Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Irfan Juneja

Action Crime Inspirational

3  

Irfan Juneja

Action Crime Inspirational

આરોહી - ૭

આરોહી - ૭

17 mins
14.2K


આરોહી જયપુરમાં નોકરીના ઇન્ટરવ્યું માટે જાય છે. એક મોટી ટેક્સટાઇલ કંપની જે બાંધણીનું કામ કરતી હોય છે ત્યાં આરોહીનું ઇન્ટરવ્યું થાય છે. આરોહીને ત્યાં જોબ મળે છે અને સેલેરી પણ સારી ઓફર કરે છે. આરોહી ઘરે જઈને બધાને ખુશ ખબર આપે છે. આરોહીના મમ્મી પપ્પા ખુબ ખુશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઘરે પરિવાર સાથે બેઠા હોય છે. ઉમેશભાઈના પરિવારમાં એમના દીકરાની વહુ લક્ષ્મીજી, પોત્ર અવિનાશ અને અવિનાશની દીકરી નિકિતા હોય છે.

"બેટા લક્ષ્મી અવિનાશ માટે કોઈ છોકરી જોઈ?"

"હા પપ્પા મારી એક ફ્રેન્ડની છોકરી છે. મારી જોયેલી પણ છે. અવિનાશને કહું છું કે પૂજાના ગયે હવે બે વર્ષ થયા હવે તો કોઈ છોકરી જોઈ લે.."

પૂજા જે અવિનાશની પહેલી પત્ની હોય છે. નિકિતા પૂજા અને અવિનાશની દીકરી હોય છે. પણ કાર ઍક્સિડન્ટમાં પૂજાનું બે વર્ષ પહેલા જ અવસાન થયું હોય છે. એટલે અવિનાશની માતા લક્ષ્મીબેન નિકિતાનું ખ્યાલ રાખતા હોય છે. અવિનાશના દાદાજી ઉમેશભાઈ સાથે અવિનાશ પણ કંપનીમાં સી.ઈ.ઓ. તરીકે ફરજ બજાવે છે.

"હા લક્ષ્મી બેટા હવે નિકિતાને સાચવવી અને અવિનાશના જીવનમાં પણ કોઈ જોઇયે.."

"હા બાપુજી.."

"આજે મારી કંપનીમાં એક છોકરી આવી હતી. ખુબ જ સોહામણી, સાદગીવાળી અને પ્રેમાળ.."

"ઓહો.. બાપુજી પણ અવિનાશ ..."

"હું અવિનાશનું નથી કહેતો આજે મને એ છોકરીનું ઇન્ટરવ્યું લઈને એક સારો એહસાસ થયો. એ દીકરીના પપ્પાને પેરાલિસિસનો અટેક આવેલ છે. એનો ભાઈ પણ ગુજરી ગયો છે જેથી એને ભણતર છોડીને જોબ ચાલુ કરી છે. કાલથી એ મારી પેર્સનલ આસિસ્ટન્ટનું કામ કરશે.."

"સારી વાત છે બાપુજી.."

આરોહી બીજા દિવસથી જ ઓફીસ જૉઇન કરી લે છે. ઓફીસમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને સરખી રાખી દે છે. ઉમેશભાઈ ઓફીસ આવે છે. વર્ષો પછી એમની કેબીન ઓર્ગેનાઇઝ્ડ જોઈને એ ખુશ થાય છે. આરોહીનો આભાર માને છે. આજે ચા પણ આરોહીએ જ બનાવી હોય છે. પ્યુન ન આવવાથી આરોહી ઉમેશભાઈ માટે ચા બનાવીને લાવે છે. ઉમેશભાઈ ૭૦ વર્ષના છે એટલે આરોહી એમની કેર એક દાદાજીની જેમ જ કરે છે. આરોહી મિટિંગ્સના રિમાઈન્ડર આપીને કેબીનની બહાર પોતાની ડેસ્ક પર બેસે છે. થોડીવારમાં અવિનાશ એની દીકરી નિકિતા સાથે ઓફીસ આવે છે. એ સીધા ઉમેશભાઈની કેબીન તરફ જાય છે.

"હેલો.. આપ કોણ.. ?" આરોહી અવિનાશને સવાલ કરે છે. આ જોઈ નિકિતા હસવા લાગે છે.

"તમારી કોઈ એપોઇન્ટમેન્ટ છે?" આરોહી બીજો સવાલ કરે છે.

"ના નથી.. મારે ઉમેશ સરને મળવું છે.."

"તમે એમ ના મળી શકો એપોઇન્ટમેન્ટ લઈને આવજો.." આરોહી ફરીથી અવિનાશ સામે જોઈને બોલે છે. નિકિતા હસવા લાગે છે.

"તું કેમ હશે છે બેટા?"

"આ પપ્પાની ઓફીસ છે. આંટી.."

આરોહીને એહસાસ થાય છે કે એનાથી ભૂલ થઇ. અવિનાશ અને નિકિતા હસતા હસતા કેબીનમાં જાય છે. આરોહી પણ એના વર્તનથી હસી પડે છે. થોડીવાર પછી નિકિતા આરોહી પાસે આવીને બેસે છે. બંને ખુબ વાતો કરે છે. આરોહી એનું હોમવર્ક કરવામાં પણ મદદ કરે છે. અવિનાશ કામ પતાવીને નિકિતાને લેવા આવે છે. આરોહી પોતે કરેલી ભૂલની માફી માંગે છે. અવિનાશ પ્રેમથી માફી ન માંગવા કહે છે.

આમ જ દિવસો વીતતા જાય છે. આરોહી અને નિકિતા વચ્ચે એક મૈત્રી થાય છે. આરોહીને નાના બાળકો બહુ ગમતા હોય છે. નિકિતા શનિવારે એના પિતા સાથે ઓફીસ આવે છે. આરોહી સાથે ટાઈમ વિતાવે છે. નિકિતાને એના મમ્મીની જે કમી ખલતી હતી હવે એ આરોહી સાથેની મૈત્રીથી ઓછી થવા લાગી છે. અવિનાશને પણ નિકિતામાં આ બદલાવ ગમે છે. અવિનાશ પોતાની દીકરીને ખુબ જ લાડથી મોટી કરી રહ્યો હોય છે. આરોહી ક્યારેક નિકિતાના હોમવર્કમાં મદદ કરે તો ક્યારેક વાતો કરીને સમય વિતાવે. એને ચોકલેટ્સ આપે. આ રીતે હવે નિકિતાને આરોહીની આદત પડી જાય છે.

આરોહીને ક્યારેક સ્ટેન્ડ પર ઓટો કે ટેક્સી ન મળે તો અવિનાશ એને ઘર સુધી ડ્રોપ કરવા જાય છે. એક દિવસ આજ રીતે અવિનાશ આરોહીને ડ્રોપ કરવા જતો હોય છે.

"અવિનાશ સર.. આપનો ખુબ ખુબ આભાર. આજે વરસાદમાં તમને તકલીફ આપી.."

"એમાં શું તકલીફ આરોહી.. તું અમારી કંપનીની એમ્પલોયી છે. અમારી ફરજ છે."

"આજે નિકિતા ન આવી સર?"

"હા એની તબિયત ખરાબ છે... "

"તમને વાંધો ન હોય તો હું એને મળી લઉં અને પછી તમે મને ડ્રોપ કરી દેજો.."

"હા સ્યોર.."

આરોહી અને અવિનાશ બંને અવિનાશના ઘરે પહોંચે છે. નિકિતાને તાવ હોય છે. એ કશું જમતી પણ નથી. આરોહી એને મનાવે છે અને થોડું જમાડે છે. લક્ષ્મીબેનને પણ આરોહી દેખાવ અને વર્તનમાં ગમવા લાગે છે. અવિનાશ આરોહીને ઘરે ડ્રોપ કરવા જાય છે.

આરોહી બીજા દિવસે ઓફીસ નથી જતી. અવિનાશ અને ઉમેશભાઈને ચિંતા થાય છે. અવિનાશ આરોહીને જોવા એની ઘરે પહોંચે છે. આરોહીના પિતાને વ્હીલચેર પર જુવે છે. આરોહી સાથે વાત કરે છે. આરોહી જણાવે છે કે એની ભૂલ થઇ ન જણાવ્યું પણ તબિયત સારી ન હતી. અવિનાશ એને જણાવે છે કે એમાં કઈ વાંધો નથી બસ કાળજી રાખજે.

અવિનાશના મનમાં આરોહી માટે પ્રેમ જન્મે છે પણ આરોહીને કહેવું કેમ? અવિનાશને પણ પૂજાના ગયા પછી કોઈ જીવનસાથીની શોધ છે જે નિકિતા અને એનું ધ્યાન રાખે. ગાર્ડનમાં સવારે અવિનાશ અને નિકિતા બેઠા હોય છે.

"પાપા એક વાત કહું?"

"હા બોલ બેટા.."

"મારી મમ્મા આરોહી બની જાય તો કેવી મજા આવે?"

"બેટા આવી વાત ના કરાય.."

"પાપા આજે દાદી પણ કહેતા હતા.."

અવિનાશના મનમાં નિકિતાના આ શબ્દોથી પ્રેમનો એકરાર કરવાની તાકાત જન્મે છે. એ ઓફીસ જાય છે. આરોહી એકલી બેઠી હોય છે. આરોહી સાથે બેસે છે.

"અહીં એકલી કેમ બેઠી છો?"

"બસ સર કઈ નહી સર .. એક મીટીંગ છે એટલે ક્લાઈન્ટની રાહ જોતી હતી.."

"આરોહી મારે એક વાત કરવી છે.."

"હા બોલો સર.."

"તું મને ગમે છે.. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.."

"વોટ? તમે આ શું બોલો છો? એકલી છોકરી જોઈ નહી કે ફાયદો ઉઠાવા આવી ગયા. બધા મર્દ આવા જ હોય.."

"આરોહી મારી વાત તો સાંભળ.."

"મારે કોઈ વાત નથી સાંભળવી.."

આરોહી ત્યાંથી ગુસ્સામાં ઘરે જતી રહે છે. ઘરે જઈને એના મમ્મીને પુરી વાત કરે છે. એના મમ્મી એને સમજાવે છે. અવિનાશ સારો છોકરો છે. જરૂરી નથી બધા છોકરાઓ એક જેવા હોય. આરોહીને પણ એના મમ્મીની વાત યોગ્ય લાગે છે.

આરોહી બીજા દિવસે ઓફીસ જાય છે. અવિનાશ નિકિતાને લઈને આવે છે. નિકિતા આરોહીને રિકવેસટ કરે છે કે એના પિતાને માફ કરે. આરોહી નિકિતા સામે તો કઈ નથી બોલતી પણ અવિનાશને મળવાનું કહે છે. બંને ઓફીસમાં બપોરે લંચ કરવા સાથે બહાર જાય છે.

"અવિનાશ સર.. તમે તો હદ જ કરી દીધી.. હવે નિકિતાની માસુમિયતથી મારી પાસે માફી માંગશો.."

"વાત એમ નથી આરોહી તું મારી પુરી વાત સાંભળ્યા વગર જ ચાલી ગઈ હતી. મને એક મોકો તો આપ. હું જીવનમાં તારી સાથે જબરદસ્તી નથી કરવા માંગતો. મને તારી સાદગી, વર્તન ગમ્યું. જેમ તું નિકિતા સાથે રહે છે એ જોઈને મને પૂજાના રૂપમાં ભગવાને તને મોકલી હોય એવું અનુભવાયું. તું વિચારવાનો સમય લે.. "

"અવિનાશ તમારામાં કોઈ બુરાઈ નથી. પણ હાલ મારા ઘરમાં હું એક જ કમાઉ છું. લગ્ન કરીશ તો મારા મમ્મી પાપા અને બહેનોનું શું થશે.."

"આરોહી હું એમનાથી અલગ નથી કરતો. હું અને તું બંને થઈને એમનું ધ્યાન રાખીશું. તારો પરિવાર મારો છે."

આરોહીને અવિનાશની વાતમાં સચ્ચાઈ લાગી એને અવિનાશને હા કહી. આરોહીના ભાઈની બે દિવસ પછી વર્ષી હતી. એના મૃત્યુને એક વર્ષ થવાનું હતું એટલે આરોહીએ અવિનાશને કહ્યું કે કોઈપણ ફંક્શન એક વીક પછી રાખે. આરોહીને એ લોકો ૨-૩ મહિનાથી કોઈના સંપર્કમાં ન હતા જેથી વિરાટ અને નેતા એમને શોધી ના શકે પણ આરોહીની સગાઇ અને મલ્હારની વર્ષી માટે આરોહીએ વિનોદભાઈ અને એમના પત્નીને અમદાવાદ ફોન કરીને બોલાવ્યા. વિનોદભાઈ અને એમના પત્ની જયપુર પહોંચ્યા.

"ભાઈ અમે તો તારી ખુબ ચિંતા કરતા હતા. પણ આરોહી એ અમને બોલાવ્યા એ જાણીને ખુશી થઇ.."

"હા ભાઈ.. હવે બધું સારું થશે.. કાલે મલ્હારની વર્ષી છે અને પછી આપણે આરોહીની સગાઇ.."

"આરોહીના લગ્ન.. આપણી જ્ઞાતિના છે?"

"ના ભાઈ.. મારવાડી છે.."

"વૈભવ પહેલા પત્ની બહારથી લાવ્યો અને હવે દીકરી.."

"મોટા બાપુ જ્ઞાતિ જેવું કઈ નથી હોતું. દુનિયામાં બે જ પ્રકારના લોકો છે. એક સારા અને એક ખરાબ. જો જ્ઞાતિવાળા સારા હોતતો મલ્હારને માર્યો ત્યારે કેમ કોઈ આપણો સપોર્ટ નહોતા કરતા..?"

વિનોદભાઈ પણ આરોહીની વાત સાંભળીને ચુપ થઇ ગયા. મલ્હારની વર્ષીના દિવસે ઘરમાં બધા એને યાદ કરીને એક શોકમાં જીવ્યા. એક અઠવાડિયા પછી અવિનાશનો પરિવાર સગાઇ માટે આવ્યો. અવિનાશ અને આરોહીએ એકબીજાને રિંગ પહેરાવી અને એક મહિના પછી લગ્નની તારીખ નક્કી થઇ.

આરોહીના લગ્ન માટે પૈસા ન હોવાથી વર્ષાબેન અને વૈભવભાઈ ટેન્શનમાં હતા. જે પણ જમા મુડી હતી એ બધું તો એ ભુજ મૂકીને આવી ગયા હતા. એમની પાસે એક પ્લોટ હતો એની ફાઇલ સાથે લાવેલા. આરોહીને લગ્નના ખર્ચ માટે આ પ્લોટ વેચવાની વાત કરી. આરોહીએ એ ફાઇલ અવિનાશને આપી. અવિનાશ અને આરોહી સાંજે ઘરે આવ્યા.

"જુઓ અંકલ.. મને આરોહી જોઇયે છે બસ.. બીજું કઈ જ નહિ. લગ્નનો જે પણ ખર્ચ થશે એ હું ઉપડીશ.. તમે આ ફાઇલ રાખો.."

"પણ બેટા.."

"બેટા કહ્યું તો હવે વાત પણ માની લો.."

વૈભવભાઈ અને વર્ષાબેન અવિનાશનું આ વર્તન જોઈને ખુશ થઇ ગયા. લગ્ન નજીક આવ્યા એક પછી એક પ્રસંગ શરૂ થવા લાગ્યા. આરોહી અને એના પરિવારમાં પણ ખુશીઓ પાછી આવી ગઈ. અહીં અવિનાશ પણ ખુશ હતો.

અજય અને વિરાટની આરોહીને શોધવાની કોશિસ ચાલુ હતી. અજયને કોઈના દ્વારા ખબર પડી કે આરોહી જયપુરમાં છે. પુરી તપાસ કરીને એ વિરાટ પાસે ગયો. વિરાટને સમાચાર મળતા જ બને ગાડી લઈને જયપુર જવા નીકળ્યા.

આરોહીની પીઠી, માંડવો થઇ ગયો હતો. હવે લગ્નનો દિવસ હતો. આરોહી અને ઘરના બધા તૈયાર થઇ રહ્યા હતા. આરોહીને તૈયાર કરી ઉપરના રૂમમાં બેસાડી હતી. વિરાટ અને અજય સાથે શેરા ત્રણેય જયપુર પહોંચ્યા. વિરાટ બંદુક લઈને અડ્રેસ પ્રમાણે છુપાતા છુપાતા ઘરમાં ગયો. ઘરના પાછળના ભાગમાંથી જે ઓરડામાં આરોહી બેઠી હતી ત્યાં પહોંચ્યો. આરોહીના તો હોશ જ ઉડી ગયા. વિરાટ તેને ઉઠાવીને લઇ ગયો.

ઉમેશભાઈ એ કહ્યું કે જાન ત્રણ એક કલાક પછી હોલ પર આવશે. વિનોદભાઈ એ ઘરના સભ્યોને જણાવ્યું. બધા તૈયાર થયા અને વર્ષાબેન આરોહીને ઉપરના રૂમમાં લેવા ગયા. આરોહી ત્યાં ન હતી. એક ચિઠ્ઠી મળી.

"આરોહી મારી હતી અને મારી જ રહેશે.. હું એને મારી બનાવા જઇ રહ્યો છું..

તમારો જમાઈ વિરાટ.."

વર્ષાબેનના તો હોશ ઉડી ગયા બધા રોકકળ કરવા લાગ્યા. વિનોદભાઈ અને વૈભવભાઈને પણ જાણ કરાઈ. જાન એકાદ કલાકમાં આવતી હશે હવે કરવું તો કરવું શું. જાણ તો કરવી જ પડશે. બધા વિચાર કરી રહ્યા હતા.

વિરાટ આરોહીને લઈને એક ખન્ડેર પાસે પહોંચ્યો.

"તું મને છોડીને ભાગી ગઈ હતી ને?"

"હા .. ભાગી હતી.."

"તને ખબર નથી હું વિરાટ છું.. પાતાળમાંથી શોધી કાઢું.. તું ફક્ત મારી છે.."

"વિરાટ મને અહીં કેમ લાવ્યો છે.."

"તું મારાથી ડરતી નથી.. મને આવી જ છોકરી જોઈતી હતી જેની સાથે હું લગ્ન કરું..."

"હા વિરાટ હું નથી ડરતી તારા થી... જેના મોઢામાં દારૂની વાસ અને હાથોમાં ખુનની ગંધ હોય એવાથી હું શું કામ ને ડરું.."

"આરોહી હું તારી સાથે કઈ પણ કરી શકું.."

"વિરાટ હું તારી સામે ઉભી છું. જે કરવું હોય એ કરી લે.. પણ હું તારી તો ક્યારેય નહિ થાઉં.."

વિરાટ સાથે આજ રીતે નીડર બનીને આરોહીએ વાર્તાલાપ કર્યો. વિરાટ આરોહીને પ્રેમ કરવા લાગ્યો હતો. આરોહીની વાતો એને સુઈની જેમ ખૂંચવા લાગી. એ કઈ બોલ્યા વગર આરોહીને પાછી ઘરે મૂકી ગયો.

ઘરે બધા આરોહીને જોઈ ભેટી પડ્યા. વર્ષાબેને આરોહી સાથે વાત કરી. આરોહીએ જણાવ્યું કે વિરાટ એને લઇ ગયો હતો પણ હાથ પણ નથી લગાવ્યો. એમની એમ પાછી મૂકીને ચાલ્યો ગયો. આ સાંભળી વર્ષાબેન અને વૈભવભાઈએ વાતને દબાવી દઈએ અને જાનને બોલાવી લઈએ એવો વિચાર કર્યો.

આરોહી અને અવિનાશના લગ્ન થઇ ગયા. અહીં વિરાટને આરોહીના શબ્દો ખુબ જ ખૂંચવા લાગ્યા. વિરાટ ઘરે પહોંચ્યો. એની આ હાલત જોઈને શર્મિલાજી એની પાસે આવ્યા.

"બેટા શું થયું.. મળી આરોહી?"

"હા મમ્મી મળી પણ એ મારી સાથે ન આવી.."

"બેટા સારું થયું એ તારે લાયક જ નહોતી.."

"ના મમ્મી.. હું એને લાયક નહોતો.. એ મને કહે છે મારા હાથમાં ખુન અને મોઢામાં દારૂની વાસ આવે છે.."

"બેટા શાંત થા.."

"મમ્મી તે મને સારો માણસ કેમ ના બનાવ્યો. મારી ભૂલોને કેમ ના રોકી.. તને યાદ છે મમ્મી હું નાનો હતો મારો ફૂટબોલ એક કુતરાએ ફાડી નાખ્યો હતો મેં એને ગોળી મારી દીધી હતી. પણ તે મને કઈ જ નહોતું કીધું. મેં રિક્ષાવાળાની રિક્ષા તોડી તે કઈ જ ના કીધું. મેં કેટલા નિર્દોષને ઢોર માર માર્યો તે કે પપ્પાએ ક્યારેય ના ટોકયા. મેં મલ્હારનો જીવ લીધો તો પણ તમે મારો સાથ આપ્યો. તમારે મને મારવો જોઈતો હતો. મને સુધારવો જોઈતો હતો. પણ તમે મને કઈ ના કહીને આજે આવો ખરાબ વ્યક્તિ બનાવ્યો. આરોહી આવા વિરાટને ક્યારેય પસંદ નહિ કરે."

શર્મિલાજી અને નેતા વિરાટને સાંભળતા રહ્યા. શર્મિલાજીથી વિરાટની આવી પરિસ્થિતિ જોવાતી ન હતી. એમને આરોહી સાથે બદલો લેવાનું નક્કી કર્યું.

અવિનાશના પરિવારને આરોહીના ભૂતકાળ વિષે કઈ જ ખબર ન હતી. મલ્હારના મૃત્યુનું કારણ પણ એક બીમારી બતાવી હતી. શર્મિલાજી એ આરોહીના સાસુ લક્ષ્મીબેનનો નંબર અજયને કહીને મેળવ્યો. શર્મિલાજી એ લક્ષ્મીબેનને ફોન કર્યો.

"હેલ્લો લક્ષ્મીબેન..?"

"હા તમે કોણ?"

"હું તમારી શુભ ચિંતક બોલું છું..."

"હા બોલો.."

"તમારા દીકરાની વહુ આરોહી છે એના ભૂતકાળ વિષે કહેવું છે.."

આ રીતે બધી જ ઘટનાઓ એક પછી એક કહેતા ગયા અને લક્ષ્મીબેન ભડકે બળવા લાગ્યા. આ વાતની અસરથી લક્ષ્મી બેને આરોહી પર ઘણા આક્ષેપો લગાવ્યા અને અવિનાશ ને ડિવોર્સ આપવાનું કહ્યું. ઘરમાં થોડા દિવસ આવો જ માહોલ ચાલ્યો. ઉમેશભાઈ અને અવિનાશ થોડા સમજુ હતા. એમને આરોહીને મળીને વાત કરવાનું નક્કી કર્યું.

એક અઠવાડિયા પછી અવિનાશ આરોહીના ઘરે ગયો. આરોહી સાથે વાત કરી.

"આરોહી.. તું મને કહ્યા વગર અહીં કેમ આવી ગઈ.. આપણો પ્રેમ એટલો કમજોર છે?"

"ના અવિનાશ હું તમારી બદનામી થવા દેવા નથી માંગતી.."

"પણ આરોહી આપણે લગ્ન કર્યા છે. આ સંબંધ ખાલી સુખ નો નથી દુઃખમાં સાથ આપવાનો પણ છે. જાણું છું કે તારા મમ્મી પાપા એ વાત છુપાવી કે તારા ભાઈને વિરાટ એ માર્યો અને એ તને ઉઠાવીને પણ લઇ ગયો હતો. પણ એ પરિસ્થિતિ પ્રમાણે સાચું હતું. મને એ વાતનો અફસોસ નથી. મને તો એ વાતનો અફસોસ છે કે તું મને ના સમજી..."

"સોરી અવિનાશ... પણ હું તમને તકલીફમાં નથી મુકવા માંગતી..."

"ચાલ છોડ હું તને લેવા આવ્યો છું. અને સારું થયું મને વાતની જાણ થઇ હવે મલ્હારને હું ન્યાય અપાવીને જ રહીશ.."

અવિનાશ એક અઠવાડિયા પછી આરોહીને પાછી ઘરે લઈને જાય છે. લક્ષ્મીબેન આરોહી સાથે વાત નથી કરતા પણ અવિનાશ સમજાવે છે કે બધું નોર્મલ થઇ જશે.

અવિનાશ સારામાં સારા વકીલ સાથે મલ્હાર કેસની વાત કરે છે. એ જાણે છે કે નેતા સામે પડવું એટલે જીવના જોખમ ખેડવા. આરોહી ના પાડે છે છતાં અવિનાશ કહે છે આ લડત મારી છે. મારી પત્નીના સમ્માનની છે હું લડીશ.

"અવિનાશ તમે મને સમજો છો.. હવે આપણે આ નથી કરવું.."

"ના આરોહી મલ્હારને ન્યાય અપાવવો હવે મારી ફરજ છે..."

"પણ આમાં જીવનું જોખમ છે.."

"જાણું છું આરોહી.. હવે તો જીવ જાય પણ પાછા વળીને નથી જોવાનું. તું મરે કે હું મલ્હારને ન્યાય અપાવીને જ રહીશું.."

અવિનાશ મલ્હાર કેસ રીઓપન કરાવે છે. મીડિયામાં અવિનાશ અને આરોહી આખી વાત રજૂ કરે છે કે કઈ રીતે વિરાટએ સહી લીધી. નેતા અને શર્મિલા ટેન્શનમાં આવી જાય છે.

વિરાટને આરોહીની વાત એટલી મન પર લાગી ગઈ હોય છે કે એ હવે નેતાના એ આલીશાન ઘરમાં પણ નથી રહેતો. ત્યાં એને ઘૂંટન થાય છે. એ સાધુઓ સાથે ભજન કીર્તનમાં જ જોડાઈ જાય છે. પોલીસ વિરાટને પકડવા આવે છે. વિરાટ ઘરે નથી હોતો. નેતા વિરાટને બહાર વિદેશ મોકલવાનો પ્લાન બનાવે છે. પણ વિરાટ ક્યાંય જવાની ના પાડે છે. એને બસ એ સત્સંગમાં જ શાંતિ મળે છે. ભજન, કીર્તન, કથાઓ ભગવાનમાં લિન થવું જ હવે એના જીવનનું ધ્યેય બની ગયું છે. પોલીસ શોધતી શોધતી એને ત્યાં એક મંદિરમાંથી પકડે છે.

કોર્ટમાં કેશની તારીખ નક્કી થાય છે. કેશ ગુજરાતનો હોવાથી અને એકવાર એમાં માફીપત્રનો ગેરફાયદો ઉઠાવાથી એને અમદાવાદ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આરોહી અને અવિનાશ અમદાવાદ પરિવાર સાથે આવે છે. હોટલમાં સ્ટે કરે છે.

સવાર થતા જ કોર્ટમાં બધા હાજર થાય છે. વિરાટને પણ ત્યાં લાવવામાં આવે છે. જજ સાહેબ ખુરશી પર બિરાજે છે.

"જજ સાહેબ મારી એક વિનંતી છે. કેસમાં બંને પક્ષો કઈ પણ બોલે એ પહેલા હું કંઇક કહેવા માંગુ છું.." વિરાટ બોલ્યો.

"હા બોલો શું કહેવા માંગો છો.."

"જજ સાહેબ મેં જ મલ્હારનું ખૂન કર્યું હતું. એનો કોઈ જ વાંક ન હતો. મેં ગુસ્સામાં આવી એને ચાર ગોળી મારી હતી. એના પરિવારને પણ મેં ખુબ જ હેરાન કર્યું. છેલ્લીવાર જે માફીપત્ર પર મેં સહી કરાવી એ પણ બંદુકની નોક પર કરાવી હતી. મારા પિતા નેતા છે એમની સત્તાનો દૂર ઉપયોગ કરીને મેં જે કઈ કર્યું એ હું કબુલું છું. તમે કોઈ પણ દલીલ સાંભળ્યા વગર મને કડકમાં કડક સજા આપો.. મને ફાંસી આપો..."

ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઇ ગયા. આવું પહેલીવાર બન્યું હશે જ્યાં વ્યક્તિ પોતાના ગુનાહ કબૂલ કરી લે. નેતા વકીલ દલીલ કરવા જતા હતા પણ વિરાટ એ સમયનો બગાડ કરશે હું કહું છું એ સાચું છે કહીને રોકી દેતો. નેતા આ બધી વાત જોઈ જ રહ્યા હતા. એમને ઢોંગ રચવા હાર્ટએટેકનું નાટક કર્યું. એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને એક અઠવાડિયા પછી કેસની આગલી તારીખ અપાઈ.

નેતા અને વકીલએ બહુ કોશિશ કરી પણ વિરાટના શબ્દોથી એ કેસ આમ જ હારી ગયા હતા. હોસ્પિટલમાં નેતાએ ખોટા રિપોર્ટ બનાવ્યા પણ કોર્ટએ એ માન્ય ન રાખ્યા અને એક અઠવાડીયુ થયું ત્યાં ફરીથી કોર્ટમાં વિરાટને હાજર કરાયો. વિરાટએ ફરીથી એ શબ્દો બોલ્યા.

"જજ સાહેબ.. હું નથી ઇચ્છતો કે મારો વકીલ આરોહી અને એના પરિવારને કોઈ ફાલતુ સવાલ કરીને એમનું દિલ દુભાવે. હું એમનો ગુનેગાર છું. મારા પિતા પણ ઢોંગ રચાવીને કોર્ટનો સમય વેડફે છે.. આપ મને કડક સજા આપો.."

જજ સાહેબ બધી વાત સાંભળીને વિરાટને ફાંસીની સજા આપે છે. શર્મિલાજીના પગ નીચે થી જમીન નીકળી જાય છે. મીડિયામાં નેતા પર થું થું થાય છે, એમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે છે. એ ઘરે આવે છે.

"આવી ગયા નેતા જી.. મારા દીકરાને ફાંસીની સજા થઇ ગઈ.. તમારી ખુરશી ગઈ.. તમારી ઈજ્જત ગઈ.. હવે શું બાકી રહ્યું... વિરાટ તમને યાદ કરતો હતો. એકવાર મળી તો લેતા મારો દીકરો દુનિયા છોડીને જવાનો છે.."

નેતા પણ પત્નીના આ શબ્દોથી આઘાત પામે છે. એક પત્ર લખે છે વિરાટને.

"બેટા..

તારો પિતા જેને પોતાની સત્તાનું ઘમંડ હતું આજે એ તારી સામે આંખો મિલાવા પણ કાબિલ નથી. હું દીકરા તારો ગુનેગાર છું. આજે મારી પાસે સત્તા નથી, ઈજ્જત નથી અને તને પણ બચાવી ન શક્યો. ના હું સારો પિતા બની શક્યો ના પતિ.. બેટા તને ફાંસી થવાની છે. તું અલગ દુનિયામાં જઈશ પણ આજ દિવસ સુધી એવું બન્યું નથી કે જ્યાં વિરાટ હોય ત્યાં હું ના હોઉં એટલે હું તારી પહેલા એ દુનિયામાં જઇ રહ્યો છું. તારી આવવાની રાહ જોઇશ..

તારો પિતા.."

અજય આ લેટર વિરાટને પહોંચાડે છે. અહીં નેતા બંદુક માથા પર રાખીને આપઘાત કરે છે. વિરાટને ફાંસી માટે એક અઠવાડિયું બાકી હોય છે. શર્મિલા ખુબ જ દુઃખી હોય છે. અજયને લઈને એ આરોહીના ઘરે જાય છે. આજીજી કરે છે કે ભલે ઉમરકેદ કરાવો પણ ફાંસી અટકાવો. વર્ષાબેનને શર્મિલાજી પગે પડીને આજીજી કરે છે.

વર્ષાબેન આરોહીને સમજાવે છે. આરોહી પહેલા તો માનતી નથી પણ પછી અવિનાશ અને બધાના કહેવાથી માની જાય છે. વિરાટને ફાંસી પહેલાની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે એ આરોહીને મળવાની ઈચ્છા જતાવે છે.

ફાંસીના આગલા દિવસે કોર્ટમાં ફાંસી અટકાવવાની અપીલ આરોહીના પરિવાર તરફથી થાય છે. શર્મિલા અને અજય ફાંસીના આગલા દિવસે વિરાટને મળવા આવે છે. પોતાના દીકરાને શર્મિલા છેલ્લી વિદાય આપતી હોય એમ ડૂસકે ને ડૂસકે રડે છે. વિરાટ પણ અજયને ભેટીને ખુબ રડે છે અને એના ગયા પછી એની માતાનું ધ્યાન રાખવાનું કહે છે.

બીજા દિવસે સવારે વિરાટને ફાંસી માટે તૈયાર કરીને લઇ જવાય છે. ફાંસીના માંચડે પહોંચી વિરાટને ગાળિયો પહેરાવવા જાય છે ત્યાં ઓર્ડર આવે છે. ફાંસીને રોકવામાં આવે છે. વિરાટને કહેવામાં આવે છે કે તમે જે આખરી ઈચ્છા માંગી હતી એ પુરી થઇ છે. આરોહી મળવા આવી છે.

આરોહી અને અવિનાશ વિરાટને મળવા જેલમાં આવે છે.

વિરાટ આરોહીને આવતી જુવે છે. આંખોથી આંસુઓની ધાર વહે છે.

"આરોહી.. મલ્હાર સાથે મેં જે કર્યું એની સજા તો મને હમણાં ફાંસીથી મળી જશે પણ તને આપેલા દુઃખ માટે તું મને માફ નહીં કરે તો હું ત્યાં પણ શાંતિ નહીં અનુભવી શકું.. પ્લીઝ મને માફ કરી દે.."

"હા વિરાટ.. તને માફી જોઈતી હતીને જા કર્યો માફ.."

"અવિનાશ આરોહી તમે બંને હંમેશા ખુશ રહેજો. આરોહીમાં કોઈ દાગ નથી. એ ચાંદની જેમ સફેદ અને પાક સાફ છે..."

"વિરાટ તારે અમને કઈ જ કહેવાની જરૂર નથી.. તારી માફી આપી દીધી છે અને તારી ફાંસી પણ અટકાવી દીધી છે. તે છેલ્લીવાર બંદુકની નોક પર અમારી પાસે માફી માંગી હતીને, આજે અમે તને માફ કર્યો... કેમ કે હું જાણું છું વિરાટ તારી તકલીફ મરવામાં નહીં જીવીને આ રીતે જેલમાં સમય વિતાવામાં છે... લે આ રહ્યા માફીના કાગળિયા.."

આરોહી વિરાટના મોઢા પર માફી આપીને નીકળી જાય છે. વૈભવભાઈ ને એમનું પરિવાર પાછું ભુજમા સેટ થઇ જાય છે અને આરોહી અને અવિનાશ જયપુર.

એક વર્ષ પછી..

અવિનાશ અને આરોહીના ઘરે એક દીકરો જન્મે છે. અસ્મિતાને એ જ સ્કોલરશીપ મળે છે જે મલ્હારને મળી હોય છે. અસ્મિતા અબ્રોડ ભણવા જાય છે અને પોતાના ભાઈનું સપનું પૂરું કરે છે. અવિનાશ ઇન્ડિયાના સારા ડોક્ટર્સ દ્વારા વૈભવભાઈનો ઈલાજ કરાવે છે અને એ ચાલતા થઇ જાય છે.

જેલમાં વિરાટ એક સામાજિક પ્રવુતિ થકી જેલના જે કેદીઓ છે જેમની સજા ટૂંકા સમયની છે એમને ધંધાકીય તાલીમ આપે છે જેથી બહાર જઈને એ સારો વ્યવસાય કરી શકે. શર્મિલા જી નેતાના આલીશાન બંગલાઓ પડાવીને ત્યાં ગરીબો માટે નાના નાના ઘર બનાવડાવે છે અને સામાજિક સંસ્થા ચલાવે છે.

[સમાપ્ત..]

*********************

આ સ્ટોરી એક ટેલિવિઝન ડ્રામા ખાની પર આધારિત છે. સ્ટોરીમાં મને એક ખાસ મેસેજ લાગ્યો એટલે મેં એને ઉર્દુમાંથી ગુજરાતી ડાયલોગ્સમાં ફેરવવાની કોશિશ કરી છે. કોન્સેપ્ટ એમનો એમ જ રખાયો છે ફક્ત ધર્મ, પાત્રોના નામ અને સ્થળો ફેરવવામાં આવ્યા છે. આ સ્ટોરીમાં જો આપને મજા આવી હશે તો મને ખાતરી છે એ ડ્રામામાં આપને આનાથી પણ વધુ મજા આવશે. યુ ટ્યુબ પર ખાનીના ૧-૩૧ એપિસોડ અવેલેબલ છે.

વાર્તાના પાત્રો થકી એક સંદેશ એ મળે કે જીવનમાં હમેશા સત્યનો જ વિજય થાય છે. સમાજમાં હાલ જે પરિસ્થિતિ છે કે પૈસા અને સત્તાનો દુરુપયોગ કરી લોકોના અવાજને દબાવવામાં આવે છે. એવા લોકો સામે પરિસ્થિતિને અનુકૂળ પગલાં લેવામાં આવે તો એમને પોતાની અસલી ઓકાત બતાવી શકાય. મલ્હારની જેમ કેટલી બહેનોએ ભાઈ ગુમાવ્યા હશે. કેટલા પરિવારો ઉજડ્યા હશે. પણ ક્યારેક એ સામે પણ નહીં આવી શક્યું હોય. જીવનમાં પ્રેમ માણસમાં કેટલો બદલાવ લાવી શકે એ વિરાટના પાત્રથી જાણવા મળ્યું. જીવનમાં કોઈ પતિએ પત્નીને જાણી સમજીને હંમેશા સાચા રસ્તે સાથ દેવો જોઇયે એ અવિનાશના પાત્રથી જાણવા મળ્યું.

વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. આપે ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો. મને કંઇક નવું લખવા પ્રેરિત કર્યો. રચનામાં જોડણી, ગ્રામરની ભૂલો માટે માફી ચાહું છું. ગુજરાતીમાં એટલો નિપૂર્ણ નથી પણ એહસાસને રજૂ કરવાની હંમેશા કોશિશ રહે છે. ફરી મળીશ નવી રચના સાથે ત્યાં સુધી આપ સૌ વાંચતા રહેજો. લોકોને પ્રોત્સાહિત કરતા રહેજો અને બને તો થોડું લખતા રહેજો જેથી આપણી માતૃભાષા યથાવત રહે. અમર રહે.. બસ એજ અસ્તુ..


Rate this content
Log in

Similar gujarati story from Action