Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રૂપ-અરૂપ
રૂપ-અરૂપ
★★★★★

© Tarulata Mehta

Inspirational

6 Minutes   14.6K    19


Content Ranking

રૂપ-અરૂપ

(આ એક એવી નારીના મનની વાર્તા છે જે આયનામાં પોતાનું રૂપ જોઈ ભડકી જાય છે. આયનાથી દૂર હટી ઊંડી હતાશા અનુભવે છે. રંગરોગાનથી પોતાના કુદરતી સૌંદર્યને તે ખોઈ બેઠી હતી. જીવનના એવા પડાવ પર તે ઊભી હતી કે તેને સહજ થઈ જીવવું હતું. લોકોની નજરમાં સન્માન પામે અને જીવનના આનન્દને માણે ! એક દિવસ એ બ્યુટી પાર્લરમાં જઈ

શો નિર્ણય લે છે ?)

રૂપા વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી, એણે બ્યૂટી પાર્લરમાં સાંજના છ વાગ્યાની એપોન્ટમે ન્ટ લીધી હતી.

બહાર જતાં પહેલાં રૂપાએ આયનામાં જોયું. 'આ લધરવધર સ્ત્રી કોણ ? એના વાળ તો જો કાબરચીતરા સૂગ ચઢે તેવા છે.' તેણે પોતાનું ભૂત જોયું હોય તેમ ભડકી !

'નો નો...' કરતી તીણી ચીસ તેનાથી નીકળી ગઈ.

'રૂપાનું રૂપ આયનો ગળી ગયો ? આ કોના નખે મારા ચહેરા ને, હાથને... આખે આખી રૂપાને નહોર મારી ઝીણી તિરાડોમાં જર્જરિત કરી ? ભીંત પરના કેલેન્ડરના પાનાઓ અદીઠ હવામાં ઊડતાં હતાં. એ રઘવાયી થઈ દોડીને આયનાથી દૂર ભાગી.

દોડાદોડને જોઈ મોન્ટુ ગભરાયેલો રૂપાના રૂમમાં આવી તેને વળગી પડ્યો.

એના ગ્રાન્ડ સન મોન્ટુને તેણે સ્કૂલેથી લઈ આવ્યા પછી નાસ્તો આપી કાર્ટુન જોવા બેસાડ્યો હતો, તેણે પૂછ્યું : 'યુ સો સ્પાઈડર મેન ? 'એણે મોન્ટુને વહાલથી કહ્યું: યા, મારા મોઢા પર સ્પાઈડર હતું।' મોન્ટુએ એની કુમળી ,પોચી હથેળી દાદીના મોં પર ફેરવી : 'લૂક નાઉ યુ આર માય ફેવરિટ દાદી.'

રૂપાને થયું મોન્ટુ મારો આયનો, હું જેવી છું તેવી તેને વ્હાલી છું. તેણે મોન્ટુના હોઠ પર ચોંટેલી કુકીની કરચને ચૂમી લીધી, તેના ભૂખરા વાળમાં હાથ ફેરવી કહ્યું : 'બેટા તારું બેકપેક તેયાર કર, શૂઝ પહેરી લે, હમણાં તારી મમ્મી લેવા આવશે.' મોન્ટુ દાદીની પાસે આવી લાડમાં બોલ્યો, 'આઈ ડોન્ટ... ' એટલામાં બહાર કારનું હોર્ન વાગ્યું, રૂપાને 'હાશ' થઈ. સમયસર પાર્લરમાં પહોંચી જવા તે ઘરની બહાર નીકળી ગઈ.

***

ચાર રસ્તાની જમણી બાજુ થયેલા શોપીગ સેન્ટરને ઘણા મહિના પછી જોઈ તેને નવાઈ લાગી. જોતજોતામાં નવી રેસ્ટોરન્ટ, કૉફી શોપ, વોલ્ગ્રીન ફાર્મસી, બેંક ને ત્રણ બ્યૂટી પાર્લર થઈ ગયાં હતાં. એને સૌથી વધારે એ ગમ્યું કે એક તરફ સરસ મઝાનાં ફૂલછોડના કુંડાની વચ્ચે બેંચો મૂકેલી હતી.

ઉનાળાની ઢળતી સાંજમાં કેટલાંક લોકો આરામથી બેઠા હતા. રૂપાને થયું એને આવી ફૂરસદ ક્યારે મળશે ? પહેલાં એમનો બીઝનેસ હતો, છતાં પરાગ સાથે સાંજે તેઓ વૃક્ષોની છાયામાં સહેલ કરવાં જતાં, હવે સાંજ મોન્ટુની સંભાળ રાખવામાં હાથતાળી આપીને છૂ થઈ જાય છે.

રૂપા વર્ષોથી એની બહેનપણી શાહીનાના 'શાઈન' બ્યુટીપાર્લરમાં મહિને એકવાર જાય. આ વખતે ત્રણ મહિના પછી ગઈ. એને જોઇને શાહીનાને આઘાત લાગ્યો, રૂપાના વાળ ઢંગધડા વગરના આગળથી ધોળા-કાબરચીતરા અને પાછળથી ઝાંખા સુગરીના માળા જેવા લટકતા હતા. ચહેરા પરથી જાણે ચમક ગાયબ થઈ ગઈ હતી. હા, બન્ને બહેનપણીઓના સંતાનો સેટલ થઈ ગયાં હતાં પણ 'ડોશીમા' થઈ જવાની ઉંમર નહોતી, તે બોલી: 'માંદી હતી કે શું રૂપા ? તારા દીદાર જોઇને તને ધડપણ આવી ગયું હોય તેવું લાગે છે.'

રૂપા ખુરશીમાં બેસતા બોલી, 'હવે ગ્રાન્ડ કીડ્સ રમતાં થયાં એટલે ધડપણનું ઘર આવ્યું જ કહેવાય ને? પરાગને બધો શોખ હતો, એ કાળા વાળ લઈને ઉપર પહોંચી ગયો, હવે આયનો મારો દુશ્મન થયો છે.મને પૂછે છે, કોને બતાવવા નકલી રંગરોગાન કરે છે?'

શાહીના કહે, 'હું જોનારી બેઠી છું ને! હું છોકરાઓને લઈ દેશ છોડીને અમેરિકા આવી મારો વર લાપતા થઈ ગયો, હું અપ-ટુ ડેટ રહું છું એમાં મારો આયનો રાજી થાય છે.'

'તારી વાત જુદી, તારો બીઝનેસ છે. હું તો રીટાયર્ડ થઈ ગઈ, છોકરાઓ મારા કાળા વાળ જોઈ કહે: 'મોમ, યુ આર યંગ !' રૂપાના અવાજમાં થાક અને ઉદાસી હતી.

શાહીના કહે, 'તેથી તું દુઃખી કેમ છે ?'

રૂપા આક્રોશમાં બોલી, 'ઘરના -બહારના કેટલાય કામની જવાબદારી મારે માથે નાંખી દે છે. મેં ચિડાઈને તારે ત્યાં વાળ માટે આવવાનું ટાળ્યું એટલે હવે મારો ઉતરેલો ચહેરો અને કાબરચીતરા વાળ જોઈ ચિંતા કરે છે, ને હું મનમાં હરખાઉં છું.'

શાહીનાએ રૂપાના વાળ પર સ્પ્રે કરી કાંસકો ફેરવી સરખા કરી પૂછ્યું, 'બોલ, તારે કેવી હેર સ્ટાઈલ કરવી છે ? કેવો રંગ કરવો છે?'

'મારી મમ્મી જેવા ચાંદીના ચમકીલા વાળ કરી આપ.' રૂપાએ મનની વાત કરી.

'હાલ તો બ્લીચ કરીને લાઈટ રંગ કરી શકું, તારી મમ્મીના વાળ વર્ષોના અગ્નિમાં શુદ્ધ થઈને ચમકતી ચાંદી જેવા થયેલા, કુદરતમાં વયને કારણે સહજ રીતે થતા સફેદ વાળ હું એક કલાકમાં ન કરી શકું.'

રૂપા નિરાશ થઈ તે મીરરમાં જોઈ બોલી, 'બોલ, મીરર દુનિયાની સૌથી વધારે કદરૂપી સ્ત્રી કોણ ?'

શાહીના કહે, 'આ બધો બકવાસ બંધ કર, કૉલેજની બ્યૂટી ક્વીન રૂપાંદેને મારા જાદુથી રૂપાળી કરી દઈશ.'

રૂપા કહે, 'તું મશ્કરી છોડ, હું મારા વાળના કુદરતી રંગ અને ચમકને ઝંખું છું. હું વાળને ધોળામાંથી કાળા કરવાની માથાફૂટમાં ઘરની યે નહિ ને ઘાટની પણ ના રહી એવું થયું, જુવાનના ટોળામાં નકલી અને સીન્યરના ગ્રુપમાં માન વિનાની કારણ કે કોઈ હાથ ઝાલવાને બદલે ધક્કો મારીને જતું રહે તેવી કફોડી હાલત.'

શાહીનાને લાગ્યું એની બહેનપણી પતિ વિના એકલી પડી ગઈ છે, એને ડીપ્રેશનમાંથી બહાર લાવવી પડશે, એણે મઝાક કરતાં કહ્યું, 'અભી તો મેં જવાન હું...' ગીત યાદ કર. જીમમાં જઈ કસરત કરે છે, જો તારું શરીર કેવું ધાટીલું છે, મારું તો ચારે બાજુ ફેલાયું છે. તારા વાળનો ગાઢો રંગ કરી તને જુવાન કરી દઉં.'

રૂપાને શાહીનાની વાત જચી નહિ, એની નજર દુકાનની બહાર સાંજના તડકામાં કોફીનો કપ લઈ બેઠેલા યુગલના રૂપેરી કેશ તરફ ઠરી હતી. મંદ રૂપેરી કિરણોના પ્રકાશમાં એ વાળની શ્વેત આભા જાણે ઉંમરના ઢોળાવ પર ખીલેલા સફેદ મોગરાનું નાનકડું ઉપવન હતું. વયની ગરિમાની વિજયપતાકા હતી.

શાહીનાને કહ્યું: 'તને યાદ છે, આપણી કોલેજમાં અલકાના કાળા લાંબા માટે સૌને કેટલી ઈર્ષા થતી! તેથી આપણે સૌનું ધ્યાન ખેચવા બોબ્ડ હેરની સ્ટાઈલ કરી 'સ્માર્ટ ગર્લ' તરીકે પોપ્યુલર થયાં પછી તો બીજી ઘણી છોકરીઓએ અનુકરણ કરેલું,'

'પછી ક્રેઝ થયો તો 'સાધના કટ ' રૂપા હસી પડી.

શાહીના બોલી, 'તું પરણ્યા પછી લાંબા વાળ રાખતી થઈ હતી, તું કહે તો બોબ્ડ કરી આપું, તારા ગોળ ચહેરા પર શોભશે,'

રૂપા પોતાની જાતને કહેતી હોય તેમ બોલી, 'બીજાનું ધ્યાન ખેચાય, બીજાને ગમે, વખાણ કરે તેવા અભરખામાં મારા અસલી રૂપને ખોઈ નાંખ્યું.'

શાહીનાને બહેનપણીની વાત સમજાતી નથી, તે બોલી, "મારે શોપ બંધ કરવાનો સમય થઈ ગયો. બોલ તારા વાળની કેવી સ્ટાઈલ કરું?"

દૂરની ખુરશીમાં બેઠેલા એક માણસે બધા જ વાળને સફાચટ કરાવી 'ટકલુ'ની સ્ટાઈલ કરાવી પછી હેર ડ્રેસરને પૂછ્યું:

'હાવ આઈ લુક ?' હેર ડ્રેસરે હસીને કહ્યું, ' મોર્ડન યંગ મેન !'

રૂપાને પણ લાગ્યું કે એ પાર્લરમાં આવ્યો ત્યારે તાલવાળો, આછાપાતળા સફેદ વાળથી થાકેલો આધેડ વયનો દેખાતો હતો હવે વાળ વિનાના અસલીરૂપમાં તેનો ચહેરો કોઈ યુવાન જેવો ચમકતો અને આનંદિત દેખાતો હતો. તેણે તેની તરફ જોઈ કહ્યું : 'લુક્સ ગુડ '

શાહીનાએ રૂપાની મશ્કરી કરી, 'તારું અસલી ચળકતું માથું કરી આપું? પછી કુમળા ઘાસ જેવા મઝાના સફેદ વાળ આવશે.'

રૂપા હસી પડી બોલી, 'મને કોણ ઓળખશે?'

શાહીના કહે, 'તારો આયનો.'

રૂપાએ કેડ સુધીના લાંબા વાળ પર છેલ્લીવાર ફેરવતી હોય તેમ હાથ ફેરવ્યો, આગળ લાવી આખી જિંદગી જેનું જતન કર્યું હતું એને પમ્પાળ્યા, નાક પાસે લાવી સૂંઘ્યા, એને યાદ આવી ગયું શેમ્પુ કર્યા પછી એ વાળને કોરા કરતી ત્યારે પરાગ એના વાળને ઊંડા શ્વાસ લઈ સૂંઘી ક્હેતો, 'બસ, હું સુગંધ તું સુગંધ ઘર સુગંધ જીવન સુગંધ સુગંધ...'

'ક્યાં ખોવાઈ ગઈ ? બોલ શું કરું ?' શાહીના ઉતાવળી થઈ હતી.

રૂપાના ચહેરા પર સૂર્યના ગુલાબી કિરણોનો આછો પ્રકાશ બારણાના કાચમાંથી પડતો હતો. તે બોલી: 'વાળનો ચોટલો પકડીને મારો મોન્ટુ મારી પાછળ છૂક છૂક ગાડી રમે છે.'

'તોફાની બારકસ છે.' શાહીના રૂપાના વાળને કાંસકાથી ઓળતી હતી તેણે ઉતાવળ કરી.

'કયો રંગ કરવો છે ?'

રૂપા કહે : 'કોઈ નહીં, વાળને ટ્રીમ કરીને શેમ્પુ કરી દે, આ જ મારું અસલી રૂપ કોઈને ગમે કે ન ગમે મને પરવાહ નથી.'

રૂપા શાહીનાને 'બાય' કરી બહાર આવી. કૂંડામાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા તેની વચ્ચેની બેંચ પર બેઠી. મોબાઈલ ફોનના કેમેરામાં સેલ્ફી લીધી. કોઈકે કહ્યું : 'આઈ કેન ટેક યોર પીક્ચર.' રૂપાએ એનો ફોન અજનબીને આપ્યો, રૂપા સાંજને જોતી પોઝ આપી ઊભી રહી. પેલો હસતો ભીડમાં ભળી ગયો. રૂપા ક્યાંય જવાની ઉતાવળ ન હોય તેમ સાંજની વિવિધ છટાઓ જોતી રહી. બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળેલો માણસ ખુશ દેખાતો હતો તેનું સફાચટ શિર તડકામાં ઝગારા મારતું હતું. તેણે રૂપાના તાજા શેમ્પુથી ચમકતા ભરાવદાર કેશરાશિને જોઈ કહ્યું: 'યુ આર બ્યુટીફૂલ !'

'થેન્કસ' કહી રૂપા ચારેતરફ હાલતા, ચાલતા, ઊભેલા બેઠેલા માનવોના ગમી જાય તેવા રૂપમાં એક રૂપાને જોઈ બે હાથ પ્રસારી વ્હાલથી ભેટી પડી.

આકાશમાંથી વરસતા શ્વેત આભલાની ઝરમરથી જાણે તે નખશિખ રૂપેરી થઈ હતી.

જીવન સ્ત્રી વાર્તા રૂપ-અરૂપ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..