Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

અનાદર

અનાદર

6 mins
381


"એકાએક વીણા, સતાર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યાં. મૃદંગો પર ધીરી થપાટો પડી. અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલકંઠી ઘૂઘરીઓના ધમકાર પડયા; ને એક મહારાવ ઊઠયો.

એને દક્ષિણ બાજુના ગોખમાંથી દેવાલયની અંદર નજર કરી, એ તો બાઘો બની ગયો. આ કોણ ? આ શિલાઓ પર કંડારેલી પૂતળીઓ તો પાષણમાંથી રમવા ઊતરી નથી ને ? એમ ધરતો એ દેવાલયના સ્થંભોના ટુકડા પર કોતરેલી આકૃતિઓ જોવા લાગ્યો. એ તો પત્થરમાં મોજૂદ હતી. ત્યારે આ બધી કોણ હતી ? કાળી કાળી ફરસબંધી ઉપર ત્રણસો જેટલી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. સોમનાથ દેવની એ નૃત્યદાસીઓ હતી. મહાદેવને એ રીઝવતી હતી કે બ્રાહ્મણોને ?

મહાદેવનું કાજળકાળું લીંગ ફૂલો અને દીપકોની વચ્ચે બેઠું બેઠું જાણે આ નૃત્યસંગીતમાં ધ્યાનમગ્ન હતું. બે હજાર બ્રાહ્મણો બેઠા બેઠા ને ઊભા ઊભા માથાં ડોલાવતા હતા. દેરું તૂટ્યું હતું. ત્રણ ત્રણ વાર તેના ઉપર વિધર્મી પરદેશીઓના પંજા પડયા હતા. તો પણ પુરાતન પરંપરા તૂટી નહોતી. કોઈ ગૌડ બંગાળાની, તો કોઈ મલબારની, કનોજની ને કાશ્મીરની, જયપુરની ને નેપાલની આ ચિરકુમારિકાઓના રૂપરૂપના રાશિઓને પોતાના ઉરમાં સંઘરી રહેલું સોમ-મંદિર સાગરને ખોળે માથું ઢાળીને સૂતેલી વસુંધરાને લાધેલા દૈવી સોણલા સમું બની રહ્યું હતું. કોણ જાતની ને કોણ નાતની, કયા માબાપની ને કયા કુળની આ કુમારિકાઓ હતી ? કોઈને એ જાણવાની જરૂર નહોતી. દેવને વરેલી એ માનવની દુહિતાઓ હતી. કળાની એ પુત્રીઓ હતી. જટાળા જોગંદરો અને વેદ રટતા પુરોહિતોની ઊર્મિઓને ડૂબાવાનારી એ દરિયાઇ વામ્મળો હતી. અસલ તો દશ હજાર જેટલાં ને અત્યારે ઓછામાં ઓછા બે હજાર ગુર્જર ગામડાંની ખંડણી ધરાવતા આ દેવાલયમાં તેમનાં જઠરની ભૂખ ઓલવવાનું રોજ રોજનું જમણ હતું, ને મંદિરના સેવકોની રૂપ રસ ગંધ સ્પર્શની તૃપ્તિ માટે તેમનું યૌવન હતું. સાગરનો સુવિશાળ ઘાટ તેમના નૃત્યગીત પછીના શ્રમને ઉતારવા અગાધ અખૂટ નીલાં પાણીની ઝલકો મારતો હતો. તેમ આ ત્રણસો રૂપની ઝાલકો શંભુના સેંકડો સેવકોનાં અંત:કારણોમાંથી જ્ઞાન, તપ, સંયમતેજના શ્રમને પણ ધીરે ધીરે ઘોતી જતી હતી.

દુર્ગને દરવાજેથી નકીબો પુકારાઈ : 'ખમ્મા ગંગાજળિયાને ! ઘણી ખમ્મા ચંદ્રચૂડના કુળદીપાવણ રા'માંડળિકને. ઝાઝી ખમ્મા ગોહિલ કુમારી સોરઠ-રાણી કુંતાદેને.'

છત્ર દેખાયું, છડીઓ દેખાઈ, ચામરે ઢોળાતી એ રાજજોડલી મલપતી ચાલે આવતી હતી.

'બેટા ! બેટા !' ભીલ માતાએ હર્ષવ્યાકુળ બનીને પુત્રને કાનમાં કહ્યું : 'આવ, આવ, તારી બહેનને જોવી હોય તો.'

બન્નેએ લપાઇ લપાઇ નિહાળ્યાં - મહારાણી કુંતાદેને. રા'ની છાયા સમોવડી, જરીક પાછળ, છતાં પડખોપડખ એ ચાલી આવતી હતી. જાત્રા જુવારવા આવી હતી ખરી ને, એટલે શુભ્ર સાદા પોશાકે વધુ સોહામણી લાગતી હતી. ને જોનારાઓમાંથી કોણ કહી શકે, કે એ નર અને નારીમાંથી વધુ સોહાગ કોના મોં પર હતો ? ખરી વાત એ હતી કે નિશા અને શશીની માફક બન્ને જણા એક બીજાને સોહવતાં હતા. સોહાગના નીરની એ દેગ ચડતી હતી - પાણીના પરસ્પર દોલ - હિંડોળ લાગતે લાગતે નવાણમાં ચડે છે તેવી દેગ.

માંડળિક અને કુતાદેએ મંદિરમાં પ્રવેશ કર્યો, પણ બે હજાર બ્રાહ્મણોની મેદનીના મોં પર એણે તે દિવસ આગલા આદરભાવની નિસ્તેજ રેખાઓ નિહાળી. મારી આંખોનો જ કદાચ દોષ હશે, બ્રાહ્મણો સ્તુતિગાનમાં તલ્લીન છે તેથી કદાચ તેમણે પૂરૂં ધ્યાન નહિ આપ્યું હોય, એવું ભાવતો રા'સડેડાટ સોમનાથજીની પ્રતિમા પાસે પહોંચી, સાષ્ટાંગ કરી, પોતાને માટે અલાયદું રખાવેલું આસન શોધવા લાગ્યો. આસપાસ આસન હતું નહિ. એણે ફરસબંધી પર બેસી જવામાં કશી નાનપ ન માની.

થોડી વારે એને કાને બાર પર ધક્કામુક્કી હોંસાતોંસી થતી હોવાના અવાજ પડ્યા. એણે દ્વાર તરફ નજર કરી. પ્રતિહારીઓ કોઇક આદમીને અંદર આવતો અટકાવીને બહાર ધકાવી રહ્યા હોય તેમ લાગ્યું. એણે ઊકળતા અવાજની શબ્દ-ટપાટપી સાંભળી.

'તું શુદ્ર છે.'

'હું રાજપૂત છું'

'ક્યાંનો રાજપૂત ! જનોઇ ક્યાં છે ?'

'જનોઈ પહેરવા જ આવ્યો છું. ક્ષત્રિયનો બાળ છું, મને શા માટે અટકાવો છો ?'

વીણાના સૂર અને દેવસેવિકાઓના રૂમઝુમાટ થંભી ગયો. કોલાહલ વધી પડ્યો. માંડલિક પણ ઊઠીને દ્વાર પર પહોંચ્યા. સો બસો બ્રાહ્મણોએ ઘેરી લીધેલો, પોતાના કામઠા પર તીર ચડાવીને એ ભીલ જુવાન ચોગાનમાં ઉભો હતો. એના શરીર પર ધૂળ હતી, એનઆં અંગો છોલાયેલાં હતાં. એના શામળા વર્ણ પર ઠેર ઠેર રાતા ચોળ લોહીના ટશિયા આવી રહ્યા હતા. એની ખુલ્લી પહોળી છાતી જરી જરી હાંફતી હતી. ને આંખોના ડોળા ઘૂમાઘૂમ કરતા હતા.

એ કહેતો હતો : 'હું રાજપૂત છું.'

'કોણ છે ? શું કરો છો બધા ?' રા'એ લ્હેકા લેતા સૂરે પૂછ્યું.

ટોળામાંથી એક અવાજ આવ્યો : 'શુદ્રો ફટવી મૂક્યા છે.'

'હું શુદ્ર નથી. ક્ષત્રિય છું.' જુવાનને એ એક જ બોલ આવડતો હતો અથવા એ બીજું બોલવાનું વિસર્યો હતો.

'જુવાન ! જુવાન !' રા' મંદિરના ઓટા પર ઊભા ઊભા એને ટાઢો પાડતા હતા : 'અથરો થા ના.'

ટોળાના કુંડાળા બહાર ઊભી ઊભી અંદર જવા મારગ માગતી એક બાઈ કહેતી હતી : 'એ ભાઈ ! મારા દીકરાને અકળાવો મા. એના બોલ્યા સામું જુવો મા, હું તમારે પગે પડું. સાચું છે. એ શુદ્ર છે. એને મૂકી દિયો.'

બ્રાહ્મણોના શોરબકોર અને ધક્કામુક્કી સામે રા'નો પંજો ઊંચો થયો. શોર અટકી ગયા.

'એને છોડી દિયો ને મારી સામે ઊભો રહેવા દિયો.'

પછી એ ઉન્નત મસ્તકે ટટ્ટાર ઊભેલા, સોટા સમા સીધા ને ચળકાટ મારતી ચામડી વાળા જુવાનને રા'એ પૂછ્યું :

'તુ કોણ છો જુવાન ?'

'રાજપૂત છું, જુવાને છાતીએ પંજો થાબડ્યો.

'ક્યાં રે છે?'

'ગીરમાં : દોંણગઢડાના નેસમાં.'

'તારા બાપુનું નામ ?'

'હમીરજી ગોહિલ, હાથીલાના રાજપૂતર : આ જોવો ઉપર, આ દેરું તૂટવાનું હતું ત્યારે બચાવવા આવ્યા હતા મારા બાપુ, ગોહિલ રાણા હમીરજી.' એણે કહ્યું, ને સેંકડો આંખો એ મંદિરના બાંડા શિખર પર બંધાઈ ગઈ.

એ નામ ને એ શબ્દો સાંભળીને ખડ-ખડ-ખડ-ખી-ખી-ખી-ખી-આખી મેદની હસી પડી. ન હસ્યા એક ફક્ત રા.'

સૌ હસ્યા ત્યારે જુવાનનું મોરપિચ્છના મોડ વાળું મસ્તક નીચે ઢળી ગયું. કુંડાળા બહાર ઊભેલી સ્ત્રી પણ શરમથી બીજી બાજુ જોઇ ગઇ.

'હમીરજી ! હાથીલાવાળા ગોહિલ હમીરજી ! એનો તું દીકરો ! જુવાન, તુ આ શુ બોલ છ તેનું તને ભાન છે ?'

જુવાન ચૂપ રહ્યો. રા'એ પોતાની બાજુમાં ઊભેલ કુંતાદે સામે સ્હેજ નજર નાખી લીધી. નું ધ્યાન નીચે ઊભેલ કુંતાદે સામે નજર નાંખી લીધી. કુંતાદેનું ધ્યાન નીચે ઊભેલા જુવાન પર ઠર્યું હતું. એના મોં પર હાસ્ય નહોતું.

'તારૂં મોસાળ ?' રા'એ પ્રશ્ન પૂછ્યો.

'દોંણગઢડાના વેગડાજી. એણે પણ આ દેરાની રક્ષા માટે પ્રાણ દીધા છે. જુદ્ધ થયું ત્યારે બીજાની જેમ પાછલી બારીએથી દેરામાં ગરી નહોતા ગયા. એના શૂરાતનનાં શીંગ આડાં આવ્યાં હતાં.'

મેદનીને એક વિશેષ રોનક મળ્યું. સામટા પાંચસો હજાર ઘૂઘરા ખખડતા હોય એવા ખીખીઆટા થયા.

'વેગડાજી કોણ ?' રા'એ ગંભીર બની પૂછ્યું.

'મારો ડાડો.'

'ન્યાતે ?'

'ભીલ.'

જુવાન આ બધો શો બકવાદ કરતો હતો ? રા'ની પણ મતિ મૂંઝાઇ ગઈ. કુંતાદે તો કાંઇ રહસ્ય સમજતાં જ નહોતાં.

'બે હજાર તીરકામઠાળા ભીલો આંહી કપાણા'તા તે દિ.' ભીલ જુવાન ફરીવાર ઉન્નત મસ્તકે ને ટટ્ટાર ઢાલ જેવી છાતીએ બોલ્યો.

'હાથીલાના હમીરજી તો જુવાન, કુંવારા જ જુદ્ધે ચાલ્યા હતા.'

'રસ્તામાં - રસ્તામાં-'

'રસ્તામાં એની માં મળી હતી'. મેદનીમાંથી કોઈકે વ્યંગ કર્યો, ને મેદની ફરી વાર હસી.

'આ જુવાનને અમારા પડાવ માથે લઇ જાવ. ને તપાસ રાખો, એને કોઈ સતાવે નહિ.' રા'ની એ આજ્ઞા મળી એટલે ચોકીદારોએ જુવાનનો કબજો લીધો.

'એને હાથ ન લગાડતા. જા જુવાન, નિરાંતે બેસજે. રાજપૂત છો ને, તો પછી મિજાજ ખોઈ બેસતો નહિ. રાજપૂતનું એ મોટામાં મોટું લક્ષણ કહેવાય.'

'હું' પણ ચાલી જાઉં છું આપણા મુકામ પર.' કુંતાદેએ રા'ને છાનાંમાનાં કહ્યું.

'હા, આ ઠઠ્ઠામશ્કરી ને છોકરમતમાં હું તમને ક્યાંથી લાવ્યો ! તમે પધારો એ જ બહેતર છે.'

કુંતાદે બહાર નીકળીને મ્યાનામાં બેઠાં. મ્યાનાની પાછલી બારીમાંથી પોતે પોતાની પાછળ પાછળ આવનારા એ જુવાનને નિહાળતાં હતાં. ને એણે જોયું કે જુવાનની નજીક એક પ્રાઢ સ્ત્રી વહી આવતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics