Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Action Crime Inspirational

3  

Mariyam Dhupli

Action Crime Inspirational

બદલાવ

બદલાવ

5 mins
14.6K


આજે હોસ્પિટલમાંથી માનસીને ડિસ્ચાર્જ કરશે. અમોલ ઓફિસ પછી એને લેવા આવી પહોંચશે. અમોલનું આખું પરિવાર સવારેજ એને મળવા આવ્યું હતું. માનસીની તબિયતમાં સુધારો જોઈ બધાએ હાશકારો લીધો હતો. જયારે હોસ્પિટલમાં એની ભરતી થઇ હતી ત્યારે તો અશક્તિ અને નબળાઈ ચરમસીમાએ હતી. નબળું શરીર ચાલી શકવા પણ સક્ષમ ન હતું. ગાયનેકોલોજિસ્ટની તપાસમાં શરીરમાં લોહીની કમી તારવવામાં આવી હતી. લગ્ન પહેલાંની તંદુરુસ્ત અને હૃષ્ટપૃષ્ટ માનસી આમ અચાનક લગ્ન પછી 'એનેમિક' કઈ રીતે થઇ ગઈ એની ચિંતા માનસીનાં માતા-પિતાને આશ્ચર્યમાં ડુબાડી રહી હતી.

લગ્નને એક વર્ષ થવા આવ્યું હતું.અમોલતો માનસીને અનન્ય પ્રેમ કરતો હતો. એની માનસી પ્રત્યેની કાળજી અને માવજત એના સજ્જન વ્યવહારમાં સાફ છલકાતી હતી. થોડાં કલાકો માટે પણ માતાપિતાને મળવાં આવતી માનસીને અમોલનાં કોલ સતત આવ્યા કરતાં. થોડા કલાકોની અસહ્ય જુદાઈ બાદ કેવો તરતજ માનસીને ઘરે લઇ જવાં પહોંચી જતો. ઓફિસેથી ઘરે અને ઘરેથી ઓફિસ. કોઈ મિત્રોનાં મોટા ટોળાઓ નહીં. રાત્રે નિયમિત ઘરે પહોંચી રહેવાની સુટેવ. સમાજમાં સારો એવો માન મોભો. આર્થિક સધ્ધરતા. અઠવાડિયાને અંતે માનસી જોડે ડિનર, શોપિંગ કે ફરવાનાં નિશ્ચિત કાર્યક્રમો. એની સંસ્કારી ભાષાથી લઇ એનો નમ્ર, શાંત સ્વભાવ. દરેક રીતે ગર્વ લઇ શકાય એવો જમાઈ.

અમોલનાં પરિવારનાં દરેક સભ્ય પણ માનસીને અનન્ય પ્રેમ અને માન સન્માન આપતાં હતાં. એક વહુને, એક ભાભીને મળવાં જોઈએ એ તમામ અધિકારો અને હક માનસીને સહ આદર મળી રહ્યા હતાં. એની ફરજપૂર્તિ માટે એની ઉપર કોઈ પણ પ્રકારનાં દબાણ કે નિયમો લાદવામાં આવ્યા ન હતાં. સંપૂર્ણ રીતે એ એનું પોતાનું જ ઘર છે એવું વાતાવરણ માનસી માટે રચવાં પરિવારનાં તમામ સભ્યો સહર્ષ પોતપોતાનો ભાગ ભજવી રહ્યા હતાં. માનસીનાં માતા-પિતાને પોતાની દીકરીને સુરક્ષિત હાથોમાં સોંપ્યાનો અનેરો સંતોષ હતો. આજનાં સમયમાં દીકરીઓને આવું સભ્ય અને સંસ્કારી ઘર મળી રહે એ તો સદ્દભાગ્યજ કહેવાય!

લગ્ન પછીનાં જીવન પરિવર્તનો અને બદલાયેલી રહેણીકરણીની અસર માનસીનાં મન અને શરીરને થકાવી રહી હતી. લગ્ન પછીનાં શારીરિક, માનસિક અને હોર્મોન્સનાં બદલાવો દરેક યુવતીનાં જીવનને જુદી જુદી રીતે સ્પર્શતાં હોય છે. સ્વભાવગત માનવીય ફેરફારો દરેક વ્યક્તિનાં જીવનની ભિન્ન ક્રિયા-પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે. માનસીનું અતિ સંવેદનશીલ અને અંતર્મુખી અંતરજગત હજી જીવનનાં નવા ફેરફારો સામે ઝઝૂમી રહ્યું હતું. ધીરે -ધીરે સૌ ઠીક થઇ રહેશે. માનસીનાં માતાપિતાએ એક સમાન સાંત્વનાની અદલાબદલી કરી લીધી હતી.

અઠવાડિયા સુધી બન્ને એક્ની એક વ્હાલી દીકરીની પડખે ઉભા પગે હતા. લોહીની કેટલી બધી બોટલો એક પછી એક માનસીનાં શરીરમાં વહેતી કરવામાં આવી હતી. વીટામીન અને કેલ્શ્યમનાં અનેક સ્ત્રોતો લાંબા લચક ડોક્ટરનાં પ્રિસ્ક્રિપશનનાં કાગળિયાઓ પર ઉતરી આવ્યા હતાં.

માનસીની તબિયતમાં સુધારો નોંધાયો હતો. પણ એનું શાંત અંતરજગત હજી પણ એટલુંજ મૌન, સૂનું અને ખોવાયેલું હતું. આંખોમાં અનેકાનેક પ્રશ્નો હતાં પણ એ શબ્દોમાં ઉતરવા જરાયે તૈયાર ન હતાં. નવું જીવન ઘણી બધી નવીનતા લાવ્યું હતું. એ નવીનતાથી એની દ્રષ્ટિ જાણે ચોંકી ઉઠી હોય એમ હેરત ભરી આત્મા એનાં શરીરનાં ખૂણામાં લપાઈ બેઠી હતી. જાણે ઊંડાણોમાંથી ડરીને ઝાંખી રહેલી એ ભયભીત આત્મા એને પૂછી રહી હતી,

'આનુજ નામ સંબંધ? આનુજ નામ લગ્ન જીવન?'

માનસીને ડિસ્ચાર્જ થવાને નામનીજ ક્ષણો બચી હતી.

"હું દવાઓ લઇ આવું છું."

માનસીનાં પિતા દવાઓ લેવાં નીચેનાં માળ ઉપર આવેલી કેમિસ્ટમાં ગયાં. માનસીની માતા પેક કરેલા સામાન ઉપર એક અંતિમ દ્રષ્ટિ ફેરવી રહ્યા હતાં. અમોલનો આવી પહોંચવાનો સમય થઇ ચુક્યો હતો. ઓરડાનો દરવાજો અર્ધો ખુલ્લો મુકાયો હતો. દરવાજાનાં બહારનાં ભાગ તરફથી અફરાતફરી અને દોડાદોડીનો શોર સંભળાઈ રહ્યો હતો. શૂન્યાવકાશમાં ખોવાયેલી માનસીનું ધ્યાન ઓરડા બહારથી પડઘો પાડી રહેલ શોર ઉપર સ્થળાન્તર પામ્યું.

"શું થયું મમ્મી? આ શોર કેવો?"

"દશની એક અન્ય યુવતીને 'બ્રેવ હાર્ટ' થી નવાજમાં આવી રહી છે.." સામાન ઉપરથી માનસીની માતાની નજર નિસાસા જોડે દરવાજાની બહાર મંડાઈ.

સામેનાં વોર્ડ તરફથી લોકોનાં અવાજો અને કેમેરાનાં ફ્લેશનો ધ્વનિ વધુ ઉશ્કેરાયો.

"બ્રેવ હાર્ટ?" માનસીનાં પ્રશ્નમાં ધ્રુજારો અનુસર્યો.

"હા બેટા, કોલેજ જતી એક યુવતી પર બળાત્કાર થયો છે. પરિસ્થિતિ બહુ નાજુક છે. બચવાની આશ નહિવત છે. સાંજથી મીડિયા અને દેશનાં લોકોનાં ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો છે. હવે બહુ થયું. ફાંસીની સજાની માંગ થઇ રહી છે. સરકાર સામે પ્રતિકારો થઇ રહ્યા છે. કડક તાત્કાલિક પગલાંઓ લેવાની માંગણી મુકાઈ રહી છે. આખો દેશ એકજુથ થઇ અન્યાય સામે ઉભો થયો છે. હવે સમય બદલાયો છે. સ્ત્રીનાં શરીર દ્વારા એની આત્માની હત્યા કરનાર હેવાનોનો હવે આ જાગ્રત સમાજ સ્વીકાર કરવા સહેજે તૈયાર નથી. વર્ષો નીકળી ગયાં. પણ આખરે સમાજ બદલાયો ખરો."

બારણામાં ખડકાટ સાથે આમોલ અને માનસીનાં પિતા ઓરડામાં પ્રવેશ્યા અને વાતની દોર ત્યાંજ છૂટી ગઈ. માનસી ફરીથી પોતાનાં શૂન્યાવકાશ જગતમાં ખોવાઈ ગઈ. બધોજ સામાન ગાડીઓમાં ગોઠવાઈ ગયો. ઘરે પરત થવાનો સમય આખરે આવી પહોંચ્યો.

આમોલ પોતાની ગાડીમાં માનસીને સીધોજ પોતાનાં ઘરે લઇ જવાં ડ્રાયવીંગ સીટ ઉપર સજ્જ હતો. માનસીનાં પિતા પોતાની ગાડીમાં પોતાની પત્નીની રાહ જોઈ રહ્યા હતાં. એક અઠવાડિયાની દોડાદોડી અને થાક પછી બન્ને પતિ -પત્નીએ પોતાનાં જ ઘરે પહોંચી આરામ કરવાને પ્રાધાન્ય આપ્યું હતું. માં અને દીકરી હોસ્પિટલનાં કોરિડોરમાંથી ધીમે પગલે લિફ્ટ તરફ આગળ વધી રહ્યા હતાં.

મીડિયા અને ઉપસ્થિત લોકોનાં ટોળા ગરમ પાણી જેમ ઉકળી રહ્યા હતાં. બળાત્કારની ભોગ બનેલ યુવતીનાં પરિવારજનોનાં હૃદયદ્રાવક અશ્રુ હોસ્પિટલની દીવાલોને પીગાળી રહ્યા હતાં. ચારે તરફ ફેલાયેલાં ઓહાપાથી ડરી માનસીએ પોતાની માં નો હાથ વધુ મજબુતીથી થામી લીધો.

લિફ્ટ લઇ બન્ને પોતાની ગાડીઓ નજીક આવી પહોંચ્યા. માનસીનાં હાથની પકડ વધુ ગાઢ બની.

"હું રવિવારે આવીશ ને તને મળવાં."

પ્રેમ પૂર્વક દીકરીનો ચ્હેરો ચૂમી માં એ સાંત્વના આપી.

"માં એક પ્રશ્ન પૂછું?" માનસીનાં ચ્હેરા ઉપર બાળક જેવો ભય ઉપસી આવ્યો.

લાંબા સમયથી હૃદયનાં ઊંડાણોમાં દીકરીએ સંગ્રહી રાખેલી મૂંઝવણ આખરે બહાર આવી રહી હતી એ વાતની ખુશી જોડે માં એ સંમતિમાં ડોકું હલાવ્યું.

"શું એક પત્ની ને સમાજ 'બ્રેવહાર્ટ' માફક સાથસહકાર ન આપી શકે? શું લગ્ન પહેલાં અને લગ્ન પછી સ્ત્રીનાં શરીરનાં અધિકારો એક સમાન નથી રહેતાં? શું લગ્ન પછી એક પુરુષ કાયદાનાં દાયરાઓથી મુક્ત?"

આમોલની ગાડીનો હોર્ન ગુંજ્યો અને દીકરીનો હાથ પોતાનાં હાથમાંથી છૂટી ગયો.

ધીમાં નિર્જિવ પગલે માનસી આમોલની ગાડી તરફ આગળ વધી રહી.

એક માં ના સંવેદના જગતમાં ભૂકંપ વ્યાપી ગયો.

પોતાની ગાડી નજીક પહોંચતાં ડગલાંઓ સૂન થઇ રહ્યા.

ગાડીનો દરવાજો ખુલ્લો મૂકી એ નિઃશબ્દ ઉભા રહી ગયા .

"શું થયું?" પતિનાં પ્રશ્નનો શું ઉત્તર આપવો?

અચાનક માં ના હ્ય્યામાંથી નીકળેલો અવાજ હવામાં ગુંજ્યો: "માનસી..."

આમોલની ગાડીનો દરવાજો પકડી ઉભી માનસીની નજર પાછળ પોતાની ગાડીનો દરવાજો ખુલ્લો મૂકી ઉભી માં ઉપર પડી. માં ની આંખોમાં લેવાયેલાં નિર્ણયનું સ્પષ્ટ પ્રતિબિંબ નિહાળતી માનસીની આંખોમાંથી એક નાનકડી બુંદ ગાલ ઉપર સરી આવી. દોડતી જઈ એ પોતાની માતાપિતાની ગાડીમાં ગોઠવાઈ ગઈ.

"પણ ..." માનસીનાં પિતા કશું સમજી શક્યા નહીં.

"આપણી દીકરીને ઘરે લઇ જઈએ ..."

પત્નીનાં અવાજની મક્કમતામાં કોઈ છૂપો તર્ક પામી ગયેલાં માનસીનાં પિતાએ સમય વેડફ્યા વિનાજ ઘર તરફ ગાડી હાંકી.

પોતાની ગાડીમાં ગોઠવાયેલો અમોલ કશુંજ સમજી શક્યો નહીં.

મેરેજ સર્ટિફિકેટ પાછળ છુપાયેલો બળાત્કારી એટલું પણ ન સમજી શક્યો કે હવે સમય બદલાયો છે?


Rate this content
Log in

Similar gujarati story from Action