Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

ડોલ્ફિન

ડોલ્ફિન

5 mins
14.5K


આજે સમુદ્રનું તુફાન ચરમસીમાએ પહોંચ્યું હતું. વીજળીના કડાકાઓ આકાશમાં અજવાસના ચમકારા વરસાવી રહ્યા હતા. વાદળોના ભયંકર ગડગડાટ અને વીજળી ત્રાટકવાના હૃદય દ્રાવક ધ્વનિથી પ્રકૃતિને પણ જાણે હૃદયરોગનો હુમલો આવી રહ્યો હતો. વીજળીનો પ્રકાશ આલોપ થતાંજ સમુદ્રના મોજાઓનું અંધકાર વધુ ઊંડું અને વધુ ગાઢ ભાસી રહ્યું હતું. ધોધમાર વરસાદ જોડે યુદ્ધ કરતો હોય એવો ક્રોધિત પવન જાણે પોતાનું ભાન ભૂલી તાંડવ કરી ચારે દિશાઓમાં ફંટાઈ રહ્યો હતો . કુદરતના પ્રકોપથી હેબતાઈ શોક્ગ્રસ્ત અને મુગ્ધ બનેલા દરિયાની વચ્ચે પોતાનો પ્રાણ બચાવવા મરણિયા પ્રયાસ આદરી રહેલી એક નાનકડી નાવડી દિવસોના સંઘર્ષથી થાકીને અવિરામ હાંફી રહી હતી. પોતાના અસ્તિત્વ અંગેની આશ જાણે ધીરે ધીરે છોડી રહી હોય , એમ પોતાનું શરીર સર્વનાશ વ્હોરવાની જીદે ચઢેલ દરિયાઈ તુફાનને હારીને સમર્પિત કરવા માનસિક રીતે તૈયારજ હતી.

નાવડીમાં સવાર બન્ને માનવીઓ પાસે પણ પરિસ્થતિને સમર્પિત થવા સિવાય કોઈ વિકલ્પજ ન હતો. અસ્તિત્વ ટકી રહે એ માટેની દરેક માનવીય જરૂરિયાતો સમાપ્ત થઇ ચુકી હતી. ન અન્નનો એક દાણો બચ્યો હતો, ન પાણીની એક બુંદ. ખારા વિરાટ સમુદ્રમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહેલા 'હર્ષ ' અને 'હતાશ ' પોતાના જીવનની અંતિમ ક્ષણો ઉપર આવી પહોંચ્યા હતા. પોતાના વિશાળ દરિયાઈ જહાજથી વિખુટા પડવાને સાત દિવસો વીતી ચુક્યા હતા. શરૂઆતના દિવસોથી આજની આ નિર્ણાયક ક્ષણ સુધી બન્ને માનવીઓ પોતપોતાના ભિન્ન સ્વભાવ અને મિજાજ જોડે સંઘર્ષના અંતિમ ચરણ ઉપર પહોંચ્યા હતા.

આ સાત દિવસો દરમિયાન હર્ષે પોતાના સ્વભાવ અનુરૂપ દરેક પરિસ્થિતિનો તદ્દન ધીરજ અને ધૈર્યથી સામનો કર્યો હતો. કુદરતના પ્રકોપમાં નહીં જાણે કુદરતની શાળામાં આવી પહોંચ્યો હોય એમ હૃદય ખોલીને દરેક નવા પડકારને કોયડાની જેમ ઉત્સાહ જોડે ઉકેલવા એ મથી રહ્યો હતો. પોતે બચશે કે નહીં, એ જાણતો ન હતો, પણ જો બચી ગયો તો આ પડકારનો સામનો કરી એક બહાદુર અને અતિમજબુત માનવી તરીકે પુનર્જન્મ લેશે એની એને સંપૂર્ણ ખાતરી હતી.

કઠણ પરિસ્થિતિથી એણે પોતાના હય્યાને જરાયે કઠણ કર્યું હતું નહીં. ચ્હેરા ઉપર એક તટસ્થ શાંતિ હતી. એ માનતો હતો કે આ પરિસ્થતિમાં આવવું જો ભાગ્યમાં હતું , તો હતું. હવે આવું થતે તો ? આમ ન કર્યું હોત તો ? કે આમ કર્યું હોત તો ? આ બધા નિસાસાઓની જગ્યાએ હવે આગળ શું, એ જ મહત્વનું હતું. જીવવાની આશ મનમાં ટકાવી રાખવી અને અંતિમ શ્વાસ સુધી જીવવા માટે તત્પરતા સેવવી એજ અસ્તિત્વ ટકાવી રાખવાનો એકમાત્ર માર્ગ.

પોતાના અસ્તિત્વને બળપૂર્વક થામી નાવડીમાં સવાર હર્ષની દ્રષ્ટિ વીજળીના ચમકારાઓ વચ્ચેથી માર્ગ કાઢતી દરિયાની અંધકારપટ સપાટી ઉપર આવી થંભી. કંઈક હળવા ખળભળાટથી એની નજર એ દિશામાં વધુ ઝીણવટ સભર મંડાઇ. સમુદ્રનું જીવલેણ તુફાન જાણે એ દ્રશ્યને યોગ્ય રીતે નિહાળવા માટે દીવાલ સમું હસ્તક્ષેપ કરી રહ્યું હતું. પરંતુ હર્ષની હઠીલી આંખો વિસ્મયતા પૂર્વક એ દ્રશ્યની વધુને વધુ નજીક પહોંચી રહી. નાવડીના આગળના ભાગ તરફ ડોકાઈ એણે પોતાનું શરીર હજી આગળ તરફ નમાવ્યું. સંતોલન જાળવવું અશક્ય હતું. પણ એના ચિંતાવિહિન અને તાણમુક્ત મનને આવી રોમાંચક ક્ષણો થીજ જીવતા હોવાનો સંતોષ મળતો.

"હતાશ ....હતાશ.....હતાશ ....."

જાતે નિહાળેલ એ અદ્દભુત દ્રશ્યને પોતાના સાથી જોડે વહેંચવા હર્ષે એના નામથી નાવડી ગુંજાવી મૂકી. પણ હતાશ ન આવ્યો. ન આવવાનો કોઈ રસ દાખવ્યો. ન એના શરીર દ્વારા કોઈ પ્રતિક્રિયા દર્શાવી. અંતિમ સાત દિવસોથી એણે જીવવુંજ છોડી દીધું હતું. કુદરતના પ્રકોપ સામે એની આશાએ હથિયાર નાખી દીધા હતા. પરિસ્થિતિની ગંભીરતા એના વ્યવહારુ હય્યાએ સહજતાથી સ્વીકારી લીધી હતી. ચ્હેરા ઉપર સતત ઉદાસી અને મૃત્યુનો ડર જડાઈ ચુક્યો હતો. દરેક ક્ષણ, દરેક શ્વાસ એના માટે જીવનના અંતના સમાચાર લાવી રહી હતી. પોતે આ પરિસ્થિતિમાં શા માટે મુકાયો ? સુરક્ષા -બચાવના પગલાં અને પૂર્વ તકેદારી શા માટે ન રાખી ? પોતાની આ પરિસ્થિતિ માટે કયા સંજોગો અને કયા લોકો જવાબદાર હતા ? વિચારોના ધમાસાણ યુદ્ધથી અંતરાત્માની દરેક શક્તિ કણ કણ ઓગળી ચુકી હતી . નિર્બળ મને નિર્બળ શરીરને દરેક રીતે નિરુત્સાહી કરી મૂક્યું હતું . મરવા પહેલાજ મૃત્યુ સ્વીકારાય ગયું હતું . એક શબની માફક નિસ્તેજ અને નિષ્પ્રાણ નાવડીના એક ખુણામાં ઠુંઠીયું બની પડેલા હતાશ માટે હર્ષના શબ્દો હતા - ન હતા બન્ને એકસમાન .

નાવડીના કિનારેથી હર્ષના શબ્દો વધુ ઊંચા સ્વર અને ઉત્સાહ જોડે પડઘો પાડી રહ્યા .

" હતાશ ...હતાશ ...ડોલ્ફિન ....જલ્દી આવ ...."

જીવનમાં પહેલીવાર આંખો સમક્ષ જીવંત ડોલ્ફિનને નિહાળી રહેલ હર્ષ અત્યંત રોમાંચક એ અનુભવને દીલ ખોલીને માણી રહ્યો હતો. થોડા સમય માટે દરિયાઈ તુફાન હય્યામાંથી જાણે ભૂસાય જ ગયુ. સમુદ્રના સ્તરો જોડે મસ્તી કરતી ડોલ્ફિન, હવામાં આખું શરીર ઊપર ઉછાળી ફરીથી સમુદ્રના ઊંડાણોમાં છલાંગ લગાવતી ડોલ્ફિન. કેટલી સુંદર ! કેટલી આહલાદ્ક ! કેવી અદ્દભુત ! પ્રકૃતિના ખોળે રમી રહેલી માસુમ બાલીકાઓ જેવી. આમ સમુદ્રના વચોવચ ,તદ્દન આંખો સામે, નજીવા અંતરે ! હર્ષનું હૃદય જાણે એ ડોલ્ફિન જોડે એક આધ્યાત્મિક જોડાણ અનુભવી રહ્યું .

નાવડીના અન્ય ખુણામાં લપાઈને પડેલા હતાશનું તો સૃષ્ટિ સાથેનું દરેક જોડાણ કપાઈ ચુક્યું હતું. આવી પડેલી જીવલેણ પરિસ્થિતિ વચ્ચે ન કઈ નિહાળવા માટે બચ્યું હતું, ન કઈ અનુભવવા માટે. બધુજ સમાપ્ત થઇ ચુક્યું હતું, બધુજ.

અચાનક જ ઉંચે ઉઠેલા એક ભયંકર દરિયાઈ મોજાએ નાવડીને ઉથલાવી મૂકી. પાણીનાં ઊંડાણોમાં પટકાયેલા હર્ષ અને હતાશ જીવન માટે અંતિમ જોર લગાવી રહ્યા. ઊંડા પાણીમાં શ્વાસોને થામી અંતિમ થોડી જીવન શ્વાસો ભરી લેવા હાથપગ પછાડી રહ્યા. સૃષ્ટિને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. આજ સમયની તો હતાશ દરેક ક્ષણ રાહ જોઈ રહ્યો હતો, જીવનના દરેક અલ્પવિરામ પૂર્ણવિરામમાં પરિવર્તિત થવાનો ....

આકાશમાંથી ચમકારા મારતો પ્રકાશ હર્ષ અને હતાશના ચ્હેરાને ઝગમગાવી રહ્યો. પરંતુ આ પ્રકાશ વીજળીના કડાકાઓનો ન હતો . હવામાં પ્રચંડ ધ્વનિ ફેલાવતા સુરક્ષાકર્મીઓના હેલીકૉપટરમાંથી છોડાયેલી ટોર્ચની કિરણોનો હતો. હેલીકૉપટરમાંથી ફેંકવામાં આવેલી દોરી રૂપી દાદર ચઢી આખરે બન્ને આકાશ તરફ પહોંચી ગયા.

થોડાં સમય પછી આકાશમાં ઉડી રહેલાં હેલીકૉપટરમાં સ્થિર બેઠા હતાશની આંખો દરિયાના ઊંડાણોમાં કશું શોધી રહી.

હર્ષનો હાથ હતાશના ખભે મુકાયો.

" ડોલ્ફિન ?" હતાશના પ્રશ્નમાં પસ્તાવો છલકાઈ ઉઠ્યો .

"એ તો જતી રહી સમય જોડે ......" હર્ષના ઉત્તરનું ઊંડાણ માપવા હતાશની આંખો હર્ષની દ્રષ્ટિમાં ઊંડી ઊતરી.

"જો આપણે ન બચ્યા હોત તો ?" હતાશના ચ્હેરા ઉપર ભયના હાવભાવો યથાવત હતા.

હર્ષના ચ્હેરા ઉપર સ્વભાવગત સ્થિરતા અકબંધ હતી. "તો હું ડોલ્ફિન નિહાળીને અને તું ડોલ્ફિન નિહાળ્યા વિનાજ ......"

બન્નેની નજર ફરી એકવાર આકાશમાંથી દરિયામાં ડૂબકી લગાવી રહી. હેલીકૉપટરનાં પ્રકાશમાં ગાઢ અંધારી રાત્રિમાં બે ચ્હેરાઓ ચમકી રહ્યા. જીવનનિર્વાહની બે ભિન્ન વિચારધારા સમા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational