Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

ટુથબ્રશ

ટુથબ્રશ

7 mins
14.5K


વ્યોમ કોલેજ જવા માટે નીકળી રહ્યો હતો. જીન્સ, ટીશર્ટ, કેપ, સન ગ્લાસ બધુજ એકબીજાની સાથે ઉઠાવ આપી રહ્યું હતું કે નહીં એની ખાતરી કરવા અરીસા પર એની આંખો જડાઈ ચૂકી હતી.

"હેન્ડસમ લાગે છે... હંમેશાની માફક જ...."

પાછળ થી આવેલા પિતાના અવાજથી ધ્યાનભગ્ન થઇ અરીસામાં જડાયેલી આંખો પિતાની આંખોને મળી અને ચ્હેરા ઉપર સ્નેહભર્યું હાસ્ય ફેલાઈ રહ્યું.

"થેંક્યુ પપ્પા... આખરે દીકરો કોનો છું ?"

પોતાના દેખાવડા વ્યક્તિત્વનો યશ પોતાના પિતાને આપતા એણે પોતાની આંખ મસ્તીમાં પલકારી. પપ્પા જોડે આમ મસ્તી વાળી હળવી પળો માળવાની બાળપણથી જ એને ટેવ હતી.

પિતા એ હમેશા એક મિત્ર બનીજ એને ઉછેર્યો હતો. એને યાદ નથી કે કદી એમણે એના ઉપર હાથ ઉઠાવ્યો હોય કે અવાજ ઊંચો કરી ધમકાવ્યો હોય ! પોતાની દરેક ભૂલ સમયે પિતાજી એ ખુબજ સંયમ અને સહનશક્તિ જોડે એને ભૂલોમાંથી જીવનની શિક્ષા ગ્રહણ કરવાની કલા શીખવાડી હતી. ભૂલોથી ડરીને નહીં ભૂલોથી શીખતાં રહેવાથીજ જ્ઞાન મેળવી શકાય અને પોતાના ચરિત્ર ]નો સાચો વિકાસ સાધી શકાય એ અનન્ય આત્મ -વિશ્વાસ પિતા એજ તો એના વ્યક્તિત્વ ]માં ઉતાર્યો હતો.

એક પિતા પોતાના બાળકનો મિત્ર બને ત્યારે તે બાળક સૃષ્ટિનો સૌથી સુરક્ષિત બાળક બની રહે. મનમાં ઉદ્દભવતી કોઈ પણ મૂંઝવણ કે જીવનમાં વ્યાપેલી કોઈ પણ સમસ્યાના ઉકેલ અંગેનું માર્ગદર્શન ઘરની બહાર શોધવાની જગ્યા એ મિત્ર સમા પિતા પાસેથીજ વિના સંકોચે જો મળી રહેતું હોય તો બાળકોનો માનસિક વિકાસ ખુબજ સહજ અને સુરક્ષિત રીતે થઇ શકે. જો કે એ મિત્રતા માટે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધની ગરિમા જાળવી રાખી દરેક બિનજરૂરી ઔપચારિકતાઓ, શરમ, સંકોચને પીગાળવી ફરજીયાત બની રહે. એ બાબત વ્યોમના પિતા ઊંડાણપૂર્વક સમજતા પણ હતા અને અનુસરતા પણ.

"એક પ્રોજેક્ટ છે... એ અંગે તારી મદદ જોઈએ છે.... કરીશ ?"

વ્યોમ કુતુહલથી પિતાને જોઈ રહ્યો. પિતાજીના ઓફિસના પ્રોજેક્ટ માં એ કઈ રીતે મદદરૂપ થઇ શકે ? હજી થોડા દિવસો પહેલા

તો કોલેજ જીવનનો પ્રારંભ થયો હતો. એનું યુવાન મગજ હજી એટલું પરિપક્વ કે અનુભવી થોડું હતું ! આમ છતાં પિતાજીની મદદ કરવી એટલે ચોક્કસ કોઈ નવો અનુભવ અને નવું જ્ઞાન મેળવવાની એક અનેરી તકજ તો હતી જે એને ગુમાવવી ન હતી.

"ચોક્કસ... બોલો શું કરવાનું છે ?" વ્યોમની નવ યુવાન આંખો માં ઉત્સાહ અને ધગશ ઉમટી પડ્યા.

એક ડબ્બામાંથી એમણે કેટલાક જૂના ટુથ -બ્રશ નીકાળ્યા. બધાજ ટુથ-બ્રશ વપરાયેલા અને તદ્દન ઝન્ખવાળા લાગી રહ્યા હતા. પિતાજી ટુથ -બ્રશ બનાવતી એક મોટી કમ્પનીના મુખ્ય વેચાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એમને બજાર સંશોધન અંગેના કોઈ અહેવાલ માટે માહિતી ભેગી કરવી હતી એ સમજતા વ્યોમને નામનોજ સમય લાગ્યો.

"કોલેજના વિદ્યાર્થીઓને આ ટુથબ્રશ અંગે અભિપ્રાય પૂછવાના છે. શું તેઓ આ ટુથબ્રશનો ઉપયોગ પોતાના દાંત સાફ કરવા માટે કરી શકે ? એમણે આપેલા બધાજ ઉત્તરો આ કાગળ પર નોંધી પરત કરવા."

વ્યોમ ખડખડાટ હસી પડ્યો. મેલા , ગન્દા, વપરાયેલા, જૂના ટુથબ્રશ પર સંશોધનની આ વળી કેવી નવી વ્યાપાર પ્રયુક્તિ ? આમ છતાં કામ રમૂજ પડે તેવું અને પડકાર યુક્ત હતું. યુવાન હૈયું જીવનમાં હમેશા કંઈક જૂદું અને નવું કરવા તત્પરજ હોય.વ્યોમે પિતા એ ફેંકેલો પડકાર સ્વીકારી જ લીધો.

"ઠીક છે. સાંજે હું આ કાગળ પરત કરીશ." પિતાના હાથમાંથી કાગળ લઇ એ બમણા જોમ અને રોમાંચ જોડે કોલેજ માટે નીકળી ગયો.

કોલેજના કેમ્પસ ઉપર વ્યોમના જૂના ટુથબ્રશ વાળા ડબ્બા એ ધૂમ મચાવી મૂકી. મિત્રોની મદદથી એને સોંપાયેલ સંશોધન કાર્ય વધુ રસપૂર્ણ અને રમૂજથી ભરપૂર બની રહ્યું. પ્રશ્ન સાંભળીનેજ વિદ્યાર્થીઓ ના ચ્હેરા ઉપર તરી આવતા ચીડ અને ઘૃણાના ભાવો જોવા લાયક હતા. પ્રશ્ના ઉત્તરમાં ભેગા થઇ રહેલા જવાબો પણ એટલાજ મજા ઉપજાવનાર અને રમુજી હતા. વાતમાં કોઈ તર્ક જ ક્યાં હતો ? આખરે કોઈ વપરાઈ ચૂકેલ ગંદકીથી ભરપૂર એવા અન્ય વ્યક્તિના ટુથ બ્રશ પોતાના વ્યક્તિગત વપરાશ માટે શા માટે સ્વીકારશે ? એક એક ઉત્તર શબ્દે શબ્દ નોંધી કાગળ ઉપર જવાબોની લાંબી યાદી તૈયાર થઇ ગઈ. ઉત્સુકતાસભર મિત્રોએ વ્યોમને પિતાના સંશોધનના પરિણામથી એમને પણ અવગત કરાવવાનું વચન લઇ લીધું.

રાત્રે પિતાજીની આગળ એણે પોતાની સંશોધન યાદી ગર્વથી રજૂ કરી. વિદ્યાર્થીઓ એ આપેલા અગણિત જવાબો માંથી કેટલાક રસપ્રદ જવાબો તો જાતેજ વાંચી સંભળાવ્યા.

"ઇટ્સ નોટ હાઈજેનીક.."

"ગંદા,અતિસુક્ષ્મ કીટાણુઓ ધરાવતા અન્ય લોકો એ વપરાશ કરેલ ટુથબ્રશ હું અડકું પણ નહીં."

"આમ અન્ય લોકો એ વાપરી ચૂકેલા ટુથબ્રશથી દાંત સાફ કરવા એટલે માંદગીને સીધું આમન્ત્રણ આપવું."

"જરાયે સુરક્ષિત નહીં, બીમાર થઇ જવાય.."

"અન્યના મોંના કીટાણુઓ કોણ સ્વીકારે ?"

"છી .....યક ....!"

"વોમિટ જ આવી જાય."

"એવી ગંદકી ના ફેલાવાય. સાફ, સુરક્ષિત, સ્વ્ચ્છ ટેવોથીજ સ્વાસ્થ્ય જળવાય."

"દરેક વ્યક્તિ એ પોતાનું વ્યક્તિગત ટુથબ્રશ વાપરવું, એજ સ્વાસ્થ્ય માટે હિતાવહ."

એક પછી એક ઉત્તરો વાંચી રહેલ વ્યોમ પેટ પકડી હસી રહ્યો હતો. પુત્રના ચ્હેરાને નિહાળી રહેલ પિતાજીની આંખોમાં અનન્ય ચમક પ્રસરી રહી. યુવા પુત્રના હાથમાંથી કાગળ પરત મેળવી પોતાના સંશોધન અંગેના પરિણામની દિશામાં આગળ ધપી રહ્યા હોય એ રીતે એમણે વ્યોમની આંખોમાં આંખો પરોવી.

"હવે તું મારા એક પ્રશ્નનો ઉત્તર આપ. જો તમે તમામ નવ યુવાન યુવકોને યુવતીઓ ફક્ત એક અજાણ્યા ટુથબ્રશને શરીરમાં પ્રવેશવાની અનુમતિ ન આપી સ્વાસ્થ્ય સુરક્ષા અંગે આટલી તકેદારી ધરાવતા હોવ તો તમેજ જણાવો કે એક અજાણ્યા જીવતા જાગતા શરીરને સુરક્ષાના કોઈ પણ પગલાં ભર્યા વિના પોતાના શરીરમાં સહજતાથી પ્રવેશ આપવું કેટલું તર્કયુક્ત ? સ્વાસ્થ્ય સુરક્ષા સામે આટલું મોટું જીવલેણ જોખમ ખેડવું કેટલું હિતાવહ ?"

મશ્કરીના મિજાજમાંથી વ્યોમ શીઘ્ર ગંભીર મુદ્રા ધારણ કરી રહ્યો. આ કોઈ વ્યાપાર કે બજાર અંગેનું સંશોધન ન જ હતું. આટલી ઊંડી વાત એક ખુબજ સાધારણ ઉદાહરણથી ધારદાર પ્રશ્નનું રૂપ ધારણ કરી એની નવ યુવાન દ્રષ્ટિ આગળ ઉભી હતી. થોડા દિવસો પહેલાજ ઇન્ટરનેટ ઉપર એચઆઈવી અને એડ્સ અંગે વાંચેલી માહિતી એના અર્ધજાગ્રત સ્મૃતિમાંથી જાગ્રત સ્મૃતિમાં ઠલવાઇ રહી.

"પણ એડ્સ ફક્ત અસુરક્ષિત શારીરિક સંબંધો થીજ નથી થતો. ક્યારેક લોહી સંક્રમણ દ્વારા તેમજ એવા કોઈ પણ ઉપકરણો કે સાધનો દ્વારા પણ થઇ શકે છે જેના વડે અન્ય અસુરક્ષિત લોહી આપણા શરીરમાં ભળી શકે. પછી એ એક સામાન્ય સેવિંગ બ્લેડ પણ કેમ ન હોય !"

વ્યોમની જાગ્રતતા અને શિક્ષિત વાચન ટેવથી ગર્વ અનુભવતા પિતાજીએ પોતાનો હાથ એમના પુત્રમિત્રના ખભે ગોઠવ્યો.

"તદ્દન સાચી વાત. એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ અસુરક્ષિત શારીરિક સંબંધોથીજ આ માંદગીનો શિકાર બન્યા હોય એ જરૂરી નથી. એ માંદગીના ભોગ બનેલ માનવીઓને સમાજ અછૂત બની ધુત્કારે એ ખુબજ અન્યાયભર્યું વર્તન કહેવાય. સમાજ તરફથી માન, આદર, સ્નેહ, કાળજી અને હૂંફ એમના સામાજિક અધિકાર છે જે એમને મળવાજ જોઈએ. આ માંદગી સ્પર્શવાથી નહીં જાગ્રતતાના અભાવથી ફેલાઈ છે . આમ છતાં અસુરક્ષિત શારીરિક સંબંધો ઘણા કારણોમાંનું એક કારણ તો છેજ ને એ અંગે તકેદારી રાખી ઈશ્વરે અર્પણ કરેલ સ્વસ્થતા રૂપી ભેટને જાળવી રાખવી એ આપણી મહત્વની ફરજ છે."

પિતાના શબ્દે શબ્દ ધ્યાનથી સાંભળી રહેલો વ્યોમ ખુબજ હળવો થઇ રહ્યો હતો. જે વિષય પર કદાચ પોતે આગળથી કઈ કહેતા અચકાતે એ જ વિષય પિતાએ આગળથી એની માટે મોકળો કરી કેટલી સહજતાથી એને સમજાવી દીધો હત .

"આપ ચિંતા ન કરો. હું ઈશ્વરે અર્પેલ સ્વસ્થતાની જાળવણી કરીશ. મારા શરીરની સુરક્ષા મારી ફરજ છે." પિતાના ગળે વળગેલા વ્યોમના હૃદયમાં પિતા માટેનું માન બમણું થઇ ચૂક્યું હતું જયારે વ્યોમના પિતાના હૃદયમાં નવ યુવાન પુત્ર તરફની ચિંતાઓનો ભાર હળવો !

બીજે દિવસે કોલેજ કેમ્પસ ઉપર વ્યોમે તમામ યુવક યુવતીઓ સામે સંશોધનનું પરિણામ ધર્યું અને એ તમામ યુવાન હય્યાઓ માટે ટુથ-બ્રશનું એ અતિ સામાન્ય રમુજી ઉદાહરણ જીવન સુરક્ષાના ઊંડા જ્ઞાનમાં પરિવર્તિત થઇ રહ્યું.

મનોવિજ્ઞાન કહે છે કે માનવી ભૂલ થીજ શીખે છે. પરંતુ કેટલીક જીવલેણ ભૂલો માનવ અસ્તિત્વને અન્ય મોકો જ આપતી નથી. એવી ભૂલો તરફ યુવાનોના પગલાં ન મંડાઈ એ માટે વ્યોમના પિતાની જેમ બાળકોની આગળ ટુથબ્રશ થામી વિના શરમ, સંકોચ સીધા શબ્દોમાં વાત કરવા ઉભા થઈશું ત્યારેજ સાચા અર્થ માં આધુનિક સમાજનું નિર્માણ શક્ય બનશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational