Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

ઉપભોગ

ઉપભોગ

6 mins
14.6K


ઇન્ટરનેટ કનેક્શન થઇ ચૂક્યું. આખા ઘરમાં પસાર થતા દરેક ઇલેક્ટ્રિકલ વાયરનું જોડાણ ફરીથી તપાસી લીધું. કાર્યમાં સંપૂર્ણતાનો હું આગ્રહી. વાઇફાઇનું કનેક્શન સંપૂર્ણ કાળજીથી નિપટાવ્યું. આખરે હું મારી કંપનીનું પ્રતિનિધિત્વ કરતો હોવ ત્યારે મારા કર્તવ્યમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય એની ઝીણવટભરી ચોક્કસાઈ હું નિયમની જેમ અનુસરતો. આખરે મારી કંપનીની પ્રગતિ એટલે મારીજ પ્રગતિ. બે વૃદ્ધ ગ્રાહકોને વાઇફાઇનો ડબ્બો અને એની જોડેના દરેક યાંત્રિક પાસાઓની ધીરજથી અને ધૈર્યથી તાલીમ પણ આપી દીધી.

વિદેશ સ્થાયી એકની એક દીકરી જોડે વિડીયો કોલ કરવા માટેજ આ ઈન્ટરનેટનું જોડાણ કરાવ્યું હતું , નહીંતર આ ઉંમરે હવે આ બધી જટિલ નવી ટેક્નોલોજીમાં બહુ કઈ સમજ પડતી નથી એ વૃદ્ધ દંપતીએ નિખાલસતાથી સ્વીકાર્યું હતું. હું જયારે વાયરોના જોડાણમાં વ્યસ્ત હતો ત્યારે બન્ને પતિપત્નીએ આ બધી નવી ટેક્નોલોજીથી એમને શા માટે ચીડ છે એના અગણિત કારણો મને સમજાવી દીધા હતા. હું ચુપચાપ બધુજ સાંભળી રહ્યો હતો. ઇન્ટરનેટ અમારી રોજીરોટી કહેવાય. અમારા આગળ કોઈ અમારાજ વ્યવસાયના માધ્યમની અવગણના કરે એ તો અસહ્ય. ઈન્ટરનેટને લીધેજ તો હજારો માઈલ દૂર વસવાટ કરતી એકની એક દીકરીને નિહાળી શકવાની તક મળી રહી હતી ને ! હું કહી શકતો હતો. પણ ઉંમરની મર્યાદા જાળવતા અને ગ્રાહકોને માન આપવાના મારા વ્યવસાયિક નિયમને અનુસરતા મૌન રહેવુંજ મને યોગ્ય લાગ્યું.

આખા દિવસની લાંબી દિનચર્યા બાદ આખરે ઘરે પહોંચવાનો ખ્યાલ આવતાજ મારા ચ્હેરા પરનો બધોજ થાક આલોપ થઇ ગયો. બાઇકને કિક મારતાજ મારી સાત વર્ષ નાની બાળકીનો પરી જેવો ચ્હેરો આંખો સામે તરી આવ્યો. દરવાજા ઉપર નજર માંડી મારા ઘર પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહેલ મારી દીકરી જાણે આંખો સામે ઉભી થઇ રહી. ઘર પહોંચવા પહેલા રિમઝીમે એટલેકે મારી પત્નીએ વરસાદી વાતાવરણમાં એને ગમતા ગરમાગરમ ફાફડા અને જલેબી લાવવા કહ્યું હતું, એ યાદ આવતાજ મારી બાઈક એણે આપેલા કોઈ નવી ફરસાણની દુકાનના સરનામાને શોધવા નીકળી પડી.

રેઇનકોટ ઉપર અથડાઈ રહેલા વરસાદના છાંટાઓ જોડે વૃદ્ધ દંપતીના શબ્દો જાણે ફરીથી મારા કાનમાં પડઘો પાડી રહ્યા. ઇન્ટરનેટ સમાજનું એક મોટું દુષણ બની રહ્યું છે, એ વાતનો પુરાવો આપવા એમની સોસાયટીમાં વસતા એક પરિવારમાં બનેલી એ ઘટનાનું એમણે કરેલું નિરૂપણ ફરીથી મનમાં આરંભાયું. એ ઘટનાનાં તાર જાણ્યે અજાણ્યે મારી નાનકડી દીકરીના ભવિષ્ય જોડે બંધાઈ રહ્યા હોય એવી અનુભુતીથી જ મારુ હૃદય વલોવા લાગ્યું.

બાવીસ વર્ષની એક યુવતી. ઘરમાં સૌની વ્હાલી. કોલેજથી ઘરે અને ઘરેથી કોલેજ. કુટુંબના સભ્યો તરફથી ભરપૂર પ્રેમ, લાડ, કાળજી અને પંપાળ. ન કોઈની જોડે વધુ વાતો, ન મોટા મિત્રમંડણ. સોસાયટીની સૌથી હોંશિયાર અને શાંત યુવતીઓમાંની એક. ભણવામાં પણ સૌથી આગળ. એક દિવસ અચાનક કોલેજથી પરતજ ન થઇ. ચારે દિશાઓમાં શોધખોળ. મિત્રો, કુટુંબીજનો, પુલીસ, સોસાયટીના સભ્યો બધાની દોડાદોડી નિષ્ફ્ળ. આખરે થોડા મહિનાઓ પછી અન્ય કોઈ શહેરના એક રેડ લાઈટ એરિયા પર પુલીસે મારેલા છાપામાં એની ઓળખાણ થઇ. પુલીસ કાર્યવાહીમાં હકીકત બહાર આવી. ફેસબુક ઉપર કોઈ યુવક જોડે મિત્રતા થઇ હતી. થોડા મહિનાઓની મિત્રતા પ્રેમના આભાસોમાં રંગાઈ ગઈ. એક અજાણ્યા માનવીને સહેલાઈથી જીવનમાં પ્રવેશ મળી ગયો. ચેટિંગ મુલાકાતોમાં અને મુલાકાતો ઘરથી ભાગી જવાના ષડયંત્રમાં બદલાઈ ગઈ. થોડા મહીનાથી જાણેલા એ માનવીને પોતાનું તન અને મન સમર્પિત કરી દીધું. જીવનનું એક અપરિપક્વ ઉતાવળિયું પગલું અને એક ક્ષણમાં જીવન નર્ક બની ગયું. ગેંગ રેપ કર્યા બાદ એના માસુમ શરીરનો મોટી કિંમત વસૂલી સોદો કરી દેવાયો. જો પુલીસે એ સ્થળે છાપો ન માર્યો હોત તો ? આજે ભલે એ પોતાના ઘરમાં સુરક્ષિત છે પરંતુ પોતાની સાથે ઘટેલી એ શોક્ગ્રસ્ત અમાનવીય ઘટનાને લીધે પોતાનું માનસિક સંતોલન ગુમાવી દીધું છે.

વૃદ્ધ દંપતીએ નિરુપેલી સમગ્ર ઘટના મારા મનને ધ્રુજાવી રહી હતી. આખરે હું પણ એક દીકરીનો પિતા. મારી પરી જેવી કુમળી બાળકી પણ આજ ટેક્નોલોજીથી ઉભરાઈ રહેલા સમાજમાં વિકાસ સાધવાની હતી. આજ મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વીટરની દુનિયામાં એણે પણ બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશ મેળવવાનો હતો. ટેક્નોલોજીથી વંચિત રાખી બાળકોને ટેક્નોલોજી પર અવલંબિત વિશ્વમાં રહેવાની તાલીમ પણ તો નજ આપી શકાય. પણ એજ ટેક્નોલોજીને લીધે આજે બહારની અજાણી દુનિયાને ચોરીછૂપે દરેક ઘરની ખાનગી દીવાલો ભેદી નફ્ફટાઈથી પ્રવેશતા રોકવું પણ એટલુંજ અશક્ય બની ગયું છે. બહારનું એ ડરામણું અજાણ્યું વિશ્વ્ ઘરના બારણે લટકાવેલા કોઈ પણ સુરક્ષાના સાધનો કે તાળાઓથી ડરતું નથી.પોતાના બાળકોના સુરક્ષિત ઓરડાઓમાં પણ મોબાઈલ કે યાંત્રિક ઉપકરણો દ્વારા કોણ -કોણ ,કઈ રીતે પ્રવેશી રહ્યું છે, એ કહેવું મુશ્કેલ ! ઇન્ટરનેટ કનેક્શનના વ્યવસાયમાં પારંગત હોવા છતાં મારુ વ્યાકુળ મન મને પૂછી રહ્યું હતું, બાળકો માટે ઇન્ટરનેટ કેટલું સુરક્ષિત ? શું મારી દીકરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવું યોગ્ય ?

મારુ ચિંતિત પિતૃ હૃદય થોડું વધારે પડતુજ ધબકી રહ્યું હતું. ઉપરથી નવું સરનામું શોધતા મારી બાઈક એક નવી અજાણી પાતળી ગલીમાં આવી ઉભી રહી. આવા ખુણા ખાંચડામાં કેવું ગુણવત્તાયુક્ત ફરસાણ મળવાનું હતુ ? એ વિચારે હું જરા ગુંગળાયો. કોઈએ પણ આપી દીધેલ નવા સરનામાં પર આમ કઈ રીતે વિશ્વાસ મૂકી દેવાય ? ઘરે જઈને સૌથી પહેલા એ જ પ્રશ્ન પૂછવાના ઇરાદે અકળામણના ભાવ સાથે બાઇકને સ્ટેન્ડ ઉપર ગોઠવી હું નીચે ઉતર્યો. પહેલા ક્યારે પણ આ સ્થળે આવ્યો ન હતો. આવા સુમસાન વિસ્તારમાં ખુણા ઉપર ઉભેલી એ ફરસાણની દુકાન જીવનમાં પહેલીવાર નિહાળી હતી. કમને હું દુકાનમાં પ્રવેશ્યો.

ગરમાગરમ ફરસાણની અતિ સ્વાદિષ્ટ સુગંધથીજ મારી અકળામણ જરા ઓછી થઇ. વિચારોના ભારને ખંખેરતા મારી દ્રષ્ટિ ધીરે રહી ચારે તરફ ફરી રહી. આવા સુના વિસ્તારમાં આવી વ્યવસ્થિત, સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સગવડતા ધરાવતી ફરસાણની દુકાન નિહાળતાંજ મારી પત્નીના નિર્ણય પર મને ગર્વ થઇ આવ્યો. ઘરે લઇ જવા માટે ફરસાણ પેક કરવાનો ઓર્ડર આપી હું ગરમાગરમ જલેબીની મજા લેતો આખી દુકાનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યો. ફરસાણનો તાજો સ્વાદ ઉત્તમ ગુણવત્તાની સાબિતી આપી રહ્યું. હવેથી એજ સ્થળેથી ફરસાણ ખરીદવાનો મનોમન નિર્ણય પણ લેવાઈ ગયો. બે -ત્રણ કામવાળાઓને કાર્ય અંગેના આદેશો આપતા - આપતા એક યુવતી એ મારા હાથમાં તૈયાર થયેલું પાર્સલ થમાવ્યું. બીલની ચુકવણી કરવા કાઉન્ટર ઉપર માલીક પાસે પહોંચ્તાજ હું દુકાન અંગે પુછપરછ કરી રહ્યો.

"આ દુકાન હમણાંજ ખુલી છે ?"

માલિકના ચ્હેરા પર એક મધુર હાસ્ય છવાઈ ગયું. આ પ્રશ્ન કદાચ મારી પહેલા પણ ઘણા લોકોએ પૂછ્યો હતો, એ એમના હાસ્યથી જ પુરવાર થઇ રહ્યું .

"પેઢી દર પેઢી એ આજ દુકાન સંભાળી છે."

માલિકના જવાબથી મારા ચ્હેરા પર એક આશ્ચર્ય ચિન્હ ઉપસી આવ્યું.

"પણ ...." મારી મૂંઝવણ પામી ચૂકેલા માલિકે ખુબજ સહજતાથી મારા વિચારોને સ્પષ્ટ કરવા મદદ કરી.

"વર્ષોથી આ નાનકડી ગલીના ખુણામાં ફક્ત સ્વાદને સથવારે વ્યવસાય કર્યો. આસપાસના વિસ્તારના લોકોમાંથી પર્યાપ્ત ગ્રાહક મળી રહેતા . પણ હવે આજની પેઢીની વ્યવ્યસાય સંભાળવાની નવી રીતો છે અને એમની આધુનિક પદ્ધતિઓ પણ. "

મને પાર્સલ હાથમાં આપનાર યુવતી તરફ દ્રષ્ટિથી ઈશારો કરી એમણે વાત આગળ વધારી.

"મારી દીકરી છે. કોલેજમાં અભ્યાસ કરે છે અને વધારાના સમયમાં દુકાનમાં મદદ કરવા આવે છે. એણે જ મને સમજાવ્યું આજના સમયમાં ફક્ત સ્વાદથી વ્યવસાય ન ચાલે. માર્કેટિંગ પણ અનિવાર્ય છે . એણે ઇન્ટરનેટના જુદા જુદા સ્ત્રોતો ઉપર દુકાનનો મહત્તમ પ્રચાર કર્યો. ફોટાઓ, ફોન નંબર, સરનામું બધીજ માહિતીની નિયમિત જાહેરાતો મૂક . થોડાજ સમયમાં ગલીના ખુણામાં ઉભી મારી આ દુકાન લોકોના ઘરે ઘરે પહોંચી ગઈ. ઓનલાઇન ઓર્ડરો મળવા લાગ્યા. લગ્ન સમારંભો , સામાજિક કાર્યક્રમો કે પાર્ટીઓ માટે પણ લોકો સંપર્ક સાધવા લાગ્યા. આસપાસના વિસ્તારના લોકોથી વિસ્તરી શહેરના દરેક વિસ્તારના લોકો હવે અમારા ગ્રાહક છે, આપની જેમ જ ! "

પોતાની વ્યસ્ત દીકરી પર જડાયેલી એમની આંખોમાં અનેરો ગર્વ હતો. બિલની ચુકવણી કરી હું પાર્સલ જોડે બાઈક સુધી પહોંચ્યો. બાઇકના હેન્ડલ ઉપર લટકી રહેલી ફરસાણની દુકાનની એ કોથળી ઉપર દુકાનની જાહેરાત સુંદર રીતે છપાયેલી હતી. દુકાનનું ઈમેલ એડ્રેસ, ફેસબુક પેજ, ટ્વિટર એકાઉન્ટ, યુ ટ્યુબ ચેનલની લિંક વાંચી રહેલી મારી આંખોમાં અનેરી ટાઢક છવાઈ ગઈ. બાળકોને ઇન્ટરનેટનો ફક્ત 'ઉપયોગ 'કરતા શીખવવું કદાચ સુરક્ષિત ન પણ હોય પરંતુ ઉપયોગની સાથે 'ઉપભોગ' કઈ રીતે કરવું એ પણ શીખવી દેવાય તો ?

મારા પિતૃ હૃદયના ધબકારા સામાન્ય થઇ ચુક્યા હતા. દુકાનના પારદર્શક કાચમાંથી દુકાનની અંદર પોતાના પિતા જોડે હસતા -હસતા વાર્તાલાપમાં વ્યસ્ત એ યુવતીને નિહાળતાંજ મારી પરી જેવી કોમળ બાળકીનો ચ્હેરો મારી નજર સમક્ષ તરી આવ્યો. એના માટે ખરીદેલી ગરમાગરમ જલેબી ટાઢી થઇ જાય એ પહેલાજ ઘરે પહોંચી રહેવા હું બમણા ઉત્સાહ જોડે બાઈક લઇ નીકળી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational