામાં મોંઘી ગાડી એનાં માટે રમકડાં માંગવા સમાન.

કોલેજ પછી સીધોજ પિતાનો જમેલો બીઝનેસ સંભાળવાનો હતો. સજેલી થાળી સીધીજ હાથમાં આવવાની હતી. એટલે કોલેજનો અભ્યાસ એને માટે ફક્ત એક ઔપચારિકતા હતી. એનાથી વિરુદ્ધ અંકિતા એક મધ્યમ વર્ગીય કુટુંબની સાધારણ કન્યા.

માતાપિતાનું સંઘર્ષયુક્ત જીવન નિહાળીને ઉછરેલી. અંકિતામાટે  કોલેજનો અભ્યાસ અને એને અંતે હાથમાં આવનારી પદવી એના જીવનને આકાર આપવા માટે અનન્ય મહત્વ ધરાવતા હતા. મહેનતી, ધગશી ને સંપૂર્ણ ધ્યેયયુક્ત વ્યક્તિત્વ. લેક્ચર બન્ક કરવા, કેન્ટીનમાં નકામો સમય વેડફવો, બાઈક પર લાંબી લટારો મારવા જવું એને જરાય પોષાય નહિ. આરુષ મોટેભાગે કોલેજના પાર્કિંગ પર તો અંકિતા  મોટેભાગે લાઈબ્રેરીમાં જ દેખાતી.

કોલેજના પહેલા વર્ષ દરમિયાન આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં રોમિયો ને જુલિયટના પાત્રો નિભાવતા આ બે જુદા વિશ્વની વ્યક્તિઓ સામસામે આવી. કોલેજને ટ્રોફી મળી અને આરુષને એના જીવનનો પ્રેમ. પણ એનો આ 'લવ એટ ફર્સ્ટ સાઈટ' ફક્ત એક તરફીજ બની રહ્યો. વેલેન્ટાઈન ડે હોય કે રોઝ ડે, આરુષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ અચૂક મૂકતો. ક્યારેક લાઈબ્રેરીમાં વાંચનમાં વ્યસ્ત અંકિતા સામે તો ક્યારેક એની સ્કૂટી અટકાવી પાર્કિંગમાં રસ્તાની વચ્ચેજ. અંકિતાએ  આરુષના આ ફિલ્મી તમાસાઓમાં કોઈ રસ ના દાખવ્યો. આરુષનો અંકિતા માટેનો પ્રેમ એની જિદ્દ બનતો ગયો. અંકિતાની એક 'હા' સાંભળવા એ કોઈ પણ હદ વટાવવા તૈયાર હતો. 'ના' સાંભળવાની એને ટેવજ ક્યાં હતી?

એક દિવસ એણે આખા કોલેજની વચ્ચે ફરીથી એનો ફિલ્મી અંદાજમાં પ્રસ્તાવ મૂક્યો. ફૂલોની જાણે દુકાનો જ ઉઠાવી લાવ્યો હતો. આખું કેમ્પસ એ તાજા ફૂલોથી મહેકી ઊઠ્યું હતું. કેટલાક મ્યુઝિશ્યનને ભાડેથી લઈ આવ્યો હતો. જે પોતાના રોમેન્ટિક સંગીતથી વાતાવરણને વધુ પ્રેમભર્યું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેમ્પસ પર ઉપસ્થિત દરેક યુવતીઓની આંખોમાં ઈર્ષ્યા સ્પષ્ટ ડોકાઈ રહી હતી. આજે તો અંકિતા 'હા' જ પાડી દેશે, આરુષનેજ નહિ અમને બધાને પણ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી હતી. પણ અંકિતાએ અમારી બધીજ આશાઓ પણ ઠંડુ પાણી રેડી નાખ્યું. આરુષના હાથમાંથી ગુલાબ લઈ એના ચૂરેચૂરા કરી નાખ્યા. મ્યુઝિશિયનને પણ બરાબરના ધમકાવ્યાને વાઘની જેમ ગરજી :

"આ ફિલ્મી દુનિયામાંથી બહાર આવ. વાસ્તવિકતાની ધરતી પર થોડા ડગલાં ભર. ને બીજીવાર આવા નાટકો કર્યા તો સીધી પુલીસ સ્ટેશન જઈશ, સમજ્યો?"

અતિસંવેદનશીલ આરુષના હૃદયના ટુકડે ટુકડા થઈ પડ્યા. એની જિદ્દ પૂરી નજ થઈ. એનો પ્રેમ અસફળ નીવડ્યો અને આખા કેમ્પસની વચ્ચે એની પ્રેમની મશ્કરી થઈ રહી. ગુસ્સામાં કેમ્પસ છોડી ગયેલો આરુષ આગળ જે પગલું ભરવાનો હતો એની કોઈએ કલ્પના સુધ્ધાં પણ કરી ન હતી !

બીજેજ દિવસે આરુષ હોસ્પિટલમાં ભરતી થયો. હાથની નસો કાપવાનો પ્રયાસ એણે કર્યો હતો. લોહી ઘણું વહી ગયું હતું. સદ્દભાગ્યે એનો મરવાનો પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યો. હોસ્પિટલના એ ઓરડાનું વાતાવરણ આજે પણ મારી આંખોમાં સંપૂર્ણ જીવંત હતું. આરુષના માતા પિતા એકના એક પુત્રના આ હાલથી હચમચી ગયા હતા.

અમે બધાજ મિત્રો એની આ માનસિક પરિસ્થિતિમાં એની પડખે ઉભા હતા. એક નિર્દય હૃદયના નિર્ણયની સજા એક અતિસંવેદનશીલ હૃદય ભોગવી રહ્યું હતું. બધાના હૃદયમાં એ પથ્થર હૃદય માટે તિરસ્કાર ભારોભાર ભર્યો હતો.

આ બધા તણાવની વચ્ચે હોસ્પિટલના એ ઓરડાનું બારણું આંધીની જેમ ખુલ્યું અને તુફાની વાયરા સમાન અંકિતા અંદર પ્રવેશી. બધાની આંખોમાંના તિરસ્કાર ને ઘૃણાનો સામનો કરતી એ સીધી આરુષની સામે ઊભી થઈ.

"જો આજે તને કંઈ થઈ જતે તો મારું શું થતે?"

અંકિતાના શબ્દોથી બધીજ ઘૃણા અને તિરસ્કાર ઓરડામાંથી ઓસરી ગયા. જાગેલા પ્રેમની સુવાસ બધાને અનુભવાઈ. આખરે આરુષની જિદ્દે અંકિતાના હૃદયમાં પ્રેમના બીજ રોપીજ નાખ્યાં. બધાની ખુશી હજી આગળ પ્રસરે એ પહેલાંજ એક જોરદાર થપ્પડથી આખો ઓરડો ધ્રુજી ઊઠ્યો. મૃત્યુના મોઢેથી માંડમાંડ પરત થયેલ કોઈ વ્યક્તિને આવો થપ્પડ તો કદીયે ન મળ્યો હશે ! ઓરડામાં હાજર બધાજ આરુષની જેમજ અવાક બની રહ્યા.

અંકિતાના ગરજતાં અવાજની નીચે બધાની ખોટી ધારણાઓ કચડાઈ રહી.

"તને કઈ થઈ જતે તો તું તો સીધો સ્વર્ગ સિધાવી જતે. પણ હું અને મારું પરિવાર નકામા પુલીસસ્ટેશનના ચક્કરોમાં સપડાઈ જતે. પરીક્ષાઓ માથે આવી ઊભી છે ત્યાં આવી નકામી દોડધામો નહિ પોષાય."

આરુષના ટેબલની પાસે ગોઠવાયેલ ફ્રૂટ ને જ્યુસને જોઈ અચરજ પામતી એ અમારા મિત્ર મંડળ તરફ ફરીને અમારું મિત્ર મંડળ ડરીને બે કદમ પાછળ હટ્યું.

"ને તમે એના મિત્રો છો કે ચમચા? એની સેવા કરવાની જગ્યા એ બે ત્રણ થપ્પડ લગાવ્યા હતે તો કહેવાતે સાચા મિત્રો !"

આરુષના હાથમાં લગાવેલી પટ્ટીઓને સ્પર્શતા એના ચ્હેરા પર મંદ હાસ્ય છવાયું.

"સારું થયું કે તારો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તારા જેવા કાયર ને ડરપોકને કોણ જીવનસાથી બનાવે? એક યુવતી એ ગુલાબ ન સ્વીકાર્યું ને મરવા ઉપડ્યો? કાલે તારી પત્નીનાં જીવનમાં કોઈ સમસ્યા આવશે તો એને ઝહેર પીવાનું સુચવશે? અને તારા બાળકો ના જીવન માં કોઈ સંઘર્ષ ઉદ્દભવશે તો એમને દોરડા આપી પંખે લટકવાનું કહેશે? જીવન તને બહુ સસ્તું લાગે છે ને? ઈશ્વરે આપેલ સ્વાસ્થ્યની કોઈજ કદર નથી? તો જા ઊભો થા ને આ હોસ્પિટલનો એક ચક્કર કાપી આવ. કેવી કેવી બીમારીઓ ને માંદગીઓ સામે લોકો ઝઝૂમી રહ્યા છે. જીવનમાં હજી થોડા વર્ષો, મહિનાઓ, દિવસો કે થોડાક કલાકો વધારે મળી જાય એ માટે તરસી રહ્યાં છે ને તું...?" આરુષના વધુ નજીક જઈ એ ધીરેથી હસી :

"પ્રેમ તો શક્તિનું નામ. એ જીવવું  શીખવાડે, મરવું નહિ."

બંદૂકમાંથી છૂટી નીકળેલી ગોળી સમાન એ ઓરડો છોડી નીકળી ગઈ. બધા એ રાહતનો શ્વાસ લીધોજ કે એ ઓરડામાં ફરી પ્રવેશી. અચાનક આવી પહોંચેલ શિક્ષકને જોઈ વિદ્યાર્થીઓ જેમ સતર્ક થઈ જાય તેમજ આરુષ સહિત ઓરડામાં હાજર બધીજ વ્યક્તિઓ ફરી સતર્ક થઈ ગઈ.

આરુષના માતાપિતાના પગે લાગી એ હાથ જોડી ઊભી થઈ : "મારા આ વર્તન બદલ મને માફ કરશો. પણ આપનો પુત્ર એનેજ લાયક છે. નાનું મોઢું મોટી વાત. પરંતુ બાળકની બધીજ ઈચ્છાઓ પૂરી કરવાથી જ પ્રેમની સાબિતી ન અપાય, ક્યારેક બાળકોની અયોગ્ય, નકામી ઈચ્છાઓનો અસ્વીકાર કરી; એમની જિદ્દને તોડીને પણ માતાપિતાએ સાચો પ્રેમ સાબિત કરવો પડે."

અંકિતા જતી રહી ને આખો ઓરડો શાંત ભાસી રહ્યો.

બધાના મોઢાં સિવાઈ ગયાં. આરુષના માતા તો ચોંકીને નિશબ્દ બની ગયાં. ફક્ત એના પિતાના મોઢે એટલાજ શબ્દો નીકળી શક્યા, "મારી વહુ તો આજ યુવતી બનશે!"

એ દિવસે હોસ્પિટલના એ બનાવ પછી અમારા આખા મિત્ર મંડળનું જીવન એક સીધી રેખામાં આવી ગયું. આરુષને પડેલા એ થપ્પડથી એનું જીવન તો વધારે પડતુંજ સુધરી ગયું. કેન્ટીનમાં બેસી સમય વેડફતો યુવક લાઈબ્રેરીમાં સમયનો સદુપયોગ કરવા લાગ્યો. અંકિતાની આગળ પાછળ ફરવાને બદલે અભ્યાસની પાછળ મંડી પડ્યો. પાર્કિંગમાં કે લોન્ગ ડ્રાઈવમાં મજા માણનારો લેક્ચરમાં નિયમિત થવા લાગ્યો. રજાના દિવસોમાં અમારી જોડે લટાર મારવાને બદલે ઓફિસે જઈ પિતાની પાસે બિઝનેસ શીખવા લાગ્યો.

કોલેજનું ત્રીજું વર્ષ અજૂગતા બનાવો સાથે સંપન્ન થયું. અંકિતાએ કોલેજમાં ટોપ કર્યું. નહિ એ અજૂગતું નહિ સંપૂર્ણ અપેક્ષિત હતું. પણ ત્રણ ટોપના વિદ્યાર્થીઓમાં ત્રીજું નામ આરુષનું હતું, એ અજૂગતું હતું અને એનાથી પણ અજૂગતું તો અંકિતાનો પ્રસ્તાવ જે એણે આખા કેમ્પસની સામે આરુષની સમક્ષ મૂક્યો હતો, પ્રેમનો, લગ્નનો.  

એ દિવસે અમારો એ અતિસંવેદનશીલ મિત્ર અંકિતાને ગળે લાગી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો ને અંકિતા એને ગળે લગાવી એના ઉપર ગર્વ લેતી કેવી ગદગદ હસી રહી હતી...!

આરુષે પિતાના બિઝનેસને વધુ ઊંચાઈઓ આપવા એમ.બી.એ.નું ફોર્મ ભર્યું. અંકિતા એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સ્વ્પ્ન પૂર્ણ કરવા મંડી પડી. બધા જ મિત્રો પોતપોતાના વ્યવસાયિક નિર્ણયોમાં આગળ વધ્યા ને હું મારા ફોટોગ્રાફીની સ્કોલરશીપ સાથે વિદેશ ઉપડી ગયો. આવી હતી અમારી અંકિતાને આ હતી આરુષ ને અંકિતાની પ્રેમકથા.

આજે જયારે અંકિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે આરુષની પરિસ્તિથી મારી આંખોમાં તદ્દન સ્પષ્ટ ઉપસી આવી. મારો એ અતિસંવેદનશીલ મિત્ર કઈ હાલતમાં હશે એ વિચારતાંજ હૈયું પીગળી રહ્યું. ઓક્સિજન પર જીવતા કોઈ વ્યક્તિનું ઓક્સિજન માસ્ક છીનવાઈ જાય કે કોઈ ડૂબી રહેલી વ્યક્તિને બહાર ખેંચી રહેલ હાથ પાછો છૂટી જાય ને એ અંધકારના વધુને વધુ ઉંડાણોમાં ડૂબતો જાય... એવીજ તડપ ને એવીજ વેદના ! પણ હવે તો કોઈ અયોગ્ય પગલું ભરતા આરુષને થપ્પડ મારવા અંકિતા પણ ન પહોંચશે !?

ટેક્ષી ચાલકે ટેક્ષી આરુષના ઘર આગળ ઊભી કરી. એને ત્યાંજ રાહ જોવાનું કહી હું આંખોના ખૂણાંઓ સાફ કરતો, હિમ્મત ભેગી કરતો અંદર પ્રવેશ્યો.

આરુષના માતાપિતાની આંખોમાં કોઈ કિંમતી હીરો ગુમાવી દેવાની પીડા સ્પષ્ટ પણે હું જોઈ રહ્યો : "આરુષ ઉપર એના ઓરડામાં છે."

એ મહેલ જેવા ઘરનો દાદરો ચઢતા મન ભારે થઈ રહ્યું. આરુષને એ પીડાજનક અવસ્થામાં કઈ રીતે જોઈ શકીશ? શું સાંભળીશ? શું કહીશ? એના ઓરડાની નજીક પહોંચતાંજ હૃદયના ધબકારા પણ ભારે થઈ રહ્યા. આ બધી મૂંઝવણોની વચ્ચે મારા કાન પર એક જૂનું કર્ણપ્રિય ગીત આવી સ્પર્શ્યું. કિશોર કુમારનો એ ક્લાસિકલ કંઠ આરુષના ઓરડામાંથીજ સંભળાઈ રહ્યો હતો.

"મોત આની હે આયેગી એક દિન; જાન જાની હે જાયેગી એક દિન; એસી બાતોં સે ક્યાં ઘભરાના? યહાં કલ ક્યા હો કિસને જાના?"

સાથે સાથે આરુષનો ગણગણવાનોને સિટી વગાડવાનો અવાજ સાંભળતા હું જરા વિસ્મયમાં મુકાયો. બારણું ખટખટાવ્યું ને તરતજ ઊઘડ્યું.

"અમિત, વ્હોટ એ સરપ્રાઈઝ? તું ક્યારે પરત થયો?"
"બસ એરપોર્ટ થી સીધોજ અહીં આવ્યો."

મને પ્રેમથી ગળે લગાવી ઉત્સાહથી એ પૂછી રહ્યો; "મને કોલ કરતે તો હું ગાડી લઈ પહોંચી જતે !"
"તો પછી સરપ્રાઈઝની મજા ક્યાં આવતે?"

મારા જવાબથી એ ખડખડાટ હસી પડ્યો; "એ વાત તો સાચી."

"અને બોલ કંઈક નવાજુની?" એની પ્રતિક્રિયા ચકાસવા મારા તરફથી અંકિતાની વાત છેડ્યા વિનાજ હું ઔપચારિકતાથી પૂછી રહ્યો.

ટેબલ ઉપરની ફાઈલોમાં પરોવાયેલા હાથો વડે એ ખૂબજ ઉમળકાથી જવાબ આપી રહ્યો, "બસ, એમ.બી.એ.માં દિલોજાન આપ્યું છે. પરિણામની રાહ જોઉં છું. પોતાના અભ્યાસનો પૂરેપૂરો ફાયદો પપ્પાના બિઝનેસને આપી એને એક નવા મુકામ પર પહોંચાડવું છે." આરુષની આ ધ્યેયયુક્ત વાતોથી અમારી એ ધગશી, મહેનતુ ને હેતુબધ્ધ અંકિતાનો ચ્હેરો આંખો સામે ઉપસી આવ્યો.  

"તને આ રીતે જોઈ ખુબજ ખુશી થઈ આરુષ. અંકિતા વિશે સાંભળ્યું ત્યારે થયું કે..." શબ્દો આગળ વધતા અટકી ગયા.

આરુષ મંદ મંદ હસ્યો તદ્દન અંકિતા જેવુંજ... "ત્યારે થયું કે આરુષ ફરી હાથોની નસો કાપી નાખશે, પંખે લટકાઈ જશે, ટ્રક નીચે આવી જશે, નદીમાં કૂદી જશે, ઝહેર પી લેશે કે બાલ્કનીમાંથી છલાંગ લગાવી દેશે, રાઈટ?" શબ્દોના અભાવે મારી આંખો ઝૂકી ગઈ. પણ હા, સાચું કહું તો આરુષથી એવીજ કોઈ અપેક્ષા હતી. એના હાથ મારે ખભે મુકાયા ને લાગણીઓ શબ્દો રૂપે આગળ વધી.

"આ બધું કરીને શું મળતે મિત્ર? અંકિતા તો પરત નજ થતે પણ મારા મૃત્યુથી બીજા બે શરીરો જીવતાંજીવત મરી જતે, મમ્મીપપ્પા. જ્યારે પણ મારી તસ્વીર પર હાર ચઢાવવા એમના હાથો ઉઠતે ત્યારે મારા વિનાશ પાછળ અંકિતાનીજ તસ્વીર એઓ નિહાળતે. મારા માતાપિતા, મિત્રો, સંબંધીઓ, પાડોશીઓ, આખો સમાજ અંકિતા માટે તિરસ્કાર અને ઘૃણાના ભાવો જ અનુભવતે. મારી અંકિતાને મારી પડતી ના કારણ રૂપેજ યાદ કરવામાં આવતે. નહિ  મિત્ર, એ મારો પ્રેમ સહી નાજ શકે. હવે તો બસ એવું જીવવું છે, કે બધાજ અંકિતાને મારી સફળતામાં ખોજે. મારા દરેક હાસ્ય અને દરેક ખુશી પાછળ બધાજ અંકિતાનો ચ્હેરો નિહાળે. મારી અંતરની ખુશીને બાહ્ય પ્રગતિ નિહાળી દરેક હૃદય અંકિતાને માન, સન્માન ને આશીર્વાદ જ આપે.

મારી વધુ નજીક આવતા એ હળવી રમૂજમાં બોલ્યો; "અને જો સીધો નહિ જીવ તો મારી અંકિતાનો ભરોસો નહીં, પ્રેત બનીને પણ થપ્પડ મારવા પહોંચી જાય !"

અમે બંને ખડખડાટ હસી પડ્યા. એ વાત જુદી હતી કે અમારા હાસ્ય થોડા ભીંજાયેલા હતા. આરુષે ટેબલ પરથી અંકિતાની તસ્વીર ઉઠાવીને એની આંખોમાં પ્રેમની એક અનન્ય શક્તિ હું જોઈ રહ્યો.

"એટલે હવે અંકિતા સિવાય જીવનમાં કોઈ પ્રવેશી ન શકે?" ધીરે રહી હિમ્મત કરી એનું મન કળવા હું પ્રયાસ કરી રહ્યો.

અંકિતાની તસ્વીર પ્રેમને સમ્માનથી ટેબલ પર મૂકી એની આંખો મારી આંખોમાં પરોવાઈ. "પ્રેમ અને મૈત્રી જીવનમાં પૂછીને ન આવે. એ તો આવી ચઢે આંધી જેમ, તુફાની વાયરા જેમ, મારી અંકિતાની જેમ." એની આંખોની ચમક હકારાત્મકતાથી પ્રજ્વલિત થઈ.

"જીવનમાં આવનાર એ નવી મિત્રતા મારી અંકિતાને પણ મારી જેમજ પ્રેમ અને સમ્માન આપે તો ઘણું..." એના ખભે ગર્વથી હાથ મુકાયા અને થોડા કલાક પહેલાનું વિહ્વળ મન સંતુષ્ટ ને શાંત અનુભવાયું, "તો સાંજે મળીયે કોલેજ પર."

આરુષના ઓરડાનું બારણું બંધ કરી હું નીચે ઉતર્યો. એનું ક્લાસિકલ સંગીત ફરીથી હવાઓમાં ગુંજ્યું.

એના માતાપિતાને આશ્વાસન આપવા ખૂબજ ટૂંકા શબ્દોનો ઉપયોગ કર્યો. "આપ ભાગ્યશાળી છો કે આરુષ જેવો દીકરો આપને મળ્યો."

આરુષના પિતા એ ગર્વથી જવાબ વાળ્યો એનાથી પણ ટૂંકા શબ્દોમાં; "હા..  અને અંકિતા જેવી દીકરી પણ."

આરુષ પોતાના પ્રેમ માટે બધાની આંખોમાં જે સન્માન જોવા ઈચ્છતો હતો એ આરુષના માતાપિતાની આંખોમાં હું સ્પષ્ટ પણે નિહાળી રહ્યો. એમના હ્રદયમાંથી અંકિતા માટે નીકળેલા આશીર્વાદ હું રોમ રોમમાં અનુભવી શક્યો.

આજે યુવાન હૈયાંઓમાં પ્રેમની જે ખોટી છબી પ્રચલિત થઈ છે, એ એમની સમક્ષ રજૂ કરાતા ખોટા દ્રષ્ટાંતોનુંજ પરિણામ નહિ? તારા વિના જીવી ન શકું કે તારા વિના મરી જ જઈશ જેવા ફિલ્મી સંવાદો કે ફિલ્મી ગીતો પાછળ ઘેલા બનતા યુવા હૈયાંઓ જીવનનું મૂલ્ય, સ્વસ્થતાનું મૂલ્ય, કુટુંબ, સંબંધોનું મૂલ્ય અવગણી એક ક્ષણમાં જીવનનો અંત લાવવા અચકાતા નથી. ગળે ફાંસો લગાવી, ઝહેર ગટગટાવી, વાહનોની નીચે શરીર કચડી, હાથની નસો કાપી, કુવાઓ અને સમુદ્રમાં ઝંપલાવી જીવનની મશ્કરી ઉડાવતા એવા યુગલોને સમાચારપત્રોની થોડી કોપીઓ વધુ વેચવા, પુસ્તકો ને બેસ્ટ સેલર બનાવવા, સમાચાર ચેનલોના ટી.આર.પી. ઊંચે લાવવા કે ફિલ્મોના નફાઓના આંકડા વધારવા ખોટા બિનજરૂરી પ્રચાર મળે છે. શબ્દો સાથે કામ પાડનાર દરેક વ્યક્તિ એ યાદ રાખવુંજ રહ્યું કે સાહિત્ય સમાજનો અરીસો તો છે પણ યુવા પેઢી માટે માર્ગદર્શક પણ છે. એમની માનસિકતાને સ્પર્શતું સંવેદનશીલ માધ્યમ છે. એના દ્રારા અંકિતા ને આરુષ જેવી પ્રેરણાદાયી પ્રેમકથાઓ યુવાપેઢી સુધી પહોંચાડી શકાય એજ સાહિત્યની સાચી જીત.

'જે જીવતા શીખવાડે એજ પ્રેમ, જે મૃત્યુ તરફ દોરી જાય, એ કાયરતા ને ભ્રમણા !'

હું ટેક્ષીમાં ગોઠવાયો ને ટેક્ષી આરુષના ઘરથી ધીરેધીરે દૂર જઈ રહી. આરુષના ઓરડાની ખુલ્લી બારીમાંથી વહી રહેલું ગીત આછું આછું સંભળાઈ રહ્યું :

"હસ્તે ગાતે જહાં સે ગુઝર;
દુનિયા કી તું પરવા ન કર;
મુસ્કુરાતે હુએ દિન બિતાના;
યહાં કલ ક્યા હો કિસને જાના?
જિંદગી એક સફર હે સુહાના."


Rate this content
Log in