Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ekta Doshi

Children Inspirational

3  

Ekta Doshi

Children Inspirational

સુંદરતાની સાચી સમજ

સુંદરતાની સાચી સમજ

7 mins
15K


“પંખી નાનું થાવું ગમે, ઊંચે ઊંચે ઉડવું ગમે,

ઝરમર મેહુલો થવું ગમે, ઉભા ઉભા નહાવું ગમે,

છત્રી લઈને ફરવું ગમે, ઘરમાં ના પુરાવું ગમે,

ઉંદર બિલ્લી રમવું ગમે, ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરવું ગમે.”

આ ગીત ગાઈ રહ્યો હતો એક નાનકડો બાળક. તમે કહેશો, કે બાળક તો ગીત ગાતા જ હોય તેમાં વાત કરવા જેવું શું હોય! એ ફક્ત ગાતો જ નહોતો પણ કબુતરને પકડી તેની સામે ગાતો હતો. કબૂતરની પાંખોના ઉડવાના પીંછા કાઢવાની કોશિશ કરી રહ્યો હતો. તેને એ કબૂતરને પોતાના ઘરમાં રાખવું હતું. એ ફાવ્યો નહીં અને કબુતર જીવ બચાવી ઉડી ગયું. હવે તે એક બિલાડીના બચ્ચાને પકડવા ભાગ્યો.

થોડા વર્ષો પહેલાંની આ વાત છે. એક સુંદર, રળિયામણું ગામ હતું. કુદરતે ગામ ઉપર પ્રકૃતિક સૌંદર્યની મહેર કરી હતી. નિર્મળ જળથી ભરેલું મોટું તળાવ, બાજુમાં જ નાનકડું અરણ્ય, એક સુંદર બગીચો અને ગામના ભાગોળે ઘેઘૂર વૃક્ષો. તે ગામના એક ખૂણામાં, એક નાનકડું ઘર, એ ઘરમાં નાનકડો સામાન્ય સુખી પરિવાર, દાદાજી, માતાપિતા, મોટી બહેન અને નાનકડો મુન્નો. બસ! એ નાનકડા મુન્નાની જ આ વાત છે.

મુન્નો ઘરમાં સૌથી નાનો અને સૌનો લાડકવાયો હતો. ગોળમટોળ મુન્નો તેના વાંકડિયા વાળ, ગોરા રંગ અને ગાલમાં પડતાં ઊંડા ખંજનોને કારણે અડોશપડોશમાં પણ સૌનો પ્રિય હતો. તેની મોટીમોટી કાળી આંખોમાં હંમેશા એક વિસ્મય અંજાયેલું રહેતું. તેના માટે આખી દુનિયા કૌતુક ભરેલી હતી, વિશેષ કરીને અબોલ જીવો. પશુ, પક્ષી, નાનકડાં જીવજંતુઓ માટે તેને સવિશેષ કૌતૂહલ. ચોમાસું આવે એટલે દેડકાં સાથે કૂદતો અને વસંતમાં પતંગિયાં સાથે ફૂલેફૂલે ફરતો. નદી તળાવે નહાવા જાય તો માછલીઓ સાથે તરવાની હોડ બકતો. વહેલી સવારે કોયલ સાથે ગાતો અને વરસાદમાં મોર સાથે નાચતો. શાળાની રિસેસમાં પોતાનો ડબ્બો વાંદરાઓને ધરી દેતો, આંગણે આવતી ગાયને બધી રોટલીઓ નીરી દેતો. બિલાડીના બચ્ચાને ઉપાડી લાવી, તેને તપેલી ભરીને દૂધ પીવડાવી દેતો. મા ઘણીવાર થાકી જાતી, તેને રડવું પણ આવી જતું, કેમકે સામાન્ય માણસનું, મહેમાનવાળું ઘર હતું. કેટલાક મહીને તો ઘરના બે છેડા ભેગા કરતાં આંખે પાણી આવી જતાં, એમાં મુન્નાના આવા કારનામા!

માતાપિતા ક્યારેક ગુસ્સો કરતાં પણ પૌત્રઘેલા દાદાજી તેને છાવરતા.

“નાનો છે હજી મારો બટિયો! બાળક તોફાન નહીં કરે તો શું તમે અને હું કરીશું.”

માબાપ ચૂપ થઈ જતાં.

કોઈવાર કૂતરાને બધું દૂધ પીવડાવી દે તો મિત્ર સમાન મોટી બહેન દોષનો ટોપલો પોતાના માથે ઓઢી લેતી.

“મા! મારાથી જ બારણું વાસવાનું રહી ગયું હતું. ખબર નહીં કોણ દુધ પી ગયું.”

પ્રકૃતિ પ્રેમી મુન્નાને કુદરતના સાનિધ્યમાં તથા પશુઓના સંગાથમાં અનેરો આનંદ મળતો અને તે બાકી દુનિયાને વિસરી જતો. મુન્નાને બધા જીવો ખૂબ ગમતાં પણ સાથેસાથે તેને એવું લાગતું કે આ જીવ મારાથી દૂર ના થવો જોઈએ. કોઈ પણ જીવને પોતાની પાસે રાખવા તેનાથી થાય તેટલા બધા જ પ્રયત્નો કારતો. વરસાદી મૌસમ આવે એટલે મુન્નાને તો મજા પડી જાય. ખાબોચિયામાં કાગળની હોડી તરવા મૂકે અને પછી નાનીનાની દેડકીઓ પકડે હોડીમાં મૂકે જેવી દેડકી કૂદે મુન્નો પણ પાણીમાં કૂદે. રમત કરીને થાકે એટલે એક-બે દેડકી પકડે અને બુસકોટના ખિસ્સામાં મૂકી બટન ભીડી દે. ઘરે આવી, વાળુ કરી ચુપચાપ ઊંઘી જાય. રાત્રે ઘરમાં કોઈનું ધ્યાન જાય કે, આ મુન્નાના બુસકોટનું ખિસ્સું કેમ હાલે છે તો બિચારી દેડકીનો છુટકારો થાય! નહીંતર ઘણીવાર એવું બને કે મુન્નો ઊંઘમાં પડખું ફરી જાય અને દેડકીના રામ રમી જાય.

દાદાજી ઘણું સમજાવે,“મુન્ના! તું જીવને મારી નાખે છે. આવી રીતે નો પકડતો હો, બેટા!”

“ભલે હો દાદાજી!” કહી મુન્નો ભાગી જતો.

વસંત ઋતુમાં પતંગિયા પકડી લાવતો, બધાને એક બરણીમાં ભરી સામે લેસન કરવા બેસતો. એ બરણી બધાથી છુપાવી રાખતો અને એકલો એકલો પતંગિયાની ઉડાઉડ જોતો. જ્યારે તે મરી જતાં, હળવેકથી સાચવી ચોપડીઓ વચ્ચે મૂકી દેતો અને પછી બધા દોસ્તારોને દેખાડતો, “જોયું, મારી પાસે કેવું સુંદર પતંગિયું છે! એ મને છોડીને ક્યાંય નહીં જાય. અહાહા! કેવું સુંદર, મારું એકલાનું.”

એકવાર તો બાજુના અરણ્યમાંથી, થોડા મોટા છોકરાઓ સાથે જઈ એક અજગરનું બચ્ચું લઈ આવ્યો. બચ્ચાને બધાથી છુપાવી ઘરની પાછળના ફુલકયારામાં મૂકી દીધું. એક દિવસ તો વાંધો ન આવ્યો. ત્યાં સુધીમાં મુન્ના અને તેની ટોળકીએ અજગર વિશે મળી શકે તેટલી માહિતી મેળવી લીધી હતી અને તેને ખવડાવવા માટે ટોળકી ઉંદર કે દેડકો શોધતી હતી. એવા સમયે મુન્નાની બહેન પાછળ ક્યારા પાસે ગઈ અને ભૂખ્યા અજગરબાળે તેના પગને ભરડો લઈ લીધો. બહેને ચીસાચીસ કરી મૂકી. પિતાજી તો કામે ગયા હતા, અશક્ત દાદાજી બેબીને છોડાવવા મથ્યા, મા મદદ માંગવા ભાગી, ત્યારે મુન્નો તેની ટોળકી સાથે ઉંદર ભરેલા પાંજરા સાથે ઘરે પહોંચ્યો. મિત્રોએ અને મુન્નાએ મળી ભરડો છોડાવ્યો, ઘણાં લોકો એકઠા થઈ ગયા હતાં. અમુક લોકો અજગરબાળને પકડી જંગલમાં પાછું મૂકી આવ્યા. મુન્નાએ જોયુ કે મોટીબહેનનો પગ લીલો પડી ગયો હતો, તેને ખૂબ રડવું આવી ગયું પરંતુ ડરના માર્યા તેણે વાત છુપાવી. રાત્રે પિતાજી આવ્યા, માએ તેમને આખી વાત કરી. પિતાજી દીકરીને વળગી પડ્યા, તેમને યાદ આવ્યું કે આપણે તો ઘરને ફરતી કાંટાળીતારની વાડ કરાવી છે, અજગર અંદર આવ્યો શી રીતે! તેમણે મુન્ના સામે જોયુ, મુન્નો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, “પિતાજી! માફ કરી દો. ફરી આવું નહીં કરું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.”

એવું નહોતું, કે મુન્નાને અફસોસ નહોતો, બહેન તો તેનેય વ્હાલી જ હતી. કોણ જાણે કેમ, તે જાનવરોને પાસે રાખવાનો ન નિર્ધાર કરી જ નહોતો શકતો. થોડા દિવસ થયા ત્યાં “બજરીગર” પક્ષીઓનું પીંજરું લઈ આવ્યો. આખો દિવસ કલબલાટ કરતાં બજરીગર જોઈ ખુશખુશાલ થઈ જતો મુન્નો. એક દિવસ પીંજરામાં ઈંડામાંથી નવું બચ્ચું આવ્યું. મુન્નો રોજ એ બચ્ચાને બહાર કાઢે તેની સાથે રમે અને તેને પાછું મૂકી દે. એક વાર તેણે એ બચ્ચાને થોડું ઉડાડયું અને પાછું લેવા જાય તે પહેલાં તો એક સમડી આવી બચ્ચાને ઉપાડી ગઈ. માનો જીવ કપાઈ ગયો. માને લાગ્યું, કે મુન્નાને પાઠ ભણાવવો જ પડશે. ઘરના બધા લોકોએ મળી નક્કી કર્યું. સૌથી પહેલા દાદાજીએ શરૂ કર્યું. મુન્નો શાળાએથી આવ્યો એટલે એક દોરડું લઈ એક છેડો મુન્નાના પગ સાથે અને બીજો છેડો પોતાના હાથ સાથે બાંધી દીધો. “દાદાજી! આ શું કરો છો? મને કેમ બાંધો છો?" “અરે! તું તો મારો વ્હાલો મુન્નો છો ને! મને તારા વગર ન ગમે એટલે તારે મારી સાથે બંધાઈને જ રહેવાનું, મને છોડીને ક્યાંય નહીં જવાનું, રમવા પણ નહીં.”

“હેં…! દાદાજી હું તમારી આસ-પાસ જ છું ને, મને બાંધો છો શા માટે!”

દાદાજીએ હળવી મુસ્કાન આપી. ત્યાં તો મા જમવાની થાળી લઈને આવી.

“આજથી હું મારા દીકરાને રોજ મારા હાથથી જમાડીશ.”

મુન્નો હજુ કાંઈ બોલવા જાય તે પહેલાં એના મોઢામાં મોટું બટકું મૂકી દીધું. મુન્નાએ માંડમાંડ ચાવી ગળે ઉતાર્યું, કંઈ કહેવા જાય તે પહેલાં માએ છાશ પીવડાવી.

“ઓ મા! મને બોલવા તો દે, શ્વાસ તો લેવા દે.”

“લે... મારો મુન્નો મને કેટલો વ્હાલો છે! મને ખબર જ હોય ને તને શું ભાવે, કેટલું ભાવે!”

“પણ મા, મને જાતે ખાવું વધારે ફાવે.”

“ખરેખર?”

માએ પણ હળવું સ્મિત આપ્યું. મુન્નો બરોબરનો મૂંઝાયો. દાદાજી બપોરની તંદ્રામાં સરી પડ્યા હતા એટલે પોતાના પગનું દોરડું છોડી, શાળામાંથી મળેલું ઘરકામ કરવા બેઠો. ત્યાં તો મોટી બહેન સામે આવીને બેસી ગઈ. મુન્નાની સામે અપલક તાકતી બેઠી રહી.

“બેના! શું કરે છે?” મુન્નાએ ત્રાસીને પૂછ્યું.

“મારો ભયલુ મને કેવો મીઠડો લાગે! મને જોવો બહુ ગમે, હું તને ક્યાં પજવું છું?”

“પણ બેના, હું ધ્યાનથી ભણી નથી શકતો.”

“તું ભણ ને! હું ક્યાં તને બોલાવું છું? હું હમણાં આવી હો.”

મુન્નાએ રાહતનો શ્વાસ લીધો પરંતુ એ થોડી ક્ષણો પૂરતો જ હતો. મોટી બહેન પોતાની બે-ત્રણ સહેલીઓને બોલાવી લાવી, મા પોતાની થોડી સહેલીઓ બોલાવી લાવી. બધા મુન્નાને ઘેરી બેસી ગયા. મા બોલી, “જુઓ-જુઓ મારો દીકરો કેટલો સુંદર છે!”

“મારા ભાઈની આંખો જોઈ કેવી મોટી છે!”

બધા માસીઓ અને બહેનો મુન્નાને માથે, ગાલે, બરડે હાથ ફેરવી વ્હાલ વરસાવવા માંડી. મુન્નો અકળાઈ ત્યાંથી ભાગવા ગયો. ત્યાં દાદાજી પાછું દોરડું લઈને આવ્યા. મુન્નો પાછળથી ભાગ્યો. તેનું નાનકડું મગજ ઘરના વ્યક્તિઓનું વિચિત્ર વર્તન સમજી નહોતું શકતું. તે બહાર ગયો ત્યાં પિતા મળ્યા. મુન્નો તેમને વળગી પડ્યો, “પિતાજી! જુઓ ને, આ બધાને શું થયું છે? મારી પાછળ પડી ગયા છે. બહુ હેરાન કરે છે.”

પિતાજી એકદમ મુન્નાને ભેટી પડ્યા,

“શું થયું મારા લાલ! કોઈએ માર્યું? કોઈ વઢયું? કોઈએ ગુસ્સો કર્યો? મારા દિકાને કોઈએ શું કર્યું?”

“અરે ! તમે પણ? મને અકળામણ થાય છે.”

“ જો બેટા! હું તારી શાળાએ જાઉં છું, તારું નામ કઢાવી આવું. હવેથી તને ભણાવવા શિક્ષકો ઘરે આવશે. અમારા બધાના વ્હાલુડાંને અમે આંખોથી દૂર જ નહીં કરીએ.”

મુન્નો માથું પકડીને બેસી ગયો, પોક મૂકીને રડવા માંડ્યો.

“મને શાળાએ જાવું છે. મારા મિત્રો સાથે રમવું છે, કોઈને આખો દિવસ એકલાએકલા ગમે કાંઈ!’

“અમારે પણ તને એ જ કહેવું છે, સમજાવવું છે.” બધાએ એક સાથે કહ્યું.

“તને પશુ, પંખી, જંતુઓ ગમે છે પરંતુ તે ક્યારેય એ વિચાર્યું કે તેમને કેવું લાગતું હશે?” માએ કહ્યું.

“મેં ફક્ત તારા પગે દોરડું બાંધ્યું ત્યાં તું અકળાઈ ગયો. તું તો દેડકીને ખિસ્સામાં ભરી મારી નાખે છે.” દાદાજી બોલ્યા.

“હું તને ભણતો જોતી હતી તોય તને તકલીફ પડી, તું તો પતંગિયાને બરણીમાં પૂરી દે છે.” બહેને પણ સંભળાવ્યું.

“તારે તને ગમતાં જીવોને તારી પાસે જ રાખવા છે પણ શું તેમને તારી પાસે ગમે છે? તેને પોતાના મિત્રો પાસે જવાનું મન નહીં થતું હોય? તેને બંધાઈને પુરાઈને રહેવું ગમતું હશે? એને તું પકડીને રમાડે પણ વિચાર્યું છે કે એને રમવું છે કે નહીં? તને જાતે જમવું ગમે છે કે માએ જમાડયું એ ગમ્યું?” પિતાજીએ પૂછ્યું.

મુન્નાને બરોબર સમજાઈ ગયું કે, કોઈ પણ પશુ-પંખી, જીવ-જંતુને પકડીને પૂરી રાખવામાં કે મારીને સાચવી રાખવામાં સાચી ખુશી નથી પરંતુ તેમને ઉનમુક્ત રીતે વિહરતા જોઈ, તેમને ખુશ જોવામાં જ સાચી સુંદરતા છે.

મુન્નાએ પ્રતિજ્ઞા કરી, કે તે હવે કોઈ જીવને પકડશે કે બાંધશે નહીં અને તેનાથી બની શકે તેટલી મદદ કરશે. કુદરતની જાળવણી માટે દરેક જતન કરશે અને બીજા લોકોને પણ તેમ જ કરવા સમજાવશે.

હવે મુન્નાનું મનપસંદ ગીત બની ગયું હતું….

“રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો

શાને આવા મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું

ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું..“


Rate this content
Log in

Similar gujarati story from Children