Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Children Others

3  

Mariyam Dhupli

Children Others

ચલકચલાણી

ચલકચલાણી

3 mins
12.4K


ઓફિસને તાળું માર્યુ જ કે ફોનની રિંગટોન વાગી . શીઘ્ર કોલ રિસીવ કર્યો.

"હિતેષભાઇ પેલું રામનગર વાળું મંડપ ઉખાડી લઈએ ?"

"હા ...." હજુ વાક્ય સમાપ્ત કરું એ પહેલાજ ભૂતકાળની સુવર્ણ યાદો જોરશોર કાનમાં અથડાઈ આવી.

"ચલક ચલાણી ...."

"પેલે ઘર ધાણી ....."

અહીં ..અહીં ..."

"જલ્દી ...."

"દોડ ...."

"હું પહેલા પહોંચ્યો ...."

"ના, તારી લુચ્ચાઈ છે આ ...."

"હું પહેલા પહોંચ્યો હતો કે નહીં ? "

"હા , હા, હિતેષ આવ્યો પહેલા ..."

"ચાલ હવે તારો દાવ ."

"ચલકચલાણી ..."

"પેલે ઘર ધાણી ..."

"ઓહ , અહીં ..અહીં ..."

"જલ્દી કર ...."

"ભાગ ..."

"ચલકચલાણી ..."

"પેલે ઘર ધાણી ..."

"હેલો, હિતેષભાઇ ..."

કોલ ઉપર મારા ઉત્તરની રાહ જોવાઈ રહી હતી એ યાદ આવતાજ હું શીઘ્ર બાળપણમાંથી ફરી પરિપક્વતામાં સરી પડ્યો.

"એક કામ કરો . આજે રહેવા દો . કાલે વહેલી સવારે ઉખાડી લેજો."

"ઠીક છે , હિતેષ ભાઈ. જેમ આપ કહો એમ . તો કાલે જઈશું . "

કોલ કાપી હું બાઈક તરફ આગળ વધ્યો. કેટરિંગ સર્વિસના વ્યવસાયમાં તાજો તાજો પ્રવેશ્યો હતો પણ શીખતાં શીખતાં પકડ સારી એવી આવી ગઈ હતી. રવિવારનો દિવસ હતો . એટલે અર્ધો દિવસ મધ્યાહન સુધી હું ઓફિસ પરજ હોવ. નવા નવા વ્યવસાયને સિંચવા પરસેવોતો પાડવોજ રહ્યો. રવિવારને દિવસે ઘણા ગ્રાહકો મળવાને પ્રાધાન્ય આપતા અને રજાના દિવસે નિરાંતે આવી પોતાના ઓર્ડર સમય લઇ નક્કી કરી જતા. આજે પણ બે ગ્રાહકોનું અપોઈન્ટમેન્ટ હતું. બે ઓર્ડર પાક્કા થઇ ગયા હતા અને એડ્વાન્સપેમેન્ટ પણ મળી ગયું હતું.

રામનગરવાળા મંડપને આજે રવિવારેજ ઉખાડી લેવાનું હતું. શનિવારે રાત્રે ખુરશીઓ, વાસણો અને અન્ય દરેક સામાન સ્ટોરરૂમ પહોંચી ગયા હતા. ફક્ત મંડપ બાકી રહ્યું હતું. પણ મારા બાળપણની યાદો આજે રવિવારના દિવસ જોડે ટક્કર ખાઈ બેસી. રવિવાર એટલે શાળાઓ બંધ. ભૂલકાઓ મહોલ્લાઓમાં. એમાં જો એક લગ્નનું મંડપ નખાયું હોય તો એની છત્રોછાયામાં મહોલ્લાનું બાળપણ કેવું ખીલી ઉઠે એ હું ભૂતકાળની મારી સુવર્ણ ક્ષણોમાં નિહાળી તો આવ્યો.

ઘરે જવા માટે બાઇકને કિક મારી. પરંતુ ઘરે પહોંચવા પહેલા ભૂતકાળના એ દ્રશ્યને વર્તમાનના રંગોમાં રંગાયેલું નિહાળવાનું અને એ રંગો વચ્ચે પાંચ - છ વર્ષના પેલા ટાબરિયાં જેવા હિતેષને એના મિત્રો જોડે આનંદ કિલ્લોલ કરતો જોવાનું મન થઇ આવ્યું. બાઈક સીધીજ રામનગરની દિશામાં આગળ વધી.

મારા મનના કેનવાસ ઉપર ફરીથી બાળપણના રંગો પુરજોશમાં ઉછળી પડ્યા.

"ચલકચલાણી ..."

"પેલે ઘર ધાણી ..."

"એ હિતેષ અહીં ..."

"જલ્દી કર ..."

"હા ..હા ..."

"ચલકચલાણી ..."

"પેલે ઘર ધાણી ..."

બાળપણનો શોર અને કલબલાટ બાઈક ઉપર મોજથી ઘસડતો હું આખરે રામનગર પહોંચ્યો.

મહોલ્લામાં વ્યાપેલી નીરવતા અને સુનકાર વચ્ચે હું જાણે એ શોર અને ક્લબલાટને છોભીલો બની મનમાં સંકેલી રહ્યો. આખું મંડપ સૂનું અને મૌન ઉભું હતું. કેટલાક કાગડાઓ અને કબુતરો મંડપ ઉપર ઠંડા કલેજે ઉડાઉડ કરી રહ્યા હતા. કોઈ પણ માનવ અંશ જાગ્રત હોવાની કોઈ શક્યતા ન હતી. રજાના દિવસનો સન્નાટો મંડપ ઉપર ફૂંકાઈ રહ્યો હતો. કોઈને એની કઈ પણ જરૂર ન હોય એ ભાવનાથી ઉતરેલા મોઢે એ મધ્યાહનની ગરમ હવાની થાપ ખાતું મૂંગું ઉભું હતું. મારી સૂક્ષ્મ નજર ચારે દિશાઓમાં જાસૂસ માફક ફરી રહી. એક પણ ટાબરિયું નજરે ચઢ્યું નહીં. નિસાસા જોડે બાઇકને નિરાશ મને હું ધીરે રહી આગળની દિશામાં હાંકી રહ્યો.

અચાનક એક તીણો સ્વર મારા કાન ઉપર આવી અથડાયો. અવાજની દિશામાં મારી દ્રષ્ટિ ફેંકતા બાઇકને ધીરે રહી બ્રેક લગાવી.

ટેબ્લેટ ઉપર કોઈ ગેમ રમાઈ રહી હતી. એનો તીણો અવાજ હતો એ. એક ટેબ્લેટને ઘેરી ટાબરિયાઓનું ટોળું તદ્દન શાંત ગુંગું એ રમત નિહાળવા સ્ક્રીન ઉપર નિષ્ક્રિય પણે ચોંટી ગયું હતું. મકાનના ઓટલાના એક ખૂણા ઉપર મહોલ્લાના બાળપણને જાણે ફક્ત એકજ સ્ક્રીને સંપૂર્ણપણે હિપ્નોટાઇઝ કરી મૂક્યું હતું.

થોડા સમય પહેલા આવેલા કોલના નંબર ઉપર તરતજ કૉલબૅક કરી નાખ્યો.

"એક કામ કરો મંડપ આજેજ ઉખાડી નાખો . "

હિપ્નોટાઇઝડ બાળપણ ઉપર એક દયાની દ્રષ્ટિ જોડે મારી બાઈક આગળ વધી. મંડપમાંથી પસાર થતા એનું દરેક થાંભલો મને સાદ પાડી રહ્યું.

"ચલકચલાણી ..."

અને હું મનોમન દરેકને ઉત્તર આપી રહ્યો ,

"પેલે ઘર ધાણી ......"


Rate this content
Log in

Similar gujarati story from Children