Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

વહુ અને ઘોડો

વહુ અને ઘોડો

28 mins
1.0K


સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો...

હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્ધી રાતના મારા સંગાથીને મારે પુરુષ-નામ ન આપવું જોઈએ. દીવાને 'દીવો' કહેતાં તરત જ મારું મન પાછું ભટકવા લાગે છે: દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદુ પુરુષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરુષની કલ્પનામૂર્તિ પણ નહિ સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટશે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર એ દીવાની પુરુષ-કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેડીમાં અત્યારે એક હું જાગું છું. ને બીજી જાગે છે આ બત્તી.

મને મારું બાળપણ સાંભરે છે. જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયાફૂટી કહે છે, કેમકે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે ભૂલી બહુ જાઉં છું, નાહીને કે સૂઈ ઊઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડ્યો રહેવા દઉં છું અને, તેને પરિણામે , સહુ મને 'ભાન વિનાની', 'રોઝ જેવી' કે 'ગામડાનું ભોથું' કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છે: તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમ જ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે "રે'વા દે, રે'વા દે, પાપણી ! નહિ તો તને ઓલ્યે ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો, ને કાં એમના ઘરની વહુવારુનો, અવતાર મળશે, હો !"

તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યો: શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરે રોજ લાકડી ખાઈને ચાલી જતી ટિપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું ?

"તો તો હું ખૂબ પાપ કરીશ !" નાચતી કૂદતી હું બોલી ઊઠી: "મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે - બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો."

ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારું ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંચાં પગથિયાં પર હું રતનમાની જોડે બેસતી, અને પેલા ઘોડાની વાટ જોતી.

"જો આવે: જો, સાંભળ, એના ઘૂઘરા બોલે !" એમ રતનમા કહેતાં કે તરત જ હું તૈયાર થઈ ઊંચે શ્વાસે ઊભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેક-લટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નીરખી નીરખીને મારા હૈયાના મોરલા નાચી ઊઠતા: "અહાહા ! રતનમા !" હું કહેતી: "આવા સુખનો અવતાર પામવા સારુ તો હું તમે કહો તેવાં પાપ કરું !"

"અરે મૂરખી !" રતનમાં સમજાવતાં: "આ તો થોડા દીનાં નાચણ ખૂંદણ: ભલે માણી લ્યે બચાડો..."

પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર-સાંજ, બસ, એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતી: રણકાર થાય કે દોડાદોડ ખડકીએ જતી: બા નવડાવતી હોય તો એના હાથમાંથી વિછોવડાવીને સાબુએ બળતી આંખે પણ ઘોડો જોવા જતી.

'કેવો ભાગ્યશાળી ઘોડો !' હું વિચાર્યા કરતી: 'એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા, ભપકેદાર લોકોની સવારી શોભે છે ! 'ચાઈના સિલ્ક'ના કોટપાટલૂને દીપતા મામલતદાર સાહેબના બન્ને હાથ ભરબજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય, અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા, બગલમાં રૂપેમઢી તલવારોવાળા, મોટા મંદિલવાળા તાલુકદારો એને 'સરકાર ! સરકાર !' કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરુષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે !'

હરેક ગાડીને ટાઇમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ-કારકુન સાહેબ સુધીના તમામ માનવંતા પેસેન્જરોને ચા-નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નીરખી લેતી; અને રાતના બાર કે ચાર બજ્યાની ગાડી પર જ્યારે એ ચૂપચાપ રબર-ટાયરની ગાડીને રમાડતો, પોતાના નાળબંધ ડાબલાના પડછંદા જગાવતો ઘોડો સૂનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો, ત્યારે ઊંઘમાંથીય હું જાગતી - નહોતી જાગતી ત્યારે એ ઘોડો સ્વપ્નમાં જોતી.

બજારમાં પણ અનેક વાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણીવાર અટકતી; અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે "મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હો કે ! જુદાઈ રાખશો નહિ, હો કે ! ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે, શેઠ ! ભાઈઓને સારુ કામ નહિ આવે તો પછી એનું સાર્થક શું છે ?"

'ઓહોહો !' હું વિચાર્યા કરતી: કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો ! ઊભો ઊભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની ! માખી ન બેસે માટે તો આખે અંગે જાળીની ઝૂલ્ય.

જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડતી હશે !

એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ એક દી:

અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતેય ગાડાખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતેય જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોનાં કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં. પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડૂઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝગડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું - આઠ વરસની છોકરી - અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી: "હદ થઈ છે હવે ને હવે તો ? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ ને પીટે છે પરગામના ગાડાવાળાઓને ! કોઈ દેખનારો જ ન મળે ?"

આમ જ્યારે ગાડાં ને ગાડીઓ, રેંકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમ જ વાહનોનો ઠાંસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ઘમકાર સાંભળ્યા. મેં ઊઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું...

અહાહા ! શેઠની ગાડી: નવો ઘોડો: માંકડાને બદલે ધોળો ધોળો: અને અંદર ચાર બૈરાં તથા પાંચ છોકરાં બેઠેલાં.

આજ આટલાં વર્ષે પણ હું એ દેખાવની એકેય વિગત વીસરી નથી શકી. અંદર બેઠાં હતાં તો ચારેય જણાં ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોનાસળીના સાળુ સોંસરવી હું એ મોઢાંની ઝાંખી રેખાઓ જ જોઈ શકી હતી; પણ કોણી સુધી ઉઘાડા તે આઠેય હાથ ઉપર તો મારી નજર, કોઈ ભિખારીનું છોકરું દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગનીથી, તાકી રહી હતી.

મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરું ! અત્યારની મારી દૃષ્ટિ દોષિત બની છે, એટલે એ વખતના મારા નયન-તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું.

અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો !

"શેઠનાં ઘરનાં વહુવારુઓ છે; વેવાઈ-ઘેર આજ જમવા જાય છે: બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ !"

એવા ઉદ્ગારો લોકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમેને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારુઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં.

એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે ક્યા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય ! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી, અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં, કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા.

ગાલ તો છોને ખચકાવ્યા પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે 'હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ ? એવું મને ક્યાંથી મળશે?'

બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીના પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશે: બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે.

પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગિયલપણાની જૂજવી ભાતો લાગી હતી.

આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી: કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.

એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે "ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?"

હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી. તેનો અર્થ એ હતો કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં.

અગિયાર...બાર - તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાગાડીની રૂંધામણ થઈ હતી. તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું: કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે "રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયા રાંકા જેવી રહી ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી ! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને !"

બાપુ જવાબ દેતા: "આપણે બીજું શું કરીએ ! શેઠના ઘરનાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે..."

સાંભળીને બા બેવડાં ખિજાતાં: "તમારે ઠીક લાગ આવ્યો છે મારા માથે દાઢવાનો ! લાજતા નથી ને ગાજો છો શું ઊલટાના ! હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારુ મરે..."

"તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બન્નેની એ જ હોય ના !"

"હોતી હશે - તમને ખબર !" બા છણકો કરતાં.

બાપા કહેતા: "પણ એમાં આપણે શું અજુગતું કરીએ છીએ ? લાયક ઉમ્મરની દીકરી સારુ તો પ્રત્યેક ચિંતાતુર માબાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારુ છેવટના દા'ડા કાઢતી મંદવાડમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતાં ? તો પછી આપણે ક્યાં મારણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને ! આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારુને મંદવાડ આવવાને નિર્માયો જ હોય, તો જરી વે'લો વે'લો કાં ન આવે ?"

"કપાળ-!" દાંત ભીંસીને બા બોલતાં: "ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો !"

"પણ આંટો તે કેને ઘેર મારું?"

"બોર્ડિંગો તો તપાસો: પાંચસો છોકરા ભણે છે."

"પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો !"

"ત્યારે કેને દેશું ?"

"સ્ટેશને છાપાં વેચે છે કડવી ભાભુનો રસિકલાલ: એ શું ખોટો છે ?"

બાની આંખે પાણી આવી ગયાં. એનાથી કશું બોલાતું નહોતું. ગળે ડૂમો ભરાઈ આવ્યો; મન મોકળું મૂકીને રડ્યાં. બાપા બાને પટાવવા લાગી પડ્યા: "ગાંડી, હું તો મશ્કરી કરતો હતો ! આપણી તારા જેવી દીકરીને શું હું છાપાંના ફેરિયા જોડે પરણાવું કદાપિ ?"

એમ કહી બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોઢું ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યાં.

હું, તેર વરસની તારા, છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાંવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપવું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ 'સમાચાર'ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક આખા દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહિ ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી: જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારા આંગળાં દાબતી ! અને ઓ મારા બાપ ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.

હાય રે, આવા ડાઘા ડાઘા પગપાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત ! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓના વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, 'ઊઠની હવે ! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.' એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે ! એટલી તો મને બીક લાગતી ! 'મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.'

બે'ક વર્ષો બીજા ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ. તે અરસામાં તો મારી અને બાની (કદાચ બાપાજીની પણ) સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.

છ મહિના સુધી રોજેરોજ પંદર-પંદર મહેમાનો એ મંદવાડની ખબર કાઢવા ઊમટ્યાં, ઘોડાગાડીના ઘૂઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાની થરથરાવતી ટાઢમાં હું મેડીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાનાં ધીરાં પગલાં પર કાન એકાગ્ર કરતી: ખબ... ખબ... ખબ...: જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આંટા મારી રહ્યું છે; આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લાં ઘડિયાળાંની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક-ફટકો ચોંટતો, તેનો સમસમાટ પણ મારી સોડ સોંસરો સંભળાતો.

મંદવાડ સારુ મુંબઈથી ફ્રુટના કરંડિયા ઊતરતા, તે લેવા સારુ પણ ગાડી જ જોડાતી; વૈદો-દાક્તરોને લેવા, મૂકવા, પરી-તળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવાહળવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતી: એ છ મહિના તો શેઠ-આંગણે મીઠા ઉત્સવના મહિના હતા.

એક દિવસ એવી જાહોજલાલી અટકાવી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીની ચિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ-પુત્રને વહુના અવસાન બાદ પાંચમે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે -

મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અરધી ઉઘાડી નાખી... ને એ ઊઘડવાનો અવાજ થતાં જ શેઠ-પુત્રની ઊંચી થયેલી દૃષ્ટે મને જાણે કે આખી ને આખી પી લીધી.

ગભરાટમાં મેં પાછળ જોયું: ધીરી ફૈબા ! મારું મોં લાલ થઈ ગયું: "ફૈબા! શા સારુ તમે મારી આવી વલે કરી ?"

"એટલા સારુ તો તને હું ઉપર લઈ આવી'તી !"

"પણ શા માટે ?"

"દુત્તી, હજુય પૂછછ - શા માટે ?" કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારી: "ચાર વરસથી તપ તપો છો..."

મને સમજાયું: આ તો વર-કન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો ! હું ભૂલી: વર કન્યાને જોઈ લ્યે, એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહિ ! મને પોતાને એવી ઉત્કંઠા નહોતી. મારા કોડ તો હતા ઘૂઘરીદાર ઘોડાગાડીમાં ચાર વહુવારુઓની વચ્ચે સોના-સળીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીનાં હેમ-આભરણ બતાવતાં બેસવાનાં.

એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચી: એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics