Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pandya

Children Drama Thriller

4.8  

Hiral Pandya

Children Drama Thriller

હજીએ તું સાંભરે છે!

હજીએ તું સાંભરે છે!

5 mins
15.3K


"પહેલા તારી સાથે યાદો બનાવતા શીખ્યો,

હવે તારી યાદોમાં જીવતા શીખી ગયો છું.

પહેલા મોજમાં રહેતો હતો,

હવે લોકો કહે છે એમ મજામાં! રહેતા શીખી ગયો છું"

હું અપલક નજરે એ જગ્યાને જોઈ રહ્યો હતો જ્યાં ઇરફાનના નિર્જીવ દેહને દાટવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા જ અહીં ગામને પછવાડે એક વાઘે આવી હુમલો કર્યો હતો અને એમાં ઇરફાન એને ભગાવવામાં અતિશય ઘાયલ થયો હતો. ઘણા પ્રયત્નો છતાં તેને બચાવી ના શક્યા! વાઘનું આ દિશામાં લટાર મારવું કંઈ નવાઈની વાત ન હતી. આ મધ્યપ્રદેશના એક નેશનલ પાર્કની અંદર આવતા અંતરિયાળ ગામની વાત છે. વાઘનું અહીં સામ્રાજ્ય હતું. તેઓ ફરતા રહેતા પણ હુમલા બહુ ઓછા થતા.

ઇરફાન અહીં એનીમલ ટ્રેકર ઉર્ફે પ્રાણીઓનો દેખરેખ રાખનાર હતો. તેમની હલનચલન અને તબિયતની જાણકારી વનવિભાગને પહોંચાડવું એ એનું કામ. શહેરમાં પ્રશિક્ષણ લીધા પછી અહીં નિયુક્ત થયે તેને દોઢ-બે વર્ષ થયા હતા. નેશનલ પાર્કમાં ડ્રાઇવર અને ગાઇડ અહીં આજુબાજુનાં ગામનાં જ માણસો હોય. ગામના મોટા ક્યારેક પોતાના ઢોર-ઢાંખર ચરાવવા જંગલમાં નીકળી પડે, સાથે મોટી લાઠી રાખે, વાઘ કે બીજા પશુથી સંરક્ષણ માટે.

આજે પણ મને મારા શરુઆતના દિવસો સ્મરણમાં છે. હું જાણે નાનું બાળક પા-પા પગલી ભરતાં હરખાઇને દોડવાની જ કોશિશ કરે એમ આખું જંગલ એકજ દિવસમાં ખૂંદવાની મહેચ્છા રાખતો હતો. ધીરે ધીરે મને પ્રાણીઓ કરતા વધારે આકર્ષણ પ્રકૃતિનું થવા લાગ્યું. આવા જ એક દિવસે હું સવારમાં મારા નિત્યક્રમ પ્રમાણે નીકળ્યો અને ત્યાં મને ભેટો થયો ઇરફાનનો. શરૂ શરૂમાં તે ગાઈડ તરીકે ફરતો હતો. વાઘ ખોળતા ખોળતા એના નાકે દમ આવી ગયો હતો. બે દિવસ સવાર સાંજની સફારીમાં તેના ભાગ્યમાં થોડો પ્રસાદ મળે એમ ખાલી હરણ, શિયાળ અને પક્ષીઓ જ મળ્યા હતા. આવું તો થાય, અનુભવી ગાઈડને જ ત્વરિત સમાચાર મળે કે વાઘ ક્યાં દેખાશે. વાઘ જેવી ચપળતા તમારામાં લાવવી પડે અને હજુ એ તો નવો ખિલાડી હતો. આમ તો દરેક વાઘના પોતાના નિર્ધારિત પ્રદેશ(ઈલાકા) હોય છે. સમય જતા ઇરફાનને વાઘોની ઓળખાણ થઈ અને ક્યાં કયો વાઘ દર્શન આપશે તેની થોડી આવડત પણ આવતી ગઇ હતી.

ઇરફાન પોતાની ફઈ અને એમની બે દીકરીઓ સાથે રહેતો હતો. બન્ને બહેનો નાની એટલે ઘરની જવાબદારી તેના માથા પર હતી. મારે માતા અને એક મોટો ભાઈ છે. મોટો ભાઈ જીવનની ઘટમાળમાં જોતરાઇ ગયેલો છે, જ્યારે હું થોડો લહેરીલાલ. મને વૃક્ષો, નદી, પંખીઓમાં વધારે રસ. ઇરફાન ઘરે થોડું બે-પાંચ રૂપિયા વધારે આપી શકાય માટે સવારની સફારી સમયે ક્યારેક ગાઈડ તરીકે કામ કરતો. તેમાં જો વાઘ સારા એવા જોવા મળી ગયા તો તો ચાંદી! ટીપ એટલી જ તગડી મળતી. અને બપોરે એનીમલ ટ્રેકરનું કામ તો હોય જ.

મારુ ઇરફાનને સવારની સફારીમાં ભાગ્યે જ મળવાનું થતું. આમ પણ ચાર ગેટથી જંગલમાં આગમન કરી શકાતું, દરેક ગેટથી દસ-બાર વાહનો જાય. દસ વાગે સફારી પતાવ્યા પછી આરામથી બપોરે બારની આસપાસ એ ક્યારેક મને રસ્તામાં ભટકાતો. એ પોતાના સ્ફુટર પર ઘરે ભોજન કરવા જતો હોય, હું પ્રકૃતિમાં ખોવાયેલો હોઉં અને એ ક્યારેક ત્યાં મને સાથ આપવા ઝાડ નીચે બેસે. એનીમલ ટ્રેકરને સંસ્થા તરફથી સ્કુટરો આપેલા હોય છે અને તેઓ તે લઈને જંગલમાં ફરી શકે છે.

મને ઠંડીના દિવસો અચૂક ગમે. પાણીની તલપ ઓછી લાગે અને હું બિન્દાસ જંગલમાં ઊંડે ભમી શકું. ધુમ્મસની ચાદરથી પથરાયેલું શાંત વાતાવરણ પંખીઓના કલરવ સાથે સુમેળ સાધતું જોવા મળેે. પાનખરમાં વૃક્ષોનાં ઉતારેલા વાઘાથી મઢાયેલી કેડીઓ પર ચાલવાની મજા! ઇરફાન મારા આ અલગારી વ્યવહારને સમજતો હતો. મારો નિસર્ગ પ્રત્યેનો પ્રેમ! જ્યાં બધા જ જીવનના પાટા પર ભાગી રહ્યા છે, હું અસ્તિત્વ માટે જરૂરી પ્રાવિણ્ય કેળવવાને બદલે નિસર્ગપ્રેમી બની જંગલના પેટાળમાં ભમ્યા કરું છું. અમારી યારી અલગ જ હતી. વાતો કરવા અમને શબ્દોની ગરજ ન પડતી, આંખોથી અણસાર મળી જતો. એણે મને શીખવાડયો હતો તફાવત ફુલોની સુગંધ અને પ્રાણીની ગંધનો. ચિચિયારીઓ ઉત્સાહી માણસોની અને ગભરાટમાં પ્રાણીઓની. કોઈ ડર ન હતો એને કે મને, આમ અમથા જ જંગલમાં બેસવાનો. કારણ મારી પાસે એ હતો અને એની સાથે હું.

વરસાદના મૌસમમાં ત્રણ મહિના જંગલ સફારી માટે બંધ રહેતું. દોઢ મહિનાથી ઇરફાન શહેરમાં ગયો હતો. એક દિવસ રાત્રે એના ગામ તરફ નીકળ્યો, વિચાર આવ્યો કે જરા જોઇ લઉ આવ્યો છે કે નહીં?

ત્યાં મેં જોયું એક બાળક ઘરની બહાર દડાની પાછળ ઝાડીઓમાં ભાગી રહ્યું હતું. આ સમયે બાળકોને આમ તો ઘરની બહાર મોકલવામાં આવતા નથી હોતા, મારા કાન સતર્ક થઈ ગયા. ઝાડીઓની પાછળથી કંઈક પસાર થવાનો અવાજ આવ્યો અને હવે મને તેની ગંધ આવી. ક્ષણવારમાં તો તે બહાર આવી બાળક તરફ તરાપ મારવા ગયો. હું એને ઓળખી ગયો. એ હતો સીઝેડ-૧૨, દસ વર્ષનો હૃષ્ટપૃષ્ઠ બસો-અઢીસો કિલોનો વાઘ. અને આ શું! સામેથી મેં ઇરફાનને લાઠી લઈ દોડીને આવતા જોયો. ન..હીં..!! એ વચ્ચે પડ્યો તો એની ખેર નથી... હું કુદયો પણ ત્યાર સુધીમાં ઇરફાનના છાતી પર એણે તરાપ મારી નખ ભરી લીધા હતા. ઇરફાને બાળકને બાજુમાં ખેચી લીધું હતું. હું બચાવી શક્યો હોત બન્ને ને જો પહેલાજ મેં ચપળતા બતાવી હોત, પહેલા કેમ હલનચલન સાંભળી નહીં! હવે સમય નથી. વિચારો ખંખેરી હું તૂટી પડ્યો સીઝેડ-૧૨ પર. મારી આંખમાં ઝનૂન સવાર હતું. સીઝેડ મારા પર ભારી પડી રહ્યો હતો. મેં ત્રાસી નઝરે જોયું તો ઇરફાન બાળકને થોડો દૂર સુરક્ષિત લઈ ગયો હતો. પણ તેના શરીરમાંથી લોહીની ધારા વહી રહી હતી. વાઘની કીકીયારીઓથી વાતાવરણ તંગ થઈ ગયું હતું. એટલામાં અમારી ચીસો સાંભળી ગામવાસીઓ લાઠી અને મશાલ લઈ પહોંચી ગયા.

મારા ગળા ઉપર એની મજબૂત પકડ રાખી એ મને ઝાડીઓમાં ઘસડી ગયો. અનહદ દર્દ ! હું તરફડી રહ્યો હતો. આંખ આગળ અંધકાર થવા લાગ્યો હતો. ત્યાં દૂરથી કોઈ તીવ્ર પ્રકાશ મને બચાવવા મારી તરફ આવ્યો?.. કે સીઝેડ-૧૨ પર કોઈએ મશાલ ફેંકી?..કાંઈ ગતાગમ ન પડી. તે પકડ છોડી ગભરાટમાં ભાગ્યો અને હું લથડાતા થોડો દૂર જઈ ઝાડીઓમાં પડ્યો.

કલાકો વીતી ગયા હોય તેવું લાગ્યું, શરીરનું રોમ રોમ દર્દથી ચિત્કારી રહ્યું હતું. ગળામાંથી લોહીની ટશરો નીકળી હતી. દૂરથી પ્રકાશ અને અવાજ આવી રહયા હતા. મહામહેનતે હું થોડું આગળ ઘસડાયો અને ઝાડીઓમાંથી જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દૂર ઇરફાનને વીંટળાઈને લોકો કંઈક કરી રહ્યા હતા.

પહેલા કંઈ સમજાયું નહીં, શું એ રુદન હતું? માણસો કરે અને પ્રાણીઓ પણ, જ્યારે પોતાનું કોઈ વ્હાલું સાથ છોડી જાય ત્યારનું.... રુદન!!!

કહેવાય છે વાઘની સાંભળવાની શક્તિ બહુજ તીવ્ર હોય છે. હું જય, પાંચ વર્ષનો બંગાળ ટાઇગર. મને ધિક્કાર થતો હતો મારી આ શક્તિ પર!!!


Rate this content
Log in

Similar gujarati story from Children