Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

દુદાજીની ડેલીએ

દુદાજીની ડેલીએ

6 mins
465


દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસૂંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉમ્મર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી મૂછો આભલાં-જડિત બુકાનીમાં ઝકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં ને ધોતિયાં બાંધેલ હતાં. દુદાજીની બુકાની એના ચહેરાને વિશેષ કરડો દેખાવ આપી રહી હતી. એણે કહ્યું -

'આંહી સોરઠમાં શું ધૂડનાં ઢેફાં માણીએ? માણે છે તો મારા દીકરા અમદાવાદના સુલતાનનાં માણસો. આ હમણાં જ સંખેડા બહાદુરપૂરની લૂંટ કરી સુલતાન અહમદશાહે. એનાં સિપાહી સપરાં ય હીરા માણેક ને મોતીની કોથળીયું ભરી ભરી ઘોડાં માથે નાખતા આવ્યા.'

'હીરા મોતી? હેં બાપુ? અધધ.'

'હીરા મોતીને માથે ય પાછી લટકાંની એક એક જણશ.'

'ઇ શું?'

'હે-હે-હે!' દુદાજી ગોહિલે આંખ ફાંગી કરે : 'મોરનાં પીંછા જેવી... જેવી-જેવી- શું! કહો જોયેં?'

'ઘોડીયું ?' એકે અનુમાન કર્યું.

'એં-હેં-હેં -હેં ! કહ્યાં કહ્યાં તમે.'

'તરવારૂં?' બીજાએ કલ્પના લડાવી.

'રાખો રાખો હવે. બાપ ગોતર ભાળ્યું હોય તો ના?'

'તો હવે બાપુ ! તમે કહી નાખો. અમારાથી સબૂરી રાખી શકાતી નથી.'

'એ રૂપાળી બાયડીયું બાયડીયું.....'

'મારા દીકરાઓ...ઓ.' સાથીદારોનાં મોં પાણી પાણી બની રહ્યાં.

'હવે ઈ ગુજરાતનો સુલતાન લૂંટે એનું કાંઈ નહિ, ને આપણે થોડાં લોંટાઝોંટા ગુજરાતમાંથી કરી લાવીયેં એમાં તો રા' આપણા માથે ધુંવાફુંવા થઇ જાય.

'હા એ તો. અબઘડી સાંઢણીસવાર આવ્યો જ સમજો.'

'સાંઢણી-સ્વાર ભલેને રોજ રા'ના ઠપકાના બીડા લાવતા. હું તો એ કાગળીઆને સીધા આ શગડીમાં જ પધરાવી દઈશ.'

'રા'ને સુલતાનની બહુ ભે લાગે છે.'

'ત્યારે?' ઓલ્યા ઝાલાવાડના રાજા સતરસાલ ભાગીને રા'ની મદદ લેવા આવ્યા, તો રા'એ એને સંઘર્યા જ નહિ. ઈડરરાજ પુંજા, ચાંપાનેરના રાજ ત્રંબકદાસ અને નાંદોદ વાળા ઠાકોર એકસંપ થયા, સુલતાનના કાકા માળવા વાળા હોશંગખાનની સાથે દળ બાંધ્યું, તોય આપણો રા'માંડળિક વાંકો ને વાંકો.'

'એનું કહેવું એમ કે રજપૂતો જૂથ બાંધીને પોતાનો ટકાવ કરો, પણ એક મુસલમાનને કાઢવા બીજા હરીફ મુસલમાનને ઊભો કરો મા. કેમકે તો તો પાછું ભૂત નહિ પલીત જાગશે.'

"હે-હે-હે-હે" દુદાજી હસ્યા; "ઈ તો લોઢું લોઢાને કાપે. તરકટ અને પરપંચ કર્યા વગર કાંઇ ન હાલે. મુરખો રા' રાજપૂતની જૂની વિદ્યાને ભણ્યો જ નથી. એનું ભણતર જ અવળું છે. મુસલમાનોને માંહેમાંહ કજિયા કરાવ્યા વગર કાસળ નીકળે કેદિ? ન નીકળે, ભા, ન નીકળે. અટાણે તો મલેચ્છોએ માંહોમાંહ કાપાકાપી માંડી દીધી છે. અટાણે ન લૂંટીએ તો પછી ક્યારે દાળદર ફીટવાનાં?"

એવી એવી વાતોમાં ભંગ પડ્યો. ચોકીઆતો એ ભીલ જુવાનને લઇ હાજર થયા. દુદાજી ગોહિલે ઊંચું જોયું તે વખતે તો એ ભીલ જુવાન એમના ચરણોમાં હાથ લંબાવી કહેતો હતો : "કાકાબાપુ,જે સોમનાથ."

'કોણ છો ભા? દુદાજીએ આંખ મરોડી : 'તું વળી કોણ ભત્રીજો ફાટી નીકળ્યો?'

'કાકાબાપુ ! મારાં મા તો કહેતાં'તાં કે તમે મને જોતાં વેંત પરખી લેશો." જુવાન રાજી રાજી થઇ રહ્યો હતો.

'હું તો દેવનો દીકરો નથી ભાઇ ! તારી ઓળખાણ?'

'હું ગરમાંથી આવું છું.'

'ગામ?'

"દોંણ-ગઢડાનો નેસ.'

દોંણ-ગઢડાના નેસનું નામ સાંભળીને દુદાજી ગોહિલ જરા ઝબક્યા. જુવાનને નિહાળી નિહાળી જોવા માંડ્યું.

'અમારું કોઇ સગું સાગવી એ તરફ નથી સાંભળ્યું ભાઇ ! ને તારો વેશ પણ વિચિત્ર છે. રાજપૂતો ચામડાંના ડગલા નથી પહેરતા. તારી કમ્મરે તરવાર નથી. આ તીરકામઠું શું તેતર સાંસલા મારવા માટે છે, કે કાંઇ ભડવીરાઇ કરી જાણછ?'

'કાકા બાપુ, મારા ગોઠીઆ તો ગરના સાવઝ છે. તમને હું એબ લગાડું તેવી રીતે મેં તીરકામઠું વાપરેલ નથી.'

'કેવો છો?'

'કેવો - કેમ કરી કહું ! તમે મને ગણો તેવો.'

'તારે શું કહેવું છે ભાઇ?'

'કાકાબાપુ, માએ તમને એકલાને કહેવાનું કહ્યું છે.'

'હાલ આમનો.'

બાજુના ઓરડામાં ગયેલા એ બેઉ જણા થોડીવારે બહાર નીકળ્યા ત્યારે દુદાજીના મોં ઉપર ત્રાંબાનો ધગધગતો અગ્નિરસ જાણે રેલાયો હતો. ને જુવાનનો ચહેરો ભોંઠામણમાં ગરકાવ હતો.

'જા ભાઇ !' દુદાજી એ જુવાનને જણાવ્યું : 'જૂનેગઢ પોગી જા. ત્યાં કોટવાળીમાં તને નોકરી જડશે. આંહી તો જગ્યા નથી. ને ખબરદાર જો ફરી આવ્યો છો ને, તો જીવતો હાથીલામાંથી જાવા નહિ પામ. તારી ચાલાકી રા'માંડળિક પાસે ચાલશે, આંહી હાથીલાના રાજમાં નહિ ચાલે, હો કે ભત્રીજા !'

દરબારગઢની દેવડીમાંથી એ જુવાન પાછો ફરતો હતો ત્યારે ગુણિકા તળાવની અંદર તરતી બતકો એની સામે તાકતી હતી. એની પાછળ પાછળ ભાલાળા ચોકીદારો એને ધકાવતા ધકાવતા ચાલતા હતા. એની

આંખો ચકળ વકળ ચારે બાજુ જોતી હતી. ચોકીદારો એને હાકોટા કરી કહેતા હતા કે 'સીધું જોઇને હાલવા મંડ, જુવાન ! નીકર ભાલો ખાઇશ.'

બહારના તળાવની પાળે બેઠેલી માને એણે કહ્યું. 'હાલો માડી, સોમૈયાજીએ મારે માથે મહેર કીધી. હાલો મારા ગોઠીઆ સાવઝ વાટ જોતા હશે.'

દીકરાની મુખમુદ્રા વાંચીને મા પણ ચાલી નીકળી. હાથીલા રાજની સીમ આવી ત્યાં સુધી ચોકીઆતો એ મા-દીકરાને મૂકી આવ્યા.

એક દુદાજી ગોહિલ સિવાય બીજા કોઇને ખબર ન પડી કે આ જુવાન કોણ હતો, શા કામે આવ્યો હતો, ને કેમ પાછો ફરી ગયો.

સીમાડે વટાવી ગયા પછી એણે માને સમજ પાડી કે શું શું બન્યું હતું.

'હોય દીકરા ! રાજવાળું આપણા સગપણે શરમાય. જીવતાં માણસ સગપણ નાકબૂલશે. પણ મૂવાં થોડાં કહેવાનાં છે ના, તું મારી અસ્ત્રી નથીને તું મારો દીકરો નથી? મારે તો હવે તને તારા બાપની ને મારા બાપની ખાંભીને ખોળે લઇ જાવો છે. આવતી ભાદરવી અમાસે એની તથ્ય છે. રૂડું એક નાળીએર લઇ જાશું, ને વાટકી સીંદૂર લઇ જાશું. દીવો કરીને હાથ જોડીશ, કહીશ કે ગોહલ રાણા ! લ્યો આ તમારો પૂતર. શૂરાપૂરાને દેશથી દુવા મેલો, કે સુકર્મી થાય; તમારી જેમ એ ય ધરમની, ગાયની ને અસતરીની રક્ષા કરે.'

'મા, મોટાબાપુની યે ખાંભી છે?'

'હા માડી. તારા બાપુની ખાંભી સોમનાથના મંદિરના ચોગાનમાં કિલ્લાને અંદર છે, ને માર બાપુની ખાંભી દરવાજા બહાર છે.'

'એમ કેમ?'

'એનું કારણ એમ કે મોટા બાપુનું નામ હતું વેગડોજી. વેગડો એટલે સીધાં પાધરાં લાંબાં શીંગ વાળો ધોરી. તારા બાપુની ભેળા એ ભીલરાણ જ પોતાના ભીલોનું દળકટક લઇને ગયેલા. દરવાજા આડા રહીને લડેલા. પાદશાની ફોજ એને વીંટળી વળી, બીજા બધા નાની બારીએથી કિલ્લામાં પેસી ગયા, મોટા બાપુને ને ય ઘણું કહ્યું કે વેગડાજી, પાછલી નાઠાબારીએથી અંદર આવી જાવ. પણ મોટા બાપુજી તો વટદાર, એટલે જવાબ વાળ્યો કે 'હું કહેવાઉં વેગડો. મારાં તો શીંગ છે પાધરાં. મારું એ જીવ્યા મૂવાનું બિરદ. હું પાછલી સાંકડી બારીએથી કઇ રીતે ગરૂં? શીંગ મારા આડાં આવે છે. એટલે કે બિરદ મારૂં મને સંતાઇ જતો રોકે છે. હું વેગડો ! ગઢબારીમાં ગરૂં નહિ.' એમ કહેતા કહેતા લડ્યા ને ખપી ગયા. એનો તો દુહોય ગીરમાં કહેવાય છે કે-

વેગડ વડ ઝુંઝાર

ગઢ બારીએ ગર્યો નહિ

શીંગ સમારણહાર

અંબર લગે અડાવિયાં

એટલે કે એનાં શૂરાતનનાં શીંગ તો ઠેઠ આકાશ લગી અડી ગયાં.

જુવાનના હ્રદયની આરસી ઉપર પોતાના પિતા અને માના પિતા, બેઉની આકૃતિઓ પ્રતિબિમ્બ પાડતી રહી. ખાંભીઓ પાસે પહોંચવાના હરખમાં ને હરખમાં એના પગ જોરથી ઉપડ્યા.

'હવે તો મારે તને એક બીજે ઠેકાણે ય લઇ જવો છે. જોઉં તો ખરી, તારી બેન એ સગપણ કબૂલે છે કે નહિ?' માની આંખો એ બોલતે બોલતે ત્રીશેક ગાઉના અંતરે આખા સીમાડાને રોકી પડેલા એક વાદળના કટકા સરીખા પહાડ ઉપર નોંધાઇ ગઇ હતી.

'બેન ! કોણ બેન ! મારે વળી બેન પણ છે? ભેળાં રમવા જેવડી !'

'રમવા જેવડી તો નહિ. બાપ! પરણેલી છે. એને ઘરેય રાજવળું છે. એ તો પાછું રજવળાં માતરનું શિરોમણિ.'

'ક્યું?'

'ગઢ જૂનાણું. ગરવા દેવનો રખેવાળ તારો બનેવી છે.'

'રા' માંડળિક? મારો બનેવી? તું ય પણ મા, વગર મહુડાં ખાધેય કેફમાં ગરકાવ લાગ છ.'

'મહુંડાં તો અવતાર ધરીને એક જ વાર - એક જ રાત પીધાં છે. તે પે'લાં કે તે દિ પછી કેદિ ચાખ્યું ય નથી. એ રાતો એના ભેળી જ ગઈ. એ રાત પાછી આવે ના. ને અવતાર આખામાંથી એકાદ દા'ડો જ સાવચી રાખવા જેવો નીકળે છે. બાકીના દનડા તો ફોતરાં છે ફોતરાં. જીવતરના દન તો મહુડાંના ફૂલ છે. માંહીથી દારૂડો તો એકાદ કૂંપી જ નીતરે. મેં તો ભવોભવનો કેફ કરી લીધો છે. એ કેફમાં હું પચીસ વરસથી ચકચૂર છું. મારે શી પડી છે બાકીના દનની.'

મા બોલે જ જાતી હતી. દીકરો કાંઇ સમજે નહિ તેવી એ કેફ-ગરકાવ વાણી હતી. મા દીકરાને નહોતી સંભળાવતી, પોતાની જાતને સંભળાવતી હતી.

'પણ માડી, મારી બેન કોણ?

'રા' માંડળિકની રાણી કુંતાદે. તારા દુદાજી બાપુથી નાનેરા અરજણજી બાપુ હતા. એની એ દીકરી.'

'એ મને શેની ઓળખે?' છોકરાએ જાણે ધોખો ધર્યો.

દિવસ ચડી ગયો હતો. બેઉ ચાલ્યાં જ જતાં હતાં. ગિરનાર ઢૂકડો ને ઢૂકડો આવતો હતો. સપાટ ધરતીના ખૂમચામાં જાને વાદળી મોતી પડ્યું હતું.

ઢૂકડો-ઢૂકડો-ઢૂકડો આવે છે પહાડ: ડગુમગુ ચાલતા બાળને તેડી લેવા માટે મલપતી ચાલે ચાલ્યા આવતા દાદા જેવો ગરવો દેવ.


Rate this content
Log in

Similar gujarati story from Classics