Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kunjal Chhaya

Action Drama Thriller

3  

Kunjal Chhaya

Action Drama Thriller

સૂત્ર – મંગળ

સૂત્ર – મંગળ

6 mins
14.6K


ગળામાંથી મોતીની સેર ખરી પડી. એક એક ચમકદાર કાળાં - સફેદ મણકાં જમીન પર વેરાયાં અને મુગ્ધા એને સમેટવાં વિહ્વળ થઈ. “આમ અચાનક આ માળા કેમ તૂટી પડી હશે? કંઈ અણધાર્યુ તો નહીં થવાનું હોય ને? મંગળસૂત્રથી પણ વધુ પવિત્ર છે આ માળા મારા માટે. કંઈ અમંગળનાં એંધાણ તો નથી આપતી ને આ માળા?” કેટલું મનમાં જ વિચારી લીધું. મુગ્ધા મણકા વીણીને એક વાટકીમાં ભેગા કરી બધું કામ મૂકી, સોઈ દોરો લઈ, એ મોતીઓની માળા ગૂંથવા ખુરશીમાં પલાંઠી વાળી, વાટકો ખોળામાં લઈને બેઠી પણ ત્યાં તો તે જ વિચારોમાં પરોવાઈ.

***

બારમાં ધોરણની પરીક્ષાની ફિકર કર્યા વગર દિવાળી વેકેશનમાં બે દિવસ માટે માઉન્ટ આબુ પ્રવાસે જવાની તૈયારી કરતાં સૌ મિત્રો મુગ્ધાને નજરે પડ્યાં. મમ્મી તો નનૈયો જ ભણતી હતી. “પરીક્ષા માથે છે, તબિયત બગડશે, અભ્યાસ ખોટી થશે.” પણ ડેડીએ સપોર્ટ કર્યો. “જા ફરી આવ તારાં ગૃપ સાથે પછી એ બધાં ફરી એક સાથે ક્યારે મળશે? એન્જોય યોર ટ્રીપ.” મનામણાં રીસામણાંને અંતે મમ્મી ડેડીની લીલી ઝંડી મળી.

ખુશ થઈને ગ્રિષ્માને કહી દીધું કે મારી ટિકિટ પણ બુક કરજે. ગ્રિષ્મા અને અજય આ પ્રવાસનાં લિડર નિમાયાં હતાં. તેમણે પહેલાં પણ આબુ જોયું હતું. ચાર ડઝન મિત્રોનું ટોળું એક પ્રાઈવેટ લક્ઝરી બસ કરીને નીકળ્યાં. હવામાનમાં ઉલ્લાસ ભર્યો હોય એમ બધાં જ હસતાં- ગાતાં મુસાફરીને માણવાં લાગ્યા. પહોંચીને અગાઉથી નોંધણી કરાવેલ હોટેલમાં ઉતર્યા. સવારે ફ્રેશ થઈને નાસ્તો - પાણી પતાવી, બધાં ફરવા નીકળ્યાં. બસમાંથી જ સાઈટ સીન કરવાનું નક્કી થયું. કુદરતનાં ખોળે મહાલીને સહુ કોઈ ગેલમાં આવી ગયાં હતાં. અંતાક્ષરીની રમઝટ જામી. એક પછી એક મદમસ્ત ગીતો ગવાતાં હતાં.

મુગ્ધા કંઈક અનોખા ભાવમાં હતી. સામે આગળની સીટમાં બેઠેલાં મનહર સાથે નઝરોથી અંતાક્ષરી રમતી હતી. જેની મિત્ર વર્તુળમાં નોંધ ખાસ લેવાઈ ન હતી. આમ ને આમ નજરોનાં પ્રવાસમાં સાંજ પડી. સન સૅટ પોઈન્ટ પર બધાં જ મિત્રોએ ધામા નાખ્યાં. સૂર્ય અસ્તની લાલીમા હેઠળ ગૃપમાં ફોટા પડાવ્યા. અને પચાસ કોપીઓનો ઓર્ડર અપાયો. હજું પણ મુગ્ધા અને મનહર વચ્ચે શબ્દોની આપ-લે થઈ નહોતી. ખૂબ ધીંગામસ્તી કરી બધાં રાતે લોથપોથ થાકીને હોટલ પાછાં ફર્યાં. ગ્રીષ્મા અને અજયે આવતી કાલે ક્યાં ક્યાં જઈશું એ કાર્યક્રમ ઘડ્યો, ચર્ચા કરી બધાં સૂતાં.

“વાહ! આજે તો શોપિંગ કરવાનું છે.” છોકરીઓ તો ખુશ્ખુશાલ થઈને આબુની બજારોમાં ફરવાં લાગી. બરાબર એક વાગે નક્કી કરેલ જગ્યાએ જમવાં ભેગાં થવું એવી જોગવાઈ થઈ. ગૃહ શુશોભન, ચણિયાચોળી, રાજસ્થાની ચૂડીઓ અને ચુંદડીઓ, લાખની સુંદર બંગડીઓ, ચમકદાર મોતીઓની માળાઓ જેવાં આભૂષણો પર છોકરીઓનો અને ચપ્પુ, ચામડાંની વસ્તુઓ, કુદરતી દ્રશ્યોવાળાં પોસ્ટરો ઈલેક્ટ્રોનીક ગેઈમ, રમકડાં વગેરે તરફ છોકરાઓ વળ્યા.

કોઈ તેનો પીછો કરે છે એવો ભાસ મુગ્ધાને સતત થતો હતો. પણ તે ચૂપ રહી. મુગ્ધાને એક માળા ખૂબ જ ગમી. તેણે ભાવ પૂછ્યો. દુકાનદારે અઢી હજાર રૂપિયા કહ્યા. જો તે આ માળા ખરીદી લેશે તો બીજા ખર્ચા કરવાં માટે ઝાઝા રોકડ વધશે નહીં. હજુ તો ‘નખી લેક’ અને બીજી ઘણી જગ્યાએ જવાનું બાકી જ છે. એમ વિચારીને માળા ન લેવાં મન મનાવી લીધું.

જમવાનાં સ્થળે ભેગાં થયાં બધાં. બીલ ચૂકવવાં મુગ્ધાને તેનું પર્સ યાદ આવ્યું. પણ આ શું? પર્સ ત્યાં ન હતું. ઘણી શોધખોળ કરી. અચાનક મનહર તેનું પર્સ લઈને આવ્યો અને કહ્યું; “તું બસમાં જ પર્સ ભૂલી ગઈ હતી.” મુગ્ધાનાં જીવમાં જીવ આવ્યો. તરત જ પર્સ ખોલીને સામાન તપાસ્યો. મનહરથી ન રહેવાયું. તેણે કહ્યું, “રૂમ પર જઈ નિરાંતે જોજે, અત્યારે નહીં.” મુગ્ધા અવાચક બની મનહર સામે તાકી રહી.

રૂમ પર જઈ ઝડપથી તેણે પથારી પર પર્સ ખાલી કર્યું. કાગળનું એક પડીકું નીકળ્યું. એની અંદર પેલી ચમકીલાં મોતીવાળી માળા સાથે એક પત્ર પણ હતો. મુગ્ધા એ માળાની ચમકથી અંજાઈ ગઈ. અઢળક આશ્ચર્ય સાથે તેણે પત્રરૂપે કાગળનીએ ચબરખી હાથમાં લીધી અને વાંચવા લાગી. કાગળની એક ચબરખીએ મુગ્ધાનાં આખા જીવનને નવો ઓપ આપી દીધો.

***

પ્રિય મુગ્ધા,

હું મનહર, તારાં આ પર્સને ખોળનાર અને ચોરનાર પણ હું જ. શું કરું? તું જ કહે? તારાં સુધી આ માળા અને મારું ‘મન’ બીજી કંઈ રીતે પહોચાડું? ધોરણ ૮થી ૧૨ સુધી આમ જ મૌન સાથ નિભાવ્યો. હવે સાથે વિતાવવાં ઝાઝો સમય નથી. ૧૨માં ધોરણ પછી બંને પોતપોતાની ઘટમાળમાં ગોઠવાઈ જશું, કોણ જાણે ફરી મળી શક્શું કે નહીં? ગઈ કાલે આંખોનાં પ્રવાસમાં તું મને વધારે નજીક લાગી, એ જ સમીપતાનો સહારો લઈ આ પત્ર લખવાની હિંમત કરું છું. આશા છે, તું સમજી શકીશ.

જો તને પણ મારાં પ્રત્યે સહેજ પણ લાગણીનો ભાર લાગતો હોય તો સાંજે જ્યારે બધાં જોડે ‘નખી લેક’ જઈએ ત્યારે આ માળાને પહેરીને આવજે. એક સ્મિત આપ જે. આખીયે જિંદગી એકમેકને નામે કરી દઈશું. તારી નાજુક ડોકમાં એ માળા જોવાં અને સ્મિતસહ તારાં હકારનાં જવાબનો આતુર..

તારો હતો, છું અને રહીશ.

મનહર.

એ સાંજે નખી તળાવમાં નૈકાવિહાર સાથે બંને આંતરિકરૂપે સ્વૈરવિહાર કરી રહ્યાં હતાં. એકાંતની કેટલીક ક્ષણ એમણે શોધી લીધી. જ્યાં જીવનભરનાં કોલ અપાયાં. સૌથી અળગા ન પડી જવાની બીકે તુરંત છૂટાં પણ પડવાનું હતું. મનહરે પોતાની વાત સહજતાથી કહી દીધી. “એક વાત કહેવાની રહી ગઈ. બારમા પછી મારે આર્મીમાં જોડાવું છે. તને મારા એ નાનપણનાં સ્વપ્ન વિશે ખ્યાલ છે જ ને?” મુગ્ધા ગળામાં પહેરેલ માળા ફરતે આંગળીઓ પરોવીને, હકારમાં ડોક હલાવતી, તેનાં લહેરાતાં દુપટ્ટાને સમેટી દોડી ગઈ.

***

સ્મૃતિઓની માળા પરોવતાં મુગ્ધાની આંખો પણ આંસુનાં મોતીઓ સારવા લાગી. વીતેલાં એ દિવસોનો ક્યાસ કાઢવાં લાગી. ભણતર પછી મનહરનો સૈન્ય અભ્યાસ અને ભરતી. ત્યાર પછી પરીવારને સંબંધનો સ્વીકાર કરવાં માંડ મનાવ્યાં. કુટુંબની ચિંતા સ્વાભાવિક જ હતી. એ ચિંતા ક્યારે તેઓનાં લગ્ન માટે અવરોધ રૂપ બની ગઈ ખબર જ ન પડી. અતિ સ્નેહ હતો કે સૈનિક સાથે લગ્ન કરી દીકરી દુઃખી ન થાય. મનહર તો કુટુંબથી દૂર હતો જ પણ મુગ્ધા પણ પીયર અને સાસરાંથી દૂર થઈ ગઈ. બંને એ જુદું ઘર કર્યું.

નવાં નવાં લગ્ન. ૧૯૯૯ની સાલનું કારગીલનું યુદ્ધ અને એની નિમણૂક લદાખનાં બર્ફાચ્છાદિત પહાડોની સરહદે થઈ. એ સમયે તો એ સાવ જ એકલી હતી. પરિવારથી તો વિખૂટી હતી જ પણ એ અરસામાં જૂનાં મિત્રો-સખીઓથી પણ સંપર્ક છૂટી ગયો હતો. ટી.વી. અને રેડીયોમાં મળતા સમાચારો અને કેમ્પમાં ફોન કર્યા કરવાં સિવાય એને ક્યાં કોઈ બીજો સહારો હતો. વળી એ એજ અરસામાં બે જીવવાળી હતી. સારાં દિવસોમાં એ એકલી હતી. મૂંઝવણ અને એકલતાં એને કોરી ખાતી.

“ધ્યાન રાખજે, ખુશ રહેજે કે આરામ કરજે, ભૂખ લાગી છે?” એવું પૂછવા વાળું કોણ હતું એની પાસે? કોઈ ફોન કે ઘર આંગણે આવે તોયે એને ધ્રાસ્કો પડતો. એને તો ફક્ત આ માળાનો જ સથવારો હતો. ગળામાં હાથ ફેરવી એનાં મનહરને યાદ કરી લેતી.

યુદ્ધ પૂરું થવાનું એલાન થયું પણ મનહરનાં કોઈ વાવડ ન હતાં. એ રેજિમેન્ટમાં ફોન કરે કે એનાં પીયર કે સાસરે ફોન કરે મૂંઝાતી હતી. એવામાં એનાં બારણે ટકોર પડી. મિલિટરીની ગાડી ઊભી હતી. એમાંથી ઉતરતો એનો મનહર એને નજરે ચડ્યો અને મુગ્ધા ખરેખર મુગ્ધ બની ગઈ. બાવરી થઈને એ દોડતી વળગી પડી. લોહીનાં ટશિયા અને ઘાના છાલાં એનાં ચહેરા અને વર્ધીમાંથી દેખા દે એટલાં બાહ્ય શરીરમાંથી તો જોઈ જ શકાતાં હતાં. છતાં એ એક યોદ્ધો હતો, સામી છાતીએ દુશ્મનોનાં વારા કાઢીને વિજયી થઈને આવેલો યોદ્ધો. છાતીએ વળગેલી પત્નીને ખૂબ પ્રેમ આપ્યો. નવો જન્મ, નવું જીવન શરૂ કર્યું. થોડાં મહિનાઓમાં બાળક જન્મ્યું. જીવન ભર્યું ભર્યું થયું.

***

દીકરો તો મિલિટરી કેમ્પની હોસ્ટેલમાં ભણે છે. પ્રાથમિક શાળાનો તબક્કો પૂરો કરશે. યુદ્ધ તો હવે ક્યાં નથી? પહેલાં જેવું નથી રહ્યું. સતત ચોમેર કોઈને કોઈ એલર્ટ અને અફરાતફરીનો માહોલ છે. નિશ્ચિત, નિયમિત રૂપે તેનાત રહેવું પડે છે સરહદ પર. સુરક્ષાને કાજે બદલી થતી રહે, ક્યારેક વાઘા તો ક્યારેક લદાખ તો ક્યારેક કચ્છ.

સૈનિક પત્નીથી, ટાઢ-તડકો જેવાં વાતાવરણની ચિંતા થાય? પાંચ મહિનાથી ઘરે નથી આવ્યો. ગઈ કાલે જ વાત થઈ હતી. એ લેપટોપથી સ્કાયપે પર ઓનલાઈન આવ્યો હતો. એણે રજાઓની અરજી તો કરી છે. દીકરો બોર્ડની પરીક્ષા આપીને ઘરે આવશે એ વાત થઈ જ હતી.. પણ.. એને રજા મળશે? આ મોતીની માળા તૂટી એમાં તો જીવ કંતાઈ રહ્યો, એણે મન પરોવવાં ટીવી ચાલુ કર્યું. સમાચાર જોયાં. એ જ સમાચારો જે એ ડોઢ દાયકાઓથીતો સતત સાંભળતી આવી છે. “દિલ્હીમાં બોમ્બ, હથિયાર અને બીજા વિસ્ફોટકો સાથે આતંકવાદી પકડાયો. બોર્ડર પર સેના સજ્જ.”

એવામાં ફોન રણક્યો. ‘મનહર કોલિંગ’ તેનાં મોબાઈલમાં લબક - ઝબક થયું. ટેરવેથી તેનાં નામને સ્પર્શી લઈને ફોન કાને ધર્યો. સમે છેડેથી સંભળાયું, “મુગ્ધા, આપણી કાશ્મીર બદલી થઈ છે.”

***


Rate this content
Log in

Similar gujarati story from Action