Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Inspirational Tragedy

3  

Mahebub Sonaliya

Inspirational Tragedy

અનુરાગ

અનુરાગ

8 mins
15.2K


'રસુલભાઇ છે?' ચાની દુકાનના પગથીયાં પર લાકડી પછાડતાં આંગતુક બોલ્યો. 'આવો આવો સુરદાસ' રસુલભાઈ દોડીને તેનો હાથ પકડીને દુકાન અંદર લઈ આવ્યાં. સુરદાસને સ્વચ્છ અને સુઘડ કપડાંમાં જોઈ રસુલભાઈને ખુશી થઈ. સારા બૂટ, નવી સ્ટીક, નવા ચશ્માં, સારું બેગ. રસુલભાઈએ તેનો સામાન તેના હાથ માંથી લઈ બાજુમાં મુક્યો. તેના ખભા પર હાથ મુકતાં કહ્યું. "કેમ છો જુવાન? શું ચાલે છે?" "બધું સારું ચાલે છે. તમારા આર્શિવાદ છે." સુરદાસની બંધ આંખો પણ રસુલભાઈની નિખાલસતા જોઈ શકતી હતી. રસુલભાઈ એટલે એવા માણસ કે જેણે પૈસા કમાવાને બદલે પ્રેમ, લાગણી અને આબરું કમાવાને વધુંમહત્વ આપ્યું છે. વનમાં પ્રવેશી ચુક્યા હોવા છતાં બાળક જેવું માસૂમ હ્રદય, પ્રાયમસની ગરમી કરતાં લોકો પર કરેલા ઉપકારના બદલે મળેલા અપકારની કડવાહટને કારણે આખેઆખું સફેદ થઈ ગયેલું છાપરું. માથામાં એક પણ કાળો વાળ શોધે ન મળે. સારા નરસા અનુભવોથી ઘડાયેલું મજબૂત શરીર જરુરત સામેની જંગમાં હજુ અડીખમ ઉભું રહે છે. સવારે છ વાગે તેમનો પ્રાયમસ સળગે તો રાત્રે આઠ નવ વાગે હોલવાય. તે રોજનના પંદર સોળ કલાક ઉભા ઉભા જાત ટકાવવાં માટે જાત સામે યુધ્ધ કરે. તેર વરસની ઉમરથી ઘરની જવાબદારીનો બોજ ઉપાડી તેના બાવડાં આજે પંચાવન વરસેય એટલા જ મજબૂત છે!

માથા પરના વાળ જેટલું દેવું કરીને વ્યાજ ભરે છે. છતાં આબરુંથી જીવે છે. "અરે ભાઈ આ શું વાત કરો છો, આર્શિવાદ તો માલિકના. એ જ તો બધાની દોરી પોતાના હાથમાં રાખે છે," રસુલભાઇ જરા મલકાયા. થોડી વાર થંભી ફરી બોલ્યા "સૌને નચાવે છે." "હા પણ તમને તો કેમ ભુલું? તમારો ઉપકાર.."  

સુરદાસ યાદોના શાંત પડેલા વમળમાં ઘુમરાવા લાગ્યાં. પોતાના અતીતને વાગોળતા વાગોળતા તેમની પ્રકાશહીન આંખો સામે ત્રણ વરસ પહેલાનો એ દીવસ સાદ્રશ્ય થયો. આંખમાંથી આંસુની સાથે એ વરસો જુની યાદો સરી પડી!

"અહિંથી રેલ્વે સ્ટેશન જવાય છે?" ચાની દુકાનના પગથીયા પર લાકડી ઠપકારીને સુરદાસ બોલ્યો. મેલા ઘેલા કપડાં, એક જુનવાણી કાપડનો કાખથેલો, ઉદાસ તેમજ વ્યાકુળ ચહેરો, વરસાદમાં કાગળની હોડી જે રીતે ડૂબી જાય તેમ હિંમત હારી બેસેલું મન, થાકેલું શરીર, વિખરાયેલા વાળ, જીવાદોરી સમાન લાકડી હાથમાં લઈ ઉભેલો ઓગણીસ, વીસ વરસનો યુવાનને સાવ એકલો જોઈ રસુલભાઇએ તેનો હાથ પકડી દુકાનની અંદર બેસાડ્યો. રસુલભાઈએ તેનો ચહેરો વાંચી લીધો. આ યુવાનની કશમકશ ભરી સ્થિતિને તે જાણી ગયા. પરંતુ પોતાની વિવેક બુધ્ધિના કારણે તેણે તે બાબત વિશે કશું પુછવાને બદલે તેની પીઠ પર હાથ મુક્યો. "ભૂખ લાગી છે ને?" તેમણે સુરદાસને પુછ્યું. "ભાઇ મારી પાસે દેવા માટે પૈસા નથી. મારે નથી જમવું. મારે રેલ્વે સ્ટેશન જવું છે, મને રસ્તો બતાવી દો તો મહેરબાની.." સુરદાસ બોલ્યો. "કોણે પૈસા માંગ્યાં? બસ બે મિનીટ ખમો, અહિંયા જ રહેજો હું હમણા જ આવું.." રસુલભાઈ થોડીવાર બાદ બાજુની દુકાનમાંથી બે પારલે ગ્લુકોઝ બિસ્કિટના  પેકેટ લઈ આવ્યા. તેમણે સુરદાસને ગરમા ગરમ ચા સાથે બિસ્કિટ આપ્યા. "અરે ભાઈ સંકોચ ન કરો. પહેલા નાસ્તો કરો, પછી આપણે વાત કરીએ."  થોડી વાર બાદ પ્યાલી ઉપાડતાં રસુલભાઇ બોલ્યાઃ "હવે બોલો શું સેવા કરું?" "મારે રેલ્વે સ્ટેશન જવું છે, મને પહોંચાડી દો તો તમારી દયા." સુરદાસ પોતાના હાથ લુછતાં બોલ્યો.

સુરદાસની બાહ્ય દશાથી તેની અવદશા તો પ્રકટ થઇ જ રહી હતી પણ સાથે સાથે તેની બોલી, તેના વ્યવહારથી તેના સારા કિરદારની ઝલક પણ મળી રહી હતી. અંધારી આંખોથી આંગળાના ટેરવે દીવડો પ્રગટાવી સુરદાસ પોતાનો થેલો ફંફોસવા લાગ્યો. થોડી શોધખોળ બાદ થેલામાંથી તેણે થોડા કાગળો કાઢી રસુલભાઈને આપ્યાં. રસુલભાઈ સાથે સાથે દુકાનમાં ઉપસ્થિત થોડાં ગ્રાહકો પણ આ કાગળો તપાસવા માંડ્યાં. આ બધા જ તેના પ્રમાણપત્ર હતા. "અરે વાહ! આ છોકરો તો બહું હોશિયાર છે. ટકા તો ખૂબ સારા લાવે છે." એક ગ્રાહક બોલ્યો. "આપણા તો બે વરસ ના ભેગા થાય ત્યારે આટલાં ટકા થતાં!" બીજો ગ્રાહકો બોલ્યો. "ખૂબ સારું, બધા જ ધોરણમાં સારી ટકાવારી છે, ખૂબ ભણજે, તારે જરુર છે." રસુલભાઈ બોલ્યા.

"નોકરી મળી જાય તો બેડો પાર, નહિતર ચાનો ડોયો ભાગ્ય માં આવે છે ભાઈ" દુઃખી હ્રદયે તેણે વાક્ય પુરુ કર્યું. સુરદાસે સમર્થનમાં માથું ધુણાવ્યું. "પણ મુંજાઈ જવાનું નહિં, જીંદગીથી હારી થોડી જવાય. જે મુસીબતમાં મુકે છે એજ બહાર કાઢે છે. તો પછી આપણે શું કામ મુંજાવું?" રસુલભાઈએ તેને ધરપત આપવા કહ્યું. "તો ક્યાં ભણવુ છે?" "અહિં વડોદરામાં અંધ માટે એક સરકારી કોલેજ છે. જાજો ખર્ચ પણ નથી થતો." સુરદાસ બોલ્યા. "પણ વડોદરા તો અહિંયાથી બહુ દૂર છે." રસુલભાઈ બોલ્યા. "શું આ બરોડા નથી?" સુરદાસની વ્યાકૂળતાનો પાર ન રહ્યો. "ના ભાઈ આ તો ભાવનગર જિલાનું સિહોર ગામ છે, અહિંયાથી તો વડોદરા બહુ દૂર છે." સુરદાસે પોતાની આંખો પર હાથ મૂકી પોતાના આંસુઓ ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કર્યો. તે સ્તબ્ધ થઈ ગયો. થોડી વાર સાવ સુનમુન બેસી રહ્યો. જાણે કોઈએ કાળમીઢ પથ્થર તેની સ્વરપેટી પર મુકી દીધો હોય, તેમ તે બોલવા માટે મથી રહ્યો હતો. પરંતુ શબ્દો બોલી ન શકાયા, ડૂમો બેસી ન શક્યો. "એટલે રાત્રે ભાઈ-ભાભી મારા માટે જઘડી રહ્યા હતાં." તે દુઃખી સ્વરે બોલ્યો. "અમે અમારાથી બને એટલી મદદ કરીશું. અમને માંડીને વાત કરો." કોઇ ગ્રાહક બોલ્યો. હું વેરાવળ પાસેના કાજ ગામનો વતની છું. મારા માતાપિતાની ગેરહાજરી બાદ ભાઈ ભાભી સાથે રહેતો હતો." તેની આંખોમાં ભેજ ઉભરાયો. "અચાનક ભાઈને વડોદરાનો વિચાર આવ્યો. તેમને કોઈકે જણાવેલું કે ત્યાં કોઈ અંધ માટે સંસ્થા છે. જે અંધ અભ્યાસીઓને રાહત દરે ભણાવે છે. તેથી મને ત્યાં લઈ જવા તે મારી સાથે આવ્યાં" થોડા શ્વાસ લઈ તે ફરી બોલ્યો. "અમે રાત્રે બસમાં બેસ્યાં. આજે સવારે અમે અહિં ઉતરી ગયા. ભાઈએ મને એક જગ્યાએ બેસાડી કહ્યું કે અહિંથી સીધા જશું તો રેલ્વે સ્ટેશન આવી જશે અને ટ્રેનમાં બેસ્યાં ભેગું તરત વડોદરા આવી જશે. કશું જમવાનું લઈ આવું એમ કહીને ભાઈ ગયા તો ગયા જ. સવારની બપોર થઈ ગઈ પણ તે પરત ન આવ્યાં. મને અઝાન સંભળાઈ હતી. કદાચ તે મને મસ્જીદના ઓટલે બેસાડી ચાલ્યા ગયા હશે."  તે ફરી હિબકા ભરા લાગ્યો. "હું જ બુધ્ધું છું મને એમ કે આટલાં મોટા શહેર મારો ભાઇ ભૂલો પડી ગયો હશે, હજી મને ક્યાંક શોધતો હશે. પણ હવે ખબર પડી કે ખરેખર હું ભૂલો પડી ગયો છું. તેણે પોતાના હાથ ઉપર માથુ ટેકવીને ફરી આસું સાર્યા.

"હવે શું કરવું છે? પાછળ ઘેર જવું છે કે આગળ નીકળી જવું છે?" રસુલભાઈએ હમદર્દીવશ પુછ્યું. "વડોદરા જવું છે.." "ત્યાં કેટલો ખર્ચ છે?" "રહેવા જમવાનું તો સંસ્થા આપે છે. જો પાંચહજાર જેવું થાય તો મારું ગ્રેજ્યુએશન પુરું થઈ જાય." "તને વાંધો ના હોય તો હું તારા કાગળ લઈને જાઉં કૈંક વ્યવસ્થા કરુ?"

સુરદાસે અનુમતી આપી અને રસુલભાઈ અને તેમનો દીકરો આસપાસના તમામ દુકાનદારો પાસે મદદ માંગવા નીકળી ગયા. સારા કામમાં સૌ સહભાગી બને. લોકો ચા પીવા આવ્યાં અને મદદ કરતાં ગયા. દુકાનદારોએ આપ્યાં. રાહદારીઓએ આપ્યા. જોત જોતામાં ૪૫૦૦ જેવી રકમ થઈ ગઈ. બાકીના પૈસા રસુલભાઈએ નાખી રકમ પુરી કરી. તેમનો દીકરો સુરદાસ માટે પોતાના કપડાં, નાસ્તો અને એક થેલો ઘેર જઈ લઈ આવ્યો. ટ્યુશનવાળા હર્શદભાઈ આ સંસ્થામાં કોઈને ઓળખતા હતાં. તેમણે સુરદાસ માટે ભલામણ કરી દીધી. અને સૌએ સુરદાસને પ્રેમથી વિદાય આપી.

"અરે યાર ક્યાં ખોવાઈ ગયા?" રસુલભાઈએ સુરદાસનો ખભો થપથપાવી યાદોના ભૂતકાળમાંથી ફરી વર્તમાનમાં લઈ આવ્યાં. "અને છોડો આ ઉપકાર બુપકારની વાતો. માલિક ચાહે તો આપણાથી કોઈ કામ થાય એની મરજી વગર તો આપણી જીભ પણ કેમ ચાલે?" "એકવાત કહો, આ કળીયુગમાં ભાઇ ભાઈનું નહીં વિચારે, સૌ મારું, મારું કરે છે. તો તમે શા માટે મને મદદ કરી?" સુરદાસે ગહન પ્રશ્ન પુછી લોધો. "છોડો ને, માણસ જ માણસને કામ આવે. એમાં શું વળી?" "હું આટલા વરસ બાદ આવ્યો છું તો મને એટલો તો હક આપો કે હું જાણી શકું.."

સુરદાસની કાકલુદ્દી સામે રસુલભાઈએ હાર માની. "જુઓ વાત બહું લાબી છે, ટુંક માં કહું છું" રસુલભાઈ ગંભીર મુદ્રામાં બોલ્યા.

"ચાલીસ વરસ પહેલાની વાત છે. મારા બાપું બહુ ઇજ્જતદાર તથા ગરીબ હતા. અમે સાત ભાઇ બહેન હતાં. મેં સાત ધોરણ પાસ કર્યું ત્યાં સુધી બધાં જ ધોરણમાં હું પ્રથમ સ્થાને પાસ થયો. મારા વર્ગના બધા જ બાળકો મારી પાસે શીખવા આવતા. મે જેમને એકડો ઘુંટાવ્યો છે તેમાથી આજે કોઈ ઓફિસર, કોઈ શિક્ષક, કોઈ ફોરેસ્ટ રેંજર તો કોઈ જજ છે. હાઇસ્કુલમાં આવ્યા બાદ મારે શાળાંતની પરીક્ષા આપવી હતી. તે સમયે તેની પ્રવેશ ફી પંદર રુપિયા હતી. માસ્તર સાહેબે પંદર રુપિયા ભરવા માટે ઘેર કહ્યું. હું ખૂબ હોશિયાર છું અને જો હું શાળાંત પાસ કરીશ તો મને નોકરી પણ મળી જશે તે સમજાવવાં માસ્તર સાહેબ ખુદ મારા ઘેર આવ્યાં. પણ પ્રવેશ ફી જમા કરાવવા માટે બસ બે જ દીવસ બાકી રહ્યા હતાં. ગળામાં ભરાએલા ડૂમાને ખોખારા સાથે કાઢીને તેમણે બોલવાનું ફરી શરું કર્યું.

"કોણ ન ઇચ્છે કે તેનું સંતાન પ્રગતિ કરે. પણ મારા ઘરમાં તો એક પાઈ પણ નહોતી. મારા માતા-પિતાએ આડોશ પાડોશમાં સૌને પુછી જોયું, પણ સાલો તે સમય જ એવો હતો કે સૌ ના ઘર સરખા હતાં. પૈસા તો વળી કોની પાસે હોય? કોકના કરીયાવર માટે મારા બાપુ પગાર તો પહેલેથી જ મુની પાસે મુંડાવી ચુક્યા હતાં. સગાવહાલાને પારખી જોયા. અરે વાત તો ત્યાં સુધી ગઈ કે માત્ર આંખની ઓળખાણવાળા લોકો પાસે પણ આજીજી કરવામાં મારા માતા-પિતાએ પાછી પાની નહોતી કરી. તે દીવસે સવારથી માડીને રાત સુધી મારા માતા-પિતા ખાધા પીધા વગર દોડતાં રહ્યાં અને રાતે તન અને મનથી થાકીને ભુખ્યાં જ સુઈ ગયા." રસુલભાઈના નહિં રડી શકાયેલા આંસુની ભિનાશ સુરદાસ પણ મહેસુસ કરી શકતો હતો. "હું સવારે ઘેરથી ચુપચાપ દફતર લઈને નીકળી ગયો. ગૌતમી નદી ખળખળ વહી રહી હતી. જાણે કોઇક સુંદર જાજમ પાથરી ગયું હોય તેમ આખા નદીના તટ પર અવનવા ફૂલો મહોરી ઉઠ્યાં હતાં. પંખીઓનો કલરવ, બળદની ઘંટીઓનું સંગીત કુદરતની રમ્યતાથી ઠાસોઠાસ ભરેલું દ્રશ્ય મને જરાય રમ્ય નહોતું લાગતું. નદીના કાંઠે એક બહું ઉંડો કુવો હતો. હું તેની પાળ પર ચડી ગયો. આજુબાજુના આ રમ્ય દ્રશ્યોને અવગણીને સવારની આ વિચલિત કરતી શાંતિને શાક્ષી રાખી હું છેલ્લી વાર રડ્યો. એક હ્રદય દ્રાવક ચીસ સાથે મેં મારા દફતર ભેગા મારા આંસુઓ, મારા ડુસકાઓ, મારી પ્રગતિ અને મારું બાળપણ તે વિશાળ કુવામાં હોમી દીધું."

શાંતિ...નીરવ શાંતિ...

જાણે શબ્દો બધા વામણા થઈ ગયા હોય તેમ શું બોલવું તે કોઈને ન સુઝ્યું. દુકાનમાં આવેલા ગ્રાહકો પણ પોતાના હાથમા રહેલી ચાની ચુસકી પણ મારી ન શક્યા. "અરે સોરી રસુલભાઈ તમે સાચું કહેતા હતાં. મે ખોટી જીદ કરી તમને દુઃખી કર્યાં."સુરદાસે પોતાના આંગળાં રસુલભાઈના માથા પરથી ચહેરા પર, ચહેરા પરથી ખભા પર આંગળા મુક્યાં. તેને ખભો શોધવામાં વાર લાગી પણ તેની ભાવના રસુલભાઈ સુધી તરત જ પહોંચી ગયી હતી.

"અરે છોડો આવી વાતો, હું આજે સારા સમાચાર દેવા આવ્યો છું. તો દુઃખને ટાટા કહો. મને સરકારી નોકરી મળી ગઈ છે. જીંદગી આખીનો રોટલો મળી ગયો. આ બધું જ તમારા લીધે થયું છે." સુરદાસ સજળ આંખો અને બંને હાથ જોડી ને ઉભો રહ્યો. સુરદાસની અંધારી આંખોમાં રસુલભાઈનું શૈશવ ખીલખીલાટ હસી રહ્યું છે અને રસુલભાઈ કરુણા વશ રડી રહ્યા છે!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational